Home તાજા સમાચાર gujrati શુક્રાણુની સંખ્યા વધારવા માટે અંડકોષ પર આઇસ પૅક અને રક્તદાન શું કારગત...

શુક્રાણુની સંખ્યા વધારવા માટે અંડકોષ પર આઇસ પૅક અને રક્તદાન શું કારગત છે?

3
0

Source : BBC NEWS

શુક્રાણુ, બીબીસી ગુજરાતી, પુરુષોની ફર્ટિલિટી

ઇમેજ સ્રોત, Getty

સાયમન રોજ સવારે ઊઠીને સૌપ્રથમ સોનામાં જાય છે. સોનાની તે ગરમી તેમને શરીરનાં ઝેરી તત્ત્વો પરસેવા વાટે બહાર કાઢવામાં મદદરૂપ થાય છે અને તેમના મતે, તેના કારણે તેમના શુક્રાણુઓની કાર્યક્ષમતામાં સુધારો થાય છે, પરંતુ ગરમીથી બચવા માટે તેમને વધુ સુરક્ષાની જરૂર પડે છે.

તેઓ બીબીસી વર્લ્ડ સર્વિસને જણાવે છે, “હું ચિલ નટ્સ તરીકે ઓળખાતા એક આઇસ પૅકનો ઉપયોગ કરું છું અને હું શુક્રાણુઓની ઊંચી સંખ્યા જળવાઈ રહે, તે માટે તે આઇસ પૅકને હું અંડકોષ પર રાખું છું.”

આ સમગ્ર પ્રક્રિયા તેમના શુક્રાણુ વધારવાના પ્રયોગનો એક ભાગ છે. તે અસરકારક હોવાનું પુરવાર કરવા માટે તેઓ તબીબી પુરાવા વિના જ તેને અનુસરે છે.

ફ્લોરિડાના મિયામીમાં રહેતા 28 વર્ષના સાયમન રોજ વ્યાયામ કરવામાં આવે અને સૂર્યપ્રકાશ મળે, એ પણ સુનિશ્ચિત કરે છે.

તેઓ માઇક્રોપ્લાસ્ટિક ફિલ્ટરનું પાણી પીવે છે અને ઝેરી તત્ત્વોની સંભવિત અસર ટાળવા માટે સુતરાઉ બૉક્સર શૉર્ટ્સ પહેરે છે.

શુક્રાણુ, હેલ્થ, બીબીસી, પુરુષો, રિસર્ચ, ઇન્ફ્લુએન્સર્સ, ગુજરાતી, ન્યૂઝ

ઇમેજ સ્રોત, SIMON

જોકે, નજીકના ભવિષ્યમાં બાળકો પેદા કરવાની સાયમનની કોઈ યોજના નથી એટલું જ નહીં, તેમની કોઈ પાર્ટનર પણ નથી.

તેમ છતાં શુક્રાણુઓની વધુ સંખ્યા ઉપર તેઓ આટલું ધ્યાન આપી રહ્યા છે, કારણ કે, શુક્રાણુની ઓછી સંખ્યા આરોગ્ય પર કેવી રીતે વિપરીત અસર ઉપજાવી શકે છે, તેને લઈને તેઓ ચિંતિત છે.

તેઓ અમને જણાવે છે, “ઓછી પ્રજનન ક્ષમતા એન્ડોક્રાઇન સિસ્ટમ (અંતઃસ્રાવી ગ્રંથિઓ)ના કાર્ય, તમારા ટેસ્ટોસ્ટેરોનના સ્તર અને અન્ય હોર્મોન્સને પ્રભાવિત કરી શકે છે અને મને તેનો જ ડર સતાવે છે.”

શુક્રાણુ, હેલ્થ, બીબીસી, પુરુષો, રિસર્ચ, ઇન્ફ્લુએન્સર્સ, ગુજરાતી, ન્યૂઝ

એન્ડોક્રાઇનની કામગીરી શુક્રાણુઓની સંખ્યાને પ્રભાવિત કરે છે, પણ નીચી પ્રજનન ક્ષમતા એન્ડોક્રાઇનના કાર્ય કે ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં સીધો વિક્ષેપ કરતી નથી.

પોતાના શુક્રાણુઓની સંખ્યામાં ઊંડો રસ ધરાવતા પુરુષોની સંખ્યા સતત વધી રહી છે અને સાયમન પણ તેમાંના જ એક છે.

વૈશ્વિક સ્તરે પ્રજનન ક્ષમતા સંબંધિત હૅશટૅગ્ઝ – જેમકે, #malefertility, #semenanalysis અને #sperm ટિકટૉક અને ઇન્સ્ટાગ્રામ પર લાખો વ્યૂ ધરાવે છે તથા પુરુષોની પ્રજનન ક્ષમતા પર ધ્યાન આપનારા સૌથી મોટા સબરેડિટ્સનું પ્રમાણ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ત્રણ ગણું વધુ ગયું છે.

પુરુષોમાં વંધ્યત્વને લઈને ખરેખર ચિંતા કરવાની જરૂર છે?

શુક્રાણુ, હેલ્થ, બીબીસી, પુરુષો, રિસર્ચ, ઇન્ફ્લુએન્સર્સ, ગુજરાતી, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

વિશ્વના પુરુષ પ્રજનન ક્ષમતાના નિષ્ણાતો કહે છે કે, વીર્યનું વિશ્લેષણ કરાવવા માગતા અને પોતાની ભાવિ પ્રજનન ક્ષમતા અંગે ચિંતા વ્યક્ત કરનારા પુરુષોની સંખ્યામાં તેમને વધારો જોવા મળ્યો છે.

તેમનું માનવું છે કે, આમ થવાનું આંશિક કારણ ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થૅરેપી (ટીઆરટી) અને સ્ટેરૉઇડ્ઝનો વધી રહેલો ઉપયોગ તેમજ પર્યાવરણીય ઝેરી તત્ત્વો અંગેની ચિંતાઓ છે, જે પ્રજનન ક્ષમતા સંબંધિત હોર્મોન્સમાં વિક્ષેપ ઊભો કરી શકે છે.

બ્રિટન સ્થિત પ્રજનન ક્ષમતા નિષ્ણાત પ્રોફેસર સુક્સ મિન્હાસ કહે છે કે, આટલું બધું ધ્યાન રાખવાના મિશ્ર ફાયદા છે. “પુરુષોમાં વંધ્યત્વના મુદ્દા પર ધ્યાન આપવું જરૂરી છે, પણ શું આપણે તે ચિંતાને બિનજરૂરી રીતે મહત્ત્વ આપી રહ્યા છીએ?”

પ્રોફેસર ઉમેરે છે કે આ દરમિયાન, તેના પ્રતિભાવ સ્વરૂપે ઇનફ્લુએન્સર્સ અને ઉત્પાદનોનો ઉદ્યોગ આ ચિંતાનો ફાયદો ઉઠાવવા માટે ઉદય પામી રહ્યો છે.

અન્ય ઘણા લોકોની માફક વેનેઝુએલા-અમેરિકન મૂળના સાયમને આ વિષય વિશે સૌપ્રથમ સોશિયલ મીડિયા પરથી જાણકારી મેળવી હતી. પરંતુ હજી સુધી તેમણે તેમના શુક્રાણુઓનું પરીક્ષણ કરાવ્યું નથી અને તેમણે આરોગ્યને લઈને ચિંતા અનુભવવાનું કોઈ ચોક્કસ કારણ પણ નથી.

તેઓ જણાવે છે કે, “આ કંઈક એવું છે, જેનાથી મને સામાન્યતઃ ડર લાગતો હોય છે, આથી હું મારી પ્રજનન ક્ષમતાને સુરક્ષિત રાખવાનું પસંદ કરું છું.”

સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર બ્રાયન જ્હોન્સને કરેલી પોસ્ટ જોયા પછી સાયમન તેમની પ્રજનન ક્ષમતાને લઈને આટલા “સાવધ” થયા હતા.

વિશ્વભરમાં પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં ઘટાડો આવી રહ્યો છે, તેની સામે સિલિકૉન વેલીના ભૂતપૂર્વ અબજોપતિનો દાવો છે કે, તેમના શુક્રાણુઓની સંખ્યા સામાન્ય સરેરાશ કરતાં ચાર ગણી છે.

ટેસ્ટોસ્ટેરોન તથા શુક્રાણુઓની સંખ્યા વધારવા માટે તેઓ સોના અને આઇસ પૅકનો ઉપયોગ કરવાનો પ્રચાર કરે છે, જેને સાયમન પણ અનુસરે છે.

જ્હોન્સનના કન્ટેન્ટને 60 લાખ કરતાં વધુ લોકો ફૉલો કરે છે.

તેમનું કન્ટેન્ટ સંભવિત ગ્રાહકોને તેમની વેબસાઇટ – ધ બ્લૂપ્રિન્ટ તરફ દોરે છે, જ્યાં તેઓ વિવિધ સપ્લિમેન્ટ્સ (પૂરક આહાર)નું વેચાણ કરે છે.

પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા ખરેખર ઘટી રહી છે?

શુક્રાણુ, હેલ્થ, બીબીસી, પુરુષો, રિસર્ચ, ઇન્ફ્લુએન્સર્સ, ગુજરાતી, ન્યૂઝ

ઇમેજ સ્રોત, SIMON

સોશિયલ મીડિયા પર ઇન્ફ્લુએન્સર્સ દ્વારા કોઈપણ તબીબી પુરાવા વિના જ પ્રમોટ કરવામાં આવતા આ પ્રકારના અન્ય અખતરાઓમાં ચોક્કસ પ્રકારનાં સપ્લિમેન્ટ્સ, રેડ લાઇટ થૅરેપી અને માઇક્રોપ્લાસ્ટિકને શરીરમાંથી બહાર કાઢવા માટે રક્તદાન કરવાનો પણ સમાવેશ થાય છે.

હેલ્થ ઇન્ફ્લુએન્સર્સનું કન્ટેન્ટ 110 દેશોમાં જન્મ દરમાં થઈ રહેલા ઘટાડાને લઈને થયેલી વ્યાપક ચર્ચાને પગલે આવ્યું છે.

અમેરિકન સેક્રેટરી ફૉર હેલ્થ આરએફકે જુનિયરે તાજેતરમાં જ “પ્રજનન ક્ષમતાની કટોકટી” વિશે વાત કરતાં દલીલ કરી હતી કે, 1970માં પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યા અત્યારના આપણા કિશોરોના શુક્રાણુઓની સંખ્યા કરતાં બમણી હતી.

આજના કિશોરોમાં શુક્રાણુઓની સંખ્યા 1970ના પુરુષો કરતાં ઓછી હોવાની વાતનો કોઈ વૈજ્ઞાનિક પુરાવો નથી. વળી, જ્યારે ભૂતકાળના અભ્યાસોનાં કેટલાંક વ્યાપક સ્તરનાં વિશ્લેષણો 1970ના દાયકાથી શુક્રાણુઓની સંખ્યામાં વૈશ્વિક ઘટાડો થયો હોવાનું સૂચવતાં હોવા છતાં આ ક્ષેત્રે હજુ પર્યાપ્ત સંશોધન થયું નથી.

તેનો અર્થ એ કે, શુક્રાણુઓની સંખ્યા ઘટવા પાછળનું કારણ તેમજ એકંદર જન્મ દર પર તેની અસરો હજુ અસ્પષ્ટ છે.

આ દરમિયાન, એન્ડ્રુ હ્યુબરમૅન જેવા પુરુષવાદી વિચારધારા સાથે જોડાયેલા ઇન્ફ્લુએન્સર્સે તેમના પૉડકાસ્ટ્સ પર પુરુષોમાં શુક્રાણુઓની સંખ્યામાં થઈ રહેલા ઘટાડા વિશે ચર્ચા કરી છે, તો બીજી તરફ, જો રોગને આગામી સમયમાં “વસ્તી વિનાશ” થવાની ચેતવણી આપી છે.

જન્મ દરમાં ઘટાડો થવા બદલ જૈવિક ક્ષમતા ઉપરાંત પણ અન્ય ઘણાં કારણો જવાબદાર છે – જે વૈશ્વિક સ્તરે દર સાતમાંથી એક યુગલને પ્રભાવિત કરે છે. આર્થિક તથા સામાજિક પ્રશ્નોને નિયમિતપણે લોકોને બાળકો પેદા કરવાથી દૂર રાખવા માટે જવાબદાર ઠેરવવામાં આવે છે.

તંદુરસ્ત આહાર, નિદ્રા અને વ્યાયામની સલાહ પર કેટલો ભરોસો કરવો જોઈએ?

શુક્રાણુ, હેલ્થ, બીબીસી, પુરુષો, રિસર્ચ, ઇન્ફ્લુએન્સર્સ, ગુજરાતી, ન્યૂઝ

ઇમ્પિરિયલ કૉલેજના રિપ્રોડક્ટિવ એન્ડોક્રાઇનોલૉજિસ્ટ પ્રોફેસર ચન્ના જયસેના માને છે કે, આ મામલે ચિંતા વ્યક્ત કરવા માટે વાજબી અવકાશ રહેલો છે, પણ સોશિયલ મીડિયા પર આ દાવાઓને વધુ પડતા ચગાવવામાં આવ્યો હોવાનું તેમનું માનવું છે.

તેઓ કહે છે, “કેટલાક ચોક્કસ પડકારો જરૂર રહેલા છે, પણ તે પાછળનાં કારણો કયાં છે, તે હજુ સુધી સ્પષ્ટ થયું નથી.”

પ્રજનન દરને લઈને ચેતવણી આપનારું કન્ટેન્ટ ધરાવનારા હેલ્થ ઇન્ફ્લુએન્સર્સની યાદીમાં નેચરોપૅથ લુકાસનો પણ સમાવેશ થાય છે.

તેઓ બીબીસીને જણાવે છે, “આપણે વૈશ્વિક સ્તર પર રોગચાળાનો સામનો કરી રહ્યા છીએ. પ્રજનન ક્ષમતામાં ઘટાડો જોવા મળી રહ્યો છે.” સાથે જ તેમણે તેમના યૂટ્યૂબના દર્શકો સમક્ષ એવો ગેરમાર્ગે દોરનારો દાવો પણ કર્યો હતો કે, આગામી 33 વર્ષોમાં પુરુષો ઇનફર્ટાઇલ (વંધ્ય) થઈ જશે.

તેઓ ઑનલાઇન કોર્સનું વેચાણ કરે છે, 1:1 (વ્યક્તિગત) કોચિંગ પૂરું પાડે છે અને ટેસ્ટોસ્ટેરોન તથા પ્રજનન ક્ષમતા વધારવાના રસ્તા શોધી રહેલા પુરુષો માટેનાં સપ્લિમેન્ટ્સ વેચે છે.

તેમનું સોશિયલ મીડિયા કન્ટેન્ટ પ્રજનન ક્ષમતાના કેટલાક અપ્રાણિત પ્રોટોકૉલ્સનો પ્રચાર-પ્રસાર કરે છે અને તેમનું કન્ટેન્ટ વાયરલ થયું છે.

તેઓ કહે છે, “હું પુરુષોને તેમની અન્ડરવેર પર દિવસમાં બેથી ત્રણ વખત આશરે 10થી 15 મિનિટ માટે આઇસ પૅક મૂકવાની સલાહ આપું છું.”

તેઓ એવો દાવો કરે છે કે, ક્લાયન્ટ્સે તેમને જણાવ્યું છે કે, તે અખતરો અજમાવ્યા પછી તે પુરુષોની પાર્ટનર્સ ગર્ભવતી થઈ હતી.

તેમના અમુક ફૉલોઅર્સ તેમની સલાહને પગલે તેમના અંડકોષ (ટેસ્ટિસ) પર કે તેની સામે રેડ લાઇટ ડિવાઇસ પણ રાખે છે.

તેઓ દાવો કરે છે, “આ પ્રયોગ હજુ સાવ પ્રારંભિક તબક્કે છે. મારું માનવું છે કે, જ્યાં સુધી કોઈ વ્યક્તિને તેનાથી નુકસાન ન થતું હોય, ત્યાં સુધી આ અખતરો અજમાવી શકાય એવો વ્યવહારુ છે.”

જ્યારે તેમની આ સલાહના અપ્રમાણિત સ્વરૂપ સામે સવાલ કરવામાં આવ્યો, ત્યારે લુકાસે કહ્યું કે, તેમનું માનવું છે કે, તે એક “આશાસ્પદ દરમિયાનગીરી” છે પણ તેઓ ઇચ્છે છે કે, આ ક્ષેત્રે હજુ વધુ સંશોધનો થાય.

આ ઉપરાંત, લુકાસ તંદુરસ્ત આહાર, નિદ્રા અને વ્યાયામની પણ સલાહ આપે છે – આ પગલાં મજબૂત વૈજ્ઞાનિક પુરાવાનો આધાર ધરાવે છે.

પુરુષોના સ્વાસ્થ્ય પર ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થૅરેપી અને સ્ટેરૉઇડ્સની શું અસર થાય?

શુક્રાણુ, હેલ્થ, બીબીસી, પુરુષો, રિસર્ચ, ઇન્ફ્લુએન્સર્સ, ગુજરાતી, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty

પ્રજનન ક્ષમતા અંગેની આ સલાહ એવા સમયે આવી છે, જ્યારે શરીર સૌષ્ઠવ અને દેખાવને વધુ સારો બનાવવાનો (લૂકમૅક્સિંગ) ઑનલાઇન પ્રવાહ પ્રચલિત બનવાને કારણે ટેસ્ટોસ્ટેરોન વધારનારી દવાઓ લેતા પુરુષોની સંખ્યા વધી રહી છે.

પરંતુ, સ્ટેરૉઇડ્ઝ તથા ટેસ્ટોસ્ટેરોન લેવાથી પ્રજનન ક્ષમતાને નુકસાન થાય છે.

આ નુકસાન ન થાય, તેનો પ્રયત્ન કરવા માટે ઇન્ફ્લુએન્સર્સ વિવિધ પ્રકારની દવાઓના “સ્ટૅક્સ”ને પ્રમોટ કરે છે – જે મોટાભાગે તેઓ તેમની વેબસાઇટ પર જ વેચતા હોય છે.

લૂકમૅક્સિંગ ઇન્ફ્લુએન્સર ક્લેવિક્યુલર પર્ફોર્મન્સ વધારનારી દવાઓ લીધા પછી નપુંસક બની ગયા બાદ વાયરલ થયા હતા. તેમણે ચાલુ વર્ષના પ્રારંભમાં તેમની “ફર્ટિલિટી-મૅક્સિંગ” દવાઓનો સ્ટૅક પોસ્ટ કર્યો હતો.

તેમાં પ્રજનન ક્ષમતા માટેની દવાઓ એચસીજી અને એચએમજીનો સમાવેશ થતો હતો. આ દવાઓ સામાન્યપણે મહિલાઓ અને પુરુષોમાં પ્રજનનલક્ષી હોર્મોન્સને સક્રિય કરવા માટે વપરાય છે.

પરંતુ, તેની આડઅસરો જોખમી નીવડી શકે છે અને જો તે દવાઓ તબીબી માર્ગદર્શન વિના લેવામાં આવે, તો તેનાથી કાયમી નુકસાન પણ પહોંચી શકે છે.

પ્રોફેસર જયસેના જણાવે છે, “તે અત્યંત જોખમી છે. કેટલીક દવાઓને લીધે લોહી ગંઠાઈ શકે છે અને તેનાથી પુરુષોનાં સ્તન વિકસી શકે છે અને જો આ સમસ્યાની સમયસર સારવાર ન કરવામાં આવે, તો શરીર બેડોળ પણ થઈ શકે છે.”

ટીઆરટી (ટેસ્ટોસ્ટેરોન રિપ્લેસમેન્ટ થૅરેપી) લીધા પછી પ્રજનન ક્ષમતા પરત મેળવવા માટે ફર્ટિલિટી “સ્ટૅક્સ” (દવાઓનું મિશ્રણ) લઈ રહેલા સમગ્ર વિશ્વના જુદા-જુદા સાત પુરુષો સાથે અમે વાત કરી હતી.

સ્ટેરૉઇડ્ઝ જેવી દવાઓની ઑનલાઇન ખરીદી કરવી ગેરાકાયદેસર હોવાથી તેમણે નામ છૂપાવવાની વિનંતી કરી હતી.

એક વ્યક્તિએ મને જણાવ્યું હતું કે, તેમને એવું લાગતું હતું કે, એક વખત “એચએમજી અને એચસીજીનો ઊંચો ડોઝ લઈ લીધા બાદ તેઓ ઘણાં બાળકોના પિતા બની શકશે.” તો વળી અન્ય એક વ્યક્તિએ કહ્યું હતું, “મને વિશ્વાસ છે કે, સ્ટૅક લીધા પછી હું બાળકોનો પિતા બનીશ.”

શુક્રાણુ, હેલ્થ, બીબીસી, પુરુષો, રિસર્ચ, ઇન્ફ્લુએન્સર્સ, ગુજરાતી, ન્યૂઝ

ઇમેજ સ્રોત, Getty Images

જમાલ (નામ બદલ્યું છે)એ શરીર સૌષ્ઠવ (બૉડીબિલ્ગિંડ) માટે ટેસ્ટોસ્ટેરોન તથા સ્ટેરૉઇડ્ઝના ઊંચા ડોઝ લીધા હતા, જેના કારણે તેમની પ્રજનન ક્ષમતા ઓછી થઈ ગઈ.

જ્યારે તેમણે અને તેમની પાર્ટનરે સંતાનો પેદા કરવા વિશે વિચાર્યું, ત્યારે ગયા વર્ષના અંતમાં તેમણે તે ડોઝ લેવાનું બંધ કરી દીધું હતું.

તેમણે તેમના જેવી જ દવાઓ લેનારા પુરુષો પાસેથી ઑનલાઇન ફોરમ અને યૂટ્યૂબ પર પ્રજનન ક્ષમતા અંગે સલાહ મેળવી હતી. તે પુરુષોએ “ફુલ-પ્રૂફ ફર્ટિલિટી સ્ટૅક્સ”નું સૂચન કર્યું હતું.

જમાલ કહે છે, “ઑનલાઇન લોકોએ કહ્યું હતું, ‘તમારે આ રીતે દવા લેવાની છે અને તમારે આમ કરવાનું છે. હું જાણું છું કે, એન્ડોક્રાઇનોલૉજિસ્ટ પાસે જવું એ બહેતર વિકલ્પ છે, તેમ છતાં મેં તેમાં રહેલી કેટલીક સામગ્રી જોઈને જ દવાઓ ખરીદી લીધી હતી.”

તેનાથી કશો ફાયદો ન થતાં તેમણે વ્યાવસાયિક સહાય લીધી અને તેઓ પ્રોફેસર જયસેનાને મળ્યા. ત્યાં સુધી તેમને ખબર નહોતી કે, દેખરેખ વિના આ ફર્ટિલિટી “સ્ટૅક્સ” લેવાથી નુકસાન થઈ શકે છે.

જમાલ સમજાવે છે, “જો તમે ઍનાબૉલિક સ્ટેરૉઇડ્ઝ લેવાનો આ માર્ગ અપનાવો છો, તો તમે એ સ્વીકારી લો છો કે, તમે જે કરી રહ્યા છો, તેની તમારા આરોગ્ય પર અવળી અસર પડશે. તમે તે જોખમ વહોરી લો છો, ત્યારે તમે એચસીજી જેવી અસરોની બહુ પરવા કરતા નથી.”

પ્રોફેસર જયસેનાની સલાહને અનુસરીને જમાલે ફર્ટિલિટી સ્ટૅક સહિતની તમામ દવાઓ લેવાનું બંધ કરી દીધું છે.

છ મહિના પછી, તેમના કુદરતી ટેસ્ટોસ્ટેરોનના સ્તરમાં સુધારો થઈ રહ્યો છે, જોકે, શુક્રાણુના ઉત્પાદનને ઉત્તેજિત કરનાર હોર્મોનનું સ્તર હજુયે નીચું છે. તેમાં સુધારો થવાની જમાલને અને પ્રોફેસરને આશા છે.

પ્રોફેસર જયસેના ચેતવણી આપે છે કે, પુરુષોમાં પ્રજનન ક્ષમતા પરની જાગૃતિ વધી રહી છે, એ સકારાત્મક બાબત છે, પણ તેણે માહિતીનો શૂન્યાવકાશ સર્જ્યો છે, જેનો અર્થ એ કે, જમાલ જેવા પુરુષો ઇન્ફ્લુએન્સર્સ પાસેથી સલાહ મેળવે છે, કારણ કે, નિષ્ણાતો હંમેશાં સહેલાઈથી ઉપલબ્ધ હોતા નથી.

તેઓ ઉમેરે છે, “આ બાબત સાચે જ સહાયરૂપ નીવડી શકે, એવાં કાર્યો તરફથી દૂર કરી શકે છે, પણ ખરાબમાં ખરાબ સ્થિતિમાં, તે હાનિકારક હોય તેવાં કાર્યો કરવા તરફ પણ દોરી શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS