Home તાજા સમાચાર gujrati ‘કાંદા ઍક્સપ્રેસ’ આવી રહી છે, સસ્તી ડુંગળી લાવી રહી છે…નાસિકથી ક્યાં ક્યાં...

‘કાંદા ઍક્સપ્રેસ’ આવી રહી છે, સસ્તી ડુંગળી લાવી રહી છે…નાસિકથી ક્યાં ક્યાં પહોંચશે સસ્તી ડુંગળી

5
0

Source : BBC NEWS

કાંદા ઍક્સપ્રેસ

ઇમેજ સ્રોત, Ministry of Railways, Government of India/ani

પ્રકાશિત

વાંચવાનો સમય: 4 મિનિટ

દેશભરમાં ખાંડ બાદ હવે ડુંગળીના ભાવમાં અચાનક વધારો જોવા મળ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ ગ્રાહક બાબતોના મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે 24 ઑગસ્ટે સમગ્ર ભારતમાં ડુંગળીનો સરેરાશ છૂટક ભાવ વાર્ષિક ધોરણે 59 ટકા વધીને 43.53 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો હતો, જ્યારે એક વર્ષ પહેલાં ભાવ 27.37 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

મંત્રાલયે જણાવ્યું છે કે સરેરાશ જથ્થાનો ભાવ 68 ટકા વધીને 35.58 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગયો છે, જ્યારે એક વર્ષ પહેલાં આ જ સમયગાળામાં 21.23 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

પીટીઆઈના અહેવાલ મુજબ, સોમવારે ચેન્નાઈમાં ડુંગળીનો છૂટક ભાવ 60 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (ગયા વર્ષે 33 રૂપિયા પ્રતિ કિલોગ્રામ), દિલ્હીમાં 55 રૂપિયા પ્રતિ કિલોગ્રામ (ગયા વર્ષે 35 રૂપિયા) અને કોલકાતામાં 53 રૂપિયા પ્રતિ કિલોગ્રામ હતો.

જોકે, દેશના ઘણા વિસ્તારોમાં ડુંગળીનો છૂટક ભાવ 60થી 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે.

ડુંગળીના વધતા ભાવોને ધ્યાનમાં રાખીને કેન્દ્રની મોદી સરકારે લોકોને રાહત આપવા નિર્ણય કર્યો છે.

સરકારે ડુંગળીના મુખ્ય ઉત્પાદન કેન્દ્ર ગણાતા નાસિકના લાસલગાંવથી દેશનાં મહત્ત્વનાં સ્થળો સુધી એક વિશેષ ટ્રેન શરૂ કરી છે, જે ત્યાં ડુંગળી પહોંચાડશે.

આ વિશેષ ટ્રેનને ‘કાંદા ઍક્સપ્રેસ’ નામ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે ડુંગળીને ‘કાંદા’ પણ કહેવામાં આવે છે.

‘કાંદા’ ઍક્સપ્રેસ શું છે?

સરકારે ડુંગળીના મુખ્ય ઉત્પાદન કેન્દ્ર ગણાતા નાસિકના લાસલગાંવથી દેશનાં મહત્ત્વનાં સ્થળો સુધી એક વિશેષ ટ્રેન શરૂ કરી છે

ઇમેજ સ્રોત, Getty Images

ભારત સરકારના ગ્રાહક બાબતો વિભાગના સત્તાવાર ઍક્સ પોસ્ટમાં માહિતી આપવામાં આવી છે કે, “કાંદા ઍક્સપ્રેસ થકી મુખ્ય બજારોમાં ડુંગળીનો પુરવઠો વધારાઈ રહ્યો છે, જેના કારણે ઉપલબ્ધતા મજબૂત બનશે, ભાવોમાં સ્થિરતા આવશે અને ગ્રાહકોને રાહત મળશે.”

આ ઍક્સ પોસ્ટમાં જણાવાયું છે કે 800 મેટ્રિક ટન ડુંગળી લઈને આ વિશેષ ટ્રેનો નાસિકથી પાંચ મુખ્ય શહેરો તરફ રવાના થઈ રહી છે. આ ડુંગળી 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચવામાં આવશે.

સેન્ટ્રલ રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારી સ્વપ્નિલ નીલાએ બીબીસી હિન્દીના સંવાદદાતા ચંદનકુમાર જજવાડેને જણાવ્યું છે કે નાસિકના લાસલગાંવ ખાતે ડુંગળીની રેકની લોડિંગ શરૂ થઈ ગઈ છે અને આ ટ્રેન દિલ્હીના આદર્શનગર સુધી જશે.

ગ્રાહક બાબતો વિભાગે ઍક્સ પર જણાવ્યું છે કે શરૂઆતમાં આ વિશેષ ટ્રેન સેવા ચેન્નાઈ, મદુરાઈ, દિલ્હી, એર્નાકુલમ અને ગુવાહાટી માટે શરૂ કરવામાં આવી છે. જરૂર મુજબ અન્ય કેન્દ્રોને પણ તેમાં સામેલ કરવામાં આવશે.

“સરકાર ગ્રાહકો અને ખેડૂતો બંનેનાં હિતોને ધ્યાનમાં રાખીને ડુંગળીની ખપત અને તેના ભાવ વચ્ચે સંતુલન જળવાઈ રહે તે માટે સમયસર પગલાં લઈ રહી છે.”

જોકે, આ ડુંગળી બજારમાં સીધી રીતે નહીં મળે. તેને એનસીસીએફ, નાફેડ અને કેન્દ્રીય ભંડારના સ્ટોર્સ મારફતે 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચવામાં આવશે.

સરકારે અગાઉ પણ ડુંગળી મોકલી હતી

ડુંગળી લઈ જતી ટ્રેનને 'કાંદા એક્સપ્રેસ' નામ આપવામાં આવ્યું છે.

ઇમેજ સ્રોત, Getty Images

સમાચાર એજન્સી પીટીઆઈના જણાવ્યા મુજબ, ‘કાંદા ઍક્સપ્રેસ’નો મુખ્ય હેતુ મોટા પાયે ડુંગળીના પરિવહન માટેની લૉજિસ્ટિક્સ ક્ષમતા વધારવાનો છે. આ યોજનાની શરૂઆત વર્ષ 2024-25 દરમિયાન કરાઈ હતી અને ત્યારથી તેમાં નોંધપાત્ર વિસ્તરણ કરવામાં આવ્યું છે.

તાજેતરમાં શરૂ કરાયેલી કાંદા ઍક્સપ્રેસની દરેક ટ્રેનમાં અંદાજે 40 ટ્રકો ડુંગળીનું વહન કરાઈ રહ્યું છે.

વર્ષ 2024-25 દરમિયાન લગભગ 12 હજાર ટન ડુંગળીનો બફર સ્ટૉક લઈ જતી 14 રેલવે રેક દેશનાં પાંચ શહેરોમાં મોકલાઈ હતી. જ્યારે 2025-26માં તેની સંખ્યા વધારીને 86 રેક કરવામાં આવી છે, જે દેશનાં 16 મોટાં શહેરોમાં લગભગ 88 હજાર ટન ડુંગળી પહોંચાડી રહી છે.

એક મહત્ત્વનો પ્રશ્ન એ પણ થાય છે કે આ ડુંગળી આખરે ક્યાંથી લેવામાં આવે છે?

પીટીઆઈ અનુસાર, ડુંગળીનો બફર સ્ટૉક કેન્દ્ર સરકારનો વ્યૂહાત્મક અનામત જથ્થો (સ્ટ્રેટેજિક રિઝર્વ) છે, જે ખાસ કરીને પુરવઠો ઓછો થવા અને ભાવમાં અચાનક વધારો થવાની સ્થિતિમાં બજારને સ્થિર રાખવા માટે રખાયો છે.

સરકાર પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન ફંડ યોજના હેઠળ વિવિધ ઉત્પાદક રાજ્યોમાં ડુંગળીનો જથ્થો સંગ્રહી રાખે છે.

વર્ષ 2026 માટે આશરે 1.21 લાખ ટન ડુંગળીનો બફર સ્ટૉક અનામત રાખવામાં આવ્યો છે.

પીટીઆઈએ સરકારના હવાલથી લખ્યું, આગામી મહિનાઓમાં સ્થાનિક માગને પહોંચી વળવા ડુંગળીની ઉપલબ્ધતા પ્રમાણમાં ઠીકઠાક બની છે. તેને 2025-26માં અંદાજે 307.37 લાખ ટન ઉત્પાદનનો આધાર મળશે, જે લગભગ ગયા વર્ષના 307.67 લાખ ટન ઉત્પાદન જેટલું જ છે.

સામાન્ય રીતે ઑગસ્ટ-સપ્ટેમ્બર દરમિયાન તહેવારોની સિઝન, હવામાન સંબંધિત પડકારો, સપ્લાય ચેઇનમાં થતા ફેરફારો અને માગમાં વધઘટને કારણે ડુંગળીના ભાવમાં સિઝનેબલ વધારો જોવા મળે છે.

સોશિયલ મીડિયા પર લોકો શું કહે છે?

દેશના ઘણા વિસ્તારોમાં ડુંગળીનો છૂટક ભાવ 60થી 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામ સુધી પહોંચી ગયો છે

ઇમેજ સ્રોત, Getty Images

આ વિશેષ ટ્રેનની સોશિયલ મીડિયા પર પણ ચર્ચા થઈ રહી છે. ભારત સરકારના ગ્રાહક બાબતો વિભાગનાં સચિવ નિધિ ખરેએ ઍક્સ પર લખ્યું, “ટૂંક સમયમાં આવી રહી છે: કાંદા ઍક્સપ્રેસ. આ ટ્રેન દિલ્હી માટે અંદાજે 800 મેટ્રિક ટન ડુંગળી લઈને આવી રહી છે, જે નાફેડ, એનસીસીએફ અને કેન્દ્રીય ભંડારના સ્ટોર્સ પર 35 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે વેચવામાં આવશે. કાંદા ઍક્સપ્રેસ શરૂઆતમાં ચેન્નાઈ, એર્નાકુલમ, મદુરાઈ અને ગુવાહાટી પણ પહોંચશે.”

કરણ રાજપાલ નામના એક યૂઝરે ઍક્સ પર લખ્યું, “કહો કે આજે દેશે તમારા માટે શું કર્યું? કાંદા ઍક્સપ્રેસ શરૂ કરી.”

વરુણ ભસીને ઍક્સ પર લખ્યું, “‘કાંદા ઍક્સપ્રેસ’ની લૉડિંગ શરૂ થઈ ગયું છે. પ્રાઇસ સ્ટેબિલાઇઝેશન યોજના હેઠળ લાસલગાંવથી દિલ્હી 840 ટન ડુંગળી મોકલાશે.”

તેમણે વધુમાં લખ્યું, “આ પગલાનો હેતુ દિલ્હીમાં ડુંગળીના ભાવ ઘટાડવાનો છે, પરંતુ નાસિકના ખેડૂતોને ચિંતા છે કે તેનાથી સ્થાનિક બજારમાં ભાવ પર દબાણ આવી શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS