Home તાજા સમાચાર gujrati મુંબઈ : સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે 18 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ, શું...

મુંબઈ : સિદ્ધિવિનાયક મંદિરમાંથી દર વર્ષે 18 કરોડ રૂપિયાના ગોટાળાનો આરોપ, શું છે સમગ્ર મામલો?

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, સિદ્ધિવિનાયક મંદિર દાન પેટી ગોટાળો આરોપ તપાસ

ઇમેજ સ્રોત, Hindustan Times via Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

રામમંદિરમાં દાન ચોરી વિવાદ બાદ મુંબઈના ખ્યાત સિદ્ધિવિનાયક મંદિરમાં પણ દાનની રકમમાં ગોટાળો થયાના આરોપનો મુદ્દો મહારાષ્ટ્રના રાજકારણમાં ગરમાતો જઈ રહ્યો છે.

મંદિરમાં આવતી દાનની રકમમાંથી દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરીના એમએનએસ (મહારાષ્ટ્ર નવનિર્માણ સેના)ના પ્રમુખ રાજ ઠાકરેના આરોપ બાદ મંદિર ટ્રસ્ટે સ્પષ્ટતા કરી છે.

સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટના ચીફ સદા સર્વણકરે કહ્યું કે મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રીએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસ પ્રમાણે, મહારાષ્ટ્રના કાયદા અને ન્યાય વિભાગે ટ્રસ્ટ પાસેથી વિસ્તૃત નાણાકીય રિપોર્ટ માગ્યો છે.

ટ્ર્સ્ટનું કહેવું છે કે વિભાગની આ કાર્યવાહી તેની વિનંતી પર શરૂ કરાયેલી વ્યાપક ઑડિટ પ્રક્રિયાનો ભાગ છે અને તે આરોપ લાગ્યાના ઘણા મહિના પહેલાંથી શરૂ થઈ ગઈ હતી.

સિદ્ધિવિનાયક ટેમ્પલ બોર્ડના ટ્રસ્ટીઓએ સોમવારે સ્વીકાર્યું કે દાન સંગ્રહમાં ખામીઓ હતી અને તેમણે ઍન્ટિ કરપ્શન બ્યૂરો અને મહારાષ્ટ્રના કાયદા અને ન્યાય વિભાગને તપાસ માટે કહ્યું છે.

ટ્રસ્ટી રાહુલ લોંઢેએ કહ્યું હતું કે, “કાયદા અને ન્યાય વિભાગે ટ્રસ્ટ પ્રશાસન પાસેથી રિપોર્ટ માગ્યો છે. એ રિપોર્ટના આધારે રાજ્ય સરકાર આગળની કાર્યવાહી પર નિર્ણય કરશે.”

રાજ ઠાકરેએ ગત 1 ઑગસ્ટના રોજ એમએનએસના સ્ટુડન્ટ વિંગના 20મા સ્થાપના દિવસ કાર્યક્રમમાં દાવો કર્યો હતો કે ‘ઉપમુખ્ય મંત્રી એકનાથ શિેદેને મોકલેલા એક પત્રમાં કહેવાયું છે કે મંદિરમાંથી દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરી કરાઈ રહી છે.’

ટ્રસ્ટે આ આરોપને ફગાવી દેતા કહ્યું કે એવો કોઈ પત્ર શિંદેને મોકલાવાયો નથી. ટ્રસ્ટ અનુસાર ખુદ ટ્રસ્ટીઓએ મે 2026માં મંદિરના દાનની રકમના વ્યાપક ઑડિટની માગણી કરતા કાયદા અને ન્યાય વિભાગનો સંપર્ક કર્યો હતો.

ગોટાળાના આરોપ અંગે ટ્રસ્ટે શું કહ્યું?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, સિદ્ધિવિનાયક મંદિર

ટ્રસ્ટના અધ્યક્ષ અને રાજ્યમંત્રી સદા સર્વણકરે કહ્યું કે દાનની રકમમાં ગરબડ નજરે પડતા સૌપ્રથમ ટ્રસ્ટીઓએ જ આ વાતની જાણકારી અધિકારીઓને આપી હતી.

તેમણે કહ્યું, “મેં ઍન્ટિ કરપ્શન બ્યૂરો અને તેના પ્રમુખ વિશ્વાસ નાંગરે પાટીલને ફરિયાદ કરી હતી, જે બાદ મંદિરમાં અધિકારીઓ તહેનાત કરાયા.”

ટ્ર્સ્ટ અનુસાર, મંદિરના એક કર્મચારી રાજેન્દ્ર પેંડુરકરની દાનની રકમ ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરાઈ હતી. એ બાદ માર્ચ માસમાં વધુ આઠ આરોપીઓની ધરપકડ કરાઈ.

ટ્રસ્ટના અધ્યક્ષ સદા સર્વણકરે ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદે સાથે મંગળવારે મુલાકાત કર્યા બાદ પત્રકારોને કહ્યું, “અમે ગત ચાર વર્ષની દાનપેટી સંગ્રહની રકમની તપાસ કરી. વર્ષ 2022-23માં સંગ્રહ થયેલા106 કરોડ રૂપિયા હતા. 2023-24માં 114 કરોડ રૂપિયા. 2024-25માં 135 કરોડ રૂપિયા અને 2025-26માં 182 કરોડ રૂપિયા. એટલે કે અમે કાર્યભાર સંભાળ્યો ત્યારથી દાનપેટીઓમાં મળતી રકમમાં લગભગ 35 ટકાનો વધારો થયો છે.”

તેમણે કહ્યું, “અમારા એક ટ્રસ્ટીએ ન્યાય વિભાગને પત્ર લખીને પૂછ્યું છે કે જો ગત ત્રણ વર્ષોમાં કલેક્શનનું સ્તર આટલું હતું, તો આ પહેલાં માત્ર 106 કરોડ રૂપિયાનું કલેક્શન કેમ હતું? આની ઊંડાણપૂર્વકની તપાસ થવી જોઈએ. મહારાષ્ટ્રના ઉપમુખ્ય મંત્રીએ આ મામલાની તપાસના આદેશ આપ્યા છે.”

ડેપ્યુટી સીએમ એકનાથ શિંદેએ કહ્યું, “એક જ વર્ષમાં 35 ટકાનો વધારો થયો છે. તેમના (ટ્રસ્ટ) અનુસાર હાલના ટ્રસ્ટીઓના કાર્યકાળ પહેલાંનાં પાંચ વર્ષોમાં થયેલી તપાસના ધઆરે ઘણા લોકોની ધરપકડ કરાઈ. ઘણા સસ્પેન્ડ થયા અને કેટલાકને જેલ પણ મોકલવામાં આવ્યા. ટ્રસ્ટની માગ છે કે એ તમામ મામલાની તપાસ કરાવવામાં આવે, જેથી સત્ય સામે આવી શકે.”

મંગળવારે ટેમ્પલ ટ્રસ્ટ ચીફ સર્વણકરે એક પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.

તેમાં ટ્રસ્ટી રાહુલ તુકારામ લોંઢેએ કહ્યું, “અત્યાર સુધી મંદિરના જે કર્મચારીઓની આરોપોના આધારે પોલીસે ધરપકડ કરી હતી, તેમને પહેલાં પોલીસ કસ્ટડીમાં રખાયા અને એ બાદ ન્યાયિક કસ્ટડીમાં મોકલી દેવાયા. બાદમાં કોર્ટે તેમને જામીન આપ્યા.”

“પોલીસે આઠ લોકોની ધરપકડ કરી હતી અને તેમને ત્રણ દિવસ સુધી પોલીસ કસ્ટડીમાં રખાયા હતા. પોલીસ કસ્ટડી બાદ તેમને એનસીઆર મળી અને એ બાદ તેમને જામીન આપી દેવાયા. જેમાં નરેશ ખાડે પણ સામેલ છે.”

આ પ્રેસ કૉન્ફરન્સમાં સર્વણકરે કહ્યું, “આપણે કહી શકીએ કે આ ખૂબ મોટી ટોળકી હતી. તેઓ કર્મચારી જરૂર હતા, પરંતુ તેમની ગતિવિધિ કોઈ ગૅંગ જેવી હતી. તેઓ જુદાં જુદાં સ્થળોએથી દાનપેટીઓ એકઠી કરીને ત્રીજા માળે લઈ જતા, ત્યાં તેમાંથી પૈસા કાઢી લેતા. અમે સીસીટીવી ફૂટેજ મારફતે જૂના કર્મચારીઓની ઓળખ કરી અને તેમને હઠાવ્યા, નવા કર્મચારીઓની નિયુક્તિ કરી અને તરત તેમની વિરુદ્ધ એફઆઇઆર દાખલ કરાવી.”

શું છે આખો મામલો?

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, સિદ્ધિવિનાયક મંદિર

ઇમેજ સ્રોત, ANI

ગત શનિવારે એમએનએસના વિદ્યાર્થી સંગઠનના કાર્યક્રમમાં રાજ ઠાકરેએ કહ્યું હતું, “આજકાલ મંદિર પણ સુરક્ષિત નથી. અહીં પ્રસિદ્ધ સિદ્ધિવિનાયક મંદિરમાં દર વર્ષે 18 કરોડ રૂપિયાની ચોરી થાય છે.”

તેમણે મંચ પરથી પત્ર વાંચીને સંભળાવ્યો જે ઉપમુખ્ય મંત્રી એકનાથ શિંદેને સંબોધીને લખાયો હતો. તેમાં સિદ્ધિવિનાયક મંદિરની દાનપેટીમાં ચોરીના મામલામાં ઉચ્ચ સ્તરીય તપાસ કરાવવાની માગ કરાઈ હતી.

આ પત્ર પર 21 એપ્રિલ, 2026ની તારીખ નોંધાયેલી છે. તેમાં લખાયું છે કે, “ગત દોઢ વર્ષ દરમિયાન મંદિરમાં વિભિન્ન સુધારાત્મક અને વહીવટી ઉપાય લાગુ કરાયા, જેના પરિણામે મંદિરની આવકમાં લગભગ 35 ટકાનો વધારો કરવામાં અમને આંશિક સફળતા મળી છે.”

“ટ્રસ્ટીઓની સતર્કતાને કારણે મંદિરની દાનપેટીમાંથી રૂપિયા ચોરી કરનારા કર્મચારીઓને પકડવામાં આવ્યા છે. આ લોકો પકડાયા એ પહેલાં દર બુધવારે દાનપેટીમાં 50 લાખ કરતાં ઓછી રકમ આવતી.”

“આ કર્મચારી પકડાયા બાદ ગત ત્રણ અઠવાડિયાંથી દાનપેટીમાં મળનારી રકમ વધીને દોઢ કરોડ રૂપિયા સુધી પહોંચી ગઈ છે. તેનાથી ખબર પડે છે કે આ પહેલાં દર અઠવાડિયે દાનપેટીમાં જમા થનારી રકમના એક ભાગનો ગોટાળો કરાઈ રહ્યો હતો. આના કારણે મંદિરને દર વર્ષે લગભગ 18 કરોડ રૂપિયાનું આર્થિક નુકસાન થઈ રહ્યું હતું. અમને પૂરી શંકા છે કે આ મામલાના તાર વરિષ્ઠ સ્તર સુધી જોડાયેલા છે.”

આ પત્રમાં ઉચ્ચ અધિકારીઓ વિરુદ્ધ નિષ્પક્ષ અને વિસ્તૃત તપાસ કરાવવાની માગ કરાઈ છે.

ઇન્ડિયન ઍક્સપ્રેસ ના એક રિપોર્ટ અનુસાર, આ મુદ્દો ત્યારે ઊછળ્યો જ્યારે સ્ટાફ વિરુદ્ધ વીવીઆઇપી દર્શન કરાવવા માટે પૈસા લેવાતા હોવાની ફરિયાદ થઈ. ફરિયાદમાં કહેવાયું કે મંદિરના કેટલાક સ્ટાફ વીવીઆઇપી કતારમાં સામેલ કરાવવા માટે પૈસા લેતા હતા.

આ વર્ષે 20 માર્ચના રોજ મંદિર પ્રશાસને દાનપેટીમાંથી રોકડ રકમ ગાયબ થવાની માહિતી આપી હતી.

શરૂઆતમાં દાદર પોલીસે દસ હજાર રૂપિયાની ચોરીનો મામલો દાખલ કર્યો. તપાસ દરમિયાન પોલીસે 80 હજાર રૂપિયા પ્રાપ્ત કર્યાની વાત કરી.

તપાસ કરનારા અનુસાર, સીસીટીવી ફૂટેજમાં કેટલાક લોકો લગભગ દસ દિવસથી એક નાની દાનપેટીમાંથી વારંવાર રોકડ રકમ કાઢતા દેખાયા.

પોલીસે આ મામલામાં આઠ લોકોની ધરપકડ કરી અને ચાર્જશીટ દાખલ કરી છે. તમામ આરોપી હાલ જામીન પર બહાર છે.

રાજકીય આરોપ-પ્રત્યારોપ

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ, મુંબઈ, સિદ્ધિવિનાયક મંદિર

રાજ ઠાકરેના આરોપ પર ભાજપના નેતા રામ કદમે કહ્યું, “જો રાજ ઠાકરે પાસે કોઈ નક્કર પુરાવા કે વિશ્વસનીય માહિતી હોય, તો તેમણે પોલીસ કે સરકાર સાથે શૅર કરવાં જોઈએ. પરંતુ સત્ય સામે આવે એ પહેલાં આ પ્રકારના દાવા કરવા એ લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને ભાવનાઓને ઠેસ પહોંચાડે છે.”

શિવસેના (એકનાથ શિંદે જૂથ)ના પ્રવક્તા સંજય નિરૂપમે કહ્યું, “રાજ ઠાકરેએ આને એક મોટો મુદ્દો ગણાવ્યો છે. જ્યારે ઉદ્ધવ ઠાકરે મુખ્ય મંત્રી હતા ત્યારે રાજ ઠાકરેની પાર્ટીના એક નેતાએ પહેલાં પણ આરોપ લગાવ્યો હતો કે સિદ્ધિવિનાયક મંદિરમાં મળતા દાનમાં મોટા પાયે ચોરી અને ભ્રષ્ટાચાર થઈ રહ્યાં છે.”

શિવસેના (યુબીટી)નાં પૂર્વ સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “હું સવાલ ઉઠાવવા માગું છું. ત્યાં એકનાથ શિંદેની પાર્ટીના સભ્ય અધ્યક્ષ તરીકે બેઠા છે. જો આ બધું અધ્યક્ષની દેખરેખમાં થઈ રહ્યું છે અને કોઈને આ વાતની માહિતી નથી, તેમજ ટ્રસ્ટી તેમને પત્ર લખી રહ્યા છે. તો એવું લાગે છે કે જેમ ચોર જ ચોરને પકડવાનો પ્રયાસ કરી રહ્યા છે અને તેમાં લોકોનું એક ગ્રૂપ સામેલ છે.”

એનસીપી (એસસીપી)ના ધારાસભ્ય રોહિત પવારે પત્રકારોને કહ્યું, “નાસિકમાં મહાકુંભ મેળામાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો. મુંબઈના સિદ્ધિવિનાયક મંદિરમાં પણ ભ્રષ્ટાચારના આરોપ સામે આવ્યા છે. મધ્ય પ્રદેશમાં સમગ્ર દેશમાંથી ભારે સંખ્યામાં લોકો દર્શન અને આશીર્વાદ માટે ઉજ્જૈન જાય છે.”

“ત્યાં ભાજપના મુખ્ય મંત્રી પર જમીન ગોટાળાના આરોપ લાગ્યા છે. આવા ઘણા મામલા છે. જ્યાં ભાજપ સાથે જોડાયેલા સંગઠન અને આરએસએસ સાથે સંકળાયેલા પદાધિકારી ટ્રસ્ટી છે અને ત્યાં મોટા પાયે ભ્રષ્ટાચારના આરોપ સામે આવ્યા છે.”

તેમણે કહ્યું, “શ્રીરામમંદિર ટ્રસ્ટમાં કથિત 1,500 કરોડ રૂપિયાના ગોટાળા પર ચર્ચા કેમ બંધ થઈ ગઈ છે? તેની પણ તપાસ થવી જોઈએ.”

અયોધ્યામાં રામમંદિરમાં દાનચોરીનો મામલો હાલ વિપક્ષ જોરશોરથી ઉઠાવી રહ્યો છે. આ મામલામાં મંદિર ટ્રસ્ટના મહામંત્રીપદ પરથી ચંપત રાયે રાજીનામું આપી દીધું છે જ્યારે તપાસ માટે બનાવાયેલી એસઆઇટીના આઠ લોકોની ધરપકડ કરાઈ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS