Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
સુરતમાં તાજેતરમાં એક એવી ઘટના બની જેણે પ્રાઇવેટ સેફ ડિપૉઝિટ વૉલ્ટમાં સોનું અને બીજી કિંમતી ચીજો સંગ્રહ કરનારા લોકોની ઊંઘ ઉડાડી દીધી.
શહેરના નક્ષત્ર સેફ ડિપૉઝિટ વૉલ્ટમાંથી લગભગ 15 ગ્રાહકોના અંદાજે 2.67 કરોડ રૂપિયાના મૂલ્યના સોનાનાં ઘરેણાં ચોરાઈ ગયાં અને આ ચોરી બીજા કોઈએ નહીં, પરંતુ વૉલ્ટના સંચાલકોએ જ કરી હોવાનો આરોપ છે.
પોલીસે આ કેસમાં આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં પ્રાથમિક દૃષ્ટિએ એવું બહાર આવ્યું છે કે શૅરબજારમાં થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે સેફ ડિપૉઝિટ વૉલ્ટના સંચાલકોએ ગ્રાહકોના લૉકરમાંથી સોનાનાં ઘરેણાં ચોર્યાં અને બહાર વેચી માર્યાં. આ રૂપિયાનો ઉપયોગ કરીને તેમણે શૅરબજારનું દેવું ઉતાર્યું હતું.
ખાનગી વૉલ્ટમાંથી સોનું ચોરાય તો જવાબદાર કોણ?
અમદાવાદ, સુરત સહિત દેશનાં તમામ મોટાં શહેરોમાં આ પ્રકારના ખાનગી સેફ ડિપૉઝિટ વૉલ્ટ હોય છે અને હજારો લોકો તેમાં લૉકર ભાડે રાખીને પોતાનાં ઘરેણાં અથવા મૂલ્યવાન ડૉક્યુમેન્ટ સંગ્રહ કરતા હોય છે. ત્યારે સવાલ થાય છે કે ખાનગી વૉલ્ટ કેટલા સુરક્ષિત હોય અને તેમાંથી કિંમતી સામાનની ચોરી થાય તો ગ્રાહકને વળતર મળી શકે કે કેમ.
આ વિશે કાનૂની નિષ્ણાતો સાથે વાત કરીને તેમનો મત જાણવા પ્રયાસ કર્યો હતો.
આ વિશેના નિયમો સમજાવતા વકીલ સુરેશ ફળદુએ જણાવ્યું કે, “સૌથી મોટી સમસ્યા એ છે કે ખાનગી સેફ ડિપૉઝિટ વૉલ્ટ કોઈ ચુસ્ત નિયમન હોતું નથી. છતાં આવા વૉલ્ટમાંથી ઘરેણાં અથવા કોઈ પણ ચીજ ચોરાય કે ગુમ થાય તો તેની જવાબદારી તે વૉલ્ટના સંચાલકની રહે છે.”
તેઓ કહે છે કે, “સૌથી પહેલા તો સીસીટીવી ફૂટેજ વગેરે ચેક કરીને ચોર પાસેથી મુદ્દામાલ રિકવર કરવો પડે, જે પોલીસનું કામ છે. કેટલો માલ પાછો મળશે તે પણ પોલીસની તપાસ પર નિર્ભર છે.”
વકીલ ફળદુના કહેવા મુજબ એવા કિસ્સા પણ બનેલા છે જેમાં બૅન્કના લૉકર ગ્રાહક દ્વારા ભૂલથી ખુલ્લા રહી ગયા હોય જેના કારણે તેમાંથી માલ ચોરાઈ ગયો હોય. ત્યાર પછી પોલીસે તપાસ કરીને મુદ્દામાલ કબજે કર્યો હોય તે ખાતેદારને પાછું અપાવી દીધું હોય.
સુરતસ્થિત વકીલ અનિશ હાટિયાએ બીબીસીને જણાવ્યું કે, “સેફ ડિપૉઝિટ વૉલ્ટમાંથી સોનું ચોરાયા પછી ઘણી વખત તે 100 ટકા પાછું મેળવી શકાય છે. જો તમામ દાગીના એકસાથે મળી જાય તો ખાતેદારને તેનું સોનું પાછું મળી જવાની શક્યતા વધારે રહે છે, પરંતુ સોનાના દાગીના બીજી જગ્યાએ વેચી નાખવામાં આવ્યા હોય તો તેને રિકવર કરવા પડે અને તેની પ્રક્રિયા લાંબી થઈ શકે છે.”
સોનાના મૂલ્યના પુરાવા આપવા પડે

ખાનગી વૉલ્ટમાંથી સોનું ચોરાય ત્યારે ગ્રાહક દ્વારા પોતાના સોના વિશે દાવા કરવામાં આવે છે, પરંતુ તેની સાબિતી માટે પુરાવા રજૂ કરવા પડે છે.
વકીલ સુરેશ ફળદુ કહે છે કે, વૉલ્ટમાંથી ચોરાયેલા માલની કિંમત કેટલી છે તેના પુરાવા આપવાની જવાબદારી ફરિયાદીની રહે છે. તેઓ ગમે તે આંકડો આપે તેને સ્વીકારી શકાય નહીં. તેમણે બિલ અને બીજા કાગળો રજૂ કરવાં પડે.
વકીલ હાટિયાએ પણ કહ્યું કે, ફરિયાદી જ્યારે સોનું ચોરાયાની ફરિયાદ કરે ત્યારે તેણે પૂરાવા રજૂ કરવા પડે કે તેમણે કેટલું સોનું વૉલ્ટમાં રાખ્યું હતું. એટલે કે સોનાની કિંમત અને જથ્થો સાબિત કરવાની જવાબદારી ફરિયાદીની રહે છે. તેણે દરેક વસ્તુનાં પુરાવા અને બિલ આપવાં પડે. આવા કેસમાં ફોજદારી અને સિવિલ રાહે પણ કેસ થઈ શકે છે.
રિકવરીમાં સમય લાગી શકે
ઇમેજ સ્રોત, Getty Images
પ્રાઇવેટ સેફ ડિપૉઝિટ વૉલ્ટમાં સોનું રાખવાનું થાય તો સૌથી પહેલાં તેના ઇન્સ્યોરન્સનો વિચાર કરવો જોઈએ. આ ઉપરાંત એટલું યાદ રાખો કે ચોરીનો માલ પકડાય તો તેને પાછો મેળવવામાં લાંબી પ્રક્રિયાનો સામનો કરવો પડે છે. અને જો માલ પરત ન મળે તો ભારે નુકસાન જઈ શકે.
વકીલ ફળદુએ કહ્યું કે, “લોકરમાંથી ચોરાયેલું સોનું બહાર વેચી નખાયું હોય તો તેને કબજે કરવું પડે. આ માલ જ્યાં સુધી પહોંચ્યું હોય ત્યાંથી રિકવર કરવો પડે. ધારો કે સોનું પીગાળી નાખવામાં આવ્યું હોય, તો પણ તેને કબજે કરી શકાય છે. આ વાત રોકડને પણ લાગુ પડે છે. ટૂંકમાં ચોરાયેલા માલના મૂળ સુધી પહોંચવું પડે.”

અનિશ હાટિયાએ કહ્યું કે “જો તમામ સોનું પાછું ન મળે તો ગ્રાહક વળતર માટે સેફ ડિપૉઝિટ વોલ્ટ સંચાલક સામે વળતર માટે ક્લૅમ કરી શકે છે. સુરતનો જે કેસ છે તેમાં સંચાલકો જ ચોરીમાં સામેલ હોય એવું લાગે છે તેથી મુદ્દામાલ રિકવર થાય ત્યાર પછી તેને ક્લૅમ કરી શકાશે. આ ઉપરાંત સેફ ડિપૉઝિટ વૉલ્ટમાં સોનું કે બીજાં ઘરેણાં રાખનાર વ્યક્તિ ગ્રાહક ગણાય છે તેથી તેઓ ગ્રાહક કોર્ટમાં પણ વળતર માગી શકે છે.”
સોનું કે બીજી કોઈ પણ મૂલ્યવાન ચીજો મૂકવા માટે પ્રાઇવેટ સેફ ડિપૉઝિટ વૉલ્ટ બહુ જોખમી હોય છે એવું વકીલ હાટિયા જણાવે છે. તેમણે કહ્યું કે, “આવા કિસ્સામાં સેફ્ટીની ગૅરંટી હોતી જ નથી. તેઓ સુરક્ષા માટે કેટલી વ્યવસ્થા કરે છે તેની કોઈને જાણ હોતી નથી.”
“ધારો કે સોનાનાં ઘરેણાં ચોરાયાં પછી તેને ઓગાળી નાખ્યાં હોય અથવા બીજી કોઈ જગ્યા વેચી નાખ્યાં હોય ત્યારે તે રિકવર કરવા બહુ મુશ્કેલ બની શકે. આ ઉપરાંત ગ્રાહકને તેનો માલ અથવા તેની પૂરેપૂરી કિંમત મળે તેવી શક્યતા પણ ઘટી જાય છે.”
તેઓ કહે છે કે “ચોરીનો માલ વેચવો અને ખરીદવો એ બંને ગુનો છે. તેથી આ કિસ્સામાં જેમની પાસેથી સોનું મળી આવશે તેમને પણ આરોપી ગણવામાં આવશે.”
સેફ ડિપૉઝિટ વૉલ્ટમાં કેવી સાવધાની રાખવી?
ઇમેજ સ્રોત, Getty Images
ભારતમાં બૅન્કોના લૉકર પર રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાના નિયમો લાગુ પડે છે, જ્યારે ખાનગી સેફ ડિપૉઝિટ વૉલ્ટ્સ પર કોઈ નાણાકીય સંસ્થાઓના રેગ્યુલેશન હોતા નથી, તેના કારણે તે વધુ જોખમી હોય છે.
આવા વૉલ્ટમાં મૅનેજમૅન્ટ અથવા સ્ટાફ દ્વારા કોઈ છેતરપિંડી આચરવામાં આવે અથવા અંદરખાનેથી ચોરી થાય તેનું જોખમ વધારે રહે છે.
આ ઉપરાંત બૅન્કો અને પ્રાઇવેટ સેફ વૉલ્ટ લૉકરના કૉન્ટ્રાક્ટમાં પણ પોતાની નાણાકીય અને કાનૂની જવાબદારીઓ બહુ મર્યાદિત રાખે છે. તેથી કિંમતી વસ્તુ ચોરાય તો બહુ ઓછું વળતર મળી શકે છે. તેવી જ રીતે તમે વૉલ્ટમાં જે ચીજ મૂકો તે આપોઆપ વીમા હેઠળ આવતી નથી. તેના કારણે તમારે જ્વેલરી અથવા સોના માટે થર્ડ પાર્ટી વીમો લેવાની જરૂરિયાત પડી શકે છે.
જાણકારો કહે છે કે સોનું સંગ્રહ કરતા પહેલાં સૌપ્રથમ તો સેફ ડિપૉઝિટ વૉલ્ટ તમામ લીગલ મંજૂરી ધરાવે છે કે નહીં તે જોવું પડે. જો વૉલ્ટ ચલાવવાની મંજૂરી ન હોય તો સંચાલકની તકલીફ વધી શકે અને ફરિયાદી માટે પણ માલ-સામાન પરત મેળવવામાં મુશ્કેલી પડી શકે છે.
ઇમેજ સ્રોત, Getty Images
અનિશ હાટિયા કહે છે કે “બૅન્કોમાં તમે લૉકરમાં ઘરેણાં અથવા મહત્ત્વના ડૉક્યુમેન્ટ રાખો ત્યારે તેના કાગળો તૈયાર કરવામાં આવતા હોય છે. તેવી જ રીતે પ્રાઇવેટ સેફ ડિપૉઝિટ વૉલ્ટ સાથે પણ લેખિતમાં એગ્રિમેન્ટ કરીને તેની રસીદો સાચવી રાખવી જોઈએ.”
“આ ઉપરાંત તમે જે સોનાના દાગીના વૉલ્ટમાં રાખો તેના ફોટો અને વીડિયો બનાવવા જોઈએ. સમયાંતરે વૉલ્ટમાં જઈને ચેક કરવું જોઈએ કે તમારો સામાન સુરક્ષિત છે કે નહીં.”
વકીલ સુરેશ ફળદુ કહે છે કે, “શક્ય હોય ત્યાં સુધી સરકારી બૅન્કો અથવા પ્રતિષ્ઠિત પ્રાઇવેટ બૅન્ક કે કો-ઑપરેટિવ બૅન્કના ડિપૉઝિટમાં સોનું અથવા મહત્ત્વના ડૉક્યુમેન્ટ રાખવા જોઈએ. ખાનગી સેફ ડિપૉઝિટ વૉલ્ટમાં ચોરીનું હંમેશાં જોખમ રહે છે. આ ઉપરાંત કેટલીક વખત સોનાના દાગીનાની જગ્યાએ બીજી કોઈ ધાતુના દાગીના રાખી દેવામાં આવે એવી ઘટનાઓ પણ બનતી હોય છે.”
“પૂર અથવા ભૂકંપ જેવી સ્થિતિમાં સેફ ડિપૉઝિટ વૉલ્ટને નુકસાન થાય તો આવા કિસ્સામાં ગ્રાહક સુરક્ષા કોર્ટમાં જવું પડે અને જો વૉલ્ટનો વીમો ઉતરાવેલો હોય તો વળતર મળી શકે છે,” એમ તેઓ કહે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




