Home તાજા સમાચાર gujrati ગુજરાત : થંભી ગયેલું ચોમાસું આગળ વધે તેવા સંકેતો, આ તારીખથી શરૂ...

ગુજરાત : થંભી ગયેલું ચોમાસું આગળ વધે તેવા સંકેતો, આ તારીખથી શરૂ થશે ભારે વરસાદ

3
0

Source : BBC NEWS

ગુજરાત, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી ચોમાસું વરસાદ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં આગામી દિવસોમાં ચોમાસું વધુ ગતિ પકડે એવા સંકેતો દેખાઈ રહ્યા છે. રાજ્યના કેટલાક ભાગોમાં આગામી દિવસ સુધી કેટલીક જગ્યાએ હળવોથી સામાન્ય વરસાદ પડી શકે છે.

એ પછી જુલાઈ મહિનાની શરૂઆતમાં વરસાદનું જોર વધે તેવું હવામાન વિભાગનું અનુમાન છે.

ગુજરાતમાં આગામી કેટલાક દિવસોમાં કેટલીક જગ્યાએ મધ્યમથી ભારે વરસાદની ચેતવણી પણ અપાઈ છે.

દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વાવાઝોડા અને ગાજવીજ સાથે 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન સાથે વરસાદની આગાહી છે.

ગુજરાતમાં હાલમાં વરસાદ જોઈએ એટલો પડ્યો નથી અને ખેડૂતો પણ વાવણી માટે રાહ જોઈ રહ્યા છે. એવા સમયે જો ચોમાસું અનુમાન પ્રમાણે આગળ વધે તે વાવણીલાયક વરસાદ થઈ શકે છે.

ગુજરાત તરફ આગળ વધતું ચોમાસું ક્યાં પહોંચ્યું?

ગુજરાત, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, IMD

27 જૂનના હવામાન વિભાગના બુલેટિન અનુસાર, આગામી ત્રણથી ચાર દિવસ ચોમાસું અનુકૂળ રહે તેવી સંભાવના છે. આ સમયે ઉત્તર અરબ સાગરના કેટલાક ભાગો, ગુજરાત, મધ્ય પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, બિહારના બાકીના ભાગો, તેમજ ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડના કેટલાક ભાગોમાં દક્ષિણપશ્ચિમનું ચોમાસું આગળ વધે તેવા સાનુકૂળ સંજોગ છે.

ભારતીય હવામાન વિભાગના લેટેસ્ટ બુલેટિન અનુસાર, ગુજરાતમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ સર્જાઈ રહી છે. એટલે કે આગામી દિવસોમાં રાજ્યના વિવિધ ભાગોમાં વરસાદની પ્રક્રિયા વેગ પકડશે તેવી સંભાવના છે.

હાલમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની ઉત્તરીય સીમા સુરત, ઇન્દોર, માંડલા અને દલતોનગંજ થઈને પસાર થઈ રહી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, ઉત્તર ગુજરાતની આસપાસ એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાને કારણે આગામી દિવસોમાં વરસાદી માહોલ વધુ મજબૂત બનશે.

ગુજરાત, હવામાન સમાચાર, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, IMD GUJARAT

ગુજરાતમાં ક્યારથી ભારે વરસાદ પડશે?

ગુજરાતમાં આગામી પાંચ-સાત દિવસોમાં વરસાદનું જોર વધે તેવી શક્યતા છે. બે દિવસ પછી ગુજરાતમાં મોટા ભાગના જિલ્લામાં વરસાદની આગાહી કરાઈ છે.

28 અને 29 જૂન આજે કે આવતી કાલે વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે. તો સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલીક જગ્યાએ વરસાદ વરસી શકે છે.

30 તારીખે આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં કેટલીક જગ્યાએ, તો દક્ષિણમાં તમામ- વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદની શક્યતા છે.

તો સૌરાષ્ટ્રના અમરેલી, જૂનાગઢ, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે મધ્યમ વરસાદ પડી શકે છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે ગુજરાતમાં જુલાઈ મહિનાથી શરૂઆતથી વરસાદનું જોર વધે તેવી શક્યતા છે અને ગુજરાતમાં લગભગ તમામ વિસ્તારમાં વરસાદ પડશે તેવું અનુમાન છે.

પહેલીથી ત્રીજી જુલાઈ સુધી ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં વરસાદની શક્યતા છે. તો દક્ષિણ ગુજરાતમાં તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે.

એવી જ રીતે સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, મોરબી, દ્વારકા, બોટાદ, કચ્છમાં વરસાદની શક્યતા છે.

એટલે બીજી અને ત્રીજી જુલાઈ આખા ગુજરાતમાં વરસાદ પડે તેવું અનુમાન છે. અગાઉ ઉત્તર ગુજરાતમાં વરસાદની કોઈ આગાહી નહોતી, પણ હવે એ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે.

તો આ સમયે સુરત, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગરહવેલીમાં ભારે વરસાદની ચેતવણી અપાઈ છે.

ગુજરાતમાં તાપમાન કેવું રહેશે?

ગુજરાત હવામાન વિભાગ અનુસાર, રાજ્યમાં તાપમાનમાં કોઈ મહત્તમ ફેરફાર થયો નથી. વલ્લભવિદ્યાનગરમાં સૌથી વધુ 41.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે.

આકાશ સામાન્ય રીતે સ્વચ્છ રહે તેવી શક્યતા છે. મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહે તેવું અનુમાન છે.

હાલમાં રાજ્યમાં આકાશમાં વાદળો જોવા મળે છે, જોકે ગરમીનું પ્રમાણમાં પણ એટલું જ રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS