Home તાજા સમાચાર gujrati પાણી હંમેશાં બેસીને પીવું જોઈએ? ઊભાઊભા પાણી પીવાથી શું થાય?

પાણી હંમેશાં બેસીને પીવું જોઈએ? ઊભાઊભા પાણી પીવાથી શું થાય?

3
0

Source : BBC NEWS

ઊભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું કે જોખમી? જાણો ડૉક્ટર્સ શું કહે છે

ઇમેજ સ્રોત, Getty Images

તમે ઇન્ટરનેટ પર ઘણા બધા વીડિયો જોયા હશે જેમાં કહેવામાં આવ્યું છે કે પાણી ઊભા રહીને નહીં, પણ બેસીને પીવું જોઈએ.

એવું કહેવાય છે કે ઊભા રહીને પાણી પીવાથી શરીરના પ્રવાહી સંતુલનમાં ખલેલ પહોંચી શકે છે, અપચો થઈ શકે છે અને સાંધામાં દુખાવો પણ થઈ શકે છે.

તે જ સમયે, ઊભા રહેવા કરતાં બેસવું વધુ શાંતિપૂર્ણ અને સ્થિર હોય છે. એટલા માટે પરિવારના વડીલો હંમેશાં બેસીને પાણી પીવાની સલાહ આપતા હોય છે.

પરંતુ, આમાં સાચું શું છે, ગેરસમજ શું છે અને વિજ્ઞાન શું કહે છે? આ અંગે ડૉક્ટર્સનો શું અભિપ્રાય છે તે જાણીએ.

‘પાણી ન પીવું એ વધુ જોખમી છે’

ઍલોપેથી, આયુર્વેદ અને સિદ્ધ ડૉક્ટર્સ પણ ઊભા રહીને પાણી પીવા કરતાં બેસીને પાણી પીવાની સલાહ આપે છે.

પરંતુ, ડૉક્ટરો એમ પણ કહે છે કે ઊભા રહીને પાણી પીવાથી સ્વાસ્થ્યને નુકસાન થાય છે, સાંધાનો દુખાવો થાય છે કે અન્ય તકલીફો થાય છે તેવા દાવાઓને સાબિત કરતા કોઈ નક્કર વૈજ્ઞાનિક પુરાવા કે સંશોધન ઉપલબ્ધ નથી.

પાચનતંત્રના કેન્સરના સર્જન ડૉ. સેન્થિલ કુમાર ગણપતિ કહે છે કે પાણી ન પીવું એ વધુ ખતરનાક છે. પાણી ન પીવા કરતાં ઊભા રહીને પાણી પીવું હંમેશાં સારું છે.

જોકે, “પાણી ઊભા રહીને પીવું કે બેસીને?” આ સવાલનો જવાબ આપતાં તેઓ કહે છે, “બેસીને પાણી પીવું એ વધુ સારું એટલે કે ઉત્તમ વિકલ્પ છે.”

ઊભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું કે જોખમી? જાણો ડૉક્ટર્સ શું કહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. ગણપતિ જણાવે છે, “ઊભા રહેવા કરતાં બેઠેલી અવસ્થામાં વ્યક્તિ વધુ શાંત અને સ્થિર હોય છે. તેથી બેસીને ધીમે-ધીમે પાણી પીવાથી તે અન્નનળીમાંથી યોગ્ય રીતે પેટમાં એટલે કે આંતરડા સુધી પહોંચે છે.”

તેમના મતે, જમતી વખતે બેસીને પાણી પીવું ફાયદાકારક છે. આ પાચનમાં મદદ કરે છે. ભોજનની વચ્ચે થોડું પાણી પીવાથી ખોરાક અન્નનળીમાંથી સરળતાથી પસાર થાય છે.

‘ઘૂંટડે-ઘૂંટડે ધીમે-ધીમે પાણી પીવું જોઈએ’

ડૉક્ટરોના મતે, ઊભા રહીને કે બેસીને પાણી પીવા કરતાં સૂતી વખતે પાણી પીવું વધુ જોખમી સાબિત થઈ શકે છે.

સરકારી તબીબી અધિકારી ડૉ. ચંદ્રશેખરન કહે છે, “સૂઈને પાણી પીવાથી પાણી અન્નનળીમાં જવાને બદલે શ્વાસનળીમાં જઈ શકે છે. તેનાથી જોખમ ઊભું થઈ શકે છે.”

“પાણી પીતી વખતે સામાન્ય રીતે 45 ડિગ્રીના ખૂણે સીધા બેસવું સારું. આનાથી પાણી યોગ્ય રીતે પેટમાં પહોંચે છે. પરંતુ, ઊભા રહીને પાણી પીવાથી જોખમ કે સ્વાસ્થ્ય સમસ્યાઓ થાય છે, તે દાવાનો કોઈ નક્કર પુરાવો નથી.”

ઊભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું કે જોખમી? જાણો ડૉક્ટર્સ શું કહે છે

ઇમેજ સ્રોત, Getty Images

તેની સાથે જ, માથું પાછળ તરફ નમાવીને એકસાથે ગટગટાવી જવાને બદલે, ઘૂંટડે-ઘૂંટડે ધીમે-ધીમે પાણી પીવું જોઈએ, તેવી સલાહ આપે છે.

તેઓ જણાવે છે, “સામાન્ય તાપમાનનું પાણી માથું પાછળ કરીને એકસાથે ગટગટાવવાને બદલે, થોડું-થોડું કરીને ઘૂંટડે-ઘૂંટડે પીવું જોઈએ. એક જ વારમાં બહુ બધું પાણી પીવાથી શ્વાસ રોકાવાનું જોખમ છે.”

ડૉ. ગણપતિ કહે છે કે જમવાના સમયે નહીં, પરંતુ તરસ લાગે ત્યારે પાણી પીવું હોય તો તમે ઊભા રહીને પણ પાણી પી શકો છો.

તેમના મતે, શરીરમાં પાણીની કમી પૂરી કરવા માટે તમે ઊભા રહીને પણ પાણી પી શકો છો. ઉદાહરણ તરીકે, મેરેથોન દોડ્યા પછી ખૂબ તરસ લાગી હોય, તો ઊભા રહીને પાણી પીવાથી શરીરને ગુમાવેલું પાણી (હાઇડ્રેશન) ઝડપથી મેળવવામાં મદદ મળી શકે છે.

‘ઉતાવળમાં નહીં, ધીમે-ધીમે પીવો’

ડૉ. ગણપતિ કહે છે, “આંતરડા સીધી નળી જેવા ન હોવાથી, તમે ઊભા રહીને પાણી પીઓ કે બેસીને, તેનાથી બહુ ફરક પડતો નથી. નાનું આંતરડું લગભગ 6 મીટર લાંબું અને મોટું આંતરડું લગભગ 2 મીટર લાંબું હોય છે. આ આંતરડા શરીરમાં સીધા નથી હોતા પણ ગૂંચળાવાળા હોય છે. તેથી વ્યક્તિ ઊભી છે કે બેઠી છે, તેની અસર પાણી આંતરડા સુધી પહોંચવા પર ખાસ નથી પડતી.”

પરંતુ પાણી કેવી રીતે પીવું તે બાબત પર પણ ડૉ. ગણપતિએ ભાર મૂક્યો છે. તેઓ પાણી ધીમે-ધીમે અને થોડું-થોડું ઘૂંટડે-ઘૂંટડે પીવાની સલાહ આપે છે.

તેઓ કહે છે, “પાણી ઉતાવળમાં પીવાથી ગળાના સ્નાયુઓ પર તાણ આવે છે અને અસ્વસ્થતા અનુભવાય છે. ઉતાવળે પાણી પીવાથી ગળાના સ્નાયુઓ તેને ઝડપથી અંદર ખેંચવાનો પ્રયાસ કરે છે. આનાથી કેટલાક ટીપાં ભૂલથી શ્વાસનળીમાં જઈ શકે છે.”

ઊભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું કે જોખમી? જાણો ડૉક્ટર્સ શું કહે છે

ઇમેજ સ્રોત, Getty Images

સરકારી આયુર્વેદિક ડૉ. બાલમુરુગન જણાવે છે કે આયુર્વેદમાં પાણી બેસીને પીવું કે ઊભા રહીને, તે અંગે કોઈ ચોક્કસ નિયમ જણાવવામાં આવ્યો નથી. પરંતુ, પાણી ધીમે-ધીમે અને ઘૂંટડે-ઘૂંટડે પીવું જોઈએ, તેના પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

ડૉ. બાલમુરુગન કહે છે, “આયુર્વેદ અનુસાર મોં બંધ રાખીને, ખાસ કરીને હોઠને પાણી અડાડીને થોડું-થોડું ઘૂંટડે-ઘૂંટડે પાણી પીવું જોઈએ. આયુર્વેદમાં શરીરની 13 કુદરતી જરૂરિયાતોમાંથી તરસને એક મહત્ત્વપૂર્ણ જરૂરિયાત માનવામાં આવી છે. તરસને રોકવી યોગ્ય નથી, જો તેમ કરવામાં આવે તો શરીર પર તેની વિપરીત અસરો થઈ શકે છે. તેથી પાણી ઊભા રહીને પીવું કે બેસીને, તેના કરતાં તરસ લાગે ત્યારે પાણી પીવાનું ટાળવું નહીં પણ પી લેવું તે ખૂબ મહત્ત્વનું છે.”

ઊભા રહીને પાણી પીવું સ્વાસ્થ્ય માટે સારું કે જોખમી? જાણો ડૉક્ટર્સ શું કહે છે

ઇમેજ સ્રોત, Getty Images

ડૉ. બાલમુરુગન આગળ જણાવે છે, “મોં ખુલ્લું રાખીને પાણી પીવાથી પાણીની સાથે હવા પણ પેટમાં જઈ શકે છે. તે શરીર માટે સારી નથી હોતી. તેથી હોઠ બંધ રાખીને ધીમે-ધીમે પાણી પીવું જોઈએ. શરીરમાં વધુ હવા જવાથી તરત જ તકલીફ નહીં થાય, પરંતુ આ આદત લાંબા સમય સુધી રહે તો ગેસ જેવી સમસ્યાઓ થઈ શકે છે.”

ઇસ્લામમાં પણ પાણી પીવા અંગે કેટલાક માર્ગદર્શક નિયમો અને સિદ્ધાંતો છે.

આ અંગે બીબીસી તમિલ સાથે વાત કરતાં મનિથનેય મક્કલ કાચીના અધ્યક્ષ અને ઇસ્લામિક અભ્યાસુ જવાહરુલ્લાહે જણાવ્યું કે, પેગંબર સાહેબ બેસીને પાણી પીતા હતા. તેથી તેમના શિક્ષણનું અનુસરણ કરવું હોય તો બેસીને પાણી પીવું જોઈએ. પરંતુ ઊભા રહીને પાણી પીવા પર કોઈ મનાઈ નથી. મક્કાના પવિત્ર ઝમઝમના કૂવાનું પાણી તેઓ ઊભા રહીને જ પીતા હતા. આ સાથે જ પાણી ધીમે-ધીમે ઘૂંટડે-ઘૂંટડે પીવું જોઈએ અને પાણી પીતી વખતે તેમાં શ્વાસ છોડવો જોઈએ નહીં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS