Home તાજા સમાચાર gujrati પીએમ મોદીએ કોને ‘નારાજ ફુઆ’ ગણાવ્યા, SRCC કૉલેજમાં આપેલા ભાષણમાં ‘જેન-ઝીની ભાષા’માં...

પીએમ મોદીએ કોને ‘નારાજ ફુઆ’ ગણાવ્યા, SRCC કૉલેજમાં આપેલા ભાષણમાં ‘જેન-ઝીની ભાષા’માં શું-શું કહ્યું?

3
0

Source : BBC NEWS

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, narendra modi, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પ્રકાશિત

વાંચવાનો સમય: 5 મિનિટ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દિલ્હી યુનિવર્સિટીની એક કૉલેજમાં યોજાયેલા કાર્યક્રમ દરમિયાન વિરોધીઓ પર જોરદાર નિશાન સાધ્યું.

ડીયુના શ્રી રામ કૉલેજ ઑફ કૉમર્સ (એસઆરસીસી)ના એક કાર્યક્રમમાં તેમણે ‘માનસિક નક્સલીઓ’નો એક વાર ફરી ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, “આજે 2013ની સરખામણીએ દેશ આર્થિક અને સામાજિક રીતે ઘણો વધુ સુરક્ષિત છે. પરંતુ કેટલાક લોકોમાં ગભરાટ શરૂ થઈ ગયો છે. મેં આવા લોકો માટે 15 ઑગસ્ટે લાલ કિલ્લાથી હોમિયોપેથીની ગોળી આપી હતી. ત્યારે મેં એક શબ્દ કહ્યું હતો – માનસિક નક્સલીઓ.”

“હોમિયોપેથીનો ઇલાજ બીમારીને થોડા સમય માટે વધુ ઉગ્ર બનાવી દે છે. જેમ જ મેં આ ગોળી આપી, બધા માનસિક નક્સલીઓ બહાર આવવા લાગ્યા. પરંતુ જનતા તેમનો અસલી રંગ જોઈ રહી છે.”

હકીકતમાં, માનસિક નક્સલીઓને લઈને ઘણી પ્રતિક્રિયાઓ આવી હતી અને કેટલાક વિવેચકોએ આરોપ લગાવ્યો હતો કે સરકારની નીતિઓ પર પ્રશ્ન ઉઠાવનાર યુવાનો, બુદ્ધિજીવીઓ અને વિચારોને આવા શબ્દોથી નિશાન બનાવવામાં આવી રહ્યા છે.

શનિવારે એસઆરસીસીના શતાબ્દી સમારોહના અવસરે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

વડા પ્રધાન મોદીએ એસઆરસીસી પહોંચવા માટે મેટ્રોનો ઉપયોગ કર્યો હતો. આ દરમિયાન બાળકો સાથે વાતચીત કરતા તેમની તસવીરો પણ સામે આવી છે.

આ પહેલાં વડા પ્રધાન મોદીએ ઍક્સ પોસ્ટમાં પોતાના કાર્યક્રમની માહિતી આપી હતી અને કૉલેજના યોગદાનનો ઉલ્લેખ કર્યો હતો.

જેન ઝી સાથે જોડાવાની કોશિશ

વડા પ્રધાન નરેન્દ્ર મોદી, narendra modi, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

પોતાના સંબોધનમાં વડા પ્રધાન મોદીએ ખાસ કરીને એવા શબ્દોનો પણ ઉપયોગ કર્યો, જે જેન ઝી વચ્ચે લોકપ્રિય છે.

વડા પ્રધાન મોદીએ કહ્યું કે ડીયુની કૉલેજોમાં એસઆરસીસી કહેવું જ પોતાના આપમાં એક ‘ફ્લેક્સ’ હોય છે.

તેમણે કહ્યું, “એસઆરસીસીના એલ્યુમનાઈ પણ ખાસ રહ્યા છે. તમારી ભાષામાં કહું તો અહીંના એલ્યુમનાઈ ઓજી છે, જેમણે એસઆરસીસીનું નામ દુનિયાભરમાં પહોંચાડ્યું.”

“અહીંથી નીકળેલા લોકોએ દરેક ક્ષેત્રમાં ધૂમ મચાવી છે. તેઓ ધુરંધર હોય કે ન હોય, પરંતુ ધૂમ તો મચાવી છે.”

હકીકતમાં, ઓજીનો ઉપયોગ જેન ઝી પોતાની વાતચીતમાં સામાન્ય રીતે અનુભવી અને સન્માનિત વ્યક્તિ માટે કરે છે.

કાર્યક્રમમાં હાજર વિદ્યાર્થીઓને સંબોધતા તેમણે કહ્યું, “કૅમ્પસની બહાર તમને બે પ્રકારના લોકો મળશે… એક તેઓ, જે સકારાત્મક રીતે સમાજની શક્તિને રાષ્ટ્રની શક્તિમાં બદલે છે.”

“બીજી પ્રજાતિના લોકો એવા છે, જે કોઈપણ કામ શરૂ થાય ત્યારે નારાજ ફુઆ બની જાય છે. તેમનું મનપસંદ કામ હોય છે દરેક કામનો વિરોધ કરવો. તેમનો એક જ ડાયલોગ હોય છે… તેની શું જરૂર છે.”

તેમણે કહ્યું, “જ્યારે અમે દુનિયાની સૌથી મોટી પ્રતિમા બનાવી રહ્યા હતા ત્યારે ફુઆજીએ કમર કસી લીધી, તેની શું જરૂર છે.”

“જ્યારે અમે હાઇ સ્પીડ ટ્રેન પર કામ કર્યું ત્યારે ફુઆજીએ કહ્યું, તેની શું જરૂર છે. જ્યારે અમે યુપીઆઈ લઈને આવ્યા ત્યારે ફુઆએ કહ્યું, તેની શું જરૂર છે.”

“અમે નવી પાર્લામેન્ટ બિલ્ડિંગ બનાવી ત્યારે પણ તેમણે કહ્યું, તેની શું જરૂર છે. જ્યારે અમે અમારા વીર સૈન્ય નાયકોનું સ્મારક બનાવ્યું ત્યારે ફુઆ ફરી મેદાનમાં આવી ગયા, તેની શું જરૂર હતી.”

“પરંતુ ભારતે આવા બધા ફુઆઓને જવાબ આપ્યો. દેશ માટે જે જરૂરી છે, તે ભારતને કરતા કોઈ રોકી શકતું નથી.”

વડા પ્રધાન મોદીએ 12 વર્ષોની પોતાની ઉપલબ્ધિઓ ગણાવી

વડા પ્રધાન મોદી એસઆરસીસીના કાર્યક્રમમાં દિલ્દી મેટ્રો ટ્રેનથી પહોંચ્યા હતા

ઇમેજ સ્રોત, ANI

વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં 2013માં શ્રીરામ કૉલેજમાં આપેલા પોતાના ભાષણને પણ યાદ કર્યું. તે સમયે તેઓ ગુજરાતના મુખ્ય મંત્રી હતા.

વડા પ્રધાનએ કહ્યું, “મેં 2013માં પાણીના ગ્લાસનું ઉદાહરણ આપ્યું હતું. ગ્લાસને જોનારામાં એક એવા હોય છે, જેમને અડધો ગ્લાસ ખાલી દેખાય છે, અને એક દૃષ્ટિકોણ એવો હોય છે જેમને ગ્લાસ સંપૂર્ણ ભરેલો દેખાય છે, અડધો હવાથી અને અડધો પાણીથી.”

તેમણે કહ્યું, “2014માં સરકાર બન્યા પછી અમે આ કરીને બતાવ્યું. હું તમને એક ઉદાહરણ દ્વારા સમજાવું છું. તાજેતરમાં જનધન યોજનાને 12 વર્ષ પૂર્ણ થયા.”

“આજે તમે ફિનટેકના એક અલગ જ યુગમાં જીવી રહ્યા છો. પરંતુ 2014 પહેલાં ગામો અને નાનાં શહેરોનાં બાળકોને સેવિંગ ઍકાઉન્ટ ખોલાવવા માટે સંઘર્ષ કરવો પડતો હતો.”

“તેથી અમે જનધન યોજના લઈને આવ્યા. અને છેલ્લાં 12 વર્ષોમાં તેના દ્વારા 60 કરોડ નવા ઍકાઉન્ટ ખૂલ્યાં.”

વડા પ્રધાન મોદીએ કહ્યું, “એક ગૅંગ છે, હું જે બોલી રહ્યો છું તેના નાના નાના ટુકડા કરીને મારા ખાતામાં મૂકી દેશે.”

“હું પહેલાંથી જ ચેતવણી આપું છું, હું જે વાતો કરી રહ્યો છું, તે 2013ના તે સમયગાળામાં મીડિયામાં છવાયેલી રહેતી હતી.”

“જેમ કે… એલઓસી પર ભારતીય સૈનિકોની હત્યા, વિશ્વ બૅન્કે જીડીપી વૃદ્ધિદરના અંદાજમાં ઘટાડો કર્યો, કરન્ટ ઍકાઉન્ટ ડેફિસિટ ઑલ ટાઇમ હાઇ, મોંઘવારી દર લગભગ 10 ટકા પર, ઇન્ડસ્ટ્રિયલ સેક્ટર મંદીની ઝપેટમાં, હેલિકૉપ્ટર સોદામાં લાંચકાંડનો પર્દાફાશ, હૈદરાબાદમાં બૉમ્બ વિસ્ફોટ. આ તે સમયની હેડલાઇન્સ હતી.”

વડા પ્રધાન મોદી એસઆરસીસીના કાર્યક્રમમાં દિલ્દી મેટ્રો ટ્રેનથી પહોંચ્યા હતા

ઇમેજ સ્રોત, ANI

તેમણે કહ્યું, “તે સમયે વિકાસ ધરતી પર હતો અને મોંઘવારી આકાશ પર હતી. તે સમયે કૌભાંડો ચરમસીમા પર હતાં અને ભ્રષ્ટાચારીઓ બેધડક ફરી રહ્યા હતા.”

“આતંકવાદીઓ બેકાબૂ હતા અને પાકિસ્તાન બેકાબૂ હતું. એક તે દિવસ હતો અને એક આજનો દિવસ છે જ્યારે આતંકવાદ ફેલાવનારાઓ નબળા પડી ગયા છે, પાકિસ્તાન કોઈ નાપાક હરકત કરે છે તો ભારતીય સેના ઘરમાં ઘૂસીને મારે છે, નક્સલવાદની કમર તોડી દેવામાં આવી છે.”

વડા પ્રધાન મોદીએ પોતાના ભાષણમાં ભારતીય જીડીપીના વિકાસદરનો પણ ઉલ્લેખ કર્યો.

તેમણે કહ્યું, “ભારતનો 7.8 ટકાનો વિકાસ દર એવા સમયે પણ આવ્યો છે જ્યારે પશ્ચિમ એશિયામાં યુદ્ધ ચાલી રહ્યું છે અને જ્યારે વેપાર સાથે જોડાયેલી અડચણો પણ રહી છે. એ સમયે આવો વિકા દર હાંસલ કરવો ભારતની ક્ષમતા દર્શાવે છે.”

હકીકતમાં, ભારત સરકારનું કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષ (2026-27)ની પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી વિકાસ દર 7.8 ટકા રહ્યો છે. જોકે, આ સરકારી દાવા પર વિવાદ પણ સામે આવ્યો.

દેશના પૂર્વ નાણાં સચિવ સુભાષ ચંદ્ર ગર્ગ અને વિપક્ષી પક્ષોએ આ આંકડાઓની ગણતરીની પદ્ધતિ અને ‘બેઝ યર’ (આધાર વર્ષ)માં કરાયેલા ફેરફારોને લઈને ગંભીર પ્રશ્નો ઉઠાવ્યા છે.

કૉંગ્રેસે શું કહ્યું

પવન ખેરા, કૉંગ્રેસ પાર્ટી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images

કૉંગ્રેસના નેતા અને રાજ્યસભા સાંસદ પવન ખેડાએ વડા પ્રધાન મોદીના ભાષણ પર પ્રતિક્રિયા આપી છે.

તેમણે ઍક્સ પર લખ્યું, “ભાઈ સાહેબ, એવું બોરિંગ ભાષણ કે ડુંગળી પણ રડી પડે.”

કાર્યક્રમ પહેલાં પવન ખેડાએ એસઆરસીસીના એક વિદ્યાર્થીનો ઉલ્લેખ કર્યો હતો.

પવન ખેડાએ ઍક્સ પર લખ્યું, “મોદી ફરીથી એસઆરસીસીમાં છે. આ જ તે જગ્યા છે, જ્યાંથી 2013માં તેમણે દેશના યુવાનોને મોટાં સપનાં બતાવીને ગેરમાર્ગે દોર્યા હતા.”

“આજના કાર્યક્રમમાં રાજસ્થાનના આદિવાસી એસઆરસીસી ગ્રેજ્યુએટ યોગેશ મીણા નથી, જે હવે નૉઇડાના મજૂરોના પ્રદર્શનના મામલે ફસાવવામાં આવ્યા બાદ જેલમાં છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS