Home તાજા સમાચાર gujrati પીએમ મોદીની વિદેશ નીતિ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે શું...

પીએમ મોદીની વિદેશ નીતિ અંગે રાહુલ ગાંધીની ટિપ્પણી પર વિદેશ મંત્રાલયે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ઇટાલી સાથે ભારતનાં ઊંડા અને મજબૂત સંબંધો છે.

ઇમેજ સ્રોત, YEFIMOVICH / AFP via Getty Images

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું છે કે ઇટાલી સાથે ભારતનાં ઊંડા અને મજબૂત સંબંધો છે.

ભારતીય વિદેશ મંત્રાલયે પીએમ મોદીની વિદેશ નીતિ અંગે રાહુલ ગાંધી દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીઓ પર પ્રતિક્રિયા આપી છે.

શુક્રવારે વિદેશ મંત્રાલયની પ્રેસ બ્રીફિંગ દરમિયાન આ મુદ્દે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.

વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે કહ્યું, “ઇટાલી સાથે અમારા ખૂબ ઊંડા અને મજબૂત સંબંધો છે. અમે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા માંગીએ છીએ. જ્યાં સુધી બે દેશો વચ્ચેની મિત્રતા અને સંબંધોની વાત છે, તેને સન્માનજનક મર્યાદામાં રાખવા જરૂરી હોય છે.”

આ પહેલાં લોકસભામાં વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધીએ ગુરુવારે દિલ્હીમાં આયોજિત એક કાર્યક્રમમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને તેમની નીતિઓ પર તીખા પ્રહારો કર્યા હતા.

રાહુલ ગાંધી મંચ પરથી એક પછી એક મોદી સરકારની નીતિઓની ટીકા કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે સરકારની વિદેશ નીતિ પર પણ કટાક્ષ કર્યો હતો.

રાહુલ ગાંધીએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસોનો ઉલ્લેખ કરતા કહ્યું, “તમે તમારા મિત્રના ઘરે જવા નથી રહ્યા. હિંદુસ્તાનના વડા પ્રધાન મિત્રતા કરવા જતા નથી. તેનું કામ દેશનું રક્ષણ કરવાનું હોય છે. તેમના મનમાં ખબર નથી ક્યાંથી આવી ગયું છે કે તે મારો મિત્ર છે અને પછી તેઓ ગળે મળવા લાગે છે.”

રાહુલ ગાંધી બોલ્યા, “ખબર નથી તેમના મનમાં આ કેવી રીતે ઘૂસી ગયું કે વિદેશ નીતિનો અર્થ આ જ હોય છે.”

આવું કહ્યા બાદ રાહુલ ગાંધીએ મંચ પર હાજર કૉંગ્રેસ નેતા સંદીપ દીક્ષિતને ગળે લગાવ્યા અને કહ્યું કે મોદીજીને લાગે છે કે વિદેશ નીતિનો અર્થ આ જ હોય છે.

ત્યારબાદ સંદીપ દીક્ષિતે રાહુલ ગાંધીને અટકાવીને ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીનો ઉલ્લેખ કર્યો હતો. આ ઉલ્લેખ બાદ ભાજપે તેની ટીકા કરી હતી.

‘સિંધુ જળ સંધિ સ્થગિત જ રહે, આ અમારી નદીઓ છે’, ઓમર અબ્દુલ્લાહે કહ્યું

એપ્રિલ 2025માં પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી. બીબીસી ન્યૂઝ અપડેટ ગુજરાતી ગુજરાત ન્યૂઝ સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

સિંધુ જળ સંધિના સ્થગિત કરવાના ભારત સરકારના નિર્ણયને લઈને જમ્મુ-કાશ્મીરના મુખ્ય મંત્રી ઓમર અબ્દુલ્લાહે કહ્યું, “આ અમારી નદીઓ છે અને તેના પર પ્રથમ અધિકાર અમારો જ બનતો હતો.”

ઉમર અબ્દુલ્લાહે કહ્યું, “પંજાબની છ નદીઓમાંથી ત્રણ નદીઓ ભારતે પોતાની પાસે રાખી અને ત્રણ નદીઓ પાકિસ્તાનને સોંપી દીધી. ત્યારથી લઈને આજ સુધી અમે આ સિંધુ જળ સંધિનું નુકસાન ભોગવી રહ્યા છીએ. હવે સિંધુ જળ સંધિ સ્થગિત કરવામાં આવી છે અને તે સ્થગિત જ રહેવી જોઈએ, જેથી અમે આ પાણીનો યોગ્ય ઉપયોગ કરી શકીએ.”

આ પહેલાં પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે સિંધુ જળ સંધિને લઈને ભારતને સીધી ચેતવણી આપી હતી.

તેમણે કહ્યું હતું કે પાકિસ્તાનનાં પાણીનું એક-એક ટીપું તેની “રેડલાઇન” છે અને જો ભારત પોતાનું વલણ નહીં બદલે તો તેને ‘સીધો જવાબ’ આપવામાં આવશે.

ઇસ્લામાબાદમાં ગુરુવારે ‘યાદગાર-એ-ફતહ’ ના ઉદ્ઘાટન સમારોહમાં ભાષણ આપતાં શહબાઝ શરીફે ભારત દ્વારા સિંધુ જળ સંધિને “એકતરફી રીતે સ્થગિત” કરવામાં આવવા અંગે ટિપ્પણી કરી હતી.

હકીકતમાં, એપ્રિલ 2025માં પહલગામ હુમલા બાદ ભારતે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિને સ્થગિત કરી દીધી હતી.

સિંધુ જળ સંધિ શું છે?

વર્ષ 1947માં ભારત અને પાકિસ્તાનના વિભાજન દરમિયાન જ્યારે પંજાબનું વિભાજન કરવામાં આવ્યું, ત્યારે તેનો પૂર્વ ભાગ ભારત પાસે અને પશ્ચિમ ભાગ પાકિસ્તાન પાસે ગયો.

સિંધુ નદી અને તેની સહાયક નદીઓનાં પાણી વહેંચવા માટે ભારત અને પાકિસ્તાને વિશ્વ બૅન્કની મધ્યસ્થતામાં નવ વર્ષ સુધી ચર્ચા કર્યા બાદ સપ્ટેમ્બર 1960માં સિંધુ જળ સંધિ કરી હતી.

તે સમયે ભારતના વડા પ્રધાન જવાહરલાલ નેહરુ અને પાકિસ્તાનના તત્કાલીન રાષ્ટ્રપતિ જનરલ અયૂબ ખાને કરાચીમાં આ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. ત્યારે એવી આશા વ્યક્ત કરવામાં આવી હતી કે આ સંધિ બંને દેશોના ખેડૂતો માટે સમૃદ્ધિ લાવશે અને શાંતિ, સદભાવના તથા મિત્રતાની ખાતરી બનશે.

નદીઓનાં પાણીના વહેંચવા સંબંધિત આ કરાર અનેક યુદ્ધો, વિવાદો અને તણાવ છતાં 65 વર્ષથી યથાવત્ રહ્યો હતો.

આ સંધિ હેઠળ ભારતને બિયાસ, રાવી અને સતલજ નદીઓનાં પાણી પર સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો હતો, જ્યારે પાકિસ્તાનને ત્રણ પશ્ચિમી નદીઓ, એટલે કે સિંધુ, ચિનાબ અને જેલમનાં પાણી પર અધિકાર આપવામાં આવ્યો હતો. કરાર અનુસાર આ નદીઓનાં લગભગ 80 ટકા પાણી પર પાકિસ્તાનનો હક છે.

ભારતને પશ્ચિમી નદીઓનાં વહેતાં પાણીમાંથી વીજળી ઉત્પન્ન કરવાનો અધિકાર છે, પરંતુ કરાર મુજબ તે પાણીનો મોટો જથ્થો સંગ્રહિત કરી શકતું નથી અથવા તેના પ્રવાહને ઘટાડે તેવી યોજનાઓ બનાવી શકતું નથી.

તેના વિપરીત, ભારતને પૂર્વની નદીઓ એટલે કે રાવી, બિયાસ અને સતલજ પર કોઈપણ પ્રકારના પ્રોજેક્ટ બનાવવાનો અધિકાર છે અને તેના પર પાકિસ્તાન વાંધો ઊઠાવી શકતું નથી.

જાતિ આધારીત વસ્તીગણતરીમાં પૂછવામાં આવતા સવાલો પર કૉંગ્રેસે ઉઠાવ્યો વાંધો

જાતિ આધારીત વસ્તીગણતરીમાં પૂછવામાં આવતા સવાલો પર કૉંગ્રેસે ઉઠાવ્યો વાંધો- ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

કૉંગ્રેસ પાર્ટીએ જાતિ આધારિત વસ્તીગણતરી માટે પૂછવામાં આવનારા પ્રશ્નો અને તેની પદ્ધતિ અંગે શંકા વ્યક્ત કરી છે. પાર્ટીએ આરોપ લગાવ્યો છે કે કેન્દ્ર સરકારે આ મુદ્દે રાજકીય પક્ષો સાથે કોઈ ચર્ચા કરી નથી.

કૉંગ્રેસના નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, “6 મે, 2025ના રોજ જાતિ આધારીત વસ્તીગણતરી સંબંધિત મુદ્દે કૉંગ્રેસ અધ્યક્ષે વડા પ્રધાનને પત્ર લખ્યો હતો. તેમના સૌથી પહેલા અને મૂળભૂત સૂચનને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યું છે. સાથે જ, ખડગે જીની માંગ મુજબ રાજકીય પક્ષો સાથે પણ કોઈ ચર્ચા કરવામાં આવી નથી.”

જયરામ રમેશે મલ્લિકાર્જુન ખડગેએ લખેલો તે પત્ર પણ ઍક્સ પર શૅર કર્યો છે.

ખડગેના પત્રમાં વડા પ્રધાનને સંબોધિત કરતાં લખવામાં આવ્યું છે, “મેં 16 એપ્રિલ, 2023ના રોજ તમને પત્ર લખીને કૉંગ્રેસ તરફથી જાતિ આધારિત વસ્તીગણતરી કરાવવાની માંગ રજૂ કરી હતી. દુઃખની વાત છે કે મને તે પત્રનો કોઈ જવાબ મળ્યો નથી. દુર્ભાગ્યવશ, ત્યારબાદ તમારી પાર્ટીના નેતાઓ અને તમે ખુદ પણ આ માંગને લઈને કૉંગ્રેસ અને તેના નેતૃત્વ પર સતત હુમલા કરતા રહ્યા.”

મલ્લિકાર્જુન ખડગેએ આ પત્રમાં માંગ કરી હતી કે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વસ્તીગણતરીમાં પૂછવામાં આવતા પ્રશ્નો માટે તેલંગાણા મૉડેલ અપનાવવું જોઈએ અને અંતે અહેવાલ પ્રકાશિત કરીને તમામ વિગતો જાહેર કરવી જોઈએ.

જયરામ રમેશે અન્ય એક પોસ્ટમાં આરોપ લગાવ્યો, “વ્યાપક રીતે એવી અપેક્ષા રાખવામાં આવી રહી હતી કે જાતિ સંબંધિત પ્રશ્નો અગાઉથી તૈયાર કરાયેલી રાજ્યવાર યાદી સાથે પૂછવામાં આવશે, જેમ કે બિહાર અને તેલંગાણામાં થયેલાં જાતિ સર્વેક્ષણોમાં કરવામાં આવ્યું હતું. જેમાં જવાબ અનુસાર યોગ્ય વિકલ્પ સામે માત્ર ટિક કરવાનું હોય છે. દુર્ભાગ્યે, એવું થયું નથી, જેના કારણે સરકારની મનસા અંગે ગંભીર શંકાઓ ઊભી થઈ રહી છે.”

આ પહેલાં એક ગેઝેટ નોટિફિકેશન દ્વારા ગૃહ મંત્રાલયના રજિસ્ટ્રાર જનરલના કાર્યાલયે જણાવ્યું છે કે વર્ષ 2027 માટે થનારી વસ્તીગણતરી દરમિયાન સંબંધિત અધિકારીઓ લોકો પાસે 40 પ્રકારના પ્રશ્નો પૂછી શકે છે.

આ પ્રશ્નોમાં નામ, ધર્મ, વૈવાહિક સ્થિતિ, જન્મસ્થળ, કાયમી નિવાસ, બૅન્ક ખાતાઓની કુલ સંખ્યા, મોબાઇલ નંબર (જો હોય તો), આધાર નંબર (જો હોય તો), મતદાર ઓળખપત્ર (Voter ID) નંબર જેવી વિગતોનો સમાવેશ થાય છે.

શહબાઝ શરીફના નિવેદન પર પીએમ મોદીને કૉંગ્રેસે શું કહ્યું?

શહબાઝ શરીફના નિવેદન પર પીએમ મોદીને કૉંગ્રેસે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Arif Hudaverdi Yaman/Anadolu via Getty Images

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફના નિવેદન પર કૉંગ્રેસના નેતા પવન ખેડાએ પીએમ મોદી પાસે જવાબ માગ્યો છે.

પવન ખેડાએ કહ્યું, “શહબાઝ શરીફનું જે નિવેદન આવ્યું છે તે બહુ ચોંકાવનારું નથી, કારણ કે ડોનાલ્ડ ટ્રમ્પ પોતે સોથી વધુ વાર કહી ચૂક્યા છે કે ‘મેં (ભારત-પાકિસ્તાન વચ્ચે) યુદ્ધવિરામ કરાવડાવ્યું. મેં ભારતને ઠપકો આપ્યો.’ તેમણે જે કંઈ કહ્યું છે તે તમે પણ સાંભળ્યું જ છે.”

પવન ખેડાના જણાવ્યા મુજબ, “હવે શહબાઝ શરીફ પણ એ જ વાત કરી રહ્યા છે અને ટ્રમ્પનો આભાર માની રહ્યા છે. રાહુલ જીએ સંસદમાં મોદી જીને તક આપી હતી કે તમે ઊભા થઈને કહી દો કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે, યુદ્ધવિરામમાં તેમની કોઈ ભૂમિકા નહોતી. ત્યારે તેઓ (પીએમ મોદી) ગભરાયેલા દેખાતા હતા.”

“હવે શહબાઝ શરીફ પણ એ જ કહેવા લાગ્યા છે. પડોશી દેશ, જે પ્રકારે તમારી પાછળ છે, તે એક રીતે તમને ઉશ્કેરી રહ્યો છે. અમે ફરીથી કહી રહ્યા છીએ કે વડા પ્રધાન જી સામે આવો અને કહી દો કે ટ્રમ્પ ખોટું બોલી રહ્યા છે અને શહબાઝ શરીફ પણ ખોટું બોલી રહ્યા છે. ભારતે પોતાની શરતો પર યુદ્ધવિરામ કર્યું હતું.”

આ પહેલાં ઇસ્લામાબાદમાં ગુરુવારે ‘યાદગાર-એ-ફતહ’ના ઉદ્ઘાટન સમારોહમાં બોલતા શહબાઝ શરીફે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર વ્યક્ત કર્યો હતો.

તેમણે દાવો કર્યો હતો કે ટ્રમ્પે ગયા વર્ષે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ કરાવવામાં ભૂમિકા ભજવી હતી અને લાખો લોકોના જીવ બચાવ્યા હતા.

22 એપ્રિલ, 2025ના રોજ જમ્મુ-કાશ્મીરની પહલગામની બૈસરન ખીણમાં પર્યટકોને નિશાન બનાવીને કરવામાં આવેલા ચરમપંથી હુમલામાં 26 લોકોનાં મોત થયાં હતાં.

ભારતે તેના વિરુદ્ધ મે મહિનામાં ‘ઑપરેશન સિંદૂર’ શરૂ કર્યું હતું. ત્યારબાદ ભારત અને પાકિસ્તાનની સેનાઓ આમને-સામને આવી ગઈ હતી.

લગભગ ત્રણથી ચાર દિવસના સંઘર્ષ બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી હતી કે ભારત અને પાકિસ્તાન યુદ્ધવિરામ કરી રહ્યાં છે.

ટ્રમ્પે અનેક પ્રસંગોએ દાવો કર્યો હતો કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધવિરામ તેમણે જ કરાવ્યું હતું.

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કેમ કહ્યું – ‘આ વિદ્યાર્થીઓ અને મારા વચ્ચેનો મુદ્દો છે, તેમાં દખલ કરનાર BCI કોણ?’

ચીફ જસ્ટિસ સૂર્યકાંત, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

સુપ્રીમ કોર્ટે શુક્રવારે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના અધ્યક્ષ મનન કુમાર મિશ્રાએ નાલસાર લૉ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનું ઍનરોલમેન્ટ રોકવાના આદેશો અંગે નારાજગી વ્યક્ત કરી હતી.

જોકે, મનન મિશ્રાએ બાદમાં આ આદેશ પાછો ખેંચી લીધો હતો.

ભારતના મુખ્ય ન્યાયાધીશ (CJI) સૂર્યકાંતે કહ્યું કે વિદ્યાર્થીઓને શાંતિપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરવાનો સંપૂર્ણ અધિકાર છે.

તેમણે આ મામલે બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાના હસ્તક્ષેપ પર પણ સવાલ ઉઠાવ્યા હતા.

લાઇવ લૉના અહેવાલ મુજબ ચીફ જસ્ટિસ સૂર્યકાંતે કહ્યું કે, “બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયા બિનજરૂરી કાર્યવાહી કરી રહ્યું છે. જો વિદ્યાર્થીઓ પાસે વિરોધ કરવાનો કોઈ મુદ્દો છે, તો તેમને વિરોધ કરવાનો અધિકાર છે.”

“શક્ય છે કે વિદ્યાર્થીઓએ મને કોઈ પત્ર લખ્યો હોય. આ વિદ્યાર્થીઓ અને મારા વચ્ચેનો સંવાદ છે.”

“બીસીઆઈ કોણ છે જે બિનજરૂરી રીતે આ મુદ્દો ઉઠાવે? આ સંપૂર્ણપણે અનાવશ્યક છે. બાર કાઉન્સિલ ઑફ ઇન્ડિયાને આની સાથે કોઈ લેવાદેવા નથી.”

ચીફ જસ્ટિસ સૂર્યકાંતે પોતાના વિદ્યાર્થીજીવનનો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે તેઓ પોતે પણ વિદ્યાર્થી આંદોલનો અને પ્રવૃત્તિઓમાં સામેલ રહ્યા હતા.

તેમણે કહ્યું કે જો વિદ્યાર્થીઓ શાંતિપૂર્ણ રીતે પોતાની વાત રજૂ કરી રહ્યા હોય, તો તેમને તે કરવાની મંજૂરી મળવી જોઈએ.

તેમણે વધુમાં કહ્યું કે, “ધારી લો કે તેઓ ખોટા પણ હોય, તોપણ તેમને વિરોધ કરવાનો અધિકાર છે. તેમને કોણ રોકી શકે?”

“જ્યાં સુધી તેઓ કાયદાની મર્યાદામાં રહીને અને શાંતિપૂર્ણ રીતે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે, ત્યાં સુધી તેમની વાત સાંભળવી જોઈએ. બાર કાઉન્સિલ અથવા અન્ય કોઈ સંસ્થાએ તેમાં દખલ કેમ કરવી જોઈએ?”

અશ્વિને સરફરાઝ પર મૅનેજમેન્ટને પૂછ્યું: ‘મને જણાવો કે ટીમમાં તેમની ભૂમિકા શું છે?’

ક્રિકેટ, બીબીસી ગુજરાતી, સરફરાઝ ખાન, આર અશ્વિન

ઇમેજ સ્રોત, ANI

પૂર્વ ભારતીય ઑલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિને શ્રીલંકા સામેની આવનારી ટેસ્ટ શ્રેણી માટે ટીમમાં પસંદ કરાયેલા સરફરાઝ ખાનને લઈને ભારતીય ટીમ મૅનેજમેન્ટને સવાલ કર્યો છે.

સાઈ સુદર્શન ઈજાગ્રસ્ત થતાં તેમની જગ્યાએ સરફરાઝ ખાનને ટીમમાં સામેલ કરવામાં આવ્યા છે. ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી શનિવારથી શરૂ થઈ રહી છે.

28 વર્ષીય સરફરાઝ ખાને નવેમ્બર 2024 પછી ભારત માટે કોઈ ટેસ્ટ મૅચ રમી નથી. જ્યારે અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં ધ્રુવ જુરેલ અને સરફરાઝ ખાનમાંથી એકની પસંદગી કરવા કહેવામાં આવ્યું, ત્યારે તેમણે કહ્યું કે, “હું જુરેલ સાથે શરૂઆત કરીશ.”

પોતાના યુટ્યુબ ચૅનલ ‘ઍશ કી બાત’ પર અશ્વિને સરફરાઝની ભૂમિકાને લઈને કહ્યું કે, “તમારે તેમને સ્પષ્ટ જણાવવું પડશે કે ઉપખંડની પરિસ્થિતિઓમાં તેઓ ટીમ માટે કઈ ભૂમિકા ભજવી શકે છે.”

તેમણે આગળ કહ્યું કે, “આ રીતે સરફરાઝ બીજી બાબતોમાં પોતાનો સમય બગાડશે નહીં. તેઓ સારી સ્પિન રમવા પર ધ્યાન કેન્દ્રિત કરી શકશે અને ઉપખંડની પરિસ્થિતિઓના કિંગ બની શકે છે.”

“તેઓ પોતાની કારકિર્દી બનાવી શકે છે. જો તમને લાગે છે કે તેઓ કેટલીક ખાસ પરિસ્થિતિઓમાં સારું રમવા સક્ષમ નથી, તો તેમને આ વાત સ્પષ્ટ રીતે જણાવો.”

સરફરાઝ ખાને ફેબ્રુઆરી 2024માં ઇંગ્લૅન્ડ સામે ટેસ્ટ ક્રિકેટમાં ડેબ્યૂ કર્યું હતું. ડેબ્યૂ બાદ તેણે શાનદાર શરૂઆત કરી હતી અને પોતાની પ્રથમ ત્રણ ટેસ્ટ ઇનિંગ્સમાં સતત ત્રણ અર્ધસદી ફટકારી હતી.

અશ્વિને ફરી ભારપૂર્વક કહ્યું કે, “આ રીતે સરફરાઝ બીજી બાબતોમાં સમય બગાડશે નહીં. તેઓ સ્પિન સામે વધુ સારી રીતે રમવા પર ધ્યાન આપી શકશે અને ઉપખંડની પરિસ્થિતિઓમાં એક મજબૂત બૅટ્સમૅન તરીકે પોતાની ઓળખ સ્થાપિત કરી શકશે.”

“જો ટીમ મૅનેજમેન્ટને લાગે છે કે તેઓ કેટલીક પરિસ્થિતિઓમાં અસરકારક નથી, તો તેમને તે અંગે ખુલ્લેઆમ જણાવી દેવું જોઈએ.”

દેવભૂમિ દ્વારકા : ખેડૂતો અને પશુપાલકોએ જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ કરી

દેવભૂમિ દ્વારકા, ખેડૂતો અને પશુપાલકોએ દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવા કરી માંગ

ઇમેજ સ્રોત, sachin pithva

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં વરસાદની અછતને પગલે હવે જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગ ઊઠી છે.

ભારતીય કિસાન સંઘના દ્વારકા તાલુકા પ્રમુખ જેસલભા સુમણિયા જણાવ્યું કે અમે દ્વારકાના પ્રાંત ઑફિસરને આ રજૂઆત કરી હતી કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 5 થી 10 ટકા જેટલો વરસાદ છે જે પૂરતો નથી, તેથી દ્વારકાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી ખેડૂતોનું પાક ધિરાણ માફ કરવામાં આવે પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો અને પાણી ઉપલબ્ધ કરાવવામાં આવે

તેમણે કહ્યું, હવે વરસાદ થાય તો પણ ખરીફ પાકની સિઝન જતી રહી છે, આવનારું આખું વર્ષ આ ખેડૂતો માટે કપરું રહેવાનું છે.

ખેડૂતો અને પશુપાલકોની મુશ્કેલીઓ વધતી હોવાનો ઉલ્લેખ કરી સરકાર સમક્ષ વિવિધ માંગણીઓ કરવામાં આવી છે.

પશુઓ માટે પૂરતો ઘાસચારો ઉપલબ્ધ કરાવવા, ચરિયાણની જમીન બચાવવા સહિતના મુદ્દાઓને લઈને રજૂઆત કરવામાં આવી છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની મુખ્ય માંગ કરવામાં આવી છે સાથે જ પશુઓ માટે પૂરતા પ્રમાણમાં ઘાસચારો ઉપલબ્ધ કરાવવામાં આવે અને ખેડૂતો તથા પશુપાલકોને જરૂરી સહાય આપવામાં આવે તેવી માંગ કરી છે.

ઉત્તરાખંડ: નિર્માણાધીન સુરંગમાં બચાવ કામગીરી ચાલુ, અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યા

ઉત્તરાખંડ: નિર્માણાધીન સુરંગમાં બચાવ કામગીરી ચાલુ, અત્યાર સુધીમાં 4 મૃતદેહ મળી આવ્યા

ઇમેજ સ્રોત, ANI

ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના પીપલકોટી ખાતે ટીએચડીસીની નિર્માણાધીન સુરંગમાં પાણી અને કાટમાળથી ભરાઈ ગયા બાદ રેસ્ક્યૂ અભિયાન ચાલી રહ્યું છે.

એનડીઆરએફના જણાવ્યા અનુસાર, અત્યાર સુધીમાં ચાર મૃતદેહો મળી આવ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, અકસ્માતમાં સાત લોકોનાં મોત થયાં છે અને 11 લોકો ઘાયલ થયા છે.

ગુરુવારે સાંજે પીપલકોટીમાં ટિહરી હાઇડ્રો ડેવલપમેન્ટ કૉર્પોરેશન લિમિટેડ (ટીએચડીસી)ની નિર્માણાધીન ટનલમાં કાટમાળ અને પાણી ઘૂસી ગયાં હતાં.

એનડીઆરએફ કમાન્ડર અમૃતલાલ મીણાએ જણાવ્યું હતું કે “જ્યારે ટીમ ઘટનાસ્થળે પહોંચી અને બચાવ કામગીરી શરૂ કરી, ત્યારે ટનલ અતિશય પાણીથી ભરેલી હતી અને કિનારીઓમાંથી પાણી સતત ટપકતું હતું. આ પછી પાણીનું સ્તર વધારે વધ્યું હતું.”

તેમણે કહ્યું, “એનડીઆરએફના જવાનોએ અત્યાર સુધીમાં વિશેષ ઉપકરણોની મદદથી હજુ સુધીમાં ચાર મૃતદેહો પાણીમાંથી બહાર કાઢ્યા છે. રેસ્ક્યૂ ઑપરેશન હજુ પણ ચાલુ છે અને જ્યાં સુધી સુરંગમાં ફસાયેલા બધા લોકોને બચાવી લેવામાં ન આવે ત્યાં સુધી ચાલુ રહેશે.”

ટીએચડીસી પ્રોજેક્ટ હેડ અજય વર્માએ જણાવ્યું હતું કે , “આ અકસ્માત ટનલ પોર્ટલથી લગભગ બે કિલોમીટર અંદર થયો હતો. તે સમયે લગભગ 20થી 22 લોકો ટનલની અંદર કામ કરી રહ્યા હતા.”

“અચાનક, પાણીનો સ્ત્રોત ફાટ્યો અને પાણી ખૂબ જ ઝડપથી ટનલમાં ઘૂસી ગયું. કેટલાક લોકો પાણીના પ્રવાહ સાથે બહાર નીકળીને સુરક્ષિત રીતે બચવામાં સફળ રહ્યા, જ્યારે કેટલાક લોકો હજુ પણ અંદર ફસાયેલા છે. તેમને બહાર કાઢવા માટે બચાવ કામગીરી ચાલુ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS