Home તાજા સમાચાર gujrati માત્ર 24 કલાકમાં 49 હજાર લોકો દરિયો તરીને જ સ્પેનના આ પ્રદેશમાં...

માત્ર 24 કલાકમાં 49 હજાર લોકો દરિયો તરીને જ સ્પેનના આ પ્રદેશમાં કેમ ઘૂસી ગયા?

2
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Marcos Moreno/Anadolu via Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

સેઉટાના પ્રમુખ પ્રમાણે ગત 24 કલાકમાં લગભગ 60,000 માઇગ્રન્ટ્સ મોરોક્કોથી સ્પેનના ઉત્તર આફ્રિકન પ્રદેશ સેઉટામાં પ્રવેશ્યા છે.

જુઆન જીસસ વિવાસે એક પત્રકારપરિષદ દરમિયાન જણાવ્યું હતું કે આ માર્ગ પાર કરતી વખતે ઓછામાં ઓછા 34 લોકોનાં મૃત્યુ થયાં છે.

આ મહિને સ્પેનની સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પ્રમાણે સેઉટા કે મેલિલા જેવા દેશના પ્રદેશો સુધી દરિયાઈ માર્ગે પહોંચવાના પ્રયાસ કરતી વખતે રોકવામાં આવેલા માઇગ્રન્ટ્સને તાત્કાલિક મોરક્કો ન મોકલી શકાય. જે બાદથી આ ધસારો જોવા મળ્યો છે.

વડા પ્રધાન પેડ્રો સાંચેઝે પરિસ્થિતિને “હુમલો” ગણાવી અને કહ્યું કે સરકાર તમામ ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને “શક્ય તેટલી વહેલી તકે” મોરક્કો પરત મોકલવા માટે કામ કરી રહી છે. ઘણા યુરોપિયન નેતાઓએ ચિંતા વ્યક્ત કરી છે, કેટલાકે સરહદ નિયંત્રણો કડક બનાવવાનું વચન પણ આપ્યું છે.

યુકેના વડા પ્રધાન ઍન્ડી બર્નમ અને ફ્રેન્ચ રાષ્ટ્રપતિએ સ્પેનને મદદની પેશકશ કરી.

મોરક્કોના ઉત્તર કાંઠે આવેલું સેઉટા, જિબ્રાલ્ટરની સામુદ્રધુની દ્વારા સ્પેનની મુખ્ય ભૂમિથી અલગ થયેલું છે અને લાંબા સમયથી યુરોપ પહોંચવાનો પ્રયાસ કરતા માઇગ્રન્ટ્સ માટે આ સ્થળ એક કેન્દ્રબિંદુ રહ્યું છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ક્રૉસિંગના પ્રયાસોમાં તાજેતરમાં થયેલા વધારા બાદ સ્થાનિક અધિકારીઓએ સરકારને મદદ માટે અપીલ કરી હતી, પરંતુ ગુરુવારે સરહદ નિયંત્રણો ખોરવાઈ જતાં અરાજકતા દર્શાવતાં દૃશ્યો સર્જાયાં હતાં.

ગુરુવારનાં વીડિયો અને તસવીરોમાં હજારો લોકો શહેરમાં તરીને આવતા દેખાય છે, જોકે, સ્થાનિક મીડિયાએ શુક્રવારે પણ માઇગ્રન્ટ્સના પ્રયાસો ચાલુ રહ્યા હોવાના અહેવાલ આપ્યા હતા.

જીસસ વિવાસે જણાવ્યું હતું કે પરિસ્થિતિ “બિનટકાઉ” છે અને તાજેતરમાં આવેલા માઇગ્રન્ટ્સની સંખ્યા શહેરની વસ્તીના લગભગ 70 ટકા જેટલી છે – નોંધનીય છે કે લેટેસ્ટ સ્થાનિક આંકડા અનુસાર આ પ્રદેશની વસતી લગભગ 83,600 છે.

સ્પેને હવે સેઉટા અને તેના સિસ્ટર સિટી મેલિલામાં સુરક્ષા મજબૂત બનાવવા માટે તેનાં સશસ્ત્ર દળોને તહેનાત કર્યાં છે, આ પ્રદેશમાં એક જ રાતમાં 300થી 400 ક્રૉસિંગના બનાવો રિપોર્ટ કરાયા હતા.

શુક્રવારે સેઉટાની મુલાકાત દરમિયાન બોલતાં, વડા પ્રધાને આ રીતે આ પ્રદેશોમાં પ્રવેશના પ્રયાસની નિંદા કરી અને કહ્યું કે આ સ્પેનની પ્રાદેશિક અખંડિતતા પર હુમલો છે.

સાંચેઝે ઉમેર્યું હતું કે સરકાર મોરક્કો સાથેની સરહદને મજબૂત બનાવવા અંગે વિચારશે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, EPA/Shutterstock

વડા પ્રધાને આ ખતરનાક પ્રસંગો માટે સુપ્રીમ કોર્ટના હાલના આદેશને ખોટી રીતે હાથો બનાવનાર ગુનાહિત નેટવર્કો પર આનો આરોપ મૂક્યો, તેમણે ઉમેર્યું “પાછલા અમુક કલાકોમાં” ખોટી માહિતી “દાવાનળની જેમ ફેલાઈ છે.”

તેમણે કહ્યું કે મોરક્કોના અધિકારીઓ ગેરકાયદેસર રીતે પ્રવેશ કરનારાને પરત મોકલવાની યોજનામાં સહયોગ કરી રહ્યા છે.

સેઉટા અને મેલિલાના ભૂતકાળનાં મૂળ સ્પેન સાથે જોડાયેલાં છે અને આ બંને પ્રદેશો વર્ષ 1995થી મર્યાદિત સ્વરાજ્ય ભોગવે છે.

મોરક્કો દ્વારા ઇચ્છિત આ બંને પ્રદેશો આ બંને દેશો વચ્ચેના રાજદ્વારી સંબંધો માટે એક ઘર્ષણબિંદુ રહ્યા છે.

આ પ્રદેશો યુરોપિયન સંઘ સાથે આફ્રિકાની એકમાત્ર જમીની સરહદ બનાવે છે.

મોરોક્કોથી સરહદ પાર કરનારામાં ઘણા યુવાન હતા, મુખ્યત્વે પુરુષો, જોકે ભીડમાં સ્ત્રીઓ અને બાળકો અને સાવ નાનાં ભૂલકાં પણ હતાં.

અધિકારીઓનો અંદાજ છે કે પાછલા 24 કલાકમાં ગેરકાયદેસર રીતે આ પ્રદેશમાં પ્રવેશ કરનારામાંથી ઓછામાં ઓછા 7,000 સગીર છે.

સામાન્ય રીતે, સેઉટામાં પ્રવેશવાનો પ્રયાસ કરવા માટે, માઇગ્રન્ટ્સ દરિયા કિનારાથી ઘણા કિલોમીટર દૂર તરીને જતા હતા. આ વખતે તેઓ સરળતાથી સરહદની વાડની નજીક પહોંચી શક્યા હોય તેવું લાગ્યું.

શરૂઆતમાં, કેટલાક તો જેટી (દરિયાકાંઠે વાહન પર સવાર થવા કે ઊતરવા માટે બનાવાયેલું સ્થળ) પરના પથ્થરો પર અને તેના છેડાની આસપાસ પણ ચાલતા હતા, પરંતુ મોટા ભાગના લોકોને બીજી બાજુના દરિયાકાંઠા સુધી પહોંચવા માટે તરીને બહાર આવવું પડતું હતું.

આ દરમિયાન મોરક્કન બૉર્ડર ગાર્ડ ક્યાં હતા અને માઇગ્રન્ટ્સ જૂથોને કેમ વિખેરવા કે રોકવામાં ન આવ્યાં તે સ્પષ્ટ નથી.

‘અહીં લોકો મરી રહ્યા છે’

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

એક માઇગ્રન્ટે રૉયટર્સ ન્યૂઝ એજન્સીને જણાવ્યું કે તેઓ મોરક્કો પાછા ફરી રહ્યા છે, અને ઉમેર્યું:

“તે બિલકુલ સારું નથી, અને કોઈ મજા પણ નથી.”

“મારો કહેવાનો અર્થ છે કે અહીં લોકો મરી રહ્યા છે. હું તમને વિનંતી કરું છું, પ્લીઝ, જો તમે હજુ સુધી ન આવ્યા હો, તો ન આવો. આવું ન કરતા.”

સ્થાનિક મીડિયાએ ગુરુવારથી સેઉટાના રસ્તા પર અરાજકતા જોવા મળી હોવાના અહેવાલ આપ્યા હતા, એક રહેવાસીએ સ્પેનના એબીસીને જણાવ્યું હતું કે લોકો ડરી ગયા છે.

“કોઈ પણ શેરીમાં બહાર નથી જઈ રહ્યું. તેઓ ગભરાઈ ગયા છે.”

એક હૉસ્પિટલના સિક્યૉરિટી ગાર્ડે સ્પેનિશ સાઇટને જણાવ્યું, “આ અમે પહેલાં જે અનુભવ્યું છે, તેના કરતાં ખૂબ વધુ મજબૂત અને આક્રમક છે.”

ગત વખતે વર્ષ 2021માં માઇગ્રન્ટ્સના પ્રવેશમાં વધારો જોવા મળ્યો હતો – જોકે, એ વખતે એ સંખ્યા હાલની સંખ્યાની આસપાસ પણ નહોતી. ત્યારે પશ્ચિમ સહારાના સાર્વભૌમત્વ અંગે સ્પેનિશ સરકાર સાથેના વિવાદને પગલે મોરક્કન અધિકારીઓએ લગભગ 8,000 લોકોને સરહદ પાર કરવાની મંજૂરી આપી હતી.

તાજેતરમાં, સાંચેઝના અલ્જેરિયા પ્રવાસ બાદ આ રાજદ્વારી વિવાદ ફરી વખત તીવ્ર બન્યો છે. નોંધનીય છે કે અલ્જેરિયા પશ્ચિમ સહારા પ્રદેશની સ્વતંત્રતાને ટેકો આપે છે.

સેઉટામાં અટવાયા માઇગ્રન્ટ્સ?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Reuters

ઇટાલીનાં જમણેરી વડાં પ્રધાન જ્યોર્જિયા મેલોનીએ સેઉટામાં બનેલી ઘટનાઓ અંગે ખૂબ જ ઝડપથી ટિપ્પણી કરી, ત્યાંની તસવીરોને “આઘાતજનક” ગણાવી અને સોશિયલ મીડિયા પર લખ્યું કે આવા “અનિયંત્રિત ઇમિગ્રેશન” યુરોપ માટે સુરક્ષા ખતરો છે.

તેમણે કહ્યું કે ઇટાલી સ્પેન સાથે મુક્ત અવરજવર માટેના શેન્જેન ઝોન કરારને સ્થગિત કરવાનું વિચારશે, જોકે વ્યવહારમાં તેનો અર્થ શું છે તે સ્પષ્ટ નથી, કારણ કે બંને દેશો પડોશી નથી અને દસ્તાવેજ વિનાના માઇગ્રન્ટ્સ ફ્લાઇટ્સ પકડી શકે તેવી શક્યતા નથી.

ઇટાલીના વિદેશ મંત્રાલયે પાછળથી સ્પષ્ટતા કરી કે તેમના પ્રતિભાવમાં ઇટાલી-સ્પેન સરહદ પર સ્પેન સાથેના શેન્જેન કરારને સ્થગિત કરવાની વાત કરવામાં આવી હતી, અને સ્પેનને કરારમાંથી સંપૂર્ણપણે બાકાત રાખવાની નહીં.

ગમે તે હોય, સેઉટા પહોંચેલા માઇગ્રન્ટ્સ હવે ત્યાં જ અટવાઈ ગયા છે – સ્પેનિશ મુખ્ય ભૂમિ પર નહીં.

સ્પેનમાં માઇગ્રન્ટના ધાડેધાડા આવી ચડતાં વિશ્વે વ્યક્ત કરી ચિંતા

સ્પેનિશ વિદેશ મંત્રીએ કહ્યું કે આવી ટિપ્પણીઓ “એક ભાગીદાર અને મૈત્રીપૂર્ણ દેશ માટે” “અયોગ્ય” છે કે જેની પાસેથી અમે પક્ષપાતી, ઉશ્કેરણીજનક ભાષણબાજીની નહીં, પરંતુ યુરોપિયન એકતાની અપેક્ષા રાખીએ છીએ.”

તેમણે શુક્રવારે મેડ્રિડમાં ઇટાલિયન રાજદૂતને પણ બોલાવ્યા.

ઇયુનાં વડાં ઉર્સુલા વૉન ડેર લેયેને જણાવ્યું હતું કે સેઉટામાંથી સામે આવી રહેલાં દૃશ્યો “અસ્વીકાર્ય” છે અને આ બધું “તાત્કાલિક બંધ” થવું જોઈએ.

ફિનલૅન્ડનાં ગૃહમંત્રી મારી રેન્ટાનેને મેલોનીના પ્રસ્તાવને સમર્થન આપ્યું હતું અને કહ્યું હતું કે સ્પેન તેની સરહદનું રક્ષણ કરવામાં નિષ્ફળ ગયું છે, જ્યારે જર્મન ચાન્સેલર ફ્રેડરિક મર્ઝે મોરક્કોને “ગેરકાયદેસર માઇગ્રન્ટ્સને તાત્કાલિક પાછા લેવાની” માંગ કરી હતી.

શેન્જેન વિસ્તાર એ 29 યુરોપિયન દેશોને આવરી લેતી ખુલ્લી સરહદોની સિસ્ટમ છે, જેમણે તેમની સામાન્ય સરહદો પરનાં નિયંત્રણો સત્તાવાર રીતે નાબૂદ કર્યાં છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS