Home તાજા સમાચાર gujrati નેપાળ પૂર પછી ગુમ થયેલા ભારતીયો વિશે વિદેશ મંત્રાલયે આપી આ માહિતી...

નેપાળ પૂર પછી ગુમ થયેલા ભારતીયો વિશે વિદેશ મંત્રાલયે આપી આ માહિતી – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

અત્યાર સુધી નેપાળમાં 166 ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા છે.

ઇમેજ સ્રોત, Reuters

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નેપાળ પૂર પછી ગુમ થયેલા અને અત્યાર સુધી બચાવવામાં આવેલા ભારતીયો અંગે સાપ્તાહિક પ્રેસ કૉન્ફરન્સમાં માહિતી આપી છે.

રણધીર જયસ્વાલે કહ્યું, “તાજી માહિતી મુજબ હાલમાં 275 ભારતીયો ગુમ છે.”

તેમણે કહ્યું, “વિદેશ મંત્રાલય ભારતમાં સંબંધિત રાજ્ય સરકારો સાથે સતત સંપર્કમાં છે. અમે એવા ભારતીયોનાં નામ નિયમિત રીતે જાહેર કરી રહ્યાં છીએ, જેમને બચાવવામાં આવ્યાં છે. અમે આ મામલે નેપાળી અધિકારીઓના પ્રયાસોની ખૂબ જ પ્રશંસા કરીએ છીએ.”

જયસ્વાલે કહ્યું, “અત્યાર સુધી નેપાળમાં 166 ભારતીય નાગરિકોને બચાવવામાં આવ્યા છે અને અત્યાર સુધી 1,907 ભારતીય નાગરિકો ચીનમાંથી સુરક્ષિત રીતે નેપાળ પહોંચી ચૂક્યા છે. ચીનમાં સત્તાવાર સ્ત્રોતોના જણાવ્યા અનુસાર, ચીનના તિબેટ સ્વાયત્ત પ્રદેશમાં હવે કોઈપણ ભારતીય પ્રવાસી ફસાયેલો નથી.”

પાકિસ્તાને બલૂચિસ્તાનમાં 12 ચરમપંથીઓને માર્યાનો દાવો કર્યો

પાકિસ્તાને બલૂચિસ્તાનમાં 12 ચરમપંથીઓને માર્યાનો દાવો કર્યો - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

પાકિસ્તાન સેનાના પ્રવક્તાએ દાવો કર્યો છે કે 2 સપ્ટેમ્બરે બલૂચિસ્તાનના કલાત જિલ્લામાં ગુપ્તચર માહિતીના આધારે ચલાવવામાં આવેલા એક ઑપરેશનમાં 12 ચરમપંથીઓ માર્યા ગયા.

બીબીસી ઉર્દૂના જણાવ્યા અનુસાર શુક્રવારે ઇન્ટર-સર્વિસિઝ પબ્લિક રિલેશન્સ (આઈએસપીઆર) દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું કે ઑપરેશન દરમિયાન આતંકવાદીઓના ઠેકાણાની ઓળખ કરવામાં આવી અને તેના પર નજર રાખવામાં આવી.

ત્યારબાદ સુરક્ષા દળોએ તરત જ ‘સર્જિકલ કાર્યવાહી’ કરીને તેને નષ્ટ કરી દીધું, જેમાં 12 ‘આતંકવાદી’ઓ માર્યા ગયા.

આઈએસપીઆરના અનુસાર, ઑપરેશન દરમિયાન હથિયારો અને ઇમ્પ્રોવાઇઝ્ડ ઍક્સપ્લોસિવ ડિવાઇસ (આઈઈડી)ના જથ્થાને પણ નષ્ટ કરવામાં આવ્યો છે.

નેપાળમાં પૂરથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 1200ને પાર પહોંચી

નેપાળમાં પૂરથી મૃત્યુ પામનારાઓની સંખ્યા 1200ને પાર પહોંચી – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Nepal Army

નેપાળમાં આવેલા વિનાશકારી પૂરમાં મૃત્યુ પામનારાઓની સંખ્યા સતત વધી રહી છે. તાજા આંકડાઓ અનુસાર આ સંખ્યા 1,200ને પાર પહોંચી ગઈ છે.

નેપાળની ઇમરજન્સી એજન્સીનું કહેવું છે કે અત્યાર સુધીમાં 1,287 મૃતદેહો મળી આવ્યા છે, જ્યારે અંદાજ મુજબ 5,083 લોકો હજુ પણ લાપતા છે.

આ સંખ્યા નેપાળ પોલીસ દ્વારા અગાઉ આપવામાં આવેલી માહિતી કરતાં વધુ છે, જેમાં 1,280 લોકોનાં મોત અને 4,798 લોકો લાપતા હોવાની વાત કહેવામાં આવી હતી.

સૌથી વધુ 359 મૃતદેહો ચિતવનમાં મળી આવ્યા છે, જ્યારે નુવાકોટમાં 184 અને રસુવામાં 140 મૃતદેહો મળી આવ્યા છે.

બીજી તરફ, ત્રિશૂલી 3A સાઇટ પરથી બે લોકોને જીવતા બચાવ્યા બાદ, ત્રીજી વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે.

સ્થળ પર હાજર નેપાળ ઇલેક્ટ્રિસિટી ઑથોરિટીના ડેપ્યુટી મૅનેજર સુરેશ રાઉતનું કહેવું છે કે મૃતદેહની હાલત એવી હતી કે તેની ઓળખ કરવી મુશ્કેલ હતી.

તેમણે બીબીસીને જણાવ્યું, “સુરંગની અંદર મળેલો મૃતદેહ ફૂલી ગયો છે અને તેની ઓળખ થઈ શકી નથી. એવું લાગે છે કે સુરંગમાંથી બહાર નિકળવાનો પ્રયાસ કરતી વખતે તે વ્યક્તિ પૂરનાં પાણીમાં ફસાઈ ગઈ હતી અને તેના કારણે તેનું મૃત્યુ થયું.”

આ પહેલાં, શુક્રવારે સવારે નેપાળના ત્રિશૂલી 3-એ હાઇડ્રોપાવર પ્રોજેક્ટની સુરંગમાં 9 દિવસ સુધી ફસાયેલા બે લોકો, સંજય શાહ અને કબીર મહર્જનને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા.

સંજય શાહ આ પ્રોજેક્ટમાં મિકેનિકલ ફોરમૅન છે, જ્યારે કબીર મહર્જન મિકેનિકલ સુપરવાઇઝર છે.

સુરેશ રાઉતે જણાવ્યું કે બચાવાયા પછી કબીર અને સંજય “થાકેલા લાગતા હતા, પરંતુ ખુશ હતા.”

તેમણે કહ્યું, “કબીરે બંને હાથ જોડીને નમસ્તે કર્યું.”

તેમણે આગળ કહ્યું, “કબીરના ઘૂંટણ અને કમરમાં ઈજાઓ હતી. શક્ય છે કે બહાર નીકળવાનો પ્રયાસ કરતી વખતે તેમને આ ઈજાઓ થઈ હોય.”

સોનિયા ગાંધીના પુસ્તકને મળ્યો નવો પ્રકાશક, હવે આ પ્રકાશન કંપની તેને પ્રકાશિત કરવા તૈયાર થઈ

સોનિયા ગાંધી, કૉંગ્રેસ, રાહુલ ગાંધી, rahul Gandhi, Sonia Gandhi, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, @RahulGandhi/X

પ્રકાશન કંપની હાર્પર કૉલિન્સ ઇન્ડિયાએ જણાવ્યું છે કે તે સોનિયા ગાંધીના પુસ્તક ‘બિલૉંગિંગ: એ જર્ની ઑફ લવ’ ને ભારતમાં પ્રકાશિત કરશે.

આ આત્મકથાત્મક સ્મૃતિલેખ (મેમૉયર) ભારતમાં 10 નવેમ્બર 2026ના રોજ પ્રકાશિત થશે. આ પુસ્તકના પ્રકાશનની લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી.

હાર્પર કૉલિન્સ ઇન્ડિયાએ ઍક્સ પર કરેલી એક પોસ્ટમાં લખ્યું, “અમારા સમયના સૌથી વધુ ચર્ચિત રાજકીય સ્મૃતિલેખોમાંનું એક ‘બિલૉંગિંગ’ પ્રેમ, ઓળખ, ફરજ અને પોતાના હોવાની ભાવનાની એક લાગણીસભર અને અત્યંત વ્યક્તિગત કથા છે. તે ભારતની યાત્રા વિશેનો એક દુર્લભ આંતરિક દૃષ્ટિકોણ પણ રજૂ કરે છે.”

આ પહેલાં અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રેસે પોતાના એક અહેવાલમાં દાવો કર્યો હતો કે પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયા આ પુસ્તકના પ્રકાશનમાંથી પાછળ હટી ગઈ છે.

અખબારના અહેવાલ અનુસાર, પ્રકાશકે સોનિયા ગાંધીને પુસ્તકના કેટલાક ભાગોમાં સંપાદન કરવા તેમજ કેટલાક અંશો દૂર કરવા માટે જણાવ્યું હતું, પરંતુ સોનિયા ગાંધીએ આ સૂચનો સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

સોનિયા ગાંધીના આ પુસ્તકને લઈને પ્રકાશન કંપની પેંગ્વિન રેન્ડમ હાઉસ ઇન્ડિયાએ પણ નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે તે ભારતમાં આ પુસ્તકની પ્રકાશક નથી.

પેંગ્વિને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું, “તથ્યોની ચકાસણી કરવી અને લેખકને એવાં સૂચનો આપવા કે જે પુસ્તક અને લેખક બંનેના હિતમાં હોય, તે પ્રકાશક તરીકે અમારો અધિકાર પણ છે અને જવાબદારી પણ છે.”

આ પુસ્તકને અમેરિકામાં આલ્ફ્રેડ એ. નૉફ અને બ્રિટનમાં વિલિયમ કૉલિન્સ દ્વારા પ્રકાશિત કરવામાં આવશે.

નેપાળ : બચાવ કાર્યમાં જોડાયેલા નિષ્ણાતે કહ્યું, ‘સુરંગની અંદરથી લોકોના અવાજો સંભળાયા’

નેપાળી સેનાએ બીબીસી ન્યૂઝ નેપાળીને જણાવ્યું કે બચાવકર્મીઓ સુરંગની અંદર આશરે 100 મીટર સુધી પહોંચી ગયા છે

ઇમેજ સ્રોત, RSS

બીબીસી નેપાળીના અહેવાલ મુજબ, ત્રિશૂલી 3A હાઇડ્રોપાવર પ્રોજેક્ટમાં બચાવ કામગીરીમાં જોડાયેલા નિષ્ણાત શ્રીરામ નેઉપાનેએ સોશિયલ મીડિયા પર લખ્યું છે કે, “એ વાતની પુષ્ટિ થઈ ગઈ છે કે સુરંગની અંદરથી એકથી વધુ લોકોના અવાજો સંભળાયા હતા.”

શ્રીરામ નેઉપાને નેપાળના સાંસદ પણ છે.

તેમણે ફેસબુક પર એક સંક્ષિપ્ત પોસ્ટમાં લખ્યું, “જ્યારે બચાવ દળે કહ્યું કે, ‘ગભરાશો નહીં, અમે તમને બચાવી રહ્યા છીએ,’ ત્યારે અંદરથી ‘હા’ સંભળાયું હતું.”

તેમણે અગાઉ લખ્યું હતું કે આ માહિતી બચાવ કામગીરીમાં સામેલ નેપાળી સેના પાસેથી મળી હતી.

નેપાળ ઇલેક્ટ્રિસિટી ઑથૉરિટીના સંયુક્ત મૅનેજર સુરેશ રાઉતે બીબીસી નેપાળીને જણાવ્યું કે ત્રિશૂલી 3A પ્રોજેક્ટની સુરંગમાં ફસાયેલા લોકોના અવાજો સંભળાયા હોવાની માહિતી મળી છે.

રાઉતે કહ્યું, “શોધ અને બચાવ અભિયાનનું નેતૃત્વ કરી રહેલા સેનાના કર્નલ ગંગા બરાલે અમને જાણ કરી હતી કે અંદરથી અવાજો આવી રહ્યા હતા.”

નેપાળી સેનાએ બીબીસી ન્યૂઝ નેપાળીને જણાવ્યું કે બચાવકર્મીઓ સુરંગની અંદર આશરે 100 મીટર સુધી પહોંચી ગયા છે, પરંતુ તેમને હજુ પણ કાટમાળથી બચીને આગળ વધવું પડી રહ્યું છે.

આ પહેલાં શ્રીરામ નેઉપાનેએ આજે સવારે પોતાની બીજી એક પોસ્ટમાં લખ્યું હતું, “નેપાળી સેના અને સશસ્ત્ર પોલીસ દળની બચાવ ટીમ સુરંગમાં પ્રવેશી ચૂકી છે અને બચાવ કામગીરીને વધુ ઝડપી બનાવી રહી છે. સુરંગની અંદરથી લોકોના અવાજો સંભળાયા હોવાની માહિતી આશાનું એક નવું કિરણ સમાન છે.”

તેમણે વધુમાં લખ્યું, “હું ગઈ કાલે સાંજ સુધી ઘટનાસ્થળે ઇજનેર તરીકે બચાવ અને શોધ અભિયાનમાં જોડાયેલો હતો.”

હોર્મુઝ સામુદ્રધુનીમાં દક્ષિણ કોરિયા સેના ગોઠવવાની તૈયારીમાં- રિપોર્ટ

અમેરિકા-ઈરાન વચ્ચેના યુદ્ધને કારણે હાલમાં હોર્મુઝ સામુદ્રધુનીમાં અવરજવર બાધિત થઈ છે (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, Amirhossein KHORGOOEI / ISNA / AFP via Getty Images

દક્ષિણ કોરિયાના મીડિયા અહેવાલો અનુસાર, દેશની સરકાર “હોર્મુઝ સામુદ્રધુનીમાં શિપિંગની સ્વતંત્રતા”ને સમર્થન આપવા માટે સૈન્ય દળો અને જરૂરી સાધનો મોકલવાની તૈયારી કરી રહી છે અને આ મિશનની શરૂઆત આ વર્ષ દરમિયાન કરવાની યોજના હોવાનું પણ જણાવાયું છે.

ઈરાનની મહત્ત્વપૂર્ણ સૈન્ય સંસ્થા ‘ખાતમ અલ-અનબિયા’ સેન્ટ્રલ હેડક્વાર્ટરના સત્તાવાર પ્રવક્તા ઇબ્રાહીમ ઝોલ્ફઘારીએ આ મુદ્દે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે લખ્યું, “દક્ષિણ કોરિયા હવે શિપિંગની સ્વતંત્રતાના સમર્થન માટે હોર્મુઝ સામુદ્રધુનીમાં સૈન્ય મોકલવા અંગે વિચાર કરી રહ્યું છે. તેના વિકલ્પોમાં સમુદ્રી પેટ્રોલિંગ વિમાનો, લૉજિસ્ટિક્સ સપોર્ટ જહાજો અથવા દરિયાઈ સુરંગો (માઇન) શોધી કાઢવા અને દૂર કરવાની વિશેષ યુનિટનો સમાવેશ થાય છે.”

તેમણે વધુમાં લખ્યું, “દક્ષિણ કોરિયાએ અગાઉ જણાવ્યું હતું કે અમેરિકા-ઈરાન વચ્ચેનો સંઘર્ષ સમાપ્ત થયા બાદ જ તે તહેનાતી અંગે વિચાર કરશે, પરંતુ આ વલણમાં ફેરફાર એવા સમયે આવ્યો છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાના યુદ્ધ પ્રયાસોને સમર્થન ન આપવા બદલ દક્ષિણ કોરિયાની ટીકા કરી હતી.”

સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ, દક્ષિણ કોરિયાના મીડિયા દ્વારા સરકારી અને સૈન્ય સૂત્રોને ટાંકીને જણાવાયું છે કે આ સંભવિત તહેનાતી માટે સંસદીય મંજૂરી મેળવવા જરૂરી કાનૂની પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે.

આ અહેવાલો અનુસાર, કૅબિનેટ દ્વારા યોજનાની સમીક્ષા કર્યા પછી સરકાર આ મહિને સંસદની મંજૂરી મેળવવા માટે સત્તાવાર પ્રસ્તાવ રજૂ કરવાની યોજના ધરાવે છે.

દક્ષિણ કોરિયાની સંભવિત સૈન્ય તહેનાતી એવા સમયે ચર્ચામાં આવી છે જ્યારે હોર્મુઝ સામુદ્રધુનીમાં સુરક્ષા સંબંધિત તણાવ વધ્યો છે અને તાજેતરનાં અઠવાડિયાં દરમિયાન વ્યાપારી જહાજો પર હુમલાના બનાવોમાં વધારો નોંધાયો છે.

આ વ્યૂહાત્મક જળમાર્ગમાં જહાજોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે અનેક દેશો વિવિધ વિકલ્પો અને સહકારના માર્ગો શોધી રહ્યા છે.

જોકે, દક્ષિણ કોરિયાની સરકારના અધિકારીઓએ હજુ સુધી આ અહેવાલો અંગે કોઈ સત્તાવાર નિવેદન આપ્યું નથી.

અવકાશમાં પહોંચ્યો ભારતનો ઇઓએસ-05 ઉપગ્રહ, જાણો ખાસિયત

ઇઓએસ-05 ભારતનો પહેલો એવો ઇમેજિંગ ઉપગ્રહ છે, જે જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી તસવીરો લેશે

ઇમેજ સ્રોત, @isro

જીએસએલવી-એફ17 રૉકેટે ઇઓએસ-05 ઉપગ્રહને સફળતાપૂર્વક તેની નિર્ધારિત કક્ષામાં સ્થાપિત કર્યો છે.

આ જીએસએલવીની 19મી ઉડાન હતી. ઇસરો મુજબ, આ મિશનમાં 4 મીટર વ્યાસ ધરાવતી કૉમ્પોઝિટ પૅલોડ ફેરિંગનો ઉપયોગ કરાયો હતો.

ઇઓએસ-05 એક પૃથ્વી અવલોકન ઉપગ્રહ છે. તેનો મુખ્ય હેતુ અવકાશમાંથી પૃથ્વીની તસવીરો મેળવવાનો અને પૃથ્વી પરની સ્થિતિનું સતત નિરીક્ષણ કરવાનો છે.

આ મિશનની સૌથી મોટી ખાસિયત એ છે કે ઇઓએસ-05 ભારતનો પહેલો એવો ઇમેજિંગ ઉપગ્રહ છે, જે જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી તસવીરો લેશે.

સરળ ભાષામાં કહીએ તો, આ ઉપગ્રહ પૃથ્વીથી હજારો કિલોમીટર ઊંચાઈએ એવી કક્ષામાં રહેશે, જ્યાંથી તે વિશાળ વિસ્તાર પર સતત નજર રાખી શકશે.

સામાન્ય રીતે નીચી કક્ષામાં ફરતા ઉપગ્રહો કોઈ વિસ્તાર પરથી પસાર થાય ત્યારે તસવીરો લે છે, પરંતુ ઇઓએસ-05 તેની વિશેષ કક્ષાના કારણે કોઈ વિસ્તારનું વધુ સતત અને લાંબા સમય સુધી નિરીક્ષણ કરી શકશે.

ઉપગ્રહમાં વિવિધ પ્રકારનાં સેન્સર લગાવાયાં છે, જે વિઝિબલ, ઇન્ફ્રારેડ, મલ્ટિ-સ્પેક્ટ્રલ અને હાઇપર-સ્પેક્ટ્રલ તસવીરો મેળવવામાં મદદરૂપ થશે.

ભારત પાસે પહેલેથી જ અનેક પૃથ્વી અવલોકન ઉપગ્રહો છે, પરંતુ ઇઓએસ-05ને ખાસ કરીને જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી ઇમેજિંગ માટે વિકસાવાયો છે, જે તેને મહત્ત્વનો બનાવે છે.

નીચી કક્ષામાં ફરતા ઉપગ્રહો કોઈ સ્થળની તસવીર લીધા પછી આગળ નીકળી જાય છે અને થોડા સમય બાદ ફરી તે વિસ્તાર ઉપર આવે છે.

જ્યારે જિયોસિન્ક્રોનસ કક્ષામાં રહેલો ઉપગ્રહ વિશાળ વિસ્તારમાં સતત નિરીક્ષણ કરી શકે છે. તેના કારણે હવામાન, કુદરતી આપત્તિઓ અને મોટા પાયે થતાં પરિવર્તનોની દેખરેખ રાખવામાં નોંધપાત્ર મદદ મળશે.

લૉન્ચિંગ બાદ કેન્દ્રીય મંત્રી જિતેન્દ્રસિંહે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું કે, “જિયોસિન્ક્રોનસ કક્ષામાંથી ઇમેજિંગ કરનાર આ ભારતનો પ્રથમ ઉપગ્રહ છે. તે વિઝિબલ, ઇન્ફ્રારેડ, મલ્ટિ-સ્પેક્ટ્રલ અને હાઇપર-સ્પેક્ટ્રલ બૅન્ડમાં અદ્યતન ઇમેજિંગ સુવિધા આપશે.”

લગ્ન સમારંભ પર હુમલા અંગે જેડી વેન્સે કહ્યું: ‘ઈરાનના દાવાઓ પર શંકા’

આ હુમલો મંગળવારે રાત્રે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેર સિરિક નજીક થયો હતો. આ વિસ્તાર હોર્મુઝ સામુદ્રધુનીના કિનારે આવેલો છે

ઇમેજ સ્રોત, Tasnim

અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ગુરુવારે જણાવ્યું કે અમેરિકા તે હવાઈ હુમલાની તપાસ કરી રહ્યું છે, જેના વિશે ઈરાને દાવો કર્યો છે કે દક્ષિણ ઈરાનના સિરિક વિસ્તારમાં થયેલા એક લગ્ન સમારંભને નિશાન બનાવાયો હતો.

વેન્સે કહ્યું, “અમે આ ઘટનાની તપાસ કરી રહ્યા છીએ, કારણ કે આ મામલે અમને ચિંતા છે. અમે જાણવા માગીએ છીએ કે હકીકતમાં શું બન્યું હતું.”

વ્હાઇટ હાઉસમાં પત્રકારો સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે જો અમેરિકાની સેનાથી કોઈ ભૂલ થાય છે, તો અમેરિકા તેની તપાસ કરે છે અને તેમાંથી શીખવાનો પ્રયાસ કરે છે.

તેમણે વધુમાં કહ્યું, “અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ, પરંતુ સમગ્ર સંઘર્ષ દરમિયાન ઈરાનના સરકારી મીડિયાએ હંમેશાં વિશ્વસનીય માહિતી આપી હોય તેવું નથી. તેથી આ દાવા અંગે મને ઘણી શંકા છે.”

ઈરાનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, દક્ષિણ ઈરાનમાં થયેલા અમેરિકન હુમલામાં એક લગ્ન સમારંભ દરમિયાન પાંચ લોકોનાં મોત થયાં હતાં અને આશરે 70 લોકો ઘાયલ થયા હતા. ઘાયલોમાં એક બાળક અને ત્રણ મહિલાનો પણ સમાવેશ થાય છે.

આ હુમલો મંગળવારે રાત્રે દક્ષિણ ઈરાનના દરિયાકાંઠાના શહેર સિરિક નજીક થયો હતો. આ વિસ્તાર હોર્મુઝ સામુદ્રધુનીના કિનારે આવેલો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS