Home તાજા સમાચાર gujrati સુરત : ‘એ જ જગ્યાએ મકાન આપો અથવા બીજે વ્યવસ્થા કરો’, કોર્ટના...

સુરત : ‘એ જ જગ્યાએ મકાન આપો અથવા બીજે વ્યવસ્થા કરો’, કોર્ટના નિર્દેશ પછી પણ નાસીરનગરના લોકો ચિંતિત

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી ગુજરાત હાઈકોર્ટ સુરત નાસીરનગર ડિમોલિશન મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

સુરતના નાસીરનગરમાં એક મહિના કરતાં વધુ સમય અગાઉ અચાનક 100થી વધારે કાચાં મકાનો તોડી પાડ્યાં પછી આ મામલે ગુજરાત હાઇકોર્ટમાં કાનૂની લડાઈ શરૂ થઈ છે.

ગુરુવારે હાઇકોર્ટે સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની આકરી ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે “ગેરકાયદે ડિમોલિશનથી વિસ્થાપિત થયેલા પરિવારોને રહેવાની વ્યવસ્થા થાય તે જોવાની જવાબદારી સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનની છે.”

કોર્ટે કહ્યું કે જ્યાં મકાનો તોડી પાડવામાં આવ્યાં છે તે જ જગ્યાએ અથવા બીજે ક્યાંય લોકોના રહેવાની વ્યવસ્થા થવી જોઈએ.

હાઇકોર્ટના આ નિર્દેશ પછી નાસીરનગરના વિસ્થાપિત થયેલા લોકોને રહેઠાણ મળવાની આશા બંધાઈ છે. ગત 30 મેએ તેમનાં મકાનો તોડી પાડ્યાં ત્યારે ભયંકર ગરમી પડતી હતી અને અત્યારે સુરતમાં પાંચ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે.

નાસીરનગરમાં એક-બે પરિવારો તંબુ બાંધીને પોતાનો સામાન અંદર રાખીને રહે છે. બાકીના મોટા ભાગના લોકોએ અલગ-અલગ જગ્યાએ ભાડે મકાન રાખ્યાં છે અથવા મ્યુનિસિપલ કૉર્પોરેશનના કૉમ્યુનિટી હૉલમાં શરણ લીધી છે.

‘ગેરકાયદે ડિમોલિશન થયા પછી અમે બેઘર થઈ ગયા’

બીબીસી ગુજરાતી ગુજરાત હાઈકોર્ટ સુરત નાસીરનગર ડિમોલિશન મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

મોહમ્મદ ઇરફાન નામના એક રહેવાસીએ બીબીસી સાથે વાત કરતા કહ્યું કે, “હું 45 વર્ષથી નાસીરનગરમાં રહું છે. ગેરકાયદે ડિમોલિશન થયા પછી અમે ઘરથી બેઘર થઈ ગયા. અમને ક્યારેક ખાવાનું મળે છે તો ક્યારેક નથી મળતું. અમારા બાળકોનું ભણતર પણ અટકી ગયું છે. મારી દુકાન પણ જતી રહી અને હું બેરોજગાર થઈ ગયો છે. હવે કોર્ટનો આ નિર્દેશ આવ્યો તેનાથી અમને થોડી રાહત મળી છે, પરંતુ કાયમી ઉકેલ નથી મળ્યો. અમારું ઘર ગયું તે જ જગ્યાએ ઘર મળે એવી અમારી કોર્ટ પાસે અપેક્ષા છે.”

સહીમ અહમદ શેખ નામના રહેવાસીએ પણ નાસીરનગરના ડિમોલિશનમાં પોતાનું ઘર ગુમાવ્યું છે. તેમણે કહ્યું કે, હાઇકોર્ટે તાજેતરમાં જે નિર્દેશ આપ્યો તેનાથી હાલમાં તો અમે સંતુષ્ટ છીએ, પરંતુ હવે બાળકોના શિક્ષણની ચિંતા છે.

તેમણે કહ્યું કે “અમારા ઘરમાં કુલ નવ લોકો હતા. બધા અલગ-અલગ થઈ ગયા છે. અત્યારે તો અમે ઘર અને બધું ગુમાવી દીધું છે. અહીં બાળકોના શિક્ષણની પણ વ્યવસ્થા નથી. અમને અહીં રાખવામાં આવ્યા છે તેમાં કામ-ધંધો થઈ શકતો નથી. અમને ભારે નુકસાન ગયું છે.”

શબનમબાનુએ કહ્યું હતું કે, “અમે 27 દિવસ તડકામાં વિતાવ્યા હતા. અમારી પાસે કોઈ છત નહોતી. ઑર્ડર આવ્યો એ પછી અમને અહીં હૉલમાં આશરો અપાયો. અહીં પણ કોઈ સુવિધા નથી. અમારી સંસ્થાવાળા લોકો આવે છે અને અમને ખાવાનું આપી જાય છે.”

“જ્યારે કંઈ હોતું નથી તો અમારા પૈસે ખાવાનું થોડું-થોડું લઈ આવીએ છીએ. બાળકોને શાળાએ મોકલવામાં પણ તકલીફ પડે છે. અમારાં બાળકો સરકારી શાળામાં ભણે છે. જેટલી જલદી બને એટલું અમને ત્યાં જ ઘર બનાવી આપે તેટલું સારું. એ જ અમારી ઇચ્છા છે.”

‘કોર્ટે નિર્દેશ આપ્યો, પણ મકાન ક્યારે મળશે તે ખબર નથી’

બીબીસી ગુજરાતી ગુજરાત હાઈકોર્ટ સુરત નાસીરનગર ડિમોલિશન મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

મોહસીન પઠાણ નામના એક રહેવાસીએ જણાવ્યું કે “અત્યારે અમને એક કૉમ્યુનિટી હૉલમાં રહેવાની વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ જમવાની કે બીજી કોઈ સગવડ નથી. અમારા બાળકો ભણવા જઈ શકતાં નથી. કોર્ટે આ નિર્દેશ આપ્યો છે, પણ અમને ક્યારે મકાન મળશે તે ખબર નથી. અમે પહેલેથી ગરીબ હતા અને હવે વધુ ગરીબ થઈ ગયા છીએ.”

બીજી જુલાઈ, ગુરુવારે સુરતના તત્કાલીન પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત વતી ઉપસ્થિત ઍડવૉકેટ જનરલ કમલ ત્રિવેદીએ એફિડેવિટો દાખલ કરી હતી. આ ઉપરાંત ટોરેન્ટ પાવરના એક અધિકારી વતી પણ એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી.

સુરત મ્યુનિસિપલ કમિશનરની કથિત રીતે જાણ બહાર આ મકાનો તોડી પાડવામાં આવ્યા પછી વિવાદ થયો હતો અને ડિમોલિશનના સ્થળે રહેવાસીઓએ ધરણા પણ કર્યા હતા. ત્યાર પછી એક ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના નેતૃત્વમાં એક તપાસ સમિતિ રચવામાં આવી હતી. 30 જૂને આ સમિતિએ પોતાનો અહેવાલ આપ્યા પછી તરત સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનના પાંચ અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.

સુરતના મ્યુનિસિપલ કમિશનરની એફિડેવિટને રેકૉર્ડ પર લઈને જસ્ટિસ નિખિલ કરિયલે મૌખિક આદેશમાં જણાવ્યું કે, “પ્રથમદર્શી રીતે ડિમોલિશન ગેરકાયદે હતું તે હવે નિર્વિવાદ છે. તેથી કૉર્પોરેશનની ફરજ છે કે બિનસત્તાવાર ડિમોલિશનથી વિસ્થાપિત થયેલા લોકોને તે જ જગ્યાએ રહેઠાણ બાંધી આપવામાં આવે અથવા લોકોને બીજી જગ્યાએ સમાવવામાં આવે. સુનાવણીની આગામી તારીખ સુધીમાં કમિશનરે આ અંગેની દરખાસ્ત સોંપવાની રહેશે.”

આગામી 9મી જુલાઈએ વધુ સુનાવણી

બીબીસી ગુજરાતી ગુજરાત હાઈકોર્ટ સુરત નાસીરનગર ડિમોલિશન મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ

ઇમેજ સ્રોત, Rupesh Sonwane

ગઈ 30 મેએ સુરત પોલીસ અને મ્યુનિસિપલ કૉર્પોરેશનના અધિકારીઓની હાજરીમાં નાસીરનગરમાં 100થી વધારે કાચા મકાનો તોડી પાડવામાં આવ્યા ત્યારે ખળભળાટ મચી ગયો હતો.

નવાઈની વાત એ હતી કે મ્યુનિસિપલ કૉર્પોરેશને દાવો કર્યો કે તેમને “આ ડિમોલિશન માટે આદેશ આપ્યા ન હતા” અને તેના અધિકારીઓ માત્ર એક રોડ માટે ડિમાર્કેશન કરવા ગયા હતા.

સુરત પોલીસે પણ આ ડિમોલિશનથી છેડો ફાડવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, મકાન ગુમાવનારા પૈકી 26 લોકોએ કોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી જેના પર હાઇકોર્ટમાં સુનાવણી થઈ હતી.

કોર્ટે એવી ટિપ્પણી પણ કરી હતી કે ડિમોલિશન બિનસત્તાવાર હતું તેને ધ્યાનમાં લેતા કેટલાક અરજકર્તાઓએ ફરિયાદ કરી ત્યારે તેના પર કામગીરી કરવી એ પોલીસની ફરજ હતી.

ગુજરાત હાઇકોર્ટે આગામી 9મી જુલાઈએ વધુ સુનાવણી રાખી છે અને તેનાથી અગાઉ આ અંગે એફિડેવિટ દાખલ કરવા સુરતના મ્યુનિસિપલ કમિશનર એમ. નાગરાજનને નિર્દેશ આપ્યો છે.

આ ઉપરાંત હાઇકોર્ટે ગુજરાત સરકારને પણ પોતાનું વલણ સ્પષ્ટ કરવા કહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS