Home તાજા સમાચાર gujrati બિહારનો વિચિત્ર કિસ્સો, એક ભેંસના બે માલિક? પોલીસ કરાવવો પડ્યો ભેંસનો ડીએનએ...

બિહારનો વિચિત્ર કિસ્સો, એક ભેંસના બે માલિક? પોલીસ કરાવવો પડ્યો ભેંસનો ડીએનએ ટેસ્ટ

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

માણસોના વંશીય સંબંધ, ઓળખ અને કેટલીક વાર ગુનાની તપાસ માટે ડીએનએ ટેસ્ટ કરવો સામાન્ય બાબત છે. પરંતુ ભારતના બિહાર રાજ્યમાં એક વિચિત્ર વિવાદ ઊભો થયો છે. અહીં પોલીસે એક ભેંસના માલિકીહકનો વિવાદ ઉકેલવા માટે તેનો ડીએનએ ટેસ્ટ કરાવવાનું નક્કી કર્યું છે.

આખો મામલો એવો છે કે બિહારના સીઓત્રા ગામના રહેવાસી સૂરજ યાદવ અને તેમના પાડોશી ગામના રહેવાસી પ્રકાશ માંઝી, બંને એક જ ભેંસ પર પોતાનો માલિકીહક હોવાનો દાવો કરી રહ્યા છે.

આ વિવાદે રાજકીય રંગ ધારણ કર્યો, ત્યારે સ્થાનિક ઇન્સ્પેક્ટર જનરલ ઑફ પોલીસ(આઈજી) વિકાસ વૈભવે વૈજ્ઞાનિક ઢબે આ મામલાને શક્ય એટલી વહેલી તકે ઉકેલવાનો આદેશ આપ્યો.

તેને પગલે નક્કી કરવામાં આવ્યું કે કથિત રીતે ચોરાયેલી ભેંસ અને તેની કથિત પાડીનો ડીએનએ ટેસ્ટ કરવામાં આવશે, જેથી માલિકીહકના વિવાદને ઉકેલી શકાય.

સૂરજ યાદવ નામની એક વ્યક્તિનો દાવો છે કે તેની ભેંસ થોડા દિવસ પહેલાં ગુમ થઈ ગઈ હતી.

તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી અને પોતે જ ભેંસની શોધખોળ શરૂ કરી હતી. સૂરજ યાદવનો દાવો છે કે ગુમ થયેલી ભેંસની પાડી પણ તેમની પોતાની પાસે છે.

સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર, થોડા દિવસ પછી તેમને જાણવા મળ્યું કે નજીકના ગામમાં પ્રકાશ માંઝી નામની એક વ્યક્તિના ઘરે ભેંસ બાંધેલી હતી. સૂરજ યાદવ ત્યાં પહોંચ્યા, અને ભેંસને છોડાવીને પોતાને ઘરે લઈ આવ્યા.

બીજી તરફ, પ્રકાશ માંઝીનું કહેવું છે કે ભેંસ કાયદેસરરીતે તેમની મિલકત છે અને તેઓ જ તેમના અસલી માલિક છે.

બંને વચ્ચેનો વિવાદ વકર્યો ત્યારે સ્થાનિક પોલીસે ભેંસને પોલીસ સ્ટેશન લાવીને બાંધી દીધી.

શરૂઆતમાં પોલીસે પરંપરાગત ઉપાય અજમાવ્યો: ભેંસને છૂટી મૂકી દેવામાં આવે, જેથી તે પોતે જ પોતાના ઘરે પહોંચી જાય.

આ મામલાએ રાજકીય રંગ કેવી રીતે ધારણ કર્યો?

સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, ભેંસને છૂટી મૂક્યા પછી તે સૂરજ યાદવના ઘરે પહોંચી ગઈ હતી. પરંતુ પ્રકાશ માંઝી આ નિર્ણયથી સંતુષ્ટ નહોતા અને તેમણે આ મામલે સત્તાવાર ફરિયાદ નોંધાવી હતી. સૂરજ યાદવનો દાવો છે કે આ ભેંસની પાડી પણ તેમના ઘરે બાંધેલી છે.

જો કે, સ્થાનિક પોલીસ સ્ટેશનના અધીક્ષક અજય કુમારનું કહેવું છે કે ભેંસ બે દિવસ સુધી પોલીસ સ્ટેશનમાં બાંધેલી હતી. ત્યાર પછી સૂરજ યાદવના સમર્થકોએ હોબાળો કર્યો અને ભેંસ સૂરજ યાદવની હોવાની સાક્ષી આપી. એ પછી પોલીસે ભેંસ તેમને સોંપી દીધી હતી.

બીબીસી સાથે ફોન પર વાત કરતાં મગધ રેન્જના આઇ.જી. વિકાસ વૈભવે જણાવ્યું કે આ મામલે અત્યાર સુધીમાં બે એફઆઈઆર નોંધાઈ છે.

તેમાંથી એક એસસી/એસટી (અત્યાચાર નિવારણ) કાયદા હેઠળ નોંધાઈ છે, જ્યારે બીજી ભેંસની માલિકીના વિવાદને લગતી છે.

ભેંસની માલિકીનો આ મુદ્દો ટૂંક સમયમાં સ્થાનિક રાજકારણનો વિષય બની ગયો.

પૂર્વ ધારાસભ્ય અજય યાદવ સ્થાનિક પોલીસ અધિકારીઓને મળ્યા અને સૂરજ યાદવ સાથે અન્યાયપૂર્ણ વ્યવહાર કરવાનો તેમની પર આરોપ મૂક્યો.

તેમણે કહ્યું કે ભેંસના માલિકીહકના વિવાદને લઈને કોઈ ગરીબને આટલા ખર્ચાળ કાનૂની કેસમાં સંડોવવો યોગ્ય નથી.

બીજી તરફ, હિન્દુસ્તાની અવામ મોરચા (એચ.એ.એમ.)ના રાષ્ટ્રીય પ્રવક્તા શ્યામસુંદર શરણ પ્રકાશ માંઝીના સમર્થનમાં પોલીસને મળ્યા અને નિષ્પક્ષ તપાસની માગ કરી.

ડીએનએ ટેસ્ટ કરાવવાનો નિર્ણય

બીબીસી

ઇમેજ સ્રોત, X

મગધ રેન્જના આઈ.જી. વિકાસ વૈભવે બીબીસીને જણાવ્યું કે બંને પક્ષો પોતપોતાના દાવા પર અડગ હોવાથી વૈજ્ઞાનિક પુરાવાની મદદ લેવી જરૂરી બની હતી.

પોલીસે બંને દાવેદારો પાસે તેમની પાસે રહેલી ભેંસોના રેકૉર્ડ માગ્યા છે. આ રેકૉર્ડમાં ભેંસની જાતિ અને તેના વંશ વિશેની માહિતી હોઈ શકે છે.

વિવાદના કેન્દ્રમાં રહેલી ભેંસના ડીએનએની સરખામણી તેની કથિત પાડી સાથે કરવામાં આવશે.

સૂરજ યાદવનો દાવો છે કે પાડી તેમની પાસે છે. આ સરખામણીના આધારે ભેંસનો સાચો માલિક કોણ છે તે નક્કી કરવામાં આવશે.

સ્થાનિક ડીઆઈજીએ જણાવ્યું કે આજે તેમણે સંબંધિત પોલીસ સ્ટેશનમાં પોતાના અધિકારીઓને મોકલ્યા છે, જેઓ ગામલોકોની પૂછપરછ કરશે અને પુરાવા એકત્ર કરશે.

તેમણે કહ્યું કે હાલ આ વિવાદનો એક માત્ર ઉપાય ડીએનએ ટેસ્ટ જ જણાય છે, કારણ કે સૂરજ યાદવનું કહેવું છે કે તેમની પાસે રહેલી ભેંસની પાડી એ સાબિત કરી દેશે કે ભેંસ તેમની પોતાની મિલકત છે.

આ સમાચાર બહાર આવતાં જ સોશિયલ મીડિયા પર તે ઝડપથી વાયરલ થઈ ગયા અને ઉપયોગકર્તાઓએ તેના પર રસપ્રદ ટિપ્પણીઓ કરી.

એક યૂઝરે લખ્યું, ‘ડીએનએ દ્વારા ભેંસની માલિકી સાબિત કરનારી બિહાર પોલીસ કદાચ દુનિયાભરની પહેલવહેલી પોલીસ બનશે!’

એક યૂઝરે લખ્યું, ‘આ ભેંસને કદાચ ખબર પણ નહીં હોય કે પોતે આટલી મોટી ‘સેલિબ્રિટી’ બની ગઈ છે.’

અમિત યાદવ નામના એક યૂઝરે લખ્યું, ‘જિસ કી લાઠી, ઉસ કી ભેંસ’નો જમાનો ગયો, હવે ‘જેની પાસે ડીએનએ રિપોર્ટ, તેની ભેંસ’નો જમાનો આવી ગયો છે.’

જો કે, આ મામલે હજી તપાસ ચાલી રહી છે. પરિણામો આવ્યા પછી ભેંસ તેના અસલ માલિકને પરત કરવામાં આવશે.

ભેંસનો આ મામલો ભલે વિચિત્ર લાગતો હોય, પરંતુ બિહાર પોલીસે અગાઉ પણ પ્રાણીઓને લગતી આવી ફરિયાદોનો નિકાલ કર્યો છે.

બિહારના પૂર્ણિયામાં એક માણસ પોલીસ પાસે એક સાંઢને ‘ધરપકડ’ કરવાની માગ લઈને પહોંચ્યો હતો.

તેમનો દાવો હતો કે સાંઢે તેનો પીછો કર્યો, શિંગડાં વડે તેમના પર હુમલો કર્યો અને તેમને જમીન પર પછાડી દીધા, જેના કારણે તેમને ઈજા થઈ હતી. અંતે પોલીસે બંને પક્ષોને સાથે બેસાડ્યા અને ચર્ચા કર્યા પછી ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવી.

એ જ રીતે, પૂર્ણિયામાં જ પોલીસે ત્રણ બકરાંનાં મોતની પણ તપાસ કરી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS