Home તાજા સમાચાર gujrati ‘અમારા નિકટના જ લોકો અમારા પિતાની કબર ખોદીને સોનાની ચેઇન ચોરી ગયા’...

‘અમારા નિકટના જ લોકો અમારા પિતાની કબર ખોદીને સોનાની ચેઇન ચોરી ગયા’ – આ રીતે બહાર આવી સમગ્ર હકીકત

4
0

Source : BBC NEWS

પિતાની કબર ખોદી, સોનાની ચોરી, દાગીના, કોઇમ્બતુર, પોલીસ, ગુનો, લાશ, બીબસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

મૃતદેહ પરનું સોનું ચોરી લેવાની આ ઘટના કોઇમ્બતૂરમાં બની હતી.

આ બનાવની વિગત એવી છે કે, સ્થાનિક મ્યુનિસિપલ કૉર્પોરેશનના સ્મશાનમાં એક મૃતદેહ દફનાવવામાં આવ્યો હતો.

તેના દસ દિવસ પછી ત્રણ વ્યક્તિઓ કબર ખોદીને મૃતદેહને પહેરાવેલી 28 ગ્રામ સોનાની ચેઇન ચોરી ગયા હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પોલીસે કહ્યું હતું કે, ચોરાયેલી ચેઇનને ઓગાળી દઈને વેચી નાખવામાં આવી અને પછી તેમાંથી મળેલો નફો તે ત્રણેય શખ્સોએ અંદર-અંદર વહેંચી લીધો હતો.

તે પૈકીના એક શખ્સ ઉપર મૃતકના સંબંધીઓએ હુમલો કરતાં તે ઈજાગ્રસ્ત થયો હતો અને હાલમાં હૉસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું પોલીસે જણાવ્યું હતું.

બાકીના બે શખ્સો ફરાર થઈ ગયા છે અને તેમની શોધખોળ ચાલી રહી છે, એમ તેમણે માહિતી આપી હતી.

મૃતકના પુત્ર વેંકટેશે બીબીસીને જણાવ્યું હતું કે, તેમના પિતાને ચેઇન પહેરવી ગમતી હતી, આથી તેઓ મૃત્યુ પામ્યા, ત્યારે પણ ચેઇન ઉતાર્યા વિના જ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.

સોનાની ચેઇન ચોરાઈ ગઈ હોવાનું તેમને કેવી રીતે માલૂમ પડ્યું?

જ્યારે મૃતકના પરિવારજનો મૃતદેહને દૂધ ચઢાવવાની વિધિ કરવા માટે કબર પર પહોંચ્યા, ત્યારે તેમને જાણે શબનો માથાનો ભાગ હટાવી દેવામાં આવ્યો હોય, એવી શંકા ગઈ. આથી તેમણે તપાસ કરતાં હકીકત બહાર આવી, એમ વેંકટેશે જણાવ્યું હતું.

તેમણે વધુમાં કહ્યું હતું કે, જ્યારે સ્મશાનમાં કામ કરનારા એક વ્યક્તિની પૂછપરછ કરવામાં આવી, ત્યારે તેણે કહ્યું કે, મધરાતના સમયે હાથ વડે માટી ખોદીને શબનું માથું કાઢવામાં આવ્યું હતું અને સોનાની ચેઇન કાઢી લેવાઈ હતી.

કોઇમ્બતૂરના સૌરીપાલયમમાં રહેતા નાગરાજનું છઠ્ઠી જૂનના રોજ બીમારીના કારણે અવસાન થયું હતું.

તેઓ એ જ વિસ્તારમાં લાંબા સમયથી માછલીનો વ્યવસાય કરતા હતા. નાગરાજના મૃતદેહને તેમના પરિવારજનોએ સાતમી જૂનના રોજ સૌરીપાલયમ કૉર્પોરેશનના સ્મશાનમાં દફનાવ્યો હતો.

તેમના પરિવારજનોએ કહ્યું હતું કે, વર્ષો સુધી માછલીનો વેપાર કરનારા નાગરાજ હંમેશાં ગળામાં માછલીના આકારનું પેન્ડન્ટ ધરાવતી સોનાની ચેઇન પહેરતા હતા.

સંબંધીઓએ તેમને અંતિમ સંસ્કાર સમયે ચેઇન ઉતારી લેવા જણાવ્યું હતું, પરંતુ પિતા પ્રત્યેના સ્નેહના લીધે તેમના પુત્ર વેંકટેશ કુમારે ચેઇન ઉતાર્યા વિના જ નાગરાજને દફનાવ્યા હતા.

મૃતક નાગરાજના સંબંધી મણિકંદને બીબીસીને જણાવ્યા મુજબ, “નાગરાજ મારા કાકા છે. જે જગ્યાએ તેમને દફનાવવામાં આવ્યા, ત્યાં જ તેમનાં પત્નીને પણ દફનાવવામાં આવ્યાં હતાં. જ્યારે તેમનાં પત્ની મૃત્યુ પામ્યાં, ત્યારે પણ તેમના પુત્ર વેંકટેશે તેમના ગળામાં પહેરેલો હાર ન ઉતારવા જણાવ્યું હતું.”

તેમણે આગળ કહ્યું હતું કે, ઘણી સમજાવટ છતાં વેંકટેશ કુમારે તેમના પિતાના ગળામાંથી સોનાની ચેઇન ઉતારવાની ના પાડી દીધી હતી.

ચેઇન ઓગાળીને વેચી નાખી અને તેમાંથી મળેલા પૈસા વહેંચી લીધા.

પિતાની કબર ખોદી, સોનાની ચોરી, દાગીના, કોઇમ્બતુર, પોલીસ, ગુનો, લાશ, બીબસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

19મી જૂનના રોજ, આ ઘટનાના 16મા દિવસે, નાગરાજના પુત્રો રાજેશ અને વેંકટેશ કુમાર કબર પર દૂધ ચઢાવવાની વિધિ કરવા માટે તેમના સંબંધીઓ સાથે સ્મશાનમાં ગયા હતા. તે સમયે મૃતદેહના માથા પાસે દોઢ ફૂટ ઊંડા ખાડા તરફ સૌનું ધ્યાન ગયું હતું.

તે પછી શું બન્યું, તે વેંકટેશ કુમારે બીબીસીને જણાવ્યું.

તેમણે કહ્યું હતું કે, તેમના પિતા જ્યાં દફન હતા, ત્યાં માથાના ભાગે એક મોટો ખાડો જોવા મળ્યો.

તેમના સંબંધીઓએ તે જોઈને તે સ્મશાનમાં કામ કરતા કાર્તિકેયનની પૂછપરછ કરી, ત્યારે કબર ખોદીને સોનાની ચેઇન કાઢી લઈને વેચીને મળેલી રકમ અંદરો-અંદર વહેંચી લેવાઈ હોવાનું જાણીને સૌ ચોંકી ઊઠ્યા હતા.

વેંકટેશ કુમારે આ મામલે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

16મી જૂનની રાતે મણિકંદન, શક્તિવેલ અને કાર્તિકેયને નાગરાજનું માથું જ્યાં હતું, માત્ર એટલી જ માટી ખોદી કાઢીને તેમના ગળામાંથી સોનાની ચેઇન કાઢી લીધી હતી.

તપાસમાં માલૂમ પડ્યું હતું કે, સોનાનાં આભૂષણોનો વ્યવસાય કરનારો મણિકંદન સોનાની સફાઈ કરવા માટે વપરાતું એસિડ સ્મશાનમાં લઈ આવ્યો હતો અને ત્યાં તેણે ચેઇન સાફ કરી હતી.

તે પછી એ લોકોએ ચેઇન અને તેનું પેન્ડન્ટ ઓગાળી નાખ્યાં, વેચી નાખ્યાં અને પૈસા આવ્યા, તે પરસ્પર વહેંચી લીધા હતા.

તપાસમાં જાણવા મળ્યું કે, કાર્તિકેયનને 30,000 રૂપિયા આપવામાં આવ્યા હતા.

પીલામેડુના એસઆઇ તિરુવાસગમે જણાવ્યું હતું, “સ્મશાનમાં ગેરકાયદે પ્રવેશ, મૃતદેહોને નુકસાન પહોંચાડવા અને તેમનું અપમાન કરવા તેમજ મૃતકની મિલકતની ચોરી કરવા સહિતના અપરાધો બદલ કાર્તિકેયન, મણિકંદન તથા શક્તિવેલ વિરુદ્ધ આઇપીસીની કલમ 301 અને 315 હેઠળ કેસ દાખલ કર્યો છે.”

સંબંધીઓ દ્વારા હુમલો

પિતાની કબર ખોદી, સોનાની ચોરી, દાગીના, કોઇમ્બતુર, પોલીસ, ગુનો, લાશ, બીબસી, ગુજરાતી

મૃતદેહ પરની સોનાની ચેઇન ચોરાઈ ગઈ હોવાની જાણ થતાં જ નાગરાજના કેટલાક સંબંધીઓએ ક્રોધાવેશમાં મણિકંદન પર હુમલો કર્યો હતો. મણિકંદન હાલમાં એક હૉસ્પિટલમાં સારવાર હેઠળ છે. તેની ફરિયાદના આધારે નાગરાજના સંબંધીઓ મણિ, રણજિત અને કાર્તિ વિરુદ્ધ પણ અસભ્ય હુમલો અને મારપીટ કરવા બદલ આઇપીસીની કલમ 296 (બી), 115 (2) હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જોકે, હજી સુધી તેમની ધરપકડ કરવામાં આવી નથી.

તિરુવાસગમે જણાવ્યું હતું, “મણિકંદનની સ્થિતિમાં સુધારો થતાં જ અમે તેની ધરપકડ કરીશું. અમે બીજા બે આરોપીઓને શોધી રહ્યા છીએ.”

“મણિકંદન પર હુમલો કરનારા ત્રણ વ્યક્તિ સામે કેસ દાખલ થયો હોવા છતાં હજી સુધી તેમની ધરપકડ કરાઈ નથી, કારણ કે, તેમની સામે બિન-જામીનપાત્ર કલમો નથી.”

નાગરાજના સંબંધીઓએ કહ્યું હતું કે, કાર્તિકેયને તેમની સમક્ષ કબૂલ્યું હતું કે, તેણે નશાની હાલતમાં આ કામ કર્યું હતું. પોલીસનો પણ એવો જ અભિપ્રાય છે.

સ્મશાનમાં નાગરાજનો મૃતદેહ દફનાવવામાં મદદ કરનારા સર્વાનને કહ્યું હતું કે, તેમના માન્યામાં નથી આવતું કે, અડધી રાતે કબર ખોદીને મૃતદેહ કાઢવામાં આવ્યો હતો.

“હું કૉર્પોરેશનનો કર્મચારી નથી. જો કોઈ મને મૃતદેહ દફનાવવા માટે બોલાવે, તો અમે તેમના માટે ચોક્કસ જગ્યા તૈયાર કરીને ખાડો ખોદી આપીએ છીએ.”

“અમે છ ફૂટ લાંબા અને કમર સુધીના ખાડામાં નાગરાજના મૃતદેહને દફન કર્યો હતો.”

“પરંતુ, અડધી રાતે તે શખ્સો હાથ વડે માટી ખોદીને મૃતદેહનું માથું બહાર નીકાળીને ગળામાં પહેરેલી સોનાની ચેઇન કાઢી ગયા.”

સર્વાનને કહ્યું હતું, “હું જાણું છું ત્યાં સુધી, આ પહેલાં આવું કદીયે બન્યું નથી. આ સ્મશાન હવે વપરાતું નથી. એટલે જ તેના ફરતે કોઈ કમ્પાઉન્ડ વોલ, લાઇટો કે વાહનની સુવિધા નથી. સીસીટીવી પણ નથી.”

“રાતના સમયે, તે લોકો સ્મશાનના પાછળા ભાગેથી ઘૂસ્યા હતા અને મૃતકના શરીર પરથી ચેઇન નીકાળીને લઈ ગયા.”

“અમે ચાર વ્યક્તિએ પાવડા-કોદાળીથી ખાડો ખોદ્યો હતો. અમને દરેકને ફક્ત એક-એક હજાર રૂપિયા જ મળ્યા હતા. દફનવિધિ બાદ અમે એ સ્મશાનમાં પાછા ગયા જ નથી.”

શું જૂનાં સ્મશાનો ‘દારૂના અડ્ડા’ બની રહ્યા છે?

પિતાની કબર ખોદી, સોનાની ચોરી, દાગીના, કોઇમ્બતુર, પોલીસ, ગુનો, લાશ, બીબસી, ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સામાજિક કાર્યકરો એવો આક્ષેપ કરે છે કે, કોઇમ્બતૂર કૉર્પોરેશનને હસ્તક સૌરીપાલયમ સ્મશાન સહિતનાં ઘણાં જૂનાં સ્મશાનગૃહો જાળવણીના અભાવે દારૂ પીવાના અડ્ડા અને અસામાજિક પ્રવૃત્તિઓનાં કેન્દ્રોમાં ફેરવાઈ રહ્યાં છે.

સૌરીપાલયમના સામાજિક ઍક્ટિવિસ્ટ થિયગરાજને આ સ્થળોનું રક્ષણ કરવા અને જાળવણી કરવા માટે પગલાં ભરવાનો અનુરોધ કર્યો છે.

આ સ્મશાનગૃહ કોઇમ્બતૂર કૉર્પોરેશનના પૂર્વ ઝોનમાં આવેલું છે.

કૉર્પોરેશનના આસિસ્ટન્ટ કમિશનર દક્ષિણામૂર્તિએ બીબીસીને જણાવ્યા અનુસાર, “કૉર્પોરેશન પાસે ઘણાં ઇલેક્ટ્રિક સ્મશાનગૃહો હોવાથી એક પણ જૂનું સ્મશાનગૃહ અત્યારે વપરાશમાં નથી.”

“અમુક ગણ્યા-ગાંઠ્યા લોકો જ ત્યાં મૃતદેહો દફનાવે છે. આથી, તે સ્મશાનોની જાળવણી કરવા માટે કોઈ ભંડોળ ફાળવવામાં આવ્યું નથી.”

“પણ જો અતિક્રમણ થાય, તો અમે તાકીદે તે હટાવી દઈશું.”

આસિસ્ટન્ટ કમિશનરે જણાવ્યું હતું, “તે સ્મશાનગૃહોમાં મૃતદેહો દફનાવવા માટે કોઈ આવતું ન હોવાથી કૉર્પોરેશન દ્વારા એક પણ સ્મશાનમાં કબર ખોદનારા કે ચોકીદાર રાખવામાં આવ્યા નથી.”

“આથી જ ત્યાં સીસીટીવી પણ ગોઠવ્યા નથી. કોર્પોરેશન હેઠળનાં અન્ય તમામ ઇલેક્ટ્રિક સ્મશાનગૃહો તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ છે.”

“જોકે, જૂનાં સ્મશાનગૃહોની જાળવણી અંગે લોકો દ્વારા કરવામાં આવેલી માગણીઓને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં ભરીશું.”

પોલીસ કેસની ફાઇલમાં જણાવ્યા મુજબ, મૃતદેહ કાઢી ચેઇન ચોરનારો એક શખ્સ મૃતક નાગરાજનો સંબંધી શક્તિવેલ હતો.

જોકે, નાગરાજના પુત્ર વેંકટેશ કુમારે આ વાતનો ઇનકાર કરતા કહ્યું હતું, “આ માહિતી ખોટી છે. તે અમારા સંબંધી નથી.”

“અમારી માછલીની દુકાનની બાજુમાં આવેલી બિલ્ડિંગ તેમની છે. આ ચોરીમાં સંડોવાયેલા ત્રણેય શખ્સોને અમે સારીપેઠે ઓળખીએ છીએ.”

“તે અંતિમ વિધિમાં પણ હાજર રહ્યા હતા. અત્યંત નિકટના લોકો આવું કામ કરે છે, તે દુઃખની વાત છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS