Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Renee Wong
રિની વૉંગ અને એપ્રિલ લી 12 વર્ષનાં હતાં ત્યારથી એકમેકને ઓળખે છે. આ વર્ષે, 2026માં તેઓ પોતાની બીજી લગ્નતિથિ ઊજવી રહ્યાં છે. તેઓ એક જ ઘરમાં રહે છે, સંયુક્ત બૅન્ક ખાતું ધરાવે છે અને ભાવિ યોજનાઓ પણ સાથે બનાવે છે. બસ, તેમની પથારી અલગ છે અને તેઓ પોતાને પ્રેમી યુગલ માનતાં નથી.
29 વર્ષની આ બે મહિલાની કહાણી મનોવિજ્ઞાનમાં હજુ બહુ ઓછા અભ્યાસ પામેલા એક પ્રકારના સંબંધનું ઉદાહરણ છે: ‘પ્લેટોનિક કપલ’—એવું દામ્પત્ય, જેમાં રોમૅન્ટિક કે જાતીય આકર્ષણ હોતું નથી.
પોતાનાં પત્ની એપ્રિલ વિશે રિની બીબીસીને કહે છે, “જીવનસાથી કે લગ્ન જેવું જીવનનું આટલું મહત્ત્વનું સ્થાન એવા રોમૅન્ટિક સાથી માટે શા માટે સાચવી રાખવું, જે હજી આપણા જીવનમાં આવ્યો જ નથી? એવી વ્યક્તિ મળે તો બહુ સારું—આપણે સૌ ભેગા મળીને તેનો આનંદ માણી શકીએ. પરંતુ જે વ્યક્તિ હજી આવી જ નથી, તેના માટે એ સ્થાન શા માટે ખાલી રાખવું? મારા જીવનમાં પહેલેથી જ એવી વ્યક્તિ છે, જે મારા માટે સમર્પિત છે.”
તેઓ કાયદેસર રીતે પરિણીત છે અને સંતાન પણ ઇચ્છે છે, પરંતુ સામાન્ય અર્થમાં તેઓ દંપતી નથી: બંને વચ્ચે ન તો ક્યારેય રોમૅન્ટિક આકર્ષણ રહ્યું છે, ન જાતીય આકર્ષણ.
તેઓ પોતાને ‘સોલમેટ્સ’ (આત્મીય સાથી) કહે છે અને એકબીજાના જીવનમાં એવું સ્થાન ધરાવે છે, જે કોઈ પણ રોમૅન્ટિક પ્રેમથી કદી ભરી ન શકાય.
16 વર્ષના સખીપણાને સમજીવિચારીને આજીવન સંગાથમાં પરિવર્તિત કરવામાં આવ્યું.
‘મારા મૃત્યુ સમયે મારી પડખે હું એને જ ઇચ્છું છું’
ઇમેજ સ્રોત, Renee Wong
રિની અને એપ્રિલ સિંગાપુરની એક શાળામાં મળ્યાં અને પહેલી જ મુલાકાતમાં બંને વચ્ચે ગાઢ નાતો બંધાઈ ગયો.
પોતાનો લગભગ બધો સમય તેઓ સાથે જ વિતાવતાં. વર્ગ પૂરો થયા પછી એકબીજાને ઘરે જતાં, શનિવારે સાથે ટ્યુશનમાં જતાં અને રવિવારે ચર્ચમાં પણ સાથે જતાં.
“સાચે જ, અઠવાડિયાનાં સાતેય દિવસ અમે સાથે જ રહેતાં,” રિની યાદ કરતાં કહે છે.
બંનેમાંથી કોઈને ભાઈ-બહેન નહોતાં. બંનેમાંથી કોઈને ભાઈ-બહેન નહોતાં. રિની કહે છે કે કદાચ એટલે જ નાની ઉંમરથી બન્ને એકબીજા માટે બહેનની કમી પૂરી કરતાં ગયાં અને છેવટે બહેનો જેવા બની ગયાં.
તેમના પરિવારો પણ એકબીજાની વધુ નજીક આવતાં ગયાં. તેઓ સાથે ક્રિસમસ અને લૂનર ન્યૂ યર (ચીની ચંદ્ર નૂતન વર્ષ) ઊજવતાં અને જીવનના મહત્ત્વના પ્રસંગોમાં પણ સાથે રહેતાં. સમય જતાં તેઓ એકબીજા માટે વિસ્તૃત પરિવાર જેવા બની ગયાં.
કિશોરાવસ્થામાં થતી બીજી ઘણી મિત્રતાની જેમ, ભૌગોલિક અંતર વધ્યા પછી પણ તેમની મિત્રતા ટકી રહી. રિની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા લૉસ એન્જલસ જતાં રહ્યાં, જ્યારે એપ્રિલ સિંગાપુરમાં જ રહ્યાં.
બંને પોતપોતાના માર્ગે, અલગ-અલગ ભૂખંડમાં જતાં રહ્યાં. તેમની મિત્રતા એક દિવસ પોતાના મૂળ સ્વરૂપથી આગળ વધીને કંઈક બીજું સ્વરૂપ ધારણ કરશે, એવી કલ્પના સુધ્ધાં તેમણે નહોતી કરી.
ટૂંકમાં કહીએ તો, મહામારી આવી ત્યાં સુધી તેઓ ગાઢ સખીઓની જેમ જ સાથે જીવતાં રહ્યાં. કોરોના વાઇરસને કારણે સરહદો બંધ થઈ ગઈ હતી. બંને અલગ-અલગ સમય ઝોનમાં હોવા છતાં દિવસના 12 કલાક સુધી વાતો કરવા લાગી. એકબીજાથી દૂર રહેવાની એ મજબૂરીના સમયગાળામાં તેમને એક એવી વાતનો અહેસાસ થયો, જેને હવે અવગણી શકાય તેમ નહોતું.
રિનીને અહેસાસ થયો કે તેમની મિત્રતા કેટલી ગાઢ હતી.
“મને એકદમ સ્પષ્ટ થઈ ગયું કે આ દુનિયામાં હું જેને સૌથી વધુ પ્રેમ કરું છું, એ એપ્રિલ છે. રોમૅન્ટિક રીતે નહીં, પરંતુ જો મારી સાથે કંઈ બને, તો એ જ એવી વ્યક્તિ છે જેને હું મારી પડખે ઇચ્છું.” એમ તેઓ કહે છે.
“ત્યારે બીજી બાબત પણ સ્પષ્ટ થઈ ગઈ: મૃત્યુની ઘડીએ મારી પડખે હું એને જ ઇચ્છતી હોઉં તો પછી હું એની સાથે રહેતી કેમ નથી? અમારાં જીવન આટલાં અલગ કેમ છે? અમે બંને અલગ-અલગ જીવવાને બદલે સાથે રહેવાનું કેમ ન નક્કી કરીએ?”
મહામારી શરૂ થઈ ત્યારે રિની તાજી જ ગ્રૅજ્યુએટ થઈ હતી. તેમના કહેવા પ્રમાણે, થોડો વિરામ લઈને બધાથી દૂર રહેવા માટે એ સમય એકદમ યોગ્ય હતો.
તેઓ વાતો કરતાં ત્યારે તેને લાગતું કે તે ધીમે-ધીમે એવી વ્યક્તિ બની રહી હતી, જેવી તે બનવા માગતી હતી.
પ્રવાસની મંજૂરી મળતાં જ બંનેએ સાથે રહેવા માટેની તૈયારી શરૂ કરી. 2024ની શરૂઆતમાં તેમણે લૉસ એન્જલસમાં કાયદેસર રીતે લગ્ન કરી લીધાં.
પરંતુ અહીં એક વાત એવી છે, જેની સામાન્ય રીતે સમજૂતિ આપવી પડે. બંને બાયસેક્સ્યુઅલ (ઉભયલિંગી) છે, છતાં એકમેક પ્રત્યે તેમને કોઈ જાતીય આકર્ષણ નથી. “અમે હંમેશાં કહીએ છીએ કે અમારી વચ્ચે સહેજ પણ શારીરિક આકર્ષણ નથી,” રિની હસીને કહે છે.
નાનપણથી સાથે ઉછરવાને કારણે તેમનો સંબંધ બહેનો જેવો બની રહ્યો છે.
“વૈજ્ઞાનિક રીતે કહીએ તો, અમને એકબીજાની ગંધ પણ ગમતી નથી. એટલે જૈવિક રીતે પણ અમારી વચ્ચે એવું કંઈ બનવાનું જ નથી.”
બંનેએ સાથે રહેવાનો સંકલ્પ કેમ કર્યો?
ઇમેજ સ્રોત, Archivo personal
તેમનું લગ્ન ન તો રોમૅન્ટિક સંબંધનો દેખાવ કરતી કોઈ વ્યવહારુ ગોઠવણ હતું, કે ન મિત્રતાના આવરણમાં લપેટાયેલો કોઈ રોમૅન્ટિક સંબંધ.
તેમના કહેવા પ્રમાણે, બંનેના જીવનમાં સૌથી મહત્ત્વનો સંબંધ એક દાયકા કરતાંય વધુ સમયથી અસ્તિત્વમાં હતો. લગ્ન એ સંબંધને સ્વીકારવાની એક રીત હતી. સમાજ જે દરજ્જો સામાન્ય રીતે માત્ર રોમૅન્ટિક સંબંધોને આપે છે, એ જ દરજ્જો આ સંબંધ પણ મેળવવાને પાત્ર હતો.
રિની કહે છે, “અમારાં 17 વર્ષના સખીપણા દરમિયાન અમારા બંનેનાં પોતપોતાનાં સંબંધો રહ્યા છે, બૉયફ્રેન્ડ રહ્યા છે અને બીજા લોકો સાથે ડેટિંગ પણ કર્યું છે.”
“પણ અમારો આ સંબંધ ટકી રહ્યો છે. મારા બૉયફ્રેન્ડ સાથે મારો ઝઘડો થાય, ત્યારે પણ એની સાથે એ વાતમાંથી શું શીખવા મળ્યું અને કેવી રીતે આગળ વધવું, એ શીખનાર એપ્રિલ જ હતી. જીવનસાથી પાસેથી હું જે કંઈ ઇચ્છું, એ બધું જ મને તેની પાસેથી મળે છે. ખાસ કરીને ભાવનાત્મક રીતે તે જે રીતે મારો સાથ આપે છે, એ અદભુત છે,” તેઓ ઉમેરે છે.
“એ સ્થાન માત્ર રોમૅન્ટિક દંપતી માટે જ શું કામ હોવું જોઈએ?” રિની સવાલ કરે છે.
તેઓ કહે છે, “જે સ્ત્રીએ મારા માટે આટલો સમય અને કાળજી આપ્યાં છે, જેણે ફૂલની જેમ મારી સંભાળ લીધી છે, એ સ્ત્રી માટે એ સ્થાન કેમ ન હોઈ શકે? આજે હું જે કંઈ છું, એ તેના કારણે છું. જે રોમૅન્ટિક સાથી હજી મારા જીવનમાં આવ્યો જ નથી, તેના માટે એ સ્થાન શા માટે ખાલી રાખવું? જ્યારે આટલી મહેનત અને સમર્પણ કરનાર વ્યક્તિ મારી સામે જ છે?”
“પણ તમે તો માત્ર ગાઢ સખીઓ જ છો, ખરું ને?” તેમને સૌથી વધુ પૂછવામાં આવતો સવાલ સાંભળવા મળે છે ત્યારે તેમનો જવાબ તૈયાર હોય છે.
ઇમેજ સ્રોત, Getty Images
“મિત્ર અને જીવનસાથી પાસેથી લોકો કઈ કક્ષાના સમર્પણની અપેક્ષા રાખે છે, એની મને જાણ નથી,” રિની કહે છે.
“મારા માટે તો એ જ મારી જીવનસાથી છે.”
માત્ર એક જ છત નીચે રહેવા કરતાં આ સમર્પણ ઘણું આગળ છે. રિની અને એપ્રિલ પોતાને નાણાકીય ભાગીદાર પણ માને છે.
“અમારી બધી આવક એક જ સંયુક્ત ભંડોળમાં જાય છે,” એપ્રિલ સમજાવે છે.
કારકિર્દીમાં પરિવર્તનના એક તબક્કા દરમિયાન એપ્રિલ પર ક્રેડિટ કાર્ડનું દેવું થઈ ગયું હતું. એ જ સમયે રિનીને કામમાં બૉનસ મળ્યું.
એપ્રિલની સખીએ પહેલવહેલું જે કામ કર્યું, એ હતું તેનું આખું દેવું ચૂકવી દેવાનું—અને એ પણ કશો હોબાળો કર્યા વિના.
“તેણે મને કહ્યું, ‘એ રીતે આ દેવાનો બોજો હવે આપણા માથે રહેશે નહીં.’
બંને માટે આ પ્રકારનો સહકાર અને સાથે મળીને કામ કરવાની ભાવના જ તેમના સંબંધની ખરી ઓળખ છે—નહીં કે આકર્ષણ યા શારીરિક નિકટતા.
બ્રહ્મચર્ય વિના
ઇમેજ સ્રોત, Archivo Personal
રિની અને એપ્રિલ ન તો બ્રહ્મચર્ય પાળે છે, ન ભવિષ્યમાં રોમૅન્ટિક પ્રેમની શક્યતાને નકારે છે. ભવિષ્યમાં તેઓ અન્ય લોકો સાથે ડેટિંગ કરવા માટે ખુલ્લું મન ધરાવે છે. જોકે, અત્યારે તેઓ કોઈની શોધમાં સક્રિય નથી અને હાલ એકલાં રહેવાનું પસંદ કરે છે.
તેમના કહેવા મુજબ, ફરક એટલો છે કે બંનેએ સાથે મળીને જે ભાવનાત્મક પાયો ઊભો કર્યો છે, તેણે તેમની અપેક્ષાઓ ઘણી ઊંચી કરી દીધી છે.
“અમે કોઈ ખાલી જગ્યા ભરવાનો પ્રયાસ નથી કરી રહ્યાં. અમે એકલાં નથી,” રિની કહે છે.
તેમના કહેવા પ્રમાણે, સહવાસનાં આ વર્ષોએ બંનેને એવી ઘણી બાબતો શીખવી છે, જે સામાન્ય રીતે રોમૅન્ટિક સંબંધોમાં જોવા મળે છે—જેમ કે એકબીજા સાથેનું જોડાણ અને સ્વસ્થ રીતે વાતચીત કરવાની રીત.
“ઘરમાં જ ફાઇવ-સ્ટાર ભોજન મળતું હોય તો…” તેઓ મજાકમાં કહે છે. પછી સ્પષ્ટ કરે છે કે એનો અર્થ રોમૅન્ટિક પ્રેમને ઓછો આંકવાનો નથી.
“પણ સામાન્ય ડેટ પર જઈને સમય વિતાવવા કરતાં હું તેની સાથે ફોન પર વાતો કરવામાં અને મજા કરવામાં મારો સમય પસાર કરવાનું વધુ પસંદ કરું.”
તેમના માટે રોમૅન્ટિક સંબંધો તેમના લગ્નસંબંધનો વિકલ્પ નહીં બને, પરંતુ તેને વધુ સમૃદ્ધ બનાવશે.
ભૂતકાળમાં એપ્રિલને એક રોમૅન્ટિક સંબંધ હતો, ત્યારે આમ જ બન્યું હતું. એ અનુભવથી બંનેને એકબીજા પરનું નિર્ભરતાનું પ્રમાણ ઓછું કરવામાં મદદ મળી.
“અમારા પ્લેટોનિક સંબંધની સાથે કોઈ રોમૅન્ટિક સંબંધ જોડાય તો તે અમારા સંબંધને વધુ સમૃદ્ધ જ બનાવશે, એમ અમને લાગે છે,” રિની કહે છે.
તેઓ કહે છે, “એમાં પ્રેમ ઓછો નહીં, વધારે મળે છે. અને કશી સ્પર્ધા નથી.”
મનોવિજ્ઞાન શું કહે છે?
ઇમેજ સ્રોત, Archivo Personal
રિની અને એપ્રિલ વચ્ચેના સંબંધને એક નામ આપી શકાય છે. અલબત્ત, એ નામ હજી નવું છે અને તેનો અર્થ પણ પૂરેપૂરો સ્પષ્ટ થયો નથી: પ્લેટોનિક લાઇફ પાર્ટનરશિપ, એટલે કે રોમૅન્ટિક કે જાતીય સંબંધ વિનાનો જીવનસાથી તરીકેનો સંબંધ. જોકે, વિજ્ઞાને આ વિષયનો અભ્યાસ હજી હમણાં જ શરૂ કર્યો છે.
“આવા સંબંધ વિશે હજુ ખાસ ચર્ચા થતી નથી,” સોશિયલ સાઇકોલૉજીમાં પીએચ.ડી. અને બ્રાઝિલિયન ઍસોસિયેશન ઑફ સાઇકોલૉજીનાં સભ્ય એવાં મનોવિજ્ઞાની મારિયા ક્રિસ્ટિના એન્ટ્યુનેસ કહે છે.
આ વિષય પર કેટલાક ગુણાત્મક અભ્યાસો થયા છે ખરા, પણ એમાં મનોવિજ્ઞાન કરતાં તત્ત્વજ્ઞાન કે કાયદાકીય પાસાં પર વધુ ભાર મુકાયો છે. વિશાળ વસતિ પર આધારિત અભ્યાસોની સરખામણીએ આવાં સંશોધનો બહુ ઓછાં છે.
“આ પ્રકારના સંબંધને ચોક્કસપણે શું કહેવાય તેની કોઈ સ્પષ્ટ સીમા હજી નક્કી થઈ નથી.”
મનોવિજ્ઞાની મારિયા સમજાવે છે કે ‘પ્લેટોનિક લવ’ શબ્દપ્રયોગ ગ્રીક તત્ત્વચિંતક પ્લેટોના વિચારો પરથી આવ્યો છે. ખાસ કરીને તેમના ‘ધ સિમ્પોઝિયમ’ ગ્રંથમાં તેઓ પ્રેમને આધ્યાત્મિક અને બૌદ્ધિક વિકાસ તરફ લઈ જતો માર્ગ ગણાવે છે.
લાંબા સમય સુધી આ શબ્દ અશક્ય કે એકતરફી પ્રેમ સાથે સંકળાતો રહ્યો. તેનો અર્થ થતો એવો પ્રેમ કે જે શારીરિક આકર્ષણથી આગળ વધીને ગુણ, જ્ઞાન અને નૈતિક વિકાસ સાથે જોડાયેલો હોય.
પ્રવર્તમાન ‘પ્લેટોનિક કપલ’ એ જ વિચારનું નવું અર્થઘટન છે: એવો સંબંધ કે જે જાતીય કે રોમૅન્ટિક આકર્ષણ પર આધારિત ન હોય અને ઘણી વાર સાથે રહેતા લોકોને વ્યવહારુ સગવડ તેમજ કાનૂની સુરક્ષા પણ આપે.
વળી, રિની અને એપ્રિલે જાણપૂર્વક એક ખાસ પ્રકારનો સંબંધ ઊભો કર્યો છે. મનોવિજ્ઞાનીના મતે, ઘણા પરંપરાગત લગ્નો પણ સમય જતાં આવા જ સંબંધનું સ્વરૂપ ધારણ કરે છે.
“લાંબા સમયથી સાથે રહેતાં ઘણાં દંપતીમાં આપણે જોઈએ છીએ કે સમય જતાં તેમનો સંબંધ પ્લેટોનિક પ્રેમ જેવો બનતો જાય છે—મિત્રતા અને સાથ પર આધારિત સંબંધ, જેમાં ક્યારેક જાતીય સંબંધ લગભગ ન હોય. કાઉન્સેલિંગ દરમિયાન ઘણી વાર આવું જોવા મળે છે.”
સંસ્કૃતિ, પરિવાર અને અસામાન્યતા
ઇમેજ સ્રોત, Archivo Personal
સિંગાપુર જેવા રૂઢિચુસ્ત સમાજમાં ઉછરવાને કારણે આ નિર્ણય લેવો તેને વધુ અસંભવિત લાગતો હતો.
રિની કહે છે, “સમલૈંગિક લગ્ન વિશે વિચારવાનો પણ સવાલ નથી, અને એ લગ્ન પ્લેટોનિક હોય, એ તો સાવ દૂરની વાત છે.”
શરૂઆતમાં તેમના પરિવારજનોને પણ આ વાતથી આશ્ચર્ય થયું. પણ સમય જતાં તેઓ આ વિચાર સમજવા લાગ્યા. આખરે બંને એકબીજાને 12 વર્ષની ઉંમરથી ઓળખે છે અને તેમના પરિવારો પણ એકબીજાને પહેલેથી સગાં જેવા જ માનતા હતા.
“તેઓ અમારા વચ્ચેના સંબંધ વિશે જાણતા હતા અને સમજતા હતા કે અમે બહેનો જેવી છીએ.”
બાળકો, બિલાડીઓ અને ભવિષ્ય
બાળકો હોવાં એ પણ તેમના ભાવિ આયોજનનો એક ભાગ છે. જોકે, તેમને એની ઉતાવળ નથી. હાલ તેમની પાસે બે બિલાડી છે.
બાળક દત્તક લેવા અથવા અન્ય રીતે કોઈ બાળકના ઉછેરમાં સહભાગી થવા માટે બન્ને તૈયાર છે. એમ કરવામાં ગૉડમધર અથવા માર્ગદર્શક બનવાનો પણ સમાવેશ થાય છે.
રિની મજાકમાં કહે છે, “એ તો તદ્દન સ્પષ્ટ છે કે અમારામાંથી કોઈ બીજીને ગર્ભવતી કરી શકવાની નથી.”
“ભવિષ્યમાં તેની સાથે મળીને માતા બનવાનો વિચાર જ મને સૌથી વધુ રોમાંચિત કરે છે—એવી કલ્પના કે અમે બંને માતા હોઈશું,” તેઓ કહે છે.
2024માં થયેલું તેમનું લગ્ન સાદગીસભર હતું. તેમના પરિવારજનો લગ્નમાં હાજર રહી શક્યા નહોતા, પણ મિત્રો હાજર રહ્યા હતા. મિત્રો સાથે મળીને તેમણે બંનેમાંથી એકના ઘરે લગ્નની ઉજવણી કરી હતી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




