Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં ચોમાસું પહોંચ્યું છતાં વરસાદ કેમ પડતો નથી, રાજ્યના બાકીના જિલ્લામાં વરસાદ...

ગુજરાતમાં ચોમાસું પહોંચ્યું છતાં વરસાદ કેમ પડતો નથી, રાજ્યના બાકીના જિલ્લામાં વરસાદ ક્યારે થશે?

3
0

Source : BBC NEWS

ગુજરાત હવામાન, હવામાન સમાચાર, ગુજરાતમાં વરસાદની આગાહી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

ગુજરાતમાં ચોમાસાની વિધિવત્ એન્ટ્રી થઈ ગઈ છે પરંતુ તે બાદ ચોમાસાની પ્રગતિ ધીમી પડી ગઈ છે. જે વિસ્તારોમાં ચોમાસું પહોંચી ગયું છે ત્યાં પણ વરસાદ પડી રહ્યો નથી.

હાલની સ્થિતિ પ્રમાણે ચોમાસું દક્ષિણ ગુજરાતના વિસ્તારો સુધી પહોંચી ગયું છે. હવામાન વિભાગ પ્રમાણે સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓ સુધી ચોમાસું પહોંચી ગયું છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના કેટલાક વિસ્તારો પણ ચોમાસાએ આવરી લીધા છે.

ગુજરાતમાં આ વર્ષે ચોમાસું મોડું પહોંચ્યું છે અને 23 જૂનના રોજ આ જિલ્લાઓમાં ચોમાસું પહોંચ્યું હતું. જે બાદ ત્યાંથી ચોમાસું આગળ વધ્યું નથી.

સામાન્ય રીતે આ દિવસોમાં ચોમાસું ગુજરાતના ઘણા વિસ્તારોને કવર કરી લેતું હોય છે અથવા ઘણા વિસ્તારોમાં ચોમાસા પહેલાંનો વરસાદ પડતો હોય છે. પરંતુ આ બંને સ્થિતિઓ હાલ ગુજરાત માટે અનુકૂળ નથી.

ગુજરાતમાં હાલ મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની કમી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 50 ટકા જેટલી વરસાદની કમી છે. જૂનમાં સામાન્ય રીતે આ સમયગાળામાં સારો વરસાદ થતો હોય છે અને ઘણા વિસ્તારોમાં વાવણી થઈ જતી હોય છે.

આગામી ત્રણ-ચાર દિવસ વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ

ગુજરાત હવામાન, હવામાન સમાચાર, ગુજરાતમાં વરસાદની આગાહી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, imd

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી અલગ-અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવે છે, પણ જે તે જિલ્લામાં જોઈએ એટલો વરસાદ પડતો નથી. મનોજ લુણાગરિયા આણંદ કૃષિ યુનિવર્સિટીના કૃષિ હવામાન શાસ્ત્ર વિભાગના પ્રાધ્યાપક અને વડા છે.

તેમના મતે આગાહી મોટા વિસ્તાર માટે હોય છે અને પછી તેને જિલ્લા અને તાલુકા લેવલે વિભાજિત કરવામાં આવે છે. બીબીસી સાથે વાત કરતાં તેઓ કહે છે, “આગાહી મોટા ભાગે જે તે વિસ્તાર (મોટો એરિયા) પૂરતી હોય છે અને એમાં ‘છૂટોછવાયો વરસાદ પડશે’ એવું અનુમાન કરેલું હોય છે.”

તેમનું માનવું છે કે “ગુજરાતમાં હાલની પરિસ્થિતિ પ્રિ-મોન્સૂન ઍક્ટિવિટી જેવી છે, કેમ કે ગુજરાતમાં જે પવનો લાવે છે એ હાલમાં મહારાષ્ટ્ર સુધી સીમિત થઈ ગયા છે. એટલે કે એ ગુજરાત સુધી પ્રસરેલા નથી. એટલે જ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી નથી કરાઈ.” તેઓ કહે છે, “હાલની પરિસ્થિતિ જરા જુદા પ્રકારની છે. પ્રિ-મોન્સૂન ચોમાસાની ગતિવિધિ પણ ધીમી છે. આ સમયે આપણે જે જોઈએ છીએ એવું સ્વચ્છ આકાશ હોતું નથી, સામાન્ય રીતે ચોમાસું શરૂ ન થયું હોય પણ વાદળછાયું વાતાવરણ તો રહેતું હોય છે.”

આ ઉપરાંત હાલ બંગાળની ખાડી શાંત છે અને તેમાં કોઈ મોટી સિસ્ટમ બની રહી નથી. સામાન્ય રીતે ચોમાસાને ઉત્તર ભારત અને પશ્ચિમ ભારત સુધી આગળ લઈ જવામાં લૉ-પ્રેશર એરિયા જરૂરી હોય છે. જે બંગાળની ખાડીમાં સર્જાઈ રહ્યા નથી.

ગુજરાતમાં આગામી દિવસોમાં કયા જિલ્લામાં વરસાદ પડશે?

ગુજરાત હવામાન, હવામાન સમાચાર, ગુજરાતમાં વરસાદની આગાહી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, imd

હવામાન વિભાગનું કહેવું છે કે આગામી 3થી 4 દિવસોમાં ગુજરાતના કેટલાક વધારે વિસ્તારોમાં ચોમાસું પહોંચે એવી શક્યતા છે. પરંતુ સમગ્ર ગુજરાતમાં વરસાદ પડે તેવી પરિસ્થિતિ દેખાઈ રહી નથી. ગુજરાતમાં આ મહિનાના અંત સુધી છુટોછવાયો વરસાદ પડે એવી શક્યતા છે એટલે કે કેટલાક વિસ્તારોમાં જ વરસાદ જોવા મળશે. જેનો અર્થ એ થયો કે સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને કચ્છના વિસ્તારોમાં હજી ચોમાસું પહોંચે તેની રાહ જોવી પડશે.

હવામાન વિભાગના આંકડાકીય મૉડલ પ્રમાણે ગુજરાતમાં હજી 1 જુલાઈ સુધી વરસાદી ઍક્ટિવિટી વધે તેવી શક્યતા દેખાતી નથી. એટલે કે જુલાઈના પ્રથમ અઠવાડિયામાં વરસાદ વધે તેવી શક્યતા છે. રાજ્યમાં હાલ વાવણીનો સમય છે અને વરસાદ ખેંચાતા તેની સીધી અસર ખરીફ પાકની વાવણી પર પડી રહી છે. માત્ર દક્ષિણ ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાક વિસ્તારોને બાદ કરતાં મોટા ભાગના વિસ્તારોમાં હજી વાવણી થઈ શકી નથી.

આગામી 30 જૂન સુધી રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ અને બોટાદ જિલ્લાના કેટલાક વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ પડશે. વધારે વરસાદ થવાની શક્યતા દેખાતી નથી.

ગુજરાતમાં ચોમાસાની વિધિવત્ એન્ટ્રી થઈ ગઈ છે અને આગામી દિવસોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર, ગુજરાતમાં આગામી દિવસોમાં હજુ પણ વરસાદનું જોર વધી શકે તેમ છે, પરંતુ એ પણ સાચું કે સાર્વત્રિક વરસાદ માટે રાહ જોવી પડે તેવું બની શકે છે.

એટલે કે આકાશમાં વાદળો છવાયેલાં રહેશે, પણ કેટલાક જિલ્લામાં વરસાદ માટે સાનુકૂળ પરિસ્થિતિ જણાતી નથી. હવામાન વિભાગ અનુસાર, 25 જૂને દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો, સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ છૂટોછવાયો વરસાદ થયો છે.

આગામી ત્રણ-ચાર દિવસ વરસાદ માટે સાનુકૂળ સ્થિતિ

આગળ વધેલું ચોમાસું મહારાષ્ટ્રમાં પહોંચી ગયું છે અને મુંબઈ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યા બાદ હજુ પણ મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની આગાહી છે. એટલે કે ચોમાસું ધીમી ગતિએ આગળ વધી રહ્યું છે.

25 જૂનની હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ દરમિયાન ઉત્તર અરબ સાગરના કેટલાક ભાગો, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના બાકીના ભાગો, તેમજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમનું ચોમાસું આગળ વધે તેવા સાનુકૂળ સંજોગ છે.

ભારતીય હવામાન વિભાગ અનુસાર, આ અઠવાડિયે પૂર્વોતર ભારત, પશ્ચિમ બંગાળ, સિક્કિમ, આસામ અને મેઘાલયમાં (કેટલીક જગ્યા) અતિભારે વરસાદની આગાહી છે.

ગુજરાતનું તાપમાન કેવું રહેશે?

ગુજરાત હવામાન, હવામાન સમાચાર, ગુજરાતમાં વરસાદની આગાહી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

વરસાદ પડતો ન હોવાની અસર ગુજરાતમાં પડતી ગરમી પર થઈ રહી છે, છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ગરમીમાં ઘટાડો થઈ રહ્યો નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં હજી તાપમાન 38થી 40 ડિગ્રી સેલ્સિય સુધી જોવા મળી રહ્યું છે.

25 જૂનના રોજ અમદાવાદ અને રાજકોટ બંનેમાં 40 ડિગ્રી સેલ્સિયસ સુધીનું તાપમાન હતું અને ઘણા વિસ્તારોમાં 38 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

આગામી દિવસોમાં પણ આ જ પ્રકારે ગરમી પડવાની સંભાવના છે અને દરિયાકાંઠાના વિસ્તારોમાં બફારા સાથેની ગરમી પડવાની સંભાવના દેખાઈ રહી છે.

આ ઉપરાંત સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં ઝડપી પવનો ફૂંકાતા રહેશે. ઘણા વિસ્તારોમાં આખો દિવસ પવનની ગતિ વધારે રહે તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોને બાદ કરતાં બાકીના મોટા ભાગના વિસ્તારોમાં હવામાન સૂકું રહે તેવી સંભાવના છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS