Home તાજા સમાચાર gujrati ઋષભ પંત દિલ્હી કૅપિટલ્સ ટીમમાં પાછા ફર્યા, કુલદીપ યાદવ લખનઉ સુપરજાયન્ટ્સમાં જોડાયા...

ઋષભ પંત દિલ્હી કૅપિટલ્સ ટીમમાં પાછા ફર્યા, કુલદીપ યાદવ લખનઉ સુપરજાયન્ટ્સમાં જોડાયા – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

ક્રિકેટર, ઋષભ પંત, કુલદીપ યાદવ, આઈપીએલ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

લખનઉ સુપરજાયન્ટ્સ (એલએસજી)ના પૂર્વ કૅપ્ટન ઋષભ પંત હવે દિલ્હી કૅપિટલ્સ (ડીસી)માં પાછા ફરશે. કુલદીપ યાદવ એલએસજીમાં જોડાશે.

ઋષભ પંત તે ટીમમાં પાછા ફર્યા છે જ્યાં તેમણે 2016થી 2024 સુધી નવ સિઝન રમી હતી. તેમણે ડીસી માટે 111 મૅચ રમી, જે બીજા કોઈ ખેલાડી કરતાં સૌથી વધારે છે. તે લગભગ દસ વર્ષ સુધી ટીમનો ચહેરો રહ્યા અને 2021થી 2024 સુધી ચાર સિઝનમાં 43 મૅચમાં ટીમનું નેતૃત્વ પણ કર્યું.

પંતને 2025ની હરાજીમાં એલએસજી દ્વારા રેકૉર્ડ 27 કરોડ રૂપિયામાં ખરીદવામાં આવ્યા હતા, જે આઈપીએલના ઇતિહાસમાં સૌથી વધુ બોલી હતી. હવે તે 15 કરોડની નવી ફી માટે દિલ્હી કૅપિટલ્સમાં પાછા ફરશે.

બીજી તરફ, કુલદીપે દિલ્હી કૅપિટલ્સ સાથે પાંચ સિઝન રમી હતી. 2022માં ટીમમાં જોડાયા પછી, તેમણે 65 મૅચમાં 72 વિકેટ લીધી છે અને તે ટુર્નામેન્ટના સૌથી અસરકારક બૉલરોમાંના એક બની ગયા છે. હવે જ્યારે તેણે એલએસજી સાથે કરાર કર્યો છે, ત્યારે તેની ફી 13.50 કરોડ રૂપિયા હશે.

અયોધ્યા : રામ મંદિરના દાનમાં કથિત અનિયમિતતા અંગે એસઆઈટીએ યુપી સરકારને પ્રાથમિક અહેવાલ સુપરત કર્યો

રામ મંદિર, ઉત્તર પ્રદેશ, દાન વિવાદ, બીબીસી

ઇમેજ સ્રોત, ANI

બીબીસી સંવાદદાતા પ્રેરણા અનુસાર, અયોધ્યામાં રામ મંદિર માટે અપાયેલા દાનમાં કરવામાં આવેલી કથિત ગેરરીતિઓની તપાસ કરી રહેલી ત્રણ સભ્યોની એસઆઈટી ટીમે મંગળવારે ઉત્તર પ્રદેશની સરકારને પોતાનો પ્રારંભિક અહેવાલ સુપરત કર્યો.

જોકે, તપાસ પૂર્ણ થવા અને અંતિમ અહેવાલ તૈયાર કરવામાં હજુ સાત દિવસ લાગશે.

એસઆઈટીની ટીમનું નેતૃત્વ લખનૌ ડિવિઝનલ કમિશ્નર વિજય વિશ્વાસ પંત કરી રહ્યા હતા. તેમાં લખનૌ રેન્જ આઈજી કિરણ એસ અને 2008 બેચના આઇપીએસ અધિકારી નીલરતનકુમાર પણ સામેલ હતા.

અયોધ્યામાં રામ મંદિર માટે દાનમાં કથિત ગડબડનો મુદ્દો છેલ્લા કેટલાક દિવસોથી ચર્ચામાં છે. એસઆઈટી તપાસ વચ્ચે પણ દરરોજ નવા દાવાઓ અને આરોપો બહાર આવી રહ્યા છે.

વાસ્તવમાં, આ આખો મામલો ત્યારે ચર્ચામાં આવ્યો જ્યારે સાત જૂને સમાજવાદી પાર્ટીના વડા અને પૂર્વ મુખ્ય મંત્રી અખિલેશ યાદવે ઍક્સ પર રામ મંદિર માટેના દાન સંબંધિત કરોડો રૂપિયા ગુમ થવાનો આરોપ લગાવ્યો હતો.

મામલો હાથમાંથી બહાર જતો જોઈને ઉત્તર પ્રદેશ સરકારે રામ મંદિરમાં દાન વિવાદની તપાસ માટે ત્રણ સભ્યોની એસઆઈટીની રચના કરી.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર, એસઆઈટીની રચના કરવાની ભલામણ શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા જ કરવામાં આવી હતી, જે ટ્રસ્ટ 2019માં રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના ઐતિહાસિક નિર્ણય બાદ કેન્દ્ર સરકારે રચ્યું હતું.

ટ્રસ્ટને રામ મંદિરના નિર્માણ અને સંબંધિત નાણાકીય અને વહીવટી બાબતોની જવાબદારી સોંપવામાં આવી હતી.

ટ્રસ્ટના મહામંત્રી ચંપત રાયે આ આરોપોને નકારી કાઢ્યા છે, જ્યારે એસઆઈટી આ બધા આરોપો અને કથિત અનિયમિતતાઓની તપાસ કરી રહી છે.

‘ઇઝરાયલને કારણે ઈરાન-અમેરિકા વચ્ચેની વાતચીત નિષ્ફળ થઈ શકી હોત’, પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યું?

'ઇઝરાયલને કારણે ઈરાન-અમેરિકા વચ્ચેની વાતચીત નિષ્ફળ થઈ શકી હોત', પાકિસ્તાનના વિદેશ મંત્રીએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, EPA

પાકિસ્તાનના વિદેશ મંત્રી અને નાયબ વડા પ્રધાન ઇસહાક ડારે કહ્યું છે કે અમેરિકા અને ઈરાનને વાતચીતના મંચ પર લાવવાની કોશિશ લગભગ નાકામ થઈ ગઈ હતી. કારણકે ઇઝરાયલે લેબનોન પર હુમલો કર્યો હતો.

સ્વિટ્ઝર્લૅન્ડના રિસૉર્ટમાં થયેલી અમેરિકા-ઈરાનની વાતચીતનો ઉલ્લેખ કરીને ઇસહાક ડારે કહ્યું કે આ વાતચીત કેટલાક દિવસ પહેલા પણ શરૂ થઈ શકતી હતી. પરંતુ લેબનોન પર ઇઝરાયલના હુમલાને કારણે બધું રોકાઈ ગયું હતું.

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે, અલ અરેબિયા ન્યૂઝ ચૅનલ સાથે વાત કરતા ઇસહાક ડારે કહ્યું, “ઈરાન અને અમેરિકા વચ્ચે જે મુદ્દા પર આગળ વાતચીત થશે, તેમાં ત્રણ વર્કિંગ ગ્રૂપ હશે. ઈરાનનો પરમાણુ મુદ્દો, નિયંત્રણો અને ફ્રીઝ કરાયેલું ફંડ તથા લેબનોન.”

ઇસહાક ડારે એમ પણ કહ્યું છે કે વાતચીત કરનારા વાટાઘાટકારોને કેટલાક મુદ્દે કામ કરવા માટે 30 દિવસ આપવામાં આવ્યા છે. જ્યારે કે મોટી સમજૂતી 60 દિવસમાં પૂર્ણ થવાની આશા છે.

ઉલ્લેખનીય છે કે સ્વિટ્ઝર્લૅન્ડમાં અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી વાતચીત દરમિયાન પાકિસ્તાન અને કતાર પણ મધ્યસ્થ તરીકે ઉપસ્થિત હતાં.

ઈરાને કહ્યું, ‘ટ્રમ્પની ધમકી બાદ અમે અમેરિકા સાથેની બેઠક વચ્ચે જ છોડી દીધી હતી’

ઈરાને કહ્યું, 'ટ્રમ્પની ધમકી બાદ અમે અમેરિકા સાથેની બેઠક વચ્ચે જ છોડી દીધી હતી' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ATTA KENARE/AFP via Getty Images

સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈરાન અને અમેરિકા વચ્ચેની વાતચીત સમાપ્ત થઈ ગઈ છે. જે મામલે ઈરાની વાટાઘાટકાર મોહમ્મદ ગાલિબાફે જાણકારી આપી છે.

ગાલિબાફે મીડિયા સાથે વાતચીતમાં જણાવ્યું કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ધમકીથી નારાજ થઈને તેઓ બેઠક છોડીને જતા રહ્યા હતા. ત્યાર બાદ અમેરિકાના પક્ષોએ મધ્યસ્થો મારફતે વધુ એક બેઠકની માગ કરી હતી.

ઈરાનના હૈદરાબાદ કૉન્સ્યુલેટે ગાલિબાફનો એક વીડિયો શૅર કર્યો છે. જેમાં તેઓ મીડિયા સાથે વાતચીત કરી રહ્યા છે.

તેઓ કહે છે કે “80 મિનિટની વાતચીત બાદ મને ખબર મળી કે ટ્રમ્પે અમારા રાષ્ટ્રપતિ, અમારી વાટાઘાટકારોની ટીમ અને અમારા વિસ્તાર પર હુમલાની ધમકી આપી છે.”

“મેં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડીને કહ્યું કે અમે અહીં વાતચીત માટે આવ્યા છીએ. સમજૂતીની પહેલી શરતમાં સ્પષ્ટ લખ્યું છે કે કોઈ ધમકી કે દબાણ નહીં હોવું જોઈએ. પરંતુ આપના રાષ્ટ્રપતિએ ધમકી આપી છે. એ જાણી લો કે અમે ધમકી કે દબાણમાં વાતચીત નહીં કરીએ.”

તેમણે કહ્યું, “અમે વાતચીત સમાપ્ત કરી, મિટિંગની બહાર નીકળી ગયા અને પરત નહીં ગયા. પછી અમેરિકાના પક્ષે મધ્યસ્થો મારફતે વધુ એક બેઠકની માગ કરી, પરંતુ અમે સ્પષ્ટ ના પાડી. કતાર અને પાકિસ્તાની મધ્યસ્થ અમારી પાસે આવ્યા હતા અને અમે તેમને કહ્યું કે અમે તમારી સાથે વાતચીત કરીશું, પરંતુ સીધા અમેરિકા સાથે નહીં.”

તેમણે કહ્યું કે ચર્ચાનું પરિણામ એ જ આવ્યું જે મામલે પાકિસ્તાન અને કતારે સંયુક્ત નિવેદન બહાર પાડ્યું છે.

કતારમાં રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં વિસ્ફોટને કારણે 12 ભારતીયોનાં મોત

કતારમાં રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં વિસ્ફોટને કારણે 12 ભારતીયોનાં મોત – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

કતારના રાસ લાફાન ઇન્ડસ્ટ્રિયલ સિટીમાં એક ફૅક્ટરીમા થયેલા વિસ્ફોટને કારણે 13 લોકોનાં મોત થયાં છે. જેમાં 12 ભારતીયો છે. અધિકારીઓએ સોમવારે આ જાણકારી આપી હતી.

દોહામાં આવેલા ભારતીય દૂતાવાસે ઍક્સ પર એક પોસ્ટમાં કહ્યું, “કતારના અધિકારીઓએ પુષ્ટિ કરી છે કે રવિવારે રાત્રે રાસ લાફાનમાં થયેલી દુર્ઘટનામાં 12 ભારતીય નાગરિકોના દુ:ખદ મૃત્યુ થયાં છે.”

દૂતાવાસે કતારના અધિકારીઓના હવાલેથી જણાવ્યું કે ઘાયલ લોકોની હાલત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.

કતારમાં આઠ લાખથી વધારે ભારતીય કામદારો રહે છે અને દર વર્ષે 1.3થી 1.9 અબજ ડૉલર કમાઈને ભારત મોકલે છે.

પાકિસ્તાનના પ્રવાસે જશે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન, કયા મુદ્દે થશે વાતચીત?

પાકિસ્તાનના પ્રવાસે છે ઈરાની રાષ્ટ્રપતિ પેઝેશ્કિયાન, કયા મુદ્દે થશે વાતચીત? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Foad Ashtari/SOPA Images/LightRocket via Getty Image

ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાન મંગળવનારે પાકિસ્તાનના અધિકૃત પ્રવાસે હશે. તેની પુષ્ટિ પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે કરી છે.

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે, મસૂદ પેઝેશ્કિયાન પોતાના પ્રવાસ દરમિયાન પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી અને વડા પ્રધાન શહબાઝ શરીફ સાથે મુલાકાત કરશે.

તેઓ સેનેટના ચૅરમૅન, સંસદના સ્પીકર અને વિદેશ મંત્રી ઇસ્હાક ડારની પણ મુલાકાત કરશે.

મંત્રાલયે આપેલી જાણકારી પ્રમાણે, “આ પ્રવાસમાં પાકિસ્તાન અને ઈરાન દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરવામાં આવશે. વ્યાપાર, ઊર્જા, સરહદની સુરક્ષા તથા ક્ષેત્રીય જોડાણના નવા રસ્તાઓ પર ચર્ચા કરવામાં આવશે.”

આ પ્રવાસ એટલે માટે મહત્ત્વનો છે, કારણકે હાલમાં જ અમેરિકા અને ઈરાન વચ્ચે સમજૂતી પર હસ્તાક્ષર થયા છે. સ્વિટ્ઝર્લૅન્ડમાં બંને પક્ષોની બેઠક પણ થઈ, આ દરમિયાન પાકિસ્તાને મધ્યસ્થની ભૂમિકા ભજવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS