Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં દારૂબંધી છતાં શહેરોમાં દારૂ કેવી રીતે ઘૂસે છે? જાણો તેનું નેટવર્ક...

ગુજરાતમાં દારૂબંધી છતાં શહેરોમાં દારૂ કેવી રીતે ઘૂસે છે? જાણો તેનું નેટવર્ક અને વાસ્તવિકતા

4
0

Source : BBC NEWS

ગુજરાત, દારૂ, દારૂબંધી, ગેરકાયદે દારૂનું વેચાણ, બુટલેગર, ગુજરાતી, પોલીસ, કાયદો, કેસ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 9 મિનિટ

એક તરફ ગુજરાતમાં દારૂબંધીનો કાયદો અને બીજી બાજુ ગુજરાતમાં વેચાતો દારૂ. ગુજરાતમાં અમદાવાદ કે ભાવનગર જેવાં શહેરોમાં Indian Made Foreign Liquor (IMFL) કેવી રીતે પહોંચે છે? જોકે, હવે IMFLની સાથે સાથે ઝેરી IMFLના કિસ્સા પણ સામે આવી રહ્યા છે. ભાવનગરમાં બનેલો હાલનો બનાવ તેનો સાક્ષી છે.

ગૃહમંત્રી હર્ષ સંઘવીએ ગુજરાત વિધાનસભામાં રજૂ કરેલા આંકડા પ્રમાણે વર્ષ 2024 અને 2025માં ગુજરાતમાં આશરે 40 કરોડ રૂપિયાથી વધુનો દારૂ માત્ર રાજ્યની સરહદો પરથી પોલીસે જપ્ત કર્યો છે. આશરે 11 લાખ જેટલી IMFLની બૉટલો પોલીસે આ સમયગાળા દરમિયાન જપ્ત કરી હતી.

રાજ્યમાં અલગ અલગ શહેરોમાં પોલીસ દ્વારા દારૂનો જથ્થો પકડવામાં આવે છે, છતાં ભાવનગર જેવી ઝેરી દારૂકાંડની ઘટનાઓ બની રહી છે. નૅશનલ ક્રાઇમ રેકૉર્ડ બ્યૂરોના છેલ્લા પ્રસિદ્ધ રિપોર્ટ પ્રમાણે વર્ષ 2024માં 3,52,478 કેસો નોંધાયા છે. વર્ષ 2023માં આ કેસોની સંખ્યા 3,22,655 હતી, જ્યારે વર્ષ 2022માં 3,10,801 કેસો નોંધાયા હતા. એટલે કે નોંધાયેલા કેસોની સંખ્યા દર વર્ષે વધી રહી છે.

જોકે, પ્રશ્ન એ ઊભો થાય છે કે, ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં દારૂ અહીં સુધી કેવી રીતે પહોંચે છે? આ પ્રશ્નનો જવાબ શોધવા માટે બીબીસી ગુજરાતીએ ઘણા લોકો સાથે વાત કરી. નિવૃત્ત પોલીસ અધિકારીઓ હોય કે પછી કોઈ સમયે કથિત પણે આ ગેરકાયદેસર વ્યવસાયનો ભાગ રહી ચૂકેલા લોકો હોય, કે પછી હાલમાં પોલીસ બેડામાં નોકરી કરતા અધિકારીઓ હોય. બીબીસી ગુજરાતીએ એ જાણવાનો પ્રયાસ કર્યો કે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ કેવી રીતે પહોંચે છે?

દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ કેવી રીતે પહોંચે છે?

ગુજરાત, દારૂ, દારૂબંધી, ગેરકાયદે દારૂનું વેચાણ, બુટલેગર, ગુજરાતી, પોલીસ, કાયદો, કેસ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

ગુજરાત પોલીસના નિવૃત્ત અધિકારીઓનો આરોપ છે કે દારૂબંધીવાળા ગુજરાતમાં દારૂ વેચાવો એ પોલીસની મદદ વગર શક્ય નથી.

ગુજરાત પોલીસ પર અવારનવાર દારૂના વ્યવસાય માટે આંખ આડા કાન કરવાના આરોપો લાગતા આવ્યા છે.

રાજ્યના પ્રવક્તા મંત્રી જિતુભાઈ વાઘાણીને એક પ્રેસ કૉન્ફરન્સમાં બીબીસી ગુજરાતીએ ભાવનગરના લઠ્ઠાકાંડ સંદર્ભે સવાલ કર્યો હતો કે, પોલીસ અને બુટલેગરો વચ્ચે કોઈ સંબંધ છે કે નહીં? જો હોય તો તેની તપાસ સરકાર ક્યારે કરશે? જેના જવાબમાં જિતુભાઈ વાઘાણીએ કહ્યું હતું કે આ સંદર્ભે હવે સ્ટેટ મૉનિટરિંગ સેલને છૂટો દોર આપવામાં આવ્યો છે, અને જે કોઈ કસૂરવાર છે તેવી ખબર પડશે તો તેમની સામે પગલાં લેવામાં આવશે.

બીબીસી ગુજરાતીએ દારૂના આ કથિત નેટવર્ક વિશે વધારે ઊંડાણમાં જાણવાનો પ્રયાસ કર્યો હતો.

જેમાં જાણકારોનો એક અભિપ્રાય એ હતો કે, આ નેટવર્કમાં એક તરફ રાજસ્થાન, હરિયાણા, પંજાબ, મહારાષ્ટ્ર અને અન્ય રાજ્યોમાંથી દારૂ ગુજરાતમાં પહોંચાડવામાં આવે છે.

બીબીસી ગુજરાતીએ આ અંગે નિવૃત્ત પોલીસ અધિકારીઓ, પોલીસ અધિકારીઓ અને કથિત રીતે ગેરકાયદેસર દારૂના વેપાર સાથે સંકળાયેલા કેટલાક લોકો સાથે વાત કરી છે.

નિવૃત્ત આઈપીએસ અધિકારી અને રાજ્યના ભૂતપૂર્વ ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ આશિષ ભાટિયાના જણાવ્યા પ્રમાણે, ગુજરાતમાં ગેરકાયદેસર આવતો મોટાભાગનો દારૂ પંજાબ અને હરિયાણા જેવાં ઉત્તર ભારતનાં રાજ્યોમાં બને છે અને ચંડીગઢ મારફતે ગુજરાત સુધી પહોંચાડવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે સરહદો પર પોલીસની નાકાબંધી હોવાને કારણે બુટલેગરો ગુજરાત-રાજસ્થાન અને ગુજરાત-મધ્ય પ્રદેશની સરહદ સાથે જોડાયેલા એવા રસ્તાઓનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરે છે, જ્યાંથી પસાર થવું પ્રમાણમાં સરળ હોય.

એવું નથી કે માત્ર આ જ રસ્તાઓ પર દારૂની હેરાફેરી થાય છે. મહારાષ્ટ્ર તેમજ અન્ય પડોશી રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી પણ આ હેરાફેરીના કેસો જોવા મળે છે.

નિવૃત્ત ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઑફ પોલીસ આર. કે. પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, ગુજરાતમાં દારૂ લાવવા માટે ત્રણથી ચાર મુખ્ય એન્ટ્રી પૉઇન્ટનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે.

તેમના જણાવ્યા પ્રમાણે, સાંચોર, ગોધરા, છોટાઉદેપુર અને સામરજી એવા મુખ્ય રસ્તા છે, જ્યાંથી મોટા પ્રમાણમાં દારૂની દાણચોરી થઈ રહી છે.

દારૂ કેવી રીતે છુપાવવામાં આવે છે?

ગુજરાત, દારૂ, દારૂબંધી, ગેરકાયદે દારૂનું વેચાણ, બુટલેગર, ગુજરાતી, પોલીસ, કાયદો, કેસ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, સમાચાર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

દારૂને ગુજરાતમાં પહોંચાડવા માટે માત્ર રસ્તો જ બદલવામાં આવતો નથી, પરંતુ ટ્રાન્સપૉર્ટના દસ્તાવેજોમાં પણ હેરફેર કરવામાં આવે છે.

આર. કે. પટેલના જણાવ્યા પ્રમાણે, દારૂ ભરેલા ટ્રક માટે ઘણી વખત ખોટી બિલ્ટી બનાવવામાં આવે છે. બિલ્ટી એક ટ્રાન્સપૉર્ટ ડૉક્યુમેન્ટ હોય છે, જેમાં ટ્રકમાં ટ્રાન્સપૉર્ટ થતી સામગ્રીની વિગત નોંધવામાં આવે છે.

તેમણે પોતાની એક તપાસનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે પોલીસને એક વખત મોટી માત્રામાં IMFLનો જથ્થો મળ્યો હતો. આ દારૂ લસણની બોરીઓની નીચે છુપાવવામાં આવ્યો હતો અને ટ્રાન્સપૉર્ટની બિલ્ટીમાં ટ્રકમાં લસણ ભરેલું હોવાનું દર્શાવવામાં આવ્યું હતું. આ રીતે ટ્રકમાં ખરેખર શું છે તેની જાણ ન થાય અને પોલીસની તપાસથી બચી શકાય તેવો પ્રયાસ કરવામાં આવે છે.

આર. કે. પટેલના જણાવ્યા પ્રમાણે, દારૂની હેરાફેરીના સમગ્ર નેટવર્કમાં માહિતી ખૂબ જ મર્યાદિત રાખવામાં આવે છે.

તેમણે જણાવ્યું હતું કે, નેટવર્કમાં સામેલ લોકો કામચલાઉ મોબાઇલ નંબરનો ઉપયોગ કરે છે અને દારૂનો જથ્થો તેના ગંતવ્ય સુધી પહોંચ્યા બાદ આ નંબર નષ્ટ કરી દેવામાં આવે છે.

પોતે જે સમય તપાસ કરતા હતા, તે સમયની વાત કરતાં તેમણે જણાવ્યું કે, મુખ્ય ટ્રકની આગળ એક પાઇલટ વાહન ચાલે છે, જે ડ્રાઇવરને રસ્તા અને આગળ ક્યાં રોકાવું તેની સૂચના આપે છે. જેમ કે, દારૂ ભરેલો ટ્રક શામળાજી બૉર્ડર પરથી ગુજરાતમાં પ્રવેશે તો ડ્રાઇવરને શરૂઆતમાં ગાંબોઈ સુધી જવાનું કહેવામાં આવે છે. ગાંબોઈ પહોંચ્યા બાદ તેને આગળનું ગંતવ્ય જણાવવામાં આવે છે.

ટ્રક અમદાવાદ શહેરની સરહદ પાસે પહોંચે ત્યારે ડ્રાઇવર બદલવામાં આવે છે. જે ડ્રાઇવર ડિસ્ટિલરીથી ટ્રક લઈને આવ્યો હોય તેને પરત મોકલવામાં આવે છે અને નવા ડ્રાઇવરને નવું ગંતવ્ય આપવામાં આવે છે.

આ રીતે નેટવર્કમાં કોઈ એક વ્યક્તિ પાસે સમગ્ર રૂટ અથવા અંતિમ ગંતવ્યની માહિતી રહેતી નથી.

‘ઍક્ટિવા’ પર પણ થાય છે દારૂની હેરફેર

ગુજરાત, દારૂ, દારૂબંધી, ગેરકાયદે દારૂનું વેચાણ, બુટલેગર, ગુજરાતી, પોલીસ, કાયદો, કેસ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, સમાચાર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

સામાન્ય રીતે કોઈ એક દારૂની પેટી, જેમાં 12 બૉટલ હોય છે, તે ગુજરાત બહારનાં રાજ્યોથી તેના છેલ્લા ખરીદદાર સુધી પહોંચતા પહેલાં કેટલાય હાથોમાંથી પસાર થાય છે.

દારૂના વ્યવસાય સાથે કથિત રીતે જોડાયેલા અમુક લોકો સાથે બીબીસી ગુજરાતીએ જ્યારે વાત કરી તો જાણવા મળ્યું કે, એક વખત ટ્રક ગુજરાતમાં અમદાવાદ જેવા શહેરમાં પહોંચી જાય છે. પછી તેની ‘કટિંગ’ કરવામાં આવે છે, એટલે કે ટ્રકના માલને અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે. તે માટે સ્કૉર્પિયો જેવી ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે.

એક વખત દારૂ ટ્રકમાંથી નીકળી હોલસેલર પાસે પહોંચી ગયો ત્યારબાદ તેનું રિટેલિંગ શરૂ થાય છે, જે સામાન્ય રીતે ઍક્ટિવા જેવા ટુ-વ્હીલર પર થતું હોય છે. હોલસેલર પછી આ રિટેલર નાની ગલીઓ કે પછી શહેરના રસ્તાઓ પર આ બૉટલને વહેંચતા હોય છે.

બીબીસી ગુજરાતીએ અન્ય એક નિવૃત્ત પોલીસ અધિકારી સાથે પણ વાત કરી હતી, જેમણે પોતાની ઓળખ જાહેર ન કરવાની શરતે વાત કરી.

આ અધિકારીએ આરોપ મૂક્યો હતો કે “દારૂ ભરેલી કોઈ ટ્રક પોલીસના સહયોગ વિના અમદાવાદ સુધી પહોંચી શકે તે મુશ્કેલ છે.”

તેમણે કહ્યું હતું કે “પોલીસના કેટલાક લોકો અને બુટલેગરો વચ્ચેનું નેટવર્ક દાયકાઓથી અસ્તિત્વમાં છે.”

તેમના જણાવ્યા પ્રમાણે, જિલ્લા પોલીસના કેટલાક કર્મચારીઓ તેમજ અન્ય પોલીસ એજન્સીઓના કેટલાક અધિકારીઓ પણ બુટલેગરો સાથે મળીને કામ કરતા હોવાના કિસ્સા રહ્યા છે.

તેમણે આરોપ મૂક્યો હતો કે આ કારણે દારૂનો જથ્થો પોલીસ દ્વારા રોકાયા કે તપાસાયા વિના શહેરો સુધી પહોંચી શકે છે. આ અધિકારીએ એવો પણ દાવો કર્યો હતો કે ગુજરાતના કોઈ પણ વિસ્તારમાં દારૂનું વેચાણ કેટલાક પોલીસકર્મીઓની સંડોવણી વિના શક્ય નથી.

દારૂ બનાવતી કંપનીમાંથી બૉટલ કેવી રીતે પહોંચે છે?

ગુજરાત, દારૂ, દારૂબંધી, ગેરકાયદે દારૂનું વેચાણ, બુટલેગર, ગુજરાતી, પોલીસ, કાયદો, કેસ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, સમાચાર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

આટલી મોટી સંખ્યામાં દારૂની હેરાફેરીના નેટવર્કમાં દારૂ બનાવનારી ડિસ્ટિલરીઓનો પણ મહત્ત્વનો ફાળો હોય છે.

વિવિધ પોલીસ કેસોમાં પોલીસને અવારનવાર મુખ્ય બુટલેગરો અને ડિસ્ટિલરી વચ્ચેની સાંઠગાંઠ વિશે પણ જાણવા મળ્યું છે. જોકે, જેમની સાથે બીબીસીની આ મામલે વાત થઈ તેમનો આરોપ છે કે, આ મામલે તેમની સામે કોઈ ઠોસ પગલાં લેવામાં આવ્યાં નથી.

ભાટિયા જણાવે છે કે, પંજાબના અલગ અલગ ભાગોમાંથી, કે પછી ચંડીગઢમાં બેઠેલા બુટલેગરોના ઉત્પાદકો અને ડિસ્ટિલરી સાથે સંબંધો જોવા મળે છે.

તેમણે કહ્યું હતું કે ભૂતકાળમાં એવા કિસ્સા સામે આવ્યા છે જેમાં ડિસ્ટિલરીમાંથી દારૂની આખી બૅચ ચોરી અથવા ડાયવર્ટ કરવામાં આવી હોય, જેથી ઍક્સાઇઝ ડ્યૂટી ટાળી શકાય અને દારૂ સીધો ગુજરાતમાં પહોંચાડી શકાય.

ગુજરાતમાં બૉટલની અંદર જ છેડછાડ

ભાવનગરની ઘટના બાદ લોકોને ખ્યાલ આવ્યો છે કે, ગુજરાતમાં ગેરકાયદેસર દારૂનો વેપાર માત્ર બહારથી દારૂ લાવવા પૂરતો મર્યાદિત નથી.

હાલમાં જ અમદાવાદના નિકોલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક નકલી દારૂ બનાવતી ફૅક્ટરી પકડી પાડવામાં આવી છે. એટલે કે લોકો મોંઘી દારૂની બૉટલમાં સસ્તો દારૂ ભરીને તેને કંપનીનું ફૅક લૅબલ મારીને ચાર ગણા ભાવે વેચી રહ્યા હતા.

બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં નિકોલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સંદીપ દેસાઈએ જણાવ્યું હતું કે, “નિકોલ વિસ્તારમાં કેટલાક લોકો મોંઘી અંગ્રેજી શરાબની બૉટલનું ઢાંકણું ખોલીને તેમાં પાણી ઉમેરતાં હતાં અને ત્યારબાદ એ જ ઢાંકણું ફરીથી બંધ કરીને બૉટલને અંગ્રેજી શરાબ તરીકે ગેરકાયદેસર રીતે વેચતા હતા.”

તેમણે સ્પષ્ટ કર્યું હતું કે આ કેસોમાં કોઈ પણ પ્રકારનું કેમિકલ અથવા અન્ય પદાર્થ ઉમેરવામાં આવતો હોવાનું પોલીસને જાણવા મળ્યું નહોતું.

દેસાઈના જણાવ્યા પ્રમાણે, પકડાયેલા આરોપીઓ પાસે કંપનીના લૅબલ સાથેની બૉટલને ખોલીને તેમાં છેડછાડ કર્યા બાદ તેને ફરીથી કંપનીની દારૂની બૉટલની જેમ જ બંધ કરી દેવાની આવડત હતી. આવા લોકો સામાન્ય રીતે બૉટલમાંથી થોડો દારૂ કાઢીને તેમાં પાણી ઉમેરતાં હોય છે.

ભાવનગરમાં કેવી રીતે બન્યો હતો ઝેરી દારૂ?

ગુજરાત, દારૂ, દારૂબંધી, ગેરકાયદે દારૂનું વેચાણ, બુટલેગર, ગુજરાતી, પોલીસ, કાયદો, કેસ, બીબીસી ગુજરાતી, ન્યૂઝ અપડેટ, સમાચાર

ઇમેજ સ્રોત, Pavan Jaishwal

ભાવનગરમાં સામે આવેલા કેસમાં પ્રક્રિયા અલગ હોવાનું પોલીસ ફરિયાદમાં જણાવાયું છે.

આ કેસમાં આરોપીઓ ભંગારમાંથી દારૂની બૉટલો ખરીદતા હતા. ત્યારબાદ તેઓ તેના માટે સ્ટિકર્સ છપાવતાં હતાં અને તમામ સ્ટિકર્સ પર એક જ પ્રકારના નંબર હતા.

ફરિયાદમાં નોંધ્યું છે કે આરોપીઓ અમદાવાદથી કેમિકલ મેળવતા હતા. ત્યારબાદ કેમિકલ, પાણી, દારૂ અને થોડું ઍસન્સ ભેળવીને દરેક બૉટલ તૈયાર કરવામાં આવતી હતી. આ બૉટલોને ત્યારબાદ સીલ-પૅક કરવામાં આવતી હતી. આ પ્રક્રિયા ભાવનગરના વર્તેજ વિસ્તારમાં કરવામાં આવતી હતી.

ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે, પહેલા બૅચમાં 51 પેટી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો. બીજા બૅચમાં તૈયાર થયેલો દારૂ યોગ્ય ન હોવાથી તેને ફેંકી દેવામાં આવ્યો હતો. ત્યારબાદ ત્રીજા બૅચમાં 25 પેટી દારૂ તૈયાર કરવામાં આવ્યો હતો.

પોલીસના જણાવ્યા પ્રમાણે, દારૂ તૈયાર કર્યા બાદ તેને ત્યાંથી જ રિટેલર્સને આપવામાં આવતો હતો અને રિટેલર્સ તેને આગળ વેચતા હતા.

મિથેનૉલ અને લઠ્ઠાકાંડનો ખતરો

ભાવનગરમાં બનેલી ઘટના જેવી લઠ્ઠાકાંડની ઘટના ગુજરાતમાં પહેલી નથી.

લઠ્ઠાકાંડની તપાસ સાથે સંકળાયેલા એક નિવૃત્ત IPS અધિકારીએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે તપાસ દરમિયાન એવું સામે આવ્યું છે કે નકલી દારૂ બનાવતા ઘણા લોકોને તેઓ જે કેમિકલનો ઉપયોગ કરે છે તેના જોખમની સંપૂર્ણ સમજ હોતી નથી.

તેમણે કહ્યું હતું કે મિથેનૉલ ગંધ અને દેખાવ દારૂ જેવા હોવાથી તેને ઓળખવું મુશ્કેલ બની શકે છે. આ કારણે નકલી દારૂ બનાવતા લોકો તેના ગંભીર જોખમને સમજી શકતા નથી.

આ અધિકારીએ જણાવ્યું હતું કે વિવિધ આઈપીએસ અધિકારીઓ અને સમિતિઓએ અગાઉ મિથેનૉલનો રંગ અને ગંધ જેવી બાબતોમાં ફેરફાર કરવાની ભલામણ કરી હતી, જેથી તેને સરળતાથી ઓળખી શકાય અને તેને પાણી અથવા અન્ય પ્રકારના દારૂમાં ભેળવી ન શકાય.

તેમણે કહ્યું હતું કે ગુજરાતમાં થયેલા મોટાભાગના લઠ્ઠાકાંડમાં દેશી દારૂમાં મિથેનૉલ ભેળવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.

રાજસ્થાનથી દારૂ લાવતા ‘બુટલેગરો’ શું કહે છે?

બીબીસી ગુજરાતીએ રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ લાવતા એક બુટલેગર સાથે પણ વાત કરી હતી.

તેણે જણાવ્યું હતું કે દારૂ લાવવા માટે ઇનોવા અને ટાટા સુમો જેવી ગાડીઓનો ઉપયોગ કરવામાં આવે છે. તેના જણાવ્યા પ્રમાણે, તેમની ટીમનો એક સભ્ય મોટરસાઇકલ પર ગાડીથી આગળ જાય છે. આ વ્યક્તિ રસ્તો નક્કી કરે છે અને પોલીસ ચેકપોસ્ટથી બચવા માટે માર્ગદર્શન આપે છે.

દારૂના વ્યવસાય સાથે જોડાયેલા એક વ્યક્તિએ પોતાનું નામ ન આપવાની શરતે જણાવ્યું હતું કે, “અમે ઘણી વખત ગુજરાતમાં પ્રવેશવા માટે આંતરિક રસ્તાઓનો ઉપયોગ કરીએ છીએ, જેથી મુખ્ય ચેકપોસ્ટને ટાળી શકાય.”

નકલી દારૂની ફૅક્ટરીઓ કેમ વધે છે?

ગુજરાતની ‘દારૂબંધીની નીતિ’ રાજ્યમાં ગેરકાયદેસર દારૂ બનાવતી ફૅક્ટરીઓ ઊભી થવાનું એક કારણ છે, તેવું પણ ઘણા લોકો માને છે. ગેરકાયદેસર દારૂના વ્યવસાયમાં વેચનાર અને ખરીદનાર બંને કાયદાકીય વ્યવસ્થાની બહાર રહીને કામ કરે છે અને તેના કારણે સરકાર પાસે આ વેપાર સાથે સંકળાયેલા લોકો પર મર્યાદિત નિયંત્રણ રહે છે.

જોકે, આ મામલે રાજ્યના પૂર્વ ઉપમુખ્ય મંત્રી નીતિન પટેલ અસંમત છે. તેમનું કહેવું છે કે, તેઓ જ્યારે રાજ્યના નાણામંત્રી હતા ત્યારે તેમને રાજ્યમાંથી દારૂબંધી હઠાવવાની રજૂઆતો મળતી હતી, જેથી રાજ્યની આવકમાં વધારો થઈ શકે.

તેમણે હાલમાં જ મીડિયાને આપેલા નિવેદનમાં જણાવ્યું, “વર્ષો સુધી નાણામંત્રી તરીકેના મારા કાર્યકાળ દરમિયાન દર વર્ષે એવી દરખાસ્તો આવતી હતી કે દારૂબંધી મુક્ત કરવાથી રાજ્યને હજારો કરોડ રૂપિયાની આવક થઈ શકે. પરંતુ સરકારે ક્યારેય માત્ર આવક સામે નથી જોયું, આવકના બદલે ગુજરાતની સુરક્ષા, સામાજિક સમરસતા અને યુવાપેઢીને વ્યસનના રવાડે ચડતી અટકાવવાને પ્રાથમિકતા આપી છે.”

તેમણે જણાવ્યું હતું કે, સમગ્ર દેશમાં આપણે ગૌરવ સાથે કહી શકીએ છીએ કે નવરાત્રી, દિવાળી કે લગ્ન પ્રસંગોમાં આપણી બહેન-દીકરીઓ મોડી રાત્રે પણ સોનાના દાગીના પહેરીને સંપૂર્ણ સુરક્ષિત રીતે ફરી શકે છે. મોટાભાગના નાગરિકોનું સ્પષ્ટ માનવું છે કે આ સલામતી અને શાંતિ દારૂબંધીના કારણે જ જળવાઈ રહી છે.

લઠ્ઠાકાંડની તપાસ સાથે જોડાયેલા એક નિવૃત્ત અધિકારીએ બીબીસી ગુજરાતી સાથે વાત કરતાં કહ્યું હતું કે, પોલીસ કાર્યવાહી, દેખરેખ અને દરોડા છતાં આવી ગેરકાયદેસર ફૅક્ટરીઓ ઊભી થતી રહે છે, કારણ કે દારૂની માંગ સતત રહે છે. સરહદો પર દેખરેખ વધારવાથી બહારનાં રાજ્યોમાંથી ગુજરાતમાં દારૂ લાવવાનું મુશ્કેલ બની શકે છે, પરંતુ તેની સાથે રાજ્યની અંદર ગેરકાયદેસર દારૂ બનાવતી ફૅક્ટરીઓનું નેટવર્ક વધવાની શક્યતા રહે છે.

અને આ પ્રકારની ફૅક્ટરીઓમાં કોઈ નિયમનકારી દેખરેખ, સલામતીનાં ધોરણો કે કાયદેસર રીતે બનતાં પીણાંનાં ઉત્પાદન માટે લાગુ પડતા નિયમોનું પાલન થતું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS