Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Anand Dutt
બીજી જુલાઈએ ઝારખંડ પબ્લિક સર્વિસ કમિશન (જેપીએસસી) 14મીની પ્રારંભિક પરીક્ષાનું પરિણામ આવ્યું હતું.
કુલ 2,204 ઉમેદવારો મેઇન્સ એટલે કે મુખ્ય પરીક્ષા માટે ક્વૉલિફાય થયા હતા. મુખ્ય પરીક્ષાની તારીખ 18થી 20 જુલાઈ હતી.
પરિણામ આવતાં જ સવાલો શરૂ થઈ ગયા. કૅટગરી-વાઇઝ કટ ઑફ જાહેર ન થયા અને આ દરમિયાન એક ઉમેદવારની કથિત ઑપ્ટિકલ માર્ક રિકગ્નિશન (ઓએમઆર) શીટ સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ.
કથિત રીતે તેમાં માત્ર 48 સવાલના જવાબ આપ્યા હતા, છતાં તેની મુખ્ય પરીક્ષામાં પસંદગી થઈ હતી.
તેમજ જે પરિણામ જાહેર થયું તેમાં જેપીએસસીના અધ્યક્ષ, સચિવ કે સભ્યોની સહી નહોતી, જે નિયમ પ્રમાણે હોવી જોઈએ. બાદમાં મુખ્ય પરીક્ષા રદ કરી દેવાઈ હતી.
આ કથિત ગોટાળા મુદ્દે રાજ્યના વિદ્યાર્થીઓ આંદોલન કરી રહ્યા છે.
વિદ્યાર્થીઓનો આરોપ છે કે ‘જેપીએસસીનું પ્રશ્નપત્ર લીક કરાયું, સીટો વેચાઈ’ અને અને તેમને સીઆઇડીની તપાસ પર વિશ્વાસ નથી. તેઓ માગ કરી રહ્યા છે કે આ કેસની તપાસ ઈડી અથવા સીબીઆઇને સોંપવામાં આવે.
આંદોલનની શરૂઆત વિદ્યાર્થી નેતા અને ઝારખંડ લોકતાંત્રિક ક્રાંતિકારી મોરચા (જેએલકેએમ) સાથે જોડાયેલા દેવેન્દ્રનાથ મહતોએ 25 જુલાઈએ રાજધાની રાંચીના મોરહાબાદી મેદાન ખાતે આવેલી ગાંધી પ્રતિમા સમક્ષ ધરણા સાથે કરી હતી.
શરૂઆતમાં માત્ર કેટલાક લોકો જોડાયા, બાદમાં ધીમે ધીમે સોશિયલ મીડિયા મારફતે સમર્થન મળ્યું અને ભીડ વધવા લાગી.
મોરહાબાદીસ્થિત ફૂટબૉલ સ્ટેડિયમમાં ડૂરંડ કપની મૅચો ચાલતી હોવાથી જિલ્લા વહીવટીતંત્રે 26 જુલાઈએ ધરણાનું સ્થળ બદલી નાખ્યું હતું.
હાલમાં આ ધરણાં અટલ સ્મૃતિ વેન્ડર માર્કેટ પાસે આવેલા જયપાલસિંહ મુન્ડા સ્ટેડિયમમાં ચાલી રહ્યાં છે. અહીં હવે રોજનાં સેંકડો વિદ્યાર્થીઓ આવી રહ્યાં છે.
આવતી 6 ઑગસ્ટે વિદ્યાર્થીઓએ વિધાનસભા ઘેરાવની જાહેરાત કરી હતી, કારણ કે એ જ દિવસથી ઝારખંડ વિધાનસભાનું ચોમાસુ સત્ર શરૂ થવાનું હતું.
આ દરમિયાન દેવેન્દ્રનાથ મહતોએ ગત 2 ઑગસ્ટથી આમરણ ઉપવાસ શરૂ કરવાની જાહેરાત કરી હતી.
જોકે પાંચ ઑગસ્ટે ભૂખ હડતાળ પર બેઠેલા વિદ્યાર્થી નેતા દેવેન્દ્રનાથ મહતોએ સોનમ વાંગચુક સાથે ફોન પર વાત કર્યા બાદ પાણી પીધું છે.
દેવેન્દ્રનાથ મહતોએ ફોન પર સોનમ વાંગચુકને જણાવ્યું, “હું 2 ઑગસ્ટથી અનિશ્ચિતકાલીન ભૂખ હડતાળ પર બેઠો હતો. હું ખૂબ જ થાકી ગયો હતો. અહીં છેલ્લાં 26 વર્ષથી અનેક પરીક્ષાઓનાં પેપર લીક થઈ રહ્યાં છે. સતત પેપરલીકની ઘટનાઓ બની રહી છે. અહીંની સરકાર વિદ્યાર્થીઓના હિતમાં કોઈ નિર્ણય લઈ રહી નથી. ગઈ કાલે ડૉક્ટરે ચેતવણી આપી હતી કે જો હું પાણી નહીં પીઉં તો મને હૉસ્પિટલમાં દાખલ થવું પડશે.”
જવાબમાં સોનમ વાંગચુકે કહ્યું, “દેવેન્દ્રજી, તમે પાણી પી લો, નહીં તો આ આત્મહત્યા સમાન ગણાશે. હજુ તમારે થોડો સમય આપવાની જરૂર છે. તેમાં બે દિવસ કે એક અઠવાડિયું પણ લાગી શકે. પરંતુ મને આશા છે કે તે પહેલાં જ સરકારને સદબુદ્ધિ આવશે અને તે યોગ્ય નિર્ણય લેશે.”
દેવેન્દ્રનાથ મહતો કોણ છે?
ઇમેજ સ્રોત, Anand Dutt
દેવેન્દ્રનાથ મહતો રાંચી જિલ્લાના રાહે પ્રખંડના કાપીડીહ ગામના રહેવાસી છે. તેમણે વર્ષ 2006માં ફર્સ્ટ ક્લાસ સાથે દસમા ધોરણની પરીક્ષા પાસ કરી હતી. વર્ષ 2008માં વિજ્ઞાન પ્રવાહમાં ઇન્ટર પૂર્ણ કર્યું અને વર્ષ 2017માં રાંચીની ડૉ. શ્યામાપ્રસાદ મુખરજી યુનિવર્સિટીમાંથી સંસ્કૃત વિષયમાં સ્નાતકની ડિગ્રી મેળવી. પછી તેમણે કુર્માલી ભાષામાં અનુસ્નાતક (પીજી) અને બી.એડ. પણ પૂર્ણ કર્યું.
નિવૃત્ત સરકારી શિક્ષક વિશંભર મહતોના પુત્ર દેવેન્દ્રનાથ કૉલેજકાળથી જ વિદ્યાર્થીઓનાં હિતના મુદ્દાઓ માટે આંદોલનો કરતા આવ્યા હતા.
સૌપ્રથમ વર્ષ 2015માં રઘુવર દાસની સરકારના સમયમાં અમલમાં મુકાયેલી નિયોજન નીતિના વિરોધમાં તેમણે આંદોલન શરૂ કર્યું. બાદમાં વર્ષ 2016માં શિષ્યવૃત્તિ (સ્કોલરશિપ)માં ઘટાડાના મુદ્દે તેઓ રસ્તા પર ઊતર્યા હતા.
વર્ષ 2019માં તેમના જીવનમાં મહત્ત્વનો વળાંક આવ્યો. તેમણે છઠ્ઠી જેપીએસસી ભરતીમાં કથિત ગેરરીતિઓ સામે તેમણે એક મોટા આંદોલનનું નેતૃત્વ કર્યું હતું. આ દરમિયાન તેમનાં માતા દમયંતીદેવીનું અવસાન થયું હતું.
દેવેન્દ્રનાથના જણાવ્યા મુજબ, આ જ આંદોલનોના કારણે વર્ષ 2024ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમને જેલમાં મોકલી દેવાયા હતા, ત્યારે તેઓ અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા હતા.
જેલમાં રહીને ચૂંટણી લડવા છતાં તેમને કુલ 1.48 લાખ મત મળ્યા હતા અને ત્રીજા સ્થાને રહ્યા હતા. આ લોકસભા બેઠકથી સંજય સેઠ સાંસદ છે, જેઓ હાલમાં રાજ્ય કક્ષાના સંરક્ષણમંત્રી પણ છે.
ત્યાર બાદ એ જ વર્ષે નવેમ્બરમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં તેમણે સિલ્લી વિધાનસભા બેઠક પરથી પોતાનું નસીબ અજમાવ્યું.
આ ચૂંટણીમાં જયરામ મહતોની પાર્ટી જેએલકેએમે તેમને ઉમેદવાર બનાવ્યા. તેમને કુલ 44 હજાર મત મળ્યા હતા, પરંતુ તેઓ ફરી ત્રીજા સ્થાને રહ્યા હતા.
દેવેન્દ્રનાથના કહેવા મુજબ, ‘વિદ્યાર્થીઓના પ્રશ્નોને સતત ઉઠાવવા અને આંદોલનો ચલાવવાના કારણે હાલમાં તેમના વિરુદ્ધ 30થી વધુ કેસ નોંધાયેલા’ છે.
છેલ્લાં 12 વર્ષથી દેવેન્દ્રનાથના સાથી રહેલા ચંદન મહતો તેમના વિશે કહે છે, “તેમના નેતૃત્વમાં થયેલા વિદ્યાર્થી આંદોલનના કારણે ઝારખંડ સ્ટાફ સિલેક્શન કમિશન (જેએસએસસી)ની સીજીએલ પરીક્ષા રદ કરાઈ હતી.”
તેઓ વધુમાં કહે છે, “તે જ રીતે, ઝારખંડ ઍકેડૅમિક કાઉન્સિલ (જેએસી)ની મૅટ્રિક પરીક્ષા પણ પેપરલીકની આશંકાને કારણે રદ કરવી પડી હતી. વિદ્યાર્થીઓનાં હિતોની સુરક્ષા તેમજ ભરતી અને પરીક્ષા પ્રણાલીમાં પારદર્શિતા લાવવા માટે તેમનો સંઘર્ષ સતત ચાલુ રહ્યો છે.”
હાલમાં આમરણ ઉપવાસ પર બેઠેલા દેવેન્દ્રનાથના સ્વાસ્થ્ય પર રાંચી સદર હૉસ્પિટલના ડૉક્ટરોએ જણાવ્યું હતું કે તેમનું બ્લડપ્રેશર ઓછું છે, બ્લડ શુગર ઘટી રહ્યું છે અને થાક ઉપરાંત શરીરમાં પાણીની અછત (ડિહાઇડ્રેશન) છે.
વિદ્યાર્થીઓની માગણીઓ શું છે?
ઇમેજ સ્રોત, Anand Dutt
આખરે આ બધું શા માટે કરવું પડી રહ્યું છે? કઈ માગણી માટે દેવેન્દ્રનાથ મહતો પહેલાં ધરણા પર અને પછી આમરણ ઉપવાસ પર બેસવા મજબૂર થયા?
દેવેન્દ્રનાથ મહતો કહે છે, “પ્રથમ જેપીએસસીથી લઈને 14મી સુધીની તમામ પરીક્ષાઓ વિવાદોમાં રહી છે. વર્ષ 2005-06માં યોજાયેલી બીજી જેપીએસસી પરીક્ષાની સીબીઆઇ તપાસ થઈ હોવા છતાં આજે સુધી કોર્ટ દ્વારા અંતિમ નિર્ણય આપવામાં આવ્યો નથી.”
આમરણ ઉપવાસની મુખ્ય માગણીઓ આ પ્રમાણે છે:
- આ વખતે મુખ્ય માગ એ છે કે 14મી જેપીએસસી પરીક્ષા યોજનાર કંપની ટીએસઆર ડેટા પ્રોસેસિંગ પ્રાઇવેટ લિમિટેડ (ટીડીપીએલ) દ્વારા અગાઉ આયોજિત તમામ પરીક્ષાઓ રદ કરવામાં આવે. કારણ કે કેસના મુખ્ય આરોપી અને ટીડીપીએલના માર્કેટિંગ મૅનેજર અભય તિવારી પર આરોપ છે કે તેમણે સંયુક્ત સ્નાતક સ્તરની પરીક્ષા (સીજીએલ) મારફતે પોતે સરકારી નોકરી મેળવી હતી. એટલું જ નહીં, તેમણે પોતાનાં ભાઈ અને ભાભીને પણ નોકરી અપાવી. વધુમાં અભય તિવારીએ જેપીએસસી 14મી સિવિલ સેવા પરીક્ષાની પ્રાથમિક પરીક્ષા (પીટી) પણ પાસ કરી હતી.
- આ સિવાય સમગ્ર મામલાની માત્ર સીઆઇડી દ્વારા નહીં, પરંતુ સીબીઆઇ અને ઇડી દ્વારા તપાસ કરવામાં આવે. ફાસ્ટ ટ્રૅક કોર્ટની રચના કરવામાં આવે, જેથી જલદી ન્યાય મળી શકે. સાથે જ આગામી ત્રણ મહિનાની અંદર ન્યાય મળે તેની ખાતરી કરવામાં આવે.
- જેપીએસસી અને જેએસએસસીના બધા ભ્રષ્ટ અધિકારીઓને દૂર કરવામાં આવે. આગામી પરીક્ષાઓ માટે જેપીએસસી અને જેએસએસસીમાં એવા અધિકારીઓની નિમણૂક કરવામાં આવે, જેમનો છેલ્લાં 10 વર્ષનો કાર્યકાળ પારદર્શક રહ્યો હોય.
- વર્તમાનમાં આયોજિત કરતી કંપની ટીડીપીએલને બ્લૅકલિસ્ટ કરવામાં આવે. બાદમાં ટીસીએસ જેવી પ્રતિષ્ઠિત અને વિશ્વસનીય કંપનીઓને પરીક્ષાઓ યોજવાની જવાબદારી સોંપવામાં આવે, જેથી વિદ્યાર્થીઓને ફરીથી વિશ્વાસ આવે.
અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે?
ઇમેજ સ્રોત, Anand Dutt
ગત 19 એપ્રિલે રાજ્યભરમાં 14મી સિવિલ સેવા પ્રારંભિક પરીક્ષા યોજાઈ હતી.
બાદમાં 2 જુલાઈએ તેનું પરિણામ જાહેર થયું હતું. કુલ 103 જગ્યા માટે 2,204 ઉમેદવારોની મુખ્ય પરીક્ષા માટે પસંદગી થઈ અને મુખ્ય પરીક્ષા 18થી 20 જુલાઈએ થવાની હતી.
પરિણામ જાહેર થયા બાદ કથિત રીતે પ્રશ્નપત્ર લીક થયું હોવાના આરોપો સામે આવવા લાગ્યા. 20 જુલાઈએ સીઆઇડીએ જેપીએસસીની કચેરીમાં દરોડા પાડી ત્રણ કર્મચારીની ધરપકડ કરી હતી.
તે જ દિવસની સાંજે રાજ્યના પૂર્વ મુખ્ય સચિવ અને તત્કાલીન જેપીએસસીના અધ્યક્ષ એલ. ખ્યાંગતે પદેથી રાજીનામું આપી દીધું હતું.
આગલા દિવસે એટલે કે 21 જુલાઈએ રાજ્યપાલે તેમનું રાજીનામું સ્વીકારી લીધું. તે જ દિવસે આ મામલે એફઆઇઆર પણ નોંધાઈ.
દબાણ વધતા મુખ્ય મંત્રી હેમંત સોરેને 23 જુલાઈએ સમગ્ર મામલાની તપાસ સીઆઇડીને સોંપી અને સીઆઇડીએ જેપીએસસી કચેરી સહિત કુલ આઠ સ્થળોએ દરોડા પાડ્યા હતા.
આ કાર્યવાહીમાં પરીક્ષા નિયામક શ્વેતા ગુપ્તા સહિત અત્યાર સુધીમાં કુલ 11 લોકોની ધરપકડ કરાઈ છે.
ઉપરાંત જેપીએસસીના પૂર્વ અધ્યક્ષ એલ. ખ્યાંગતેની છેલ્લા ચાર દિવસમાં 32 કલાકથી વધુ પૂછપરછ કરાઈ છે અને પૂછપરછ હજુ પણ ચાલુ છે.
આ સાથે જેપીએસસી અને જેએસએસસી દ્વારા 25 જુલાઈથી 29 સપ્ટેમ્બર વચ્ચે યોજાનારી તમામ 9 પરીક્ષાઓ મુલતવી રખાઈ છે. આ પરીક્ષાઓમાં જેપીએસસીની મુખ્ય પરીક્ષા ઉપરાંત સિવિલ જજ ભરતી પરીક્ષા અને સહાયક લોક અભિયોજક પરીક્ષા જેવી મહત્ત્વપૂર્ણ ભરતીનો પણ સમાવેશ થાય છે.
તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

SOURCE : BBC NEWS




