Source : BBC NEWS
ઇમેજ સ્રોત, PTI
જન સુરાજ પાર્ટીના સ્થાપક પ્રશાંત કિશોરે બિહારની બહુચર્ચિત બાંકીપુર વિધાનસભા બેઠક માટેની પેટાચૂંટણી જીતી લીધી છે.
આ બેઠક ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન રાજ્યસભામાં ચૂંટાઈને ગયા એ પછી ખાલી પડી હતી.
બાંકીપુર વિધાનસભા બેઠક માટે મતદાન 30 જુલાઈના રોજ થયું હતું. મતદાન 35 ટકાથી ઓછું રહ્યું હતું, જેના કારણે અનેક પ્રકારની આશંકાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
મતગણતરીના તમામ 32 રાઉન્ડ પૂર્ણ થયા પછી પ્રશાંત કિશોરે ભાજપના ઉમેદવાર નીરજ કુમાર સામે 19,324 મતોથી જીત મેળવી હતી. તેમને કુલ 64151 મત મળ્યા હતા જ્યારે ભાજપના ઉમેદવારને 44827 મત મળ્યા.
બિહારના મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીએ પ્રશાંત કિશોરને જીતની શુભેચ્છા પાઠવી હતી અને લખ્યું હતું કે, “લોકશાહીના મહાપર્વમાં લોકોએ બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણીમાં જન સુરાજને પસંદ કર્યો છે. લોકોના આ નિર્ણયનો આદર કરીને, હું શ્રી પ્રશાંત કિશોરને તેમની જીત બદલ હૃદયપૂર્વક અભિનંદન આપું છું.”
પરંતુ એવું શું બન્યું કે ભાજપનો ગઢ કહેવાતી આ બેઠક પર ભાજપ મોટા અંતરથી હારી ગયો?
વિશ્લેષકો પ્રશાંત કિશોરની જીત માટે પાંચ કારણો ગણાવી રહ્યા છે.
વિદ્યાર્થી આંદોલનની અસર
ઇમેજ સ્રોત, ANI
બાંકીપુરમાં જ્યારે ચૂંટણીપ્રચાર ચાલી રહ્યો હતો, ત્યારે કૉક્રોચ જનતા પાર્ટી નીટ પેપર લીકના મુદ્દે શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી રહી હતી. દિલ્હીમાં મોટું આંદોલન ચાલી રહ્યું હતું.
20 જુલાઈના રોજ ‘ચલો સંસદ’ કૂચ દરમિયાન દિલ્હી પોલીસ અને સુરક્ષાદળો દ્વારા પ્રદર્શનકારીઓ પર કરવામાં આવેલા લાઠીચાર્જના પ્રત્યાઘાતો સમગ્ર દેશમાં પડ્યા હતા.
ત્યારબાદ 22,23 અને 25 જુલાઈના રોજ બિહારના અનેક વિસ્તારો સહિત દેશભરમાં વિરોધપ્રદર્શનો ફાટી નીકળ્યાં હતાં.
25 જુલાઈના રોજ ‘બિહાર બંધ’નું પણ એલાન આપવામાં આવ્યું હતું, અને સિવાન જિલ્લામાં પ્રદર્શનકારીઓ પર કાર્યવાહી દરમિયાન AK-47 થી ગોળીબાર થતો હોવાનો એક વીડિયો વાઇરલ થયો હતો.
રાજ્યના વિવિધ જિલ્લામાં ઘણા પ્રદર્શનકારીઓને જેલમાં ધકેલી દેવામાં આવ્યા હતા.
પટણાના વરિષ્ઠ પત્રકાર લવકુમાર મિશ્રા બીબીસીને જણાવે છે કે સીજેપીના વિરોધપ્રદર્શનોની અસર આ ચૂંટણી પર પણ પડી છે.
તેઓ કહે છે, “દિલ્હીમાં થયેલા પ્રદર્શન પછી, બિહારના વિવિધ ભાગોમાં વિરોધપ્રદર્શન થયાં, સેંકડો વિદ્યાર્થીઓની ધરપકડ કરવામાં આવી. જેપી આંદોલન પછી આ પહેલી વાર હતું જ્યારે વિદ્યાર્થીઓ રાજભવન અથવા મુખ્ય મંત્રી સચિવાલય સુધી પહોંચી ગયા હતા. આ આખો વિસ્તાર બાંકીપુર બેઠક હેઠળ જ આવે છે. “
“દિલ્હીના વિરોધપ્રદર્શનનો આ ચૂંટણી પર મોટો પ્રભાવ પડ્યો છે.”
વરિષ્ઠ પત્રકાર સુરુર અહેમદ પણ આ દલીલ સાથે સહમત થાય છે અને કહે છે કે આ ચૂંટણીમાં વિદ્યાર્થીઓએ કરેલું વિરોધપ્રદર્શન પણ એક મહત્ત્વપૂર્ણ પરિબળ હતું.
ભાજપમાં આંતરિક ખટરાગ
ઇમેજ સ્રોત, Getty Images
ભાજપે બાંકીપુર વિધાનસભા પેટાચૂંટણી માટે અભિષેકકુમાર સિંહાને પોતાના ઉમેદવાર બનાવ્યા હતા અને તેમણે ઉમેદવારી પણ નોંધાવી હતી.
જોકે, બીજા જ દિવસે અભિષેક કુમારે પોતાનું ફૉર્મ પાછું ખેંચી લીધું અને તેમના સ્થાને નીરજકુમાર સિંહાને ઉમેદવાર બનાવવામાં આવ્યા.
સુરુર અહેમદ અને લવકુમાર મિશ્રા બંને માને છે કે બિહાર ભાજપના ઘણા વરિષ્ઠ નેતાઓ આ બેઠક પરથી ચૂંટણી લડવા માગતા હતા પરંતુ એક સંપૂર્ણપણે નવા ચહેરાને ઉમેદવાર બનાવવામાં આવ્યો હતો.
સુરુર અહેમદ કહે છે, “આ બેઠક પર કાયસ્થ સમુદાયના મતનો હિસ્સો નોંધપાત્ર છે, અને અજય આલોક જેવા નેતાઓ પણ ઉમેદવારીની દોડમાં હતા. પરંતુ ભાજપે અચાનક પોતાનો ઉમેદવાર બદલી નાખ્યો. આ દરમિયાન, ભાજપના એક નેતાએ નિવેદન આપ્યું કે આ બેઠક કોઈપણ ઉમેદવાર ઉતારો, તો પણ જીતી જવાશે. આનાથી ભાજપના મતદારોમાં એવી લાગણી ફેલાઈ ગઈ કે તેમને ‘ટેકન ફૉર ગ્રાન્ટેડ’ લેવામાં આવી રહ્યા છે.”
લવકુમાર મિશ્રા કહે છે, “એક આશંકા એવી પણ છે કે નીતિન નબીન રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા એ પછી તેમની સાથેના નેતાઓએ આ બેઠક જીતવા માટે સખત મહેનત કરી ન હતી. એમ કહી શકાય કે પ્રશાંત કિશોરે ભાજપની નબળાઈઓને ઉજાગર કરી છે.”
ભરત તિવારીનું ઍન્કાઉન્ટરમાં મોત થવું
ઇમેજ સ્રોત, Bihar BJP
બિહારના ભોજપુર જિલ્લાના શાહપુર પોલીસસ્ટેશન વિસ્તારના બિલૌટી ગામના 26 વર્ષીય યુવક ભરતભૂષણ તિવારીનું 17 જૂનના રોજ કથિત પોલીસ ઍન્કાઉન્ટર બાદ સારવાર દરમિયાન મૃત્યુ થયું હતું.
ભોજપુર એસપી દ્વારા જાહેર કરવામાં આવેલી એક પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, “પોલીસની ટીમે પોતાની અને લોકોની સુરક્ષા માટે ગોળી ચલાવી હતી, જે ભરતભૂષણના પગમાં વાગી હતી.”
જોકે, ભરત તિવારીના પરિવાર અને પોલીસે આ દાવાને નકારી કાઢ્યો હતો અને આ ઘટનાને એક સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું.
લવકુમાર મિશ્રા કહે છે કે ભરત તિવારી કેસમાં ન્યાયિક પંચની રચના પછી પણ કોઈ કાર્યવાહી થઈ રહી ન હતી અને આ દરમિયાન તેમના પરિવારના સભ્યો પટણામાં મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરીને મળ્યા હતા.
તેઓ કહે છે, “સમ્રાટ ચૌધરીએ આ કેસમાં ઘણા સમય પછી કાર્યવાહી કરી. એસટીએફ જવાનની લાંબા સમય પછી ધરપકડ કરવામાં આવી. જોકે એવી અફવાઓ હતી કે ભરત તિવારીનો પરિવાર પ્રશાંત કિશોરના ચૂંટણી પ્રચારમાં જોડાશે, પરંતુ આવું થયું નહીં. પરંતુ આ કેસથી જનતાની લાગણીઓ ઉશ્કેરાઈ ગઈ.”
ઓછું મતદાન અને જેડી (યુ) પણ પરિબળો?
નીતિશકુમારે મુખ્ય મંત્રીપદ પરથી રાજીનામું આપ્યા બાદ, જેડી(યુ) હવે ગઠબંધન સરકારમાં ‘નાના ભાઈ’ની ભૂમિકામાં આવી ગયું છે.
લવકુમાર મિશ્રા કહે છે કે ચૂંટણી પ્રચાર દરમિયાન જેડી(યુ) ની હાજરી બહુ દેખાતી નહોતી.
તેઓ કહે છે, “બાંકીપુર પેટાચૂંટણી દરમિયાન, એવું જોવા મળ્યું કે જેડી(યુ) ચૂંટણીમેદાનમાં નહોતું અને ભાજપ એકલો જ ચૂંટણીમેદાનમાં હતો.”
સુરુર અહેમદ કહે છે કે 35 ટકાથી ઓછું મતદાન પણ ભાજપ વિરુદ્ધ ગયું કારણ કે ચૂંટણીપ્રચાર દરમિયાન ઉમેદવારો બદલવાથી ખોટો સંદેશ ગયો.
તેમનો દાવો છે કે જો પ્રશાંત કિશોર ચૂંટણી મેદાનમાં ન હોત તો મતદાનની ટકાવારી 24-25 ટકા પણ થઈ ગઈ હોત.
નિશાન પર મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરી
ઇમેજ સ્રોત, ANI
ચૂંટણીપ્રચાર દરમિયાન, સતત એવું જોવા મળ્યું કે પ્રશાંત કિશોર ફક્ત મુખ્ય મંત્રી સમ્રાટ ચૌધરી પર જ નિશાન તાકી રહ્યા હતા.
સુરુર અહેમદ કહે છે કે પ્રશાંત કિશોરે તેમની કાયદાકીય બાબતોને મુદ્દો બનાવ્યો અને સરકારના કામકાજ વિશે વાત કરતા રહ્યા. બીજી તરફ બાંકીપુરનો આખો વિસ્તાર ઘણો સમૃદ્ધ છે.
તેઓ કહે છે, “બાંકીપુર બેઠકના વિસ્તારમાં ધારાસભ્યો, સાંસદો, ન્યાયાધીશો અને વકીલોનાં ઘર છે. એક રીતે, આ વિસ્તાર ખૂબ શિક્ષિત અને સમૃદ્ધ છે, તેથી આ સમય દરમિયાન પ્રશાંત કિશોરની સમ્રાટ ચૌધરીને નિશાન બનાવવાની રણનીતિ પણ કામ કરી ગઈ.”
લવકુમાર મિશ્રા કહે છે, “પ્રશાંત કિશોરે તેમના ભાષણોમાં ક્યારેય નીતિન નબીન કે અન્ય કોઈ વરિષ્ઠ નેતાનો ઉલ્લેખ કર્યો નથી. તેમણે જે પણ હુમલા કર્યા તે ફક્ત સમ્રાટ ચૌધરી પર જ કર્યા. તેમનાં ભાષણોમાં તેઓ સમ્રાટ ચૌધરીને ભ્રષ્ટ અને ગુનેગાર કહેતા રહ્યા.”
પ્રશાંત કિશોરની જીતનું મહત્ત્વ શું છે?
ઇમેજ સ્રોત, PTI
વિશ્લેષકો પેટાચૂંટણીમાં પ્રશાંત કિશોરની જીતને પ્રતીકાત્મક માને છે.
લવકુમાર મિશ્રા કહે છે કે આ જીત પ્રતીકાત્મક છે અને આ પછી પ્રશાંત કિશોર સમગ્ર ભારતમાં પોતાની છબી બનાવવા વિશે વિચારશે.
તેમનું કહેવું છે કે જો વિપક્ષ ઇચ્છે તો તેઓ તેમને પંજાબ અને યુપી ચૂંટણીમાં ભાજપવિરોધી ચહેરા તરીકે પ્રચાર માટે લઈ જઈ શકે છે.
લવકુમાર મિશ્રા કહે છે, “મતદાન પહેલાં, બિહાર પોલીસે રાત્રે બે વાગ્યે 64 લોકોની ધરપકડ કરી હતી. આ પછી, પ્રશાંત કિશોરે મુખ્ય ચૂંટણી કમિશનરને વરિષ્ઠ એસપી વિરુદ્ધ ફરિયાદ કરી. તેથી પ્રશાંત કિશોરની આ જીતની મિશ્ર અસરો થશે.”
સુરુર અહેમદ કહે છે કે પ્રશાંત કિશોરની જીત પછી આગળ શું થશે તે તો સમય જ કહેશે પરંતુ ભાજપ માટે આ એક મોટો ફટકો ગણી શકાય.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




