Home તાજા સમાચાર gujrati પાકિસ્તાન : સોશિયલ મીડિયામાં ‘જય હિંદ’ના નારા સાથે તિરંગાની પોસ્ટ મૂકનારા લોકો...

પાકિસ્તાન : સોશિયલ મીડિયામાં ‘જય હિંદ’ના નારા સાથે તિરંગાની પોસ્ટ મૂકનારા લોકો સામે શું કાર્યવાહી થઈ? જાણો, શું છે મામલો

4
0

Source : BBC NEWS

પાકિસ્તાનના મોહમંદ જિલ્લામાં પોલીસે ભારતના સ્વતંત્રતાદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર ભારતીય ધ્વજની તસવીરો અને ‘જય હિંદ’ શબ્દ શૅર કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાનના મોહમંદ જિલ્લામાં પોલીસે ભારતના સ્વતંત્રતાદિવસ નિમિત્તે સોશિયલ મીડિયા પર ભારતીય ધ્વજની તસવીરો અને ‘જય હિંદ’ શબ્દ શૅર કરવાના આરોપમાં બે લોકોની ધરપકડ કરી છે અને તેમને જેલમાં મોકલી દીધા છે.

બીબીસી ઉર્દૂને પ્રાપ્ત થયેલી એફઆઈઆર મુજબ, આરોપીઓની ધરપકડ પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 123A અને 153A હેઠળ કરવામાં આવી છે. આ કલમો ઉશ્કેરણી અને રાજ્યના સાર્વભૌમત્વ વિરુદ્ધ પ્રવૃત્તિઓ સાથે સંબંધિત છે.

મોહમંદ જિલ્લાના ગલનાઈ વિસ્તારના સ્ટેશન હાઉસ ઑફિસર (એસએચઓ) મુરાદ ખાને બીબીસી ઉર્દૂને જણાવ્યું કે કોઝ ગંડાઓ અને કટારકાલે વિસ્તારના બે લોકોએ 15 ઑગસ્ટે ભારતના સ્વતંત્રતાદિવસના અવસરે પોતાના સોશિયલ મીડિયા પેજ પર ભારતીય ધ્વજની તસવીર અને “જય હિંદ”નો નારો પોસ્ટ કર્યો હતો. ત્યારબાદ પોલીસે કાર્યવાહી કરીને તેમની ધરપકડ કરી હતી.

એસએચઓ મુરાદ ખાને જણાવ્યું કે 15 ઑગસ્ટે ધરપકડ બાદ બંનેને અદાલતમાં રજૂ કરવામાં આવ્યા હતા, જ્યાં અદાલતે તેમને ન્યાયિક હિરાસતમાં જેલ મોકલી આપ્યા હતા.

એફઆઈઆરમાં શું લખવામાં આવ્યું છે?

એફઆઈઆર મુજબ, કોઝ ગંડાઓમાંથી ધરપકડ કરાયેલા આરોપી પર,

એફઆઈઆર મુજબ, કોઝ ગંડાઓમાંથી ધરપકડ કરાયેલા આરોપી પર, “પોતાના ફેસબુક એકાઉન્ટ પરથી ‘જય હિંદ’ લખવાનો, ભારતીય ધ્વજ અને અન્ય તસવીરો શૅર કરવાનો તથા ભારતના સ્વતંત્રતાદિવસના અવસરે તેમની સાથે સ્વતંત્રતાદિવસ ઉજવવાનો” આરોપ મૂકવામાં આવ્યો છે.

એફઆઈઆરમાં કહેવામાં આવ્યું છે કે, “આ કૃત્ય પોતાના દેશ પાકિસ્તાન વિરુદ્ધ રાજદ્રોહ અને લોકો વચ્ચે દ્વેષ ફેલાવવાની શ્રેણીમાં આવે છે.”

બીજા આરોપી વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં પણ જણાવાયું છે કે તેણે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર ભારતીય ધ્વજ શૅર કર્યો હતો અને “જય હિંદ”નો નારો લખ્યો હતો.

કાયદાકીય નિષ્ણાતોનું શું કહેવું છે?

જોકે, કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આરોપીઓ સામે લગાવવામાં આવેલી જોગવાઈઓ આવા કેસોમાં લાગુ પડતી નથી.

વરિષ્ઠ વકીલ શબ્બીર હુસૈન ગગિયાનીએ બીબીસીને જણાવ્યું કે પોલીસે પાકિસ્તાન દંડ સંહિતાની કલમ 123A અને 153A હેઠળ એફઆઈઆર નોંધાવી છે.

તેમણે જણાવ્યું કે કલમ 123A અનુસાર, “જો કોઈ વ્યક્તિ પાકિસ્તાન રાજ્યની સ્થાપનાની નિંદા કરે, અથવા પાકિસ્તાનના સાર્વભૌમત્વ વિરુદ્ધ બોલે, અથવા પાકિસ્તાન વિરુદ્ધ દુર્ભાવનાપૂર્ણ ઇરાદો ધરાવે, તો આ કલમ લાગુ પડે છે.”

કાનૂની નિષ્ણાતે વધુમાં જણાવ્યું કે, “કલમ 153A ત્યારે લાગુ પડે છે જ્યારે કોઈ વ્યક્તિ એવું નિવેદન કે ભાષણ આપે જે ધાર્મિક સંપ્રદાયો, રાજકીય જૂથો અથવા અન્ય સંગઠનો વચ્ચે દ્વેષ વધારવાનો પ્રયાસ કરે.”

શબ્બીર હુસૈન ગગિયાનીએ જણાવ્યું, “આ બંને એફઆઈઆર ખોટી રીતે નોંધવામાં આવી છે, તેનો કોઈ કાયદાકીય આધાર નથી અને તેને રદ કરી શકાય છે.”

કોર્ટમાં શું થયું?

કાયદાકીય નિષ્ણાતોનું માનવું છે કે આરોપીઓ સામે લગાવવામાં આવેલી જોગવાઈઓ આવા કેસોમાં લાગુ પડતી નથી

ઇમેજ સ્રોત, Getty Images

આરોપીઓમાંથી એકના વકીલ મુસાવર ઍડ્વોકેટે બીબીસી સાથે વાત કરતાં જણાવ્યું કે ઍડિશનલ ડિસ્ટ્રિક્ટ જજ ઇશાક અહમદની અદાલતે તેમના ક્લાયન્ટની જામીન અરજી નામંજૂર કરી દીધી છે. સમાન કેસમાં ધરપકડ કરાયેલી અન્ય એક વ્યક્તિને પણ ન્યાયિક હિરાસતમાં મોકલવામાં આવી છે.

સુનાવણી દરમિયાન બચાવ પક્ષના વકીલે દલીલ કરી હતી કે સોશિયલ મીડિયા પરની પોસ્ટનો મુદ્દો સીધો પોલીસના અધિકારક્ષેત્રમાં આવતો નથી.

આવા કેસો સામાન્ય રીતે પીઈસીએ (પ્રિવેન્શન ઑફ ઇલેક્ટ્રોનિક ક્રાઇમ્સ ઍક્ટ) હેઠળ નોંધવામાં આવે છે અને તેની પ્રાથમિક તપાસ નૅશનલ સાઇબર ક્રાઇમ ઇન્વેસ્ટિગેશન એજન્સી દ્વારા કરવામાં આવે છે.

તેમણે વધુમાં અદાલત સમક્ષ દલીલ કરી કે પોલીસે સીધી કાર્યવાહી કરી છે અને જે કલમો લગાવવામાં આવી છે તે આવા કેસો માટે યોગ્ય નથી.

બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ અદાલતે જણાવ્યું કે કેસમાં લાગુ કરાયેલી કલમો બિનજામીનપાત્ર છે, તેથી જામીન અરજી ફગાવી દેવામાં આવે છે.

અરજદારના વકીલે જણાવ્યું કે હવે તેઓ જામીન માટે ઉચ્ચ ન્યાયાલયનો સંપર્ક કરશે.

વકીલે કહ્યું, “મારા ક્લાયન્ટનો હેતુ સોશિયલ મીડિયા દ્વારા દ્વેષ ફેલાવવાનો નહોતો, પરંતુ માત્ર ભારતને તેના સ્વતંત્રતાદિવસની શુભેચ્છા પાઠવવાનો હતો.”

તિરંગા સાથે ‘જય હિંદ’નો નારો પોસ્ટ કરનારાના મિત્રે શું કહ્યું?

આરોપીના એક મિત્રએ બીબીસી ઉર્દૂને જણાવ્યું કે તેમના મિત્રએ “હાલમાં જ રાજનીતિશાસ્ત્રમાં ગ્રૅજ્યુએશન પૂર્ણ કર્યું છે.”

તેમણે વધુમાં કહ્યું, “તે દેશપ્રેમી નાગરિક છે. આપણા દેશમાં રાજકારણીઓ અન્ય દેશોને તેમના સ્વતંત્રતાદિવસ પર શુભેચ્છાઓ પાઠવે છે. શું તેમની સામે ક્યારેય એફઆઈઆર નોંધાઈ છે? તો પછી એક સામાન્ય નાગરિક વિરુદ્ધ કેમ?”

આવી ઘટના પહેલાં પણ બની છે?

પાકિસ્તાનમાં આ પ્રકારનો મામલો પ્રથમ વખત સામે આવ્યો નથી. ગયા વર્ષે ફેબ્રુઆરીમાં ખૈબર પખ્તૂનખ્વાહમાં એક યુવા મહોત્સવ દરમિયાન ભારતીય રાષ્ટ્રગાન ગાયા બાદ ચાર વિદ્યાર્થીઓને યુનિવર્સિટીમાંથી કાઢી મૂકવામાં આવ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS