Home તાજા સમાચાર gujrati અમરેલી : સિંહોની અવરજવર માટે રેલવેએ પાટા નીચે ખાસ અંડરપાસ બનાવ્યા, ખેડૂતો...

અમરેલી : સિંહોની અવરજવર માટે રેલવેએ પાટા નીચે ખાસ અંડરપાસ બનાવ્યા, ખેડૂતો તેનો ઉપયોગ કરી શકશે?

3
0

Source : BBC NEWS

પીપાવાવ-ઢસા રેલવે લાઇન ઓળંગી રહેલી એક સિંહણની તસવીર

ઇમેજ સ્રોત, Forest Department, Gujarat

જુલાઈ 2023 અને જાન્યુઆરી 2024 વચ્ચે અમરેલી જિલ્લામાં પીપાવાવ-સુરેન્દ્રનગર રેલ્વેલાઇન પર ટ્રેનોની ટક્કર લાગવાથી છ સિંહોનાં મોત બાદ ગુજરાતના વન વિભાગ અને પશ્ચિમ રેલવેના ભાવનગર ડિવિઝને આવી ટક્કરોને રોકવા કેટલાક તાત્કાલિક પગલાં લીધાં હતાં.

તેમાં હવે એક વધારે પગલાનો ઉમેરો કરતાં સિંહો જે વિસ્તારમાંથી અવારનવાર રેલવેના પાટા ઓળંગે છે તે વિસ્તારમાં સિંહોની અવરજવર માટે રેલવેએ ખાસ વાઇલ્ડલાઇફ અંડરપાસ એટલે કે વન્યજીવોને પસાર થવાના નાળા બનાવ્યા છે.

પીપાવાવ-સુરેન્દ્રનગર રેલવેલાઇન પીપાવાવ બંદરને ભારતના મુખ્ય રેલવે નેટવર્ક સાથે જોડે છે.

આ લાઇન પર માલગાડીઓની સતત અવરજવર રહે છે. ટ્રૅક પર રાત્રીના સમય પણ ટ્રેનો દોડતી રહે છે.

સિંહો રાત્રે વધારે સક્રિય રહેતા હોવાથી રાતના સમયે અકસ્માતના બનાવો વધારે બને છે.

રેલવે કહે છે કે સિંહો પાટા પર આવ્યા વગર તેની નીચેથી પસાર થઈ શકે તે માટે આવા પાંચ નાળા બનાવવામાં આવી રહ્યા છે. રેલવે ઉમેરે છે કે તેમાંથી બે નાળાનું કામ તો પૂરું પણ થઈ ગયું છે.

વન વિભાગ અને રેલવેના અધિકારીઓ કહે છે કે આ નાળા બનતા સિંહો રેલવેના પાટા પર આવવાના બનાવ ઘટશે અને પરિણામે જીવલેણ અકસ્માતો નિવારી શકાશે.

નાળા ક્યાં બનાવવામાં આવ્યા છે?

પીપાવાવ બંદરમાં પડેલ એક ડબલ-ડેકર માલગાડી, ગીર સોમનાથ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, APM Terminals, Pipavav

18 જૂને ભાવનગર ડિવિઝનલ રેલવેએ એક અખબારી યાદીમાં જણાવ્યું કે આ રેલવે લાઇનના ઢસાથી રાજુલા વચ્ચે આવેલા ભાગમાં બે નાળાનું બાંધકામ પૂરું થઈ ગયું છે.

અખબારી યાદીમાં રેલવેએ જણાવ્યું, “લગભગ 9.42 કરોડ રૂપિયાના ખર્ચે અમલમાં મૂકવામાં આવી રહેલી આ યોજનામાં અત્યાર સુધી નોંધપાત્ર પ્રગતિ નોંધાઈ છે.”

“ઢસા–રાજુલા રેલખંડના કિમી 53/14-15 અને કિમી 16/9-10 ખાતે અંડરપાસ બૉક્સનું નિર્માણ સફળતાપૂર્વક પૂર્ણ થઈ ચૂક્યું છે.”

“બાકીનાં ત્રણ સ્થળોએ નિર્માણ કાર્ય ઝડપથી પ્રગતિ પર છે અને તેને નિર્ધારિત સમયમર્યાદામાં પૂર્ણ કરવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.”

શેત્રુંજી વન્યજીવ અભયારણ્યના આસિસ્ટન્ટ કૉન્ઝર્વેટર ઑફ ફૉરેસ્ટ્સ (એસીએફ) એટલે કે મદદનીશ વન સંકરક્ષક વિરલસિંહ ચાવડાએ બીબીસી સાથે વાત કરતા કહ્યું, “આ બે અંડરપાસ અમરેલીના લીલીયા અને રાજુલા વચ્ચે બનાવવામાં આવ્યા છે.”

“રેલવે લાઇનના આ જ ભાગમાં ત્રીજા અંડરપાસનું કામ ચાલી રહ્યું છે. બીજા બે અંડરપાસ રાજુલાથી પીપાવાવ બંદર વચ્ચેની લાઇનમાં બનાવવામાં આવી રહ્યા છે.”

અમરેલી જિલ્લામાં પીપાવાવ-ઢસા રેલવે લાઇનમાં સિંહો માટે બનાવવામાં આવેલ એક અંડરપાસ, ગીર સોમનાથ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Bhavnagar Divisional Railway

વિરલસિંહ ચાવડાએ ઉમેર્યું કે સિંહોના સંવર્ધન અને સંરક્ષણ માટે સરકાર પગલાં લે તેવી માંગણી સાથે 2018માં દાખલ થયેલી એક જાહેરહિતની અરજીના અનુસંધાને જૂન, 2024માં ગુજરાતના વન વિભાગ અને ભાવનગર ડિવિઝનલ રેલવેના અધિકારીઓની સંયુક્ત સમિતિઓ બનાવવામાં આવી હતી.

વિરલસિંહ કહ્યું, “આ સમિતિઓએ રેલવેના પાટા પર ટ્રેનો સિંહો સાથે અથડાઈ જવાના બનાવ ઘટાડવા કેટલાંક પગલાં લેવાનું નક્કી કર્યું હતું.”

“તે અનુસાર સિંહોની અવરજવરવાળા વિસ્તારોમાં રાત્રીના સમયે કાયમી ધોરણે ટ્રેનોની ગતિ ઘટાડવી અને ટ્રેનોની અવરજવર વિશે વન વિભાગ અને રેલવેના અધિકારીઓ વચ્ચે માહિતીની આપ-લે કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.”

“અન્ય એક પગલું હતું વાઇલ્ડલાઇફ અન્ડરપાસનું નિર્માણ કરવાનું. એ નિર્ણયના અનુસંધાને રેલવે દ્વારા આ પાંચ અંડરપાસ બનાવવામાં આવી રહ્યા છે.”

કેટલા સિંહો રેલવેના પાટા પર આવી ચડે છે?

પીપાવાવ બંદરને ઢસા થઈને સુરેન્દ્રનગર સાથે જોડતી રેલવે વાઇનનો નકશો. અમરેલી જિલ્લામાં આ લાઇનની આજુબાજુ હવે સિંહો વસી ગયા છે

ઇમેજ સ્રોત, APM Terminals, Pipavav

એસીએફ કહે છે કે પાટા પર આવી ચડતા સિંહોની સંખ્યા તાજેતરના મહિનાઓમાં ગણનાપાત્ર રહી છે.

વિરલસિંહ ચાવડાએ કહ્યું, “ગત નવેમ્બર, ડિસેમ્બર અને જાન્યુઆરી એમ ત્રણ મહિનામાં 445 સિંહો આ રેલવે લાઇન ઉપર કે નજીક દેખાયા હતા.”

“તેમાંથી 327 શેત્રુંજી વન્યજીવ વિભાગની હદમાં આવતી રેલવે લાઇન અને 118 ગીર (પૂર્વ) વન વિભાગની હદમાં આવતી રેલવે લાઇન નજીક દેખાયા હતા.”

“જો કે રેલવે તેમ જ અમારા સ્ટાફની સતર્કતાને કારણે કોઈ પણ અકસ્માત નોંધાયો ન હતો.”

“આ રેલવે લાઇનના હયાત નાળા વાટે રેલવે ટ્રૅક પસાર કરતા સિંહોને અમારા સ્ટાફે જોયા છે. તે એ સૂચવે છે કે સિંહો આ પ્રકારના નાળા દ્વારા રેલવે ટ્રૅક પસાર કરી શકે છે. તેથી, આ ખાસ પાંચ અંડરપાસ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. “

ભાવનગર રેલવે ડિવિઝનના સિનિયર કૉમર્શિયલ મૅનેજર અતુલકુમાર ત્રિપાઠીના હવાલેથી બહાર પાડવામાં આવેલી 18 જૂનની અખબારી યાદમાં જણાવવામાં આવ્યું, “આ મહત્ત્વાકાંક્ષી યોજનાનો મુખ્ય હેતુ સિંહો તથા અન્ય વન્યજીવોને રેલવે ટ્રૅક પાર કરવા માટે સુરક્ષિત માર્ગ ઉપલબ્ધ કરાવવાનો તેમજ વન્યજીવો અને રેલવે સંચાલન બંનેની સલામતી સુનિશ્ચિત કરીને “શૂન્ય અકસ્માત”ના લક્ષ્યને હાંસલ કરવાનો છે.”

અંડરપાસનું સ્થળ કઈ રીતે નક્કી કરવામાં આવી છે?

ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વન્યજીવ અભયારણ્યમાં 9 નવેમ્બર, 2025ના રોજ સફારી દરમિયાન રસ્તામાં બેઠેલ એક સિંહણને જોઇ રહેલ ટુરિસ્ટ

ઇમેજ સ્રોત, Indranil MUKHERJEE / AFP via Getty Images

વિરલસિંહ ચાવડાએ કહ્યું કે રેલવે અને વન વિભાગના અધિકારીઓની બનેલી સંયુક્ત ટીમો વન વિસ્તારના રેન્જ, ડિવિઝન એટલે કે વિભાગ એને સર્કલ એટલે કે વર્તુળ એમ ત્રણ સ્તરે કાર્યરત છે.

તેમણે ઉમેર્યું કે રેન્જ કક્ષાની સંયુક્ત સમિતિની મીટિંગ દર મહિને યોજાય છે જયારે ફૉરેસ્ટ ડિવિઝન લેવલની સમિતિની મીટિંગ દર બે મહિને મળે છે. વન વિભાગના જૂનાગઢ વન્યજીવ વર્તુળની મીટિંગ દર ત્રણ મહિને એક વાર થાય છે.

એસીએફએ કહ્યું, “રેન્જ કક્ષાએ રેન્જ ફૉરેસ્ટ ઑફિસરના માર્ગદર્શનમાં ફિલ્ડ સ્ટાફ સિંહોની રોજિંદી અવરજવર પર નજર રાખે છે. રેલવે ટ્રૅક પર વન વિભાગના રેલવે ટ્રૅકર મૂકવામાં આવેલા છે.”

“આ ટ્રૅકર પાટાની આજુબાજુ સિંહોની અવરજવર પર નજર રાખે છે.”

“સિંહો રેલવે ટ્રૅકના કયા ભાગમાંથી વધારે અવરજવર કરે છે તેની માહિતી રેન્જ કક્ષાએથી આવ્યા બાદ આ પાંચ વાઇલ્ડલાઇફ અંડરપાસ કઈ જગ્યાએ બનાવવા તેનો નિર્ણય લેવામાં આવ્યો છે.”

વિરલસિંહ ચાવડાએ ઉમેર્યું, “ગીરના જંગલમાંથી સિંહો બહાર નીકળીને અમરેલી જિલ્લાના હાલ બે મુખ્ય કૉરિડોર (રસ્તા) વાટે પૂર્વ તરફ વિસ્તરી રહ્યા છે.”

“તેમાંનો એક કૉરિડોર છે શેત્રુંજી નદીના કિનારે કિનારે લીલીયાથી ભાવનગરના ગારિયાધાર તરફ જતો કૉરિડોર અને બીજો છે દરિયા કાંઠે રાજુલા-પીપાવાવથી ભાવનગરના મહુવા તરફ જતો કૉરિડોર.”

“આ બે કૉરિડોરને ધ્યાને રાખીને વાઇલ્ડલાઇફ અંડરપાસ કઈ જગ્યાએ બનાવવા તેનો નિર્ણય કરવામાં આવ્યો છે.”

તો આ અંડરપાસો અન્ય નાળાથી અલગ છે?

ગીર સોમનાથ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, APM Terminals, Pipavav

રેલવે ટ્રૅકને ઓળંગવા માટે ટ્રૅક ઉપર જો પુલનું ચણતર કરાયું હોય તો તેવો પુલ રેલવે ઓવરબ્રિજ કહેવાય છે. પરંતુ જો પાટો ઓળંગવા પાટાની નીચે પુલનું નિર્માણ કરવામાં આવે તો તે રેલવે અન્ડરબ્રિજ કે રેલવે અંડરપાસ કહેવાય છે.

વળી, કોઈ કાંસ કે વોંકળાનું પાણી પાટા માટે બનાવવામાં આવેલા માટીના પાળાના અવરોધ વગર વહી શકે તે માટે રેલવે બૉક્સ કલવર્ટ એટલે કે નાળા પણ બનાવે છે.

રેલવે જે ડેડિકેટેડ વાઇલ્ડલાઇફ અંડરપાસ બનાવી રહી છે તે ડિઝાઇનની દૃષ્ટિએ તો બૉક્સ કાલવર્ટ જેવા જ દેખાય છે.

પરંતુ બીબીસી સાથે વાત કરતા અતુલકુમાર ત્રિપાઠીએ જણાવ્યું કે તેના હેતુમાં ફેરફાર છે.

તેમણે કહ્યું, “આ રેલવે લાઇનમાં પાણીના પ્રવાહ માટે અને વાહનોની અવરજવર માટે હયાત નાળા તો છે જ.”

“અમે જે વાઇલ્ડલાઇફ અંડરપાસ બનાવી રહ્યા છીએ તે ડિઝાઇનની દૃષ્ટિએ આવા હયાત નાળથી બહુ અલગ નથી. પરંતુ તેને અલગ હેતુ માટે બનાવવામાં આવી રહ્યા છે. આ જ મુખ્ય ફેર છે.”

લોકો-ખેડૂતો વાઇલ્ડલાઇફ અંડરપાસનો ઉપયોગ કરી શકશે?

નવી દિલ્હીના ઝખીરા અંડરપાસનું એક દૃશ્ય

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images

અખબારી યાદીમાં ભાવનગર ડિવિઝનલ રેલવેના ડિવિઝનલ મૅનેજર દિનેશ વર્માના હવાલેથી લખવામાં આવ્યું, ” ભાવનગર મંડળ રેલવે સંચાલનની સુરક્ષા સાથે પર્યાવરણ સંરક્ષણ અને વન્યજીવ સુરક્ષાને પણ સમાન પ્રાથમિકતા આપી રહ્યું છે.”

“વન્યજીવોની સુરક્ષા માટે વિકસાવવામાં આવી રહેલી આ નવીન પહેલ ભારતીય રેલવે માટે પ્રેરણાદાયક ઉદાહરણ છે.”

“રેલવે, વન વિભાગ અને સ્થાનિક પ્રશાસનના સંકલિત પ્રયાસોથી આ યોજના વિસ્તારમાં વન્યજીવ સંરક્ષણની દિશામાં એક મહત્ત્વપૂર્ણ સીમાચિહ્ન સાબિત થશે.”

પરંતુ જયારે બીબીસીએ એમ પૂછ્યું કે આ અંડરપાસનો તેની આજુબાજુના ખેડૂતો પણ ઉપયોગ કરી શકશે કે કેમ તો કૉમર્શિયલ મૅનેજર અતુલકુમાર ત્રિપાઠીએ કહ્યું, “આ અંડરપાસ જાહેર જનતા માટે નથી બનાવવામાં આવી રહ્યા.”

“તે સિંહો અને અન્ય વન્યજીવો માટે બનાવવામાં આવી રહ્યા છે. તેમ છતાં જો કોઈ લોકો તેમાંથી પસાર થાય તો તેની પર અમે નિયંત્રણ ન રાખી શકીએ.”

સહાયક વન સંરક્ષક વિરલસિંહ ચાવડાએ કહ્યું કે આ ખાસ નાળા પર સતત નજર રાખવા કૅમેરા ગોઠવવાની વિચારણા ચાલી રહી છે.

તેમણે કહ્યું, “વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ એવી વિચારણા કરી રહ્યા છે કે આ અંડરપાસ પર કૅમેરા ટ્રૅપ લગાડવામાં આવે તો કેટલા સિંહો અને વન્ય જીવો અંડરપાસનો કેટલો ઉપયોગ કરે છે તેની માહિતી મળી રહેશે અને તેના આધારે ભવિષ્યમાં આવા વધારે અંડરપાસ બનાવવા કે નહીં તેનો નિર્ણય લઈ શકાશે. “

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS