Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Maria Patzwald
મારિયા પત્ઝવાલ્ડ જણાવે છે કે, “આ સારવાર વિના તે વહેલો જન્મ્યો હોત અને જીવનની શરૂઆત તેના માટે ખૂબ મુશ્કેલ બની રહેત.”
38 વર્ષની મારિયા જ્યારે પોતાના બીજા બાળક વખતે ગર્ભવતી થઈ, ત્યારે શરૂઆતમાં તેમને કોઈ ચિંતા નહોતી.
મારિયાએ BBC વર્લ્ડ સર્વિસને જણાવ્યું, “બધું બરાબર જ ચાલી રહ્યું હતું. પરંતુ એક તબક્કા પછી સ્થિતિ બદલાવા લાગી.”
ત્યારબાદ જ્યારે તેમને 32 અઠવાડિયાનો ગર્ભ હતો, ત્યારે ડૉક્ટરોએ તેમને પ્રી-એક્લેમ્પ્સિયા હોવાનું નિદાન કર્યું.
આ એક એવી ગંભીર સમસ્યા છે, જેમાં ઊંચો રક્તચાપ જોવા મળે છે અને જે માતા તથા બાળક બંનેના જીવન માટે જોખમકારક બની શકે છે. મારિયાને કહેવામાં આવ્યું હતું કે બાળકનો જન્મ થાય ત્યાં સુધી હૉસ્પિટલમાં જ રહેવું પડશે.
પુત્રજન્મની રાહ જોતી વખતે તેમની એવી 16 મહિલાઓમાંથી એક તરીકે પસંદ કરવામાં આવી હતી, જેઓ એક પ્રયોગાત્મક સારવાર પરીક્ષણમાં ભાગ લઈ રહી હતી. વૈજ્ઞાનિકોને આશા છે કે આ નવી પદ્ધતિ દ્વારા પહેલી વાર આ રોગના મૂળ કારણની સારવાર થઈ શકે તેમ છે.
વિશ્વભરમાં દર વર્ષે 70,000થી વધુ માતાઓ અને 500,000 બાળકોના મૃત્યુ માટે પ્રી-એક્લેમ્પ્સિયા અને ઊંચો રક્તચાપ જવાબદાર છે.
આ સમસ્યા ખૂબ સામાન્ય હોવા છતાં તેની સારવારમાં ઘણાં વર્ષોથી કોઈ ખાસ પ્રગતિ થઈ નથી. એકવાર આ બીમારી શરૂ થઈ જાય પછી તેને સંપૂર્ણપણે નિયંત્રિત કરવી ડૉક્ટરો માટે ખૂબ મુશ્કેલ બની જાય છે.
આ સમસ્યાનો એકમાત્ર ઉપાય છે બાળકને જન્મ આપવો.
આ પ્રારંભિક તબક્કાના પરીક્ષણમાં અમેરિકન વૈજ્ઞાનિકોએ એક એવા પ્રોટીનને નિશાન બનાવ્યું, જેને તેઓ પ્રી-એક્લેમ્પ્સિયા માટે જવાબદાર માનતા હતા. તેઓ જાણવા માંગતા હતા કે માતાના રક્તમાંથી આ પ્રોટીનને શારીરિક રીતે દૂર કરવામાં આવે તો માતાની તબિયતમાં સુધારો થઈ શકે કે નહીં? અને શું ગર્ભાવસ્થાનો સમય સુરક્ષિત રીતે વધુ લંબાવી શકાય ખરો?
તીવ્ર અને વહેલી અવસ્થામાં દેખાતા પ્રી-એક્લેમ્પ્સિયાથી પીડિત 16 મહિલાઓ પર કરાયેલા આ અભ્યાસમાં વૈજ્ઞાનિકોએ જોયું કે માતા કે બાળકને કોઈ નકારાત્મક અસર કર્યા વિના તેમની ગર્ભાવસ્થાનો સમય સરેરાશ 10 દિવસ સુધી વધારી શકાયો હતો. આ સંશોધનનાં પરિણામો તેમણે ‘નેચર મેડિસિન’ નામના વૈજ્ઞાનિક સામયિકમાં પ્રકાશિત કર્યાં છે.
આ સારવારના કારણે મારિયાએ પોતાના પુત્ર બેનેટને 34 અઠવાડિયે જન્મ આપ્યો.
ગર્ભાવસ્થામાં આ એક અત્યંત મહત્ત્વપૂર્ણ તબક્કો માનવામાં આવે છે, કેમ કે તેમાં અકાળે જન્મેલાં બાળકોના જીવતા બચવાની શક્યતા વધી જાય છે.
બ્લડ ફિલ્ટરેશન થેરાપી શું છે?
ઇમેજ સ્રોત, Getty Images
સંશોધકોને હજુ આ બાબતે સંપૂર્ણ ખાતરી નથી, પરંતુ અભ્યાસો દર્શાવે છે કે જ્યારે ગર્ભનાળ (પ્લેસેન્ટા) અસામાન્ય રીતે વિકસે, રક્તપ્રવાહના માર્ગમાં ફેરફાર કરે અને માતાના સામાન્ય રક્તચાપ નિયંત્રણમાં અવરોધ ઊભો કરે ત્યારે પ્રી-એક્લેમ્પ્સિયા થાય છે.
પરિણામે હાઈ બ્લડ પ્રેશર સ્ટ્રોક અને અંગોને નુકસાન પહોંચાડી શકે છે.
આ સમસ્યા સામાન્ય રીતે ગર્ભાવસ્થાનાં 20 અઠવાડિયાં પછી અથવા બાળકના જન્મ પછીના થોડા દિવસોમાં થાય છે.
નિયમિત ગર્ભાવસ્થા દરમિયાન કરવામાં આવતી રક્તચાપ અને પેશાબની તપાસ દ્વારા તેને ઓળખી શકાય છે.
અન્ય લક્ષણોમાં પેઇનકિલરથી ન ઊતરે તેવો ગંભીર માથાનો દુખાવો, દૃષ્ટિની સમસ્યાઓ, પાંસળી નીચેનો દુખાવો, ચહેરો, હાથ અથવા પગમાં અચાનક સોજો, દવાથી ન મટે તેવી બળતરા અને ઊલટીનો સમાવેશ થાય છે.
અમેરિકામાં સીડર્સ-સિનાઈ મેડિકલ સેન્ટરની ટીમ દ્વારા પ્રોફેસર રવિ થડાણી અને પ્રોફેસર આનંદ કરુમાનજીના નેતૃત્વમાં હાથ ધરવામાં આવેલી આ ટ્રાયલમાં મહિલાઓનું લોહી લેવામાં આવ્યું હતું અને આ અસરને ઉત્તેજિત કરતું પ્રોટીન, જેને sFlt-1 કહેવાય છે, તેને ફિલ્ટર કરવામાં આવ્યું. પછી કિડની ડાયાલિસિસ જેવી પ્રક્રિયા દ્વારા શરીરમાં ફરીથી દાખલ કરવામાં આવ્યું હતું.
આ પ્રકારની બીમારી ધરાવતી મહિલાઓને ખેંચ આવતી અટકાવવા અને રક્તચાપ નિયંત્રિત રાખવા માટે દવાઓ આપી શકાય છે, પરંતુ અત્યાર સુધી તેનો સંપૂર્ણ ઉપચાર માત્ર બાળકનો જન્મ કરાવવાથી શક્ય માનવામાં આવતો હતો.
પરંતુ સમય પહેલા ડિલિવરી બાળક માટે જોખમ ઊભું કરે છે.
જર્મનીનાં મારિયા જેવાં કેટલાંક મહિલાઓએ અનેક સત્રોમાં ભાગ લીધો હતો. આ સારવારને લીધે તેમના બાળકના વિકાસ માટે અગત્યના વધારાના બે અઠવાડિયાં મળી શક્યાં.
મારિયાએ જણાવ્યું કે, “જો બાળક 34 અઠવાડિયાંમાં અથવા તે પછી જન્મે તો તેમને ગંભીર સ્વાસ્થ્યની સમસ્યાઓ કે લાંબા ગાળાની અસરો થવાની શક્યતા ઘણી ઓછી રહે છે. તેથી આ અમારા માટે એક બહુ મોટી રાહત હતી.”
આ અભ્યાસના લેખકો માને છે કે આ સારવાર પદ્ધતિ ગર્ભાવસ્થાને વધુ લંબાવવાની ક્ષમતા ધરાવે છે.
થડાની જણાવે છે કે, “આ સારવાર વહેલી શરૂ કરવામાં આવે… તો ગર્ભાવસ્થાને ઘણાં અઠવાડિયાં સુધી લંબાવી શકાય છે.”
તબીબો આ અંગે શું કહે છે?
ઇમેજ સ્રોત, Getty Images
લંડનની સેન્ટ જ્યોર્જ હૉસ્પિટલનાં કન્સલ્ટન્ટ પ્રસૂતિશાસ્ત્રી પ્રોફેસર અસ્મા ખલીલે જણાવ્યું કે, “આ એક ખૂબ જ રોમાંચક પ્રારંભિક અભ્યાસ છે.”
તેમણે એ પણ નોંધ્યું કે ડિસઓર્ડરના જૈવિક કારણને લક્ષ્ય બનાવી શકે તેવી સારવાર ખાસ આશાસ્પદ છે.
તેમણે જણાવ્યું કે, “જે મહિલાઓને ખૂબ વહેલી અને ગંભીર પ્રી-એક્લેમ્પ્સિયા થાય છે, તેમના માટે સુરક્ષિત રીતે થોડા વધારાના દિવસો મળવા બાળક માટે અત્યંત મહત્ત્વપૂર્ણ બની શકે છે.” જોકે, તેમણે એમ પણ કહ્યું કે આ માટે હજી મોટા પ્રમાણમાં અને વધુ નિયંત્રિત ક્લિનિકલ પરીક્ષણોની જરૂર છે.
કિંગ્સ કૉલેજ લંડન ખાતે પ્રી-એક્લેમ્પ્સિયા ચેરિટીના પ્રમુખ અને માતૃત્વ અને ગર્ભ સ્વાસ્થ્યના પ્રોફેસર ઍન્ડ્રુ શેનોને જણાવ્યું કે, “આ પ્રક્રિયા ખરેખર સારી હોવા છતાં, આ ટ્રાયલ ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો પર હાથ ધરવામાં આવી હતી, તેથી લોહી ફિલ્ટર કરવાની આ પદ્ધતિ ખરેખર માતાઓ અને બાળકો માટે સલામત છે કે કેમ તે હાલમાં અનિશ્ચિત છે.”
તેમનું કહેવું છે કે પ્રી-એક્લેમ્પ્સિયાથી મૃત્યુ પામેલી મોટાભાગની સ્ત્રીઓ ઓછી આવક ધરાવતા દેશોમાં રહે છે જ્યાં અપૂરતી તબીબી સુવિધાઓ છે.
તેમણે નોંધ્યું છે કે આ અત્યંત આધુનિક તકનીકી રક્ત શુદ્ધિકરણ સાધનથી આ મહિલાઓને ફાયદો થવાની શક્યતા ઓછી છે, છતાં હાલની સારવાર દ્વારા ઘણા લોકોના જીવ બચાવી શકાય છે.
તેઓ ભારપૂર્વક કહે છે, “જો આપણે કેટલીક મૂળભૂત બાબતો વધુ સારી રીતે કરીશું, તો આપણી પાસે આવતીકાલે ફરક લાવવા માટે ટૅક્નૉલૉજી હશે.”
થડાણીએ જણાવ્યું કે, “લોહી ફિલ્ટર કરવા માટે જરૂરી સાધનો કિડનીના ડાયાલિસિસ કરવાનાં મશીનો જેવાં જ છે, અને તે “શક્ય” છે કે પૂરતી સુવિધાઓ વિનાના ક્લિનિક્સ પ્રી-એક્લેમ્પ્સિયાની સારવાર માટે આ મશીનોને અનુકૂલિત કરી શકે.”
‘મારા માટે ગૌરવભરી વાત’
ઇમેજ સ્રોત, Maria Patzwald
થડાણી કહે છે કે, આ સારવારનો મોટા પાયે અભ્યાસ આવતા વર્ષની શરૂઆતમાં શરૂ થવાનો છે.
તેમને આશા છે કે આગામી ત્રણથી પાંચ વર્ષમાં તે હૉસ્પિટલોમાં પહોંચી શકે છે.
તેમણે જણાવ્યું કે, “જો તે બહાદુર મહિલાઓ ભાગ લેવા માટે સંમત થઈ ન હોત તો આપણે આજે અહીં ન હોત… તેમાં કોઈ શંકાને સ્થાન નથી, તેઓ ખરેખર આ વાર્તાની નાયિકાઓ છે.”
મારિયા કહે છે કે તેમણે જે નાનકડા સંશોધનમાં ભાગ લીધો હતો, તે ભવિષ્યમાં માતાઓ અને બાળકોને મદદરૂપ બની શકશે, આ વિચાર જ તેમના માટે થોડો આશ્ચર્યજનક છે. કારણ કે તેઓ તો માત્ર પોતાને મળેલી તક માટે આભારી હતાં.
તેમણે જણાવ્યું, “થોડા દિવસો પહેલા મેં માતાઓના એક જૂથ સાથે આ વિશે વાત કરી હતી, અને તેઓએ ભાગ લેવાની હિંમત અને બાળકો અને માતાઓના જીવિત રહેવાની શક્યતા વધારવામાં મદદ કરવા બદલ મારો આભાર માન્યો હતો. તે પછી જ મને સમજાયું કે આ એવી વસ્તુ છે જેના પર હું ગર્વ કરી શકું.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




