Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, હજુ જોર વધશે, હવે આ જિલ્લામાં અતિભારે...

ગુજરાતમાં અનેક જિલ્લામાં રેડ ઍલર્ટ, હજુ જોર વધશે, હવે આ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

3
0

Source : BBC NEWS

ગુજરાત હવામાન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, વરસાદ, ધોધમાર, બીબીસી

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

જુલાઈ મહિનો શરૂ થતાં જ ગુજરાતમાં વરસાદે જોર પકડયું છે. બફારામાં રાહત સાથે દક્ષિણ વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે.

આજે સવારથી જ ગુજરાતના કેટલાક જિલ્લામાં મુશળધાર વરસાદ નોંધાઈ રહ્યો છે. આ વચ્ચે હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ હજુ કેટલાક જિલ્લામાં રેડ ઍલર્ટ યથાવત્ રાખ્યું છે.

સુરત, વલસાડ અને દમણમાં અને સૌરાષ્ટ્રમાં ગીર સોમનાથ અને જૂનાગઢમાં ભારે વરસાદ નોંધાયો હતો.

તો તાપી, નર્મદા, નવસારી, દમણ અને દાદરા અને નગરહવેલીમાં કેટલાંક સ્થળોએ અને સૌરાષ્ટ્રનાં રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદ નોંધાયો.

મહત્તમ તાપમાનમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં નોંધપાત્ર વધારો થયો હતો, બાકીના વિસ્તારમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

અમદાવાદ અને રાજકોટમાં કેટલાક વિસ્તારનું સૌથી વધુ મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

આ અહેવાલમાં જાણીએ હવે ક્યાં સુધી ભારેથી અતિભારે વરસાદ પડશે.

ગુજરાતમાં ક્યાં ક્યાં જળબંબાકારની સ્થિતિ

ગુજરાત હવામાન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, વરસાદ, ધોધમાર, બીબીસી

ઇમેજ સ્રોત, snehal patel/bbc

છેલ્લા 24 કલાકમાં ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો છે.

છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં સૌથી વધુ વરસાદ જૂનાગઢના માંગરોળમાં 12.64 ઇંચ વરસાદ ખાબક્યો છે.

જ્યારે ગીર સોમનાથના સૂત્રાપાડામાં 12.36 ઇંચ અને જૂનાગઢના કેશોદમાં 10.94 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત, ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં 10 ઇંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં 9.13 ઇંચ અને માણાવદરમાં નવ ઇંચ વરસાદ પડ્યો છે.

ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડીમાં પણ 8.86 ઇંચ જેટલો વરસાદ થયો છે.

જામનગરના જામજોધપુરમાં 7.05 ઇંચ, ગીર સોમનાથના કોડિનારમાં 5.98 ઇંચ અને પોરબંદરના કુતિયાણામાં 5.7 ઇંચ વરસાદ નોંધાયો છે.

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અન્ય વિસ્તારો જેમ કે વલસાડ, વંથલી અને વીસાવદરમાં લગભગ ચાર ઇંચ, ઓલપાડમાં 3.7 ઇંચ અને ઉપલેટામાં સાડા ત્રણ ઇંચ વરસાદ નોંધાયો છે.

મહત્તમ તાપમાનમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં નોંધપાત્ર વધારો થયો હતો, બાકીના વિસ્તારમાં કોઈ મોટો ફેરફાર થયો નથી.

અમદાવાદ અને રાજકોટમાં કેટલાક વિસ્તારનું સૌથી વધુ મહત્તમ તાપમાન 39.5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

ગુજરાતમાં આગામી દિવસોમાં કયા જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ પડશે?

ગુજરાત હવામાન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, વરસાદ, ધોધમાર, બીબીસી

ઇમેજ સ્રોત, imd

ગુજરાતમાં આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતના કેટલાક જિલ્લામાં અતિભારે વરસાદ માટે રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.

આજની સ્થિતિએ દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં અને સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદને કારણે હવામાન વિભાગે રેડ ઍલર્ટ આપ્યું છે.

હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના નર્મદા, ભરૂચ, ડાંગ અને તાપી તેમજ સૌરાષ્ટ્રમાં પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી અતિ ભારે વરસાદને લઈને ઑરેન્જ ઍલર્ટ જાહેર કર્યું છે.

તો આજે આણંદ, પંચમહાલ અને છોટા ઉદેપુરમાં અને સૌરાષ્ટ્રના રાજકોટ, દ્વારકા અને બોટાદમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

તેમજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં અને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં 40થી 50 કિમીની ઝડપે હળવાથી મધ્યમ વાવાઝોડાં સાથે મધ્યમ પ્રકારના વરસાદની આગાહી છે.

આવતી કાલે ચાર જુલાઈની સ્થિતિએ હવામાન વિભાગ અનુસાર, દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં અને સૌરાષ્ટ્રના ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે રેડ ઍલર્ટ છે.

તો આ દિવસે દક્ષિણ ગુજરાતમાં દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ અને તાપીમાં સૌરાષ્ટ્રના જિલ્લાઓ અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારેથી અતિભારે વરસાદની શક્યતા સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

હવામાન વિભાગે આવતી કાલે, આણંદ, પંચમહાલ, મહીસાગર, વડોદરા, રાજકોટ, પોરબંદર અને જૂનાગઢમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની આગાહી કરી છે.

સાથે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ, દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓ, સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.

પાંચ જુલાઇની સ્થિતિ તરફ નજર કરીએ તો, હવામાન વિભાગ અનુસાર, ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સાથે રેડ ઍલર્ટ છે.

દક્ષિણમાં નર્મદા, સુરત અને તાપીમાં અમરેલી અને ભાવનગરમાં અત્યંત ભારે વરસાદ સાથે ઑરેન્જ ઍલર્ટ છે.

તેમજ પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર અને ભરૂચમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં પણ ભારે વરસાદની સંભાવના છે.

છ જુલાઈની સ્થિતિને લઈને હવામાન વિભાગે હજુ સુધી રેડ ઍલર્ટ જાહેર કર્યું નથી, પણ કેટલાક જિલ્લાઓમાં ઑરેન્જ ઍલર્ટ યથાવત્ છે.

આ દિવસે ડાંગ, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ભાવનગરમાં ભારેથી અતિભારે વરસાદની સાથે ઑરેન્જ ઍલર્ટ જાહેર કરાયું છે.

અને પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરતમાં સહિત જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં છૂટાંછવાયાં સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે.

સાત જુલાઈના દિવસે હવામાન વિભાગે અગાહી કરી છે કે ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે.

પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ અને સુરતમાં અને સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે.

આઠ જુલાઈએ પણ ડાંગ, વલસાડ અને દમણ, દાદરા અને નગરહવેલીમાં ઑરેન્જ ઍલર્ટ જાહેર છે.

તેમજ આ દિવસે નવસારી, તાપી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદની સંભાવના છે.

ગુજરાતના અન્ય વિસ્તારોમાં પણ વરસાદ પડી શકે

અત્યાર સુધી ગુજરાતના જે વિસ્તારો બાકી હતા ત્યાં પણ હવે વરસાદ પડશે. ત્યાં વરસાદ ન પાડવાનાં કારણોમાં ઘણી સિસ્ટમ જવાબદાર હતી.

હવે ગુજરાતના બાકી રહેલા વિસ્તારોમાં વરસાદની અનુકૂળ પરિસ્થિતિઓ પાછળ અમુક કારણો જવાબદાર છે જેમાં ઉત્તર-પશ્ચિમ રાજસ્થાનથી શરૂ કરીને બંગાળની ખાડીના લો-પ્રેશર એરિયા સુધી એક સિઝનલ ટ્રફ સક્રિય થઈ છે જે અત્યાર સુધી પાકિસ્તાન અને રાજસ્થાનના ઉત્તરી ભાગોમાં સક્રિય હતી, જેના કારણે ઉત્તર અને મધ્ય ગુજરાતના કેટલાક ભાગોમાં વરસાદ ઓછો નોંધાતો હતો, તે હવે નીચે તરફ આવતા ઉત્તર ગુજરાતમાં વરસાદની સંભાવના વધારે છે.

આમ પાકિસ્તાન અને તેની નજીકના ઉત્તર-પશ્ચિમ રાજસ્થાન પર સવારના સમયે હવામાં સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ છે.

બંગાળની ખાડી અને તે તરફના દરિયાકાંઠા પર એક લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે.

તે ઉપરાંત મધ્ય પ્રદેશના એક ભાગમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન યથાવત્ હોવાથી દક્ષિણ ગુજરાતથી લઈને છેક ખેડા સુધી વરસાદ નોંધાઈ રહ્યો હતો.

ઉપરાંત દક્ષિણ ગુજરાતથી કર્ણાટક સુધી પણ એક સિઝનલ ટ્રફ સક્રિય છે. આ બધી અસરોને કારણે હવે ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બની શકે છે, જે અત્યાર સુધી અનુકૂળ પરિસ્થિતિઓ ન હતી. તેથી હવે ઉત્તર ગુજરાતમાં પણ વરસાદ પડશે.

ચોમાસું હાલ કેટલે પહોંચ્યું?

ગુજરાત હવામાન, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર, વરસાદ, ધોધમાર, બીબીસી

ઇમેજ સ્રોત, imd

ચોમાસું આજે ગુજરાતના વધુ કેટલાક ભાગોમાં, ઉત્તર પ્રદેશના બાકીના ભાગોમાં, સમગ્ર દિલ્હી, મધ્ય પ્રદેશના મોટા ભાગના ભાગોમાં, હરિયાણા અને પંજાબ તથા રાજસ્થાનના કેટલાક ભાગો તરફ આગળ વધ્યું છે.

બે જુલાઈની સ્થિતિ અનુસાર, ચોમાસાની ઉત્તરીય સીમા પોરબંદર, વલ્લભ વિદ્યાનગર, નીમચ, ટોંક, ભિવાની, ભટિંડા પરથી પસાર થઈ રહી છે.

આગામી બેથી ત્રણ દિવસ દરમિયાન ગુજરાત, મધ્ય પ્રદેશના બાકીના ભાગો, હરિયાણા અને પંજાબ તેમજ રાજસ્થાનના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે સાનુકૂળ પરિસ્થિતિ છે.

આ ઉપરાંત પશ્ચિમ બંગાળની ખાડી અને ઓડિશા-પશ્ચિમ બંગાળના દરિયાકાંઠા પર એક લો પ્રેશર એરિયા સર્જાયો છે.

તો ચોમાસું તેની ગતિએ આગળ વધતું રહે તો આગામી દિવસોમાં વરસાદની શક્યતા પ્રબળ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS