Home તાજા સમાચાર gujrati ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સહિત અન્ય જૂથો પર અમેરિકાની...

ગુજરાતની સાબરમતી જેલમાં બંધ લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સહિત અન્ય જૂથો પર અમેરિકાની કાર્યવાહી

3
0

Source : BBC NEWS

લૉરેન્સ બિશ્નોઈ હાલ સાબરમતી જેલમાં બંધ છે

ઇમેજ સ્રોત, Getty Images/ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

યુએસ પ્રૉસિક્યૂટર્સે બિશ્નોઈ ગૅંગ સહિત ભારત-બેઝ્ડ ત્રણ સંગઠિત ગુનાહિત જૂથો સાથે કથિત જોડાણના આરોપમાં યુએસ, કૅનેડા અને યુરોપમાં 24 શકમંદોની ધરપકડ કરી છે.

આ અંગેની માહિતી અમેરિકામાં કૅલિફોર્નિયા ઍટર્ની જનરલ ઑફિસ દ્વારા આપવામાં આવી છે.

બીબીસીનાં પત્રકાર જેસિકા મર્ફીના અહેવાલ મુજબ, આ શકમંદો પર વર્ષ 2023માં કૅનેડાના બ્રિટિશ કોલંબિયા ખાતે એક ગુરુદ્વારાની બહાર શીખ નેતા હરદીપસિંહ નિજ્જરની હત્યાનું કાવતરું ઘડવા સહિત અનેક અન્ય આરોપ લગાવવામાં આવ્યા છે.

લૉસ ઍન્જલસમાં સંઘીય પ્રૉસિક્યૂટર્સે જણાવ્યું હતું કે આ ધરપકડો સમગ્ર વિશ્વમાં ટાર્ગેટેડ કિલિંગ, ખંડણી અને ડ્રગ્સની હેરફેરમાં સંડોવાયેલા ભારતીય ગુનાહિત ગૅંગની અનેક વર્ષની સંઘીય તપાસનું પરિણામ છે.

મંગળવારે જાહેર કરાયેલા ત્રણ મામલામાં કુલ 37 આરોપીઓનાં નામ મૂકવામાં આવ્યાં છે. આ આરોપીઓમાંથી બે એવા છે જે ભારતીય જેલમાં બંધ હોવા છતાં તેમની વૈશ્વિક ગુનાહિત ગૅંગ ચલાવી રહ્યા હતા.

અમેરિકામાં 13 શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી, તેમજ કૅનેડામાં ત્રણ અને સ્પેનમાં એકની ધરપકડ કરવામાં આવી હતી. તાજેતરની આ કાનૂની કાર્યવાહી અગાઉ સાત શકમંદો પહેલાંથી જ કસ્ટડીમાં હતા.

કાયદાના અમલીકરણ માટેની એજન્સીઓ દસ ભાગેડુઓને શોધી રહી છે, જેમાંથી સાત અમેરિકામાં, બે ભારતમાં અને એક યુરોપમાં છે.

ફર્સ્ટ આસિસ્ટન્ટ યુનાઇટેડ સ્ટેટ્સ ઍટર્ની બિલ એસેલીએ જણાવ્યું હતું કે ભય, ડ્રગ્સ અને હિંસા ફેલાવતી આંતરરાષ્ટ્રીય ગુનાહિત ગૅંગોને કાયદાની સંપૂર્ણ તાકત અને સંઘીય સરકારના સંપૂર્ણ દબાણનો સામનો કરવો પડશે.

તેમણે કહ્યું, “આ બદમાશો માટે કોઈ સુરક્ષિત જગ્યા નથી.”

ત્રણ વર્ષ પહેલાં વાનકુવરથી લગભગ ત્રીસ કિલોમીટર દૂર આવેલા સરે શહેરમાં ગુરુ નાનક શીખ ગુરુદ્વારા સાહિબના પાર્કિંગમાં બુકાની બાંધીને આવેલા બે બંદૂકધારીઓએ નિજ્જરને તેમની કારમાં ગોળી મારીને હત્યા કરી દીધી હતી.

નિજ્જર એક અગ્રણી અલગતાવાદી શીખ નેતા હતા અને જેમણે ખાલિસ્તાનની રચના માટે જાહેર ઝુંબેશનું નેતૃત્વ કર્યું હતું.

સંઘીય પ્રૉસિક્યૂટર્સે ભારતના પંજાબના રહેવાસી લૉરેન્સ બિશ્નોઈ અને સતિન્દરજિત ઉર્ફે ગોલ્ડી બ્રાર પર નિજ્જરની હત્યાનો આદેશ આપવાનો આરોપ મૂક્યો છે.

ગોલ્ડી બ્રાર હજુ પણ ફરાર છે, જ્યારે બિશ્નોઈ 2015થી ભારતીય જેલમાં છે. એફબીઆઇએ ગોલ્ડી બ્રારને વૉન્ટેડ જાહેર કર્યો છે અને માહિતી આપનારને 50,000 અમેરિકન ડૉલરનું ઇનામ જાહેર કર્યું છે.

કૅનેડાએ ગયા વર્ષે બિશ્નોઈ ગૅંગને આતંકવાદી સંગઠન તરીકે સૂચિબદ્ધ કરી હતી, જેનાથી સંઘીય સરકારને ગૅંગની સંપત્તિ જપ્ત કરવાની અને દેશમાં નાણાં ફ્રીઝ કરવાની મંજૂરી મળી હતી.

હત્યાના આ મામલામાં વર્ષ 2024માં ચાર ભારતીય નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી અને તેમના પર આરોપ મૂકવામાં આવ્યા હતા, જેના કારણે ભારત અને કૅનેડા વચ્ચે મોટો રાજદ્વારી વિવાદ શરૂ થયો હતો. એ લોકો હજુ પણ ટ્રાયલની રાહ જોઈ રહ્યા છે.

મંગળવારે, વકીલોએ આરોપ લગાવ્યો હતો કે બિશ્નોઈ ગૅંગે અગ્રણી ધાર્મિક અને રાજકીય નેતાઓને નિશાન બનાવ્યા હતા અને સમુદાયના સભ્યો પાસેથી ખંડણી માગવાનો પ્રયાસ કર્યો હતો.

તેમણે આરોપ લગાવ્યો હતો કે બિશ્નોઈ, બ્રાર અને અન્ય આરોપીઓએ કૅલિફોર્નિયામાં પીડિતો પાસેથી પૈસા પડાવવાનો પ્રયાસ કર્યો હતો, ડિસેમ્બર અને જાન્યુઆરીમાં એક પીડિત પાસેથી પાંચ મિલિયન અમેરિકન ડૉલરની માગણી કરાઈ હતી.

તપાસ એજન્સીઓએ મંગળવારે જણાવ્યું હતું કે તપાસના ભાગરૂપે લગભગ 1,000 કિલોગ્રામ કોકેન, એક કિલોગ્રામ હેરોઇન, 40,000 અમેરિકન ડૉલર રોકડા અને 12 હથિયાર જપ્ત કરવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં ડ્રગ્સની હેરફેર અને ગેરકાયદેસર હથિયારો સંબંધિત મોટી જપ્તીનો સમાવેશ થાય છે.

આ તપાસમાં એફબીઆઇ, લૉસ ઍન્જલસ પોલીસ, રૉયલ કૅનેડિયન માઉન્ટેડ પોલીસ અને યુએસ કસ્ટમ્સ અને બૉર્ડર પ્રોટેક્શન અધિકારીઓએ ભાગ લીધો હતો.

જગ્ગુ ભગવાનપુરિયા અને રવીન્દર ઢાંડા અને અન્ય લોકો સામે કયા આરોપો છે?

બીબીસી ગુજરાતી, ગુજરાત,  બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, NCB

25 જૂનના રોજ દાખલ કરાયેલા સંઘીય ગ્રાન્ડ જૂરીના સાત ભાગના આરોપપત્રમાં 17 પ્રતિવાદીઓ પર એક ગુનાહિત ગૅંગ ચલાવવાનો આરોપ મૂકવામાં આવ્યો છે, જે કથિત રીતે યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અને સમગ્ર વિશ્વમાં ‘સુપારી’ હત્યા, ડ્રગ હેરફેર, અપહરણ, ખંડણી, હથિયારોની હેરફેર અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલી છે.

આ ચાર્જશીટમાં જગ્ગુ ભગવાનપુરિયાને પણ આરોપી બનાવવામાં આવ્યો છે. પંજાબનો 38 વર્ષીય જગ્ગુ ભગવાનપુરિયા ભારતની જેલમાં બંધ એક ગૅંગસ્ટર છે, જે શરૂઆતમાં બિશ્નોઈનો સહયોગી હતો, પરંતુ બાદમાં તેનો હરીફ બન્યો અને પંજાબમાં પોતાની અલગ ગૅંગ બનાવી.

રિપોર્ટ અનુસાર, ભગવાનપુરિયા ગૅંગ એક આંતરરાષ્ટ્રીય ગુનાહિત ગૅંગ તરીકે કાર્યરત છે, જેનું મુખ્ય મથક ભારતમાં છે. તેના સભ્યો યુએસ, કૅનેડા, યુનાઇટેડ કિંગડમ, યુરોપ, ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલૅન્ડમાં ફેલાયેલા છે. આ ગૅંગમાં આખા વિશ્વમાં એક હજારથી વધુ સભ્યો છે. માત્ર અમેરિકામાં જ તેના 100થી વધુ સભ્યો અને સહયોગી છે.

પોતાની શક્તિ વધારવા માટે, આ ગૅંગે ભારતમાં પોલીસ અધિકારીઓ સાથે ભ્રષ્ટાચાર અને સાઠગાંઠ કરી, જેમાં ખંડણી યોજનાઓમાં મદદ કરવાનો પણ સમાવેશ થાય છે. તેણે કાયદાનું અમલીકરણ કરતા અધિકારીઓને કથિત ગુનાઓ વિશે ખોટી માહિતી પણ પૂરી પાડી.

ભગવાનપુરિયા ગૅંગે આ ખોટી માહિતીનો ઉપયોગ તેમના વિરોધીઓ અને પોલીસને ટેકો આપનારા વ્યક્તિઓને નિશાન બનાવવા માટે કર્યો હતો. આના કારણે ઘણી વાર ભ્રષ્ટ પોલીસ અધિકારીઓ દ્વારા તેમની વિરુદ્ધ પાયાવિહોણાં ગુનાહિત કૃત્યો અને ખંડણીના કાવતરા સંબંધિત કાર્યવાહી શરૂ કરવામાં આવતી હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત,  બીબીસી, અમદાવાદ,

23 જૂનના રોજ દાખલ કરાયેલા આઠ આરોપોમાં વાનકુવરના રવીન્દરસિંહ ધાંડા ઉર્ફે રેડ્ડી, રોલેક્સ, જોન વિક, સરેના જસકરણ બાગરી ઉર્ફે બાબા, ક્રેસ્ટનના ગુરતેજસિંહ સમાઘ ઉર્ફે સિમ્બા અને અન્ય આઠ પ્રતિવાદીઓ પર દર અઠવાડિયે યુનાઇટેડ સ્ટેટ્સથી કૅનેડામાં સેંકડો કિલોગ્રામ કોકેન અને મેથામ્ફેટામાઇન સપ્લાય, દાણચોરી અને વિતરણ કરવા સહિતના આઠ આરોપ છે.

આરોપ મુજબ, ઢાંડા યુનાઇટેડ સ્ટેટ્સ, કૅનેડા અને મૅક્સિકોમાં ડ્રગ્સની હેરફેર કરતી સંસ્થાઓને કોકેન અને મેથામ્ફેટામાઇન પૂરા પાડવા માટે આંતરરાષ્ટ્રીય સેવાઓનું નેટવર્ક ચલાવતો હતો. તેણે આ સંસ્થાઓ સાથે ટ્રાન્સપૉર્ટેશન ભાવ અને લૉજિસ્ટિક્સ પર વાટાઘાટો કરી અને ડ્રગ્સના સંગ્રહ અને પુરવઠાનો પેટા કૉન્ટ્રાક્ટ આપ્યો.

ગ્રેટર લૉસ ઍન્જલસ વિસ્તારમાંથી કોકેન અને મેથામ્ફેટામાઇન લાંબા અંતરના સેમિ-ટ્રક દ્વારા યુએસ-કૅનેડા સરહદ પર દાણચોરી કરવામાં આવતી હતી. કેટલીક વાર, કૃષિ ટ્રકોમાં ડ્રગ્સની દાણચોરી કૅનેડામાં કરવામાં આવતી હતી.

આપને જણાવી દઈએ કે ચાર્જશીટ ફક્ત એક આરોપ છે. જ્યાં સુધી કોર્ટમાં શંકા વિના દોષિત સાબિત ન થાય ત્યાં સુધી બધા આરોપીઓને નિર્દોષ માનવામાં આવે છે.

જો દોષિત ઠેરવવામાં આવે તો, ઘણા આરોપીઓને સંઘીય જેલમાં ઓછામાં ઓછી દસ વર્ષ સુધીની ફરજિયાત સજા અને વધુમાં વધુ આજીવન કેદની સજા થઈ શકે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS