Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Social Media
પ્રકાશિત
વાંચવાનો સમય: 2 મિનિટ
વડોદરાની માંજલપુર વિધાનસભા બેઠકની પેટાચૂંટણી 30 જુલાઈ 2026ના રોજ મતદાન થયું હતું અને આજે 3 ઑગસ્ટે મતગણતરી થશે.
ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સતીશ પટેલ અને કૉંગ્રેસના ઉમેદવાર ભીખા રબારી વચ્ચે કાંટાની ટક્કર છે
ભાજપનો ગઢ ગણાતી માંજલપુર બેઠકના ધારાસભ્ય યોગેશ પટેલના નિધન પછી ત્યાં પેટાચૂંટણી યોજાઈ હતી.
આ યોજાયેલી પેટાચૂંટણીમાં ભાજપની અપેક્ષા કરતાં ઓછું મતદાન થયું હતું.
ગઈ ચૂંટણીમાં જેટલી લીડ ભાજપના ઉમેદવારને મળી હતી, તેનાથી પણ ઓછું મતદાન થયું છે.
આ ચૂંટણીમાં મતદાન માત્ર 37.5 ટકા થયું છે, જ્યારે 2022ની ચૂંટણીમાં યોગેશ પટેલની જીતની લીડ 64.8 ટકા હતી.
રાજકીય નિષ્ણાતોના મતે ઓછું મતદાન થવા પાછળ યુવા મતદાતાઓની ઉદાસીનતા, વરસાદ અને પેટાચૂંટણીમાં બે રાજકીય જૂથો વચ્ચે થયેલી મારામારી છે.
કૉક્રોચ જનતા પાર્ટી પાંચ ઑગસ્ટે શું કરશે?
ઇમેજ સ્રોત, Arun SANKAR / AFP via Getty Images
કૉક્રોચ જનતા પાર્ટીની કોર કમિટીની એક મહત્ત્વપૂર્ણ બેઠક પાંચ ઑગસ્ટના રોજ મહારાષ્ટ્રના છત્રપતિ સંભાજીનગરમાં યોજાશે.
સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર , સીજેપીનાં સૂત્રોએ રવિવારે જણાવ્યું હતું કે આ બેઠકમાં પાર્ટીના ભાવિ એજન્ડા અને આગામી રણનીતિ પર ચર્ચા કરવામાં આવશે.
આ બેઠક સીજેપીના સ્થાપક અભિજિત દીપકેના નિવાસસ્થાને યોજાશે. બેઠક બાદ સીજેપી એક પ્રેસ કૉન્ફરન્સ યોજીને તેનાં ભાવિ પગલાં અને લીધેલા નિર્ણયોની સત્તાવાર જાહેરાત કરશે.
એવું કહેવાય છે કે ગયા મહિને નીટ પેપરલીક કેસ મુદ્દે દિલ્હીના જંતર-મંતર ખાતે એક મહિના સુધી ચાલેલા વિરોધપ્રદર્શન બાદ સીજેપીએ તેમના કાર્યકરો અને વૉલંટિયરને તેમના પરિવારો સાથે થોડો સમય વિતાવવા કહ્યું હતું.
પીટીઆઇએ સૂત્રોને ટાંકીને જણાવ્યું હતું કે કોર કમિટીના સભ્યોને વૉલંટિયર અને વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવા અને તેમનાં સૂચનો એકત્રિત કરવા માટે પણ સૂચના આપવામાં આવી હતી, જેથી તેમને 5 ઑગસ્ટના રોજ મળનારી બેઠકમાં મૂકી શકાય.
નોંધનીય છે કે નીટ પેપરલીક અંગે દિલ્હીના જંતર-મંતર ખાતે સીજેપીની આગેવાની હેઠળના વિરોધપ્રદર્શનને જેન ઝી યુવાનો તરફથી નોંધપાત્ર સમર્થન મળ્યું હતું. આ વિરોધ બાદ કેન્દ્રીય શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને ગયા અઠવાડિયે તેમના પદ પરથી રાજીનામું આપ્યું હતું.
ડોનાલ્ડ ટ્રમ્પે, ઈરાન સાથે ક્યારે શરૂ થશે વાતચીત તેનો ખુલાસો કર્યો
ઇમેજ સ્રોત, Kevin Dietsch/Getty Images
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે સોમવારથી ઈરાન સાથે વાતચીતનો નવો રાઉન્ડ શરૂ થશે.
તેમણે કહ્યું કે પ્રસ્તાવિત મોટા લશ્કરી હુમલાને હાલ પૂરતો મુલતવી રાખવામાં આવ્યો છે, કારણ કે મધ્યપૂર્વમાં ઈરાન અને અમેરિકાના સાથીઓએ તેનો આગ્રહ કર્યો હતો.
ઍરફોર્સ વનમાં પત્રકારો સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચે સોમવારે બપોરે વાટાઘાટ શરૂ થશે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નથી કે આ વાટાઘાટ ક્યાં થશે અથવા કોણ સામેલ થશે.
આ અગાઉ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લેટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું હતું કે, “ઈરાન અને મધ્યપૂર્વમાં અમેરિકાના સાથીઓએ તેમને લશ્કરી કાર્યવાહી બંધ કરવા વિનંતી કરી છે, કારણ કે કરારનું માળખું લગભગ તૈયાર છે.”
ટ્રમ્પે દાવો કર્યો હતો કે હોર્મુઝની સામુદ્રધુની અને પરમાણુ મુદ્દા પર કરાર થવાની શક્યતા હજુ પણ છે.
જોકે, ઈરાનની અર્ધ-સરકારી સમાચાર એજન્સી મેહરે જણાવ્યું હતું કે ઈરાને અમેરિકાને કોઈ પણ લશ્કરી કાર્યવાહી ટાળવા વિનંતી કરી નથી અને ટ્રમ્પનો દાવો ‘એક નવું જુઠ્ઠાણું’ છે.
ઈરાની મીડિયા અનુસાર, વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ જણાવ્યું હતું કે ઓમાનની મધ્યસ્થીથી હોર્મુઝની સામુદ્રધુની સંબંધિત કરાર પર વાટાઘાટ અંતિમ તબક્કા તરફ આગળ વધી રહી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




