Home તાજા સમાચાર gujrati છોકરીઓ અચાનક હસવા-રડવા લાગતી, ચીસો પાડતી, ‘ભૂત દેખાયા’ની અફવા ફેલાતાં 600 વિદ્યાર્થીઓએ...

છોકરીઓ અચાનક હસવા-રડવા લાગતી, ચીસો પાડતી, ‘ભૂત દેખાયા’ની અફવા ફેલાતાં 600 વિદ્યાર્થીઓએ આશ્રમશાળા છોડી – ગ્રાઉન્ડ રિપોર્ટ

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, NiteshRaut/BBC

ભૂત દેખાયાની અફવાને કારણે અમરાવતી જિલ્લાના દુર્ગમ વિસ્તાર મેળઘાટમાં આવેલા ડોમા ગામની એક આદિવાસી આશ્રમશાળા સાવ સૂની પડી ગઈ છે.

ભયને કારણે આશ્રમશાળાના 606 વિદ્યાર્થી-વિદ્યાર્થિનીઓ પોતપોતાનાં ઘરે પરત ફરી ગયાં છે. તેમાં 263 છોકરાઓ અને 343 છોકરીઓનો સમાવેશ થાય છે.

અહીંની વિદ્યાર્થીનીઓના જણાવ્યા અનુસાર, છોકરીઓના હૉસ્ટેલમાં કેટલીક વિદ્યાર્થીનીઓ અચાનક કોઈ કારણ વિના હસવા-રડવા લાગી હતી. તેઓ એકીટશે તાકી રહેતી, ચીસો પાડતી, તેમના હાથ-પગ તંગ થઈ જતા અને તેઓ કોઈ પણ બાબતનો પ્રતિસાદ આપતી નહોતી. આવી ઘટનાઓને કારણે અન્ય વિદ્યાર્થીનીઓમાં ભય ફેલાયો.

વિશેષ વાત એ છે કે આ હૉસ્ટેલની બાજુમાં જ વિદ્યાર્થીઓની હૉસ્ટેલ છે. જો કે, વિદ્યાર્થીઓમાં આવી કોઈ ઘટના જોવા મળી નથી. અંધશ્રદ્ધા નિર્મૂલનના કાર્યકર્તાઓ પણ આ બાબત તરફ ધ્યાન દોરે છે.

ડોમા આશ્રમશાળા અમરાવતીથી 100 કિલોમીટરના અંતરે આવેલી છે. આ આશ્રમશાળામાં પાંચડુંગરી, એકતાઈ, ચુનખડી અને આસપાસનાં ગામોના વિદ્યાર્થીઓ નિવાસી શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યાં છે.

અહીં ઉત્તમ શિક્ષણ મળતું હોવાથી અન્ય સરકારી આશ્રમશાળાઓની સરખામણીએ વિદ્યાર્થીઓની સંખ્યા સારી છે. આ આશ્રમશાળામાં નિવાસી વિદ્યાર્થીઓ સહિત કુલ વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ 800 છે. જો કે, 300થી વધુ છોકરીઓને રહેવા માટે માત્ર ત્રણ જ ઓરડા છે. છોકરીઓને રહેવા માટે આ ઓરડા અપૂરતા છે. છોકરાઓની હૉસ્ટેલની સ્થિતિ પણ એવી જ છે.

હૉસ્ટેલની મોટી ઇમારત તૈયાર છે. જો કે, કમ્પાઉન્ડ વૉલના વિવાદનો કેસ કોર્ટમાં હોવાથી આ ઇમારત વિદ્યાર્થીઓ માટે ખુલ્લી કરવામાં આવી નથી. તેથી તેમણે જૂની અને અપૂરતી જગ્યામાં જ રહેવું પડે છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, NiteshRaut/BBC

100 મીટરના અંતરે આવેલું મહુડાનું ઝાડ છેલ્લાં અનેક વર્ષોથી અહીં હતું. નવી ઇમારતના બાંધકામ માટે આ ઝાડ કાપવામાં આવ્યું. ત્યારથી ભૂતપ્રેતની અફવાને વેગ મળ્યો.

આ ઝાડ પર ભૂતોનું એક કુટુંબ રહેતું હતું. ઝાડ કાપી નાખવામાં આવતાં ભૂતોનું એ કુટુંબ હૉસ્ટેલમાં રહેવા આવ્યું હોવાની અંધશ્રદ્ધા કેટલાક વિદ્યાર્થીઓમાં ફેલાઈ છે.

ગામથી થોડા મીટરના અંતરે આ આશ્રમશાળા આવેલી છે. શાળાની આસપાસના વિસ્તારમાં તદ્દન શાંતિ રહે છે. શાળાની નવી ઇમારતનું બાંધકામ કરતી વખતે કેટલાંક ઝાડ કાપવામાં આવ્યાં હતાં. તેના કારણે શાળામાં ભૂતપ્રેતની અંધશ્રદ્ધા ફેલાઈ.

ડોમાથી લગભગ 40 કિલોમીટર દૂર એકતાઈ ગામ છે. અહીં રહેતી ઘણી છોકરીઓ આ આશ્રમશાળામાં અભ્યાસ કરે છે. આ ચોક્કસ ગામમાં રહેતી છોકરીઓમાં વિચિત્ર લક્ષણો જોવા મળ્યાં હતાં. અમે આ ગામમાં પહોંચ્યા.

ગામમાં દરેક જગ્યાએ આ બાબતે ચર્ચા ચાલી રહી હતી. આમાંથી એક છોકરીના પિતા શંકર ધિકારનું ઘર શોધીને અમે ત્યાં પહોંચ્યા.

તેમની પુત્રીમાં પણ વિચિત્ર લક્ષણો જોવા મળ્યાં હતાં.

બીબીસી મરાઠી સાથે વાત કરતાં શંકર ધિકારે કહ્યું, “શાળાનું પરિસર હાલમાં મારી દીકરી માટે અનુકૂળ નથી.”

“જો કે, તે આમાંથી સાજી થશે એ પછી હું તેને શાળાએ મોકલીશ. તે શાળાએ જવા માટે અમારી પાછળ પડી છે.”

શંકરની દીકરીને તે દિવસે બનેલી ઘટના વિશે કંઈ જ યાદ નથી. જો કે, શાળામાં ચાલી રહેલી ચર્ચા તેના કાને પડી હતી.

મહુડાનું ઝાડ કાપ્યા પછી ફેલાયેલી અફવાને કારણે આ બધું થઈ રહ્યું છે, એવી અંધશ્રદ્ધા જાણ્યે-અજાણ્યે તેના મનમાં ઘર કરી ગઈ હોવી જોઈએ. આવા ભયમાંથી આ પ્રકારની ઘટના બની હોવાની શક્યતા છે, એવું ડૉક્ટરોએ પણ જણાવ્યું.

શું અંધશ્રદ્ધા પાછળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કારણભૂત છે?

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિનાં એક મહિલા પદાધિકારીએ જણાવ્યું કે, “મૂળભૂત રીતે અહીં છોકરીઓ માટે રહેવાની જગ્યા અત્યંત અપૂરતી છે. એક ખાટલા પર બે-ત્રણ છોકરીઓ સૂએ છે.”

“પ્રકાશની વ્યવસ્થા પણ અપૂરતી છે. આવા ગૂંગળામણભર્યા વાતાવરણની આ એક અસર હોઈ શકે છે.”

શિક્ષણ તેમજ પાયાની સુવિધાઓના અભાવને કારણે મેળઘાટ વિસ્તારમાં અંધશ્રદ્ધા અને શરીરમાં કોઈનો આત્મા પ્રવેશ્યો હોવા જેવી ઘટનાઓ કંઈ નવી નથી.

કોઈની તબિયત બગડે તો આદિવાસી લોકો ડૉક્ટર પાસે જતા નથી, પણ ભૂમકા બાબા (સ્થાનિક વૈદ) પાસે જવાનું વલણ વધુ છે.

ભૂમકા બાબા એટલે તાંત્રિક-માંત્રિક બાબા, જેઓ આવા માધ્યમથી બીમારી મટાડવાનો દાવો કરે છે. જો કે, એક રીતે તેઓ અંધશ્રદ્ધાને મજબૂત કરવાનું કામ કરે છે. સ્થાનિક લોકોનો ભૂમકાઓ પર એટલો વિશ્વાસ છે કે સ્થાનિક વહીવટીતંત્ર પણ લાચાર બની જાય છે.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, NiteshRaut/BBC

સ્થાનિક ગામવાસીઓના જણાવ્યા અનુસાર, ગામની કેટલીક છોકરીઓ એક સાથે આવે ત્યારે જ આ પ્રકારની ઘટના બને છે. તેમનામાં અંધશ્રદ્ધા ફેલાઈ છે. આમાંથી ઘણા વિદ્યાર્થીઓ હવે શાળામાં પાછી ફરવા ઇચ્છુક છે. જો કે, તેમનાં પરિવારજનો તેમને શાળાએ મોકલવા તૈયાર નથી.

શાળાના આચાર્ય સંજય ચૌધરી બાળકોને શાળામાં પાછા લાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તેઓ કહે છે કે બાળકોને ગુણવત્તાયુક્ત શિક્ષણ મળી રહે એ માટે તેમણે શાળામાં પાછા ફરવું જોઈએ. બાળકોને કોઈ બીમારી નથી, પરંતુ માતા-પિતાના ભયને કારણે તેમના શિક્ષણને નુકસાન ન થાય તેની ચિંતા છે.

ભૂતપ્રેત નહીં, માનસિક તાણ અને સામૂહિક ભય?

આ ઘટના પાછળ ભૂતપ્રેત નહીં, પરંતુ માનસિક તાણ, ભય અને અફવાઓની અસર હોવાની શક્યતા મનોચિકિત્સકોએ વ્યક્ત કરી છે.

મનોચિકિત્સક સ્વાતી સોનવણેએ વિદ્યાર્થીનીઓની તપાસ કરતાં માનસિક વિચ્છેદ/શારિરીક પ્રતિક્રિયાઓ (Dissociative/Conversion Symptoms) જેવાં લક્ષણો જોવા મળ્યાં હોવાનું જણાવ્યું. કારણ વિના હસવું-રડવું, સ્મૃતિભ્રંશ, ભય અને તણાવ જેવાં માનસિક લક્ષણો તેમનામાં જોવા મળ્યાં. અંધશ્રદ્ધા, અતિશય તણાવ અને ભયને કારણે આવાં લક્ષણો પેદા થઈ શકે છે, એવું તેમણે સ્પષ્ટ કર્યું. બીજું એ કે આ વિદ્યાર્થીનીઓ સંપૂર્ણપણે સ્વસ્થ હોવાનું જણાવાયું છે.

દરમિયાન, વિદ્યાર્થીઓના મનમાંથી ભય દૂર કરવા માટે અંધશ્રદ્ધા નિર્મૂલન સમિતિના કાર્યકર્તાઓ મેળઘાટ પહોંચ્યા છે. આ પહેલાં પણ 300થી વધુ ગામોમાં સમિતિએ એક અભિયાન હાથ ધર્યું હતું.

વિદ્યાર્થીનીઓ તેમજ વાલીઓ સાથે વાતચીત કરીને કાર્યકર્તાઓએ શાળામાં પાછા ફરવા અંગે જનજાગૃતિ શરૂ કરી છે. શાળાના વાતાવરણ પર કેટલીક ફિલ્મો અને ભૂતપ્રેત અંગેની ચર્ચાઓની પણ અસર પડી હોવાનું સમિતિના કાર્યકર્તાઓનું કહેવું છે.

29 જુલાઈની ગુરુપૂર્ણિમાથી આ પ્રકારની ઘટના શરૂ થઈ હતી. શરૂઆતમાં ચાર વિદ્યાર્થીનીઓ બાથરૂમમાંથી બહાર આવ્યા પછી વિચિત્ર વર્તન કરવા લાગી હતી. ત્યાર પછી આવું અન્ય વિદ્યાર્થીનીઓમાં પણ જોવા મળ્યું. જો કે, આમાંથી મોટા ભાગની વિદ્યાર્થીનીઓ ઘરે ગયા પછી એકદમ સ્વસ્થ છે.

તેઓ ઘરનું અને ખેતીનું કામ કરતી હોવાનું જોવા મળ્યું. એક બાબત આ છોકરીઓમાં સમાન જોવા મળી કે આમાંની મોટા ભાગની છોકરીઓએ ‘કંચના’ નામની હૉરર ફિલ્મ જોઈ હતી.

બીબીસી ગુજરાતી, ગુજરાત, બીબીસી, અમદાવાદ,

ઇમેજ સ્રોત, NiteshRaut/BBC

બીજું એ કે આ તમામ છોકરીઓનું વર્તન એકસરખું હતું. એટલે કે છોકરીઓ એકબીજાની નકલ કરી રહી હતી, એ બાબત તરફ પણ એક વ્યક્તિએ ધ્યાન દોર્યું.

હાલમાં આશ્રમશાળાની હોસ્ટેલ લગભગ સૂની પડી ગઈ છે. જો કે, ઘરે જતી રહેલી ઘણી છોકરીઓ ફરી શાળામાં આવવા માગે છે. “શાળા બંધ તો નહીં થઈ જાય ને?” એવો ભય પણ કેટલીક વિદ્યાર્થીનીઓ વ્યક્ત કરી રહી છે.

વિદ્યાર્થીઓ ફરી શાળામાં પાછા ફરે તે માટે આદિવાસી વિકાસ વિભાગ દ્વારા પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

આદિવાસી વિકાસ વિભાગના અતિરિક્ત કમિશનર સંદીપ ગોલાઈતે જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓને સુરક્ષિત વાતાવરણમાં ફરી શાળામાં લાવવા માટે તમામ શક્ય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

ભૂતની અફવાને કારણે શાળા સૂની પડી ગઈ હોય, છતાં આ સમગ્ર ઘટના પાછળનું વાસ્તવિક કારણ ભય અને અંધશ્રદ્ધા કરતાં માનસિક તણાવ, સામૂહિક ભય અને અફવાઓની અસર છે કે કેમ, તે વૈજ્ઞાનિક પદ્ધતિથી શોધવું હવે મહત્વપૂર્ણ બની રહેશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુ શોધો

શૉર્ટ વીડિયો છોડો અને આગળ વધો

શૉર્ટ વીડિયો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

  • 11 તળાવમાંથી પકડાયેલી 36 ટન માછલીનો કેમ નાશ કરાયો?

  • દીવના વણાકબારા નજીક માછીમારી દરમિયાન ‘શિવ ચંદન’ નામની ફિશિંગ બોટ દરિયામાં ડૂબી ગઈ છે.

  • રાજસ્થાનના અજમેરમાં દરજી તરીકે કામ કરતા 62 વર્ષીય રેખરાજને 974 કરોડની નોટિસ આવી છે.

  • ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની ઘટ વચ્ચે સપ્ટેમ્બર મહિના માટે શું છે આગાહી?

  • બીબીસી ગુજરાતી

  • બીબીસી ગુજરાતી

  • બીબીસી ગુજરાતી

  • બીબીસી ગુજરાતી

  • બીબીસી ગુજરાતી

SOURCE : BBC NEWS