Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Filippo MONTEFORTE / AFP via Getty Images
વાંચવાનો સમય: 7 મિનિટ
પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ઇટાલીનાં વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને બીજા વિશ્વયુદ્ધ પછીના ઇટાલીના ઇતિહાસમાં સૌથી લાંબા સમય સુધી વડાં પ્રધાનપદે કાર્યરત રહેનારાં નેતા બનવા બદલ અભિનંદન પાઠવ્યાં છે. તેના જવાબમાં મેલોનીએ તેમનો આભાર માન્યો છે.
શુક્રવારે શહબાઝ શરીફે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, “વડાં પ્રધાન જ્યૉર્જિયા મેલોનીને ઇટાલીના યુદ્ધોત્તર ઇતિહાસમાં સતત સૌથી લાંબા સમય સુધી વડાં પ્રધાનપદ પર રહેનારાં નેતા બનવા બદલ હાર્દિક અભિનંદન.”
“તેમના અસરકારક નેતૃત્વ દ્વારા તેમણે ઇટાલીની પ્રગતિ અને વૈશ્વિક સ્તરે તેની વધતી પ્રતિષ્ઠામાં મહત્ત્વપૂર્ણ યોગદાન આપ્યું છે. હું પાકિસ્તાન અને ઇટાલી વચ્ચેના સંબંધોને અનેક ક્ષેત્રોમાં વધુ મજબૂત બનાવવા માટે તેમની સાથે આગળ પણ કામ કરવાની આશા રાખું છું. આગામી વર્ષોમાં તેમની સતત સફળતા માટે મારી શુભેચ્છાઓ.”
તેના જવાબમાં જ્યૉર્જિયા મેલોનીએ રવિવારે તેમનો આભાર વ્યક્ત કરતાં કહ્યું કે છેલ્લાં કેટલાંક વર્ષોમાં ઇટાલી અને પાકિસ્તાન વચ્ચેનો સહકાર વધુ મજબૂત બન્યો છે.
મેલોનીએ ઍક્સ પર લખ્યું, “વડા પ્રધાન શહબાઝ શરીફ, આ શબ્દો માટે અને ઇટાલી-પાકિસ્તાન સંબંધોના મહત્ત્વને રેખાંકિત કરવા બદલ તમારો આભાર. છેલ્લાં કેટલાંક વર્ષોમાં અમે અનેક ક્ષેત્રોમાં સહકારને મજબૂત બનાવ્યો છે. તેમાં વેપાર, વિકાસ માટેનો સહયોગ અને બંને દેશોના લોકો વચ્ચેના સંબંધોનો સમાવેશ થાય છે.”
તેમણે વધુમાં લખ્યું, “મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સંબંધોને વધુ મજબૂત બનાવવા અને તેને અમારા દેશો માટે નવી તકોમાં પરિવર્તિત કરવાની હજુ ઘણી સંભાવનાઓ છે.”
ઉલ્લેખનીય છે કે ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ જ્યૉર્જિયા મેલોનીને અભિનંદન પાઠવ્યાં હતાં, જેના જવાબમાં મેલોનીએ તેમનો પણ આભાર માન્યો હતો.
દિલ્હીમાં પાંચ માળનું મકાન પડ્યું, કેટલાક લોકો દટાયા હોવાની સંભાવના
ઇમેજ સ્રોત, Getty Images
દિલ્હીના સત્ય નિકેતન માર્કેટ વિસ્તારમાં રવિવારે બપોરે એક પાંચ માળનું મકાન પડી ગયું છે, જેમાં પીજી હૉસ્ટેલ ચાલી રહી હતી અને તેમાં વિદ્યાર્થીઓ રહી રહ્યા હતા.
આ દુર્ઘટના મોતી બાગ-2માં આવેલા શિવ મંદિર પાસે થઈ, આ દુર્ઘટના બાદ દિલ્હી પોલીસે નિવેદન જારી કરીને કહ્યું છે કે “સ્થાનિક લોકોની પૂછપરછ બાદ ખબર પડી છે કે આ મકાન 40-50 વર્ષ જૂનું હતું. જેમાં એક બેઝમેન્ટ અને પાંચ માળ હતા. તેનો ઉપયોગ પીજી હૉસ્ટેલ તરીકે થતો હતો. ઘટના સમયે બેઝમેન્ટનું કામ ચાલી રહ્યું હતું.”
“અત્યારસુધી કુલ છ લોકોને બચાવવામાં આવ્યા છે. તેમને સુરક્ષિત બહાર કાઢીને હૉસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યા છે. રાહત અને બચાવ અભિયાન ચાલુ છે.”
ઘટનાસ્થળે પહોંચેલા ભાજપના ધારાસભ્ય અનિલ શર્માએ કહ્યું, “કેટલાક વિદ્યાર્થીઓ હજું અંદરથી બચાવવા માટે ફોન કરી રહ્યા છે. જેથી લાગે છે કે અંદર હજુ કેટલાક લોકો ફસાયેલા હોવા જોઈએ.”
ઈરાન : ઑઇલ ટૅન્કરમાં લાગી આગ, 11 લોકોનાં મોત, સાત ઘાયલ
ઇમેજ સ્રોત, Ahsan Mohammed Ahmed Ahmed/Anadolu via Getty Images
ઈરાનમાં સનંદજ-હમદાન હાઇવે પર એક ઈંધણ ટૅન્કરમાં આગ લાગવાને કારણે 11 લોકોનાં મોત થઈ ગયાં અને સાત લોકો ઘાયલ થયા.
આ ઘટના બાદ કુર્દિસ્તાનના ગવર્નરે આખા પ્રાંતમાં બે દિવસ સુધી સાર્વજનિક શોકની ઘોષણા કરી છે.
સમાચાર એજન્સી આઈઆરએનએએ કુર્દિસ્તાન ન્યાય વિભાગના જનસંપર્ક કાર્યાલયનો હવાલો આપીને જણાવ્યું કે આ ઘટના શનિવારે સાંજે લગભગ સાડા પાંચ કલાકે સનંદજ શહેરના પ્રવેશદ્વાર પાસે થઈ હતી.
20 હજાર લીટર ગૅસોલીન લઈ જઈ રહેલા એક ઈંધણ ટૅન્કરે પાછળથી એક મિની બસને ટક્કર મારી દીધી અને તેને કારણે વિસ્ફોટ થયો અને બંને વાહનોના ચાલકોનાં મોત થઈ ગયાં.
કુર્દિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ મોહમ્મદ જબ્બારીએ કહ્યું કે ઘટનાનાં કારણોની તપાસ માટે કેસ દાખલ કરવામાં આવ્યો છે.
તેમણે એ પણ કહ્યું છે કે પ્રાથમિક તપાસથી ખબર પડે છે કે દુર્ઘટનાનું કારણ ઈંધણ ટૅન્કરની બ્રેકમાં ટેક્નિકલ ખરાબી હતી.
મધ્ય પ્રદેશ: સાગર જિલ્લામાં ઓછામાં ઓછા નવ લોકોનાં મોત, ઝેરી દારૂ પીવાની આશંકા
ઇમેજ સ્રોત, Getty Images
મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં સંદિગ્ધ ઝેરી દારૂ પીવાથી ઓછામાં ઓછા 9 લોકોનાં મોત થયાં છે.
સાગર જિલ્લાના ચીફ મેડિકલ ઍન્ડ હેલ્થ ઑફિસર દેવેશ પટેરિયાએ પત્રકારો સાથે વાતચીતમાં જણાવ્યું, “હાલ સુધીમાં 9થી 10 લોકોનાં મોત થયાની માહિતી સામે આવી છે. વિસ્તારનાં ત્રણ ગામોમાં ડૉક્ટરોની ટીમો તહેનાત કરવામાં આવી છે અને ઘરેઘરે જઈને બીમાર લોકોની ઓળખ કરવામાં આવી રહી છે.”
તેમણે શંકા વ્યક્ત કરી કે આ ઝેરી દારૂનો મામલો હોઈ શકે છે, પરંતુ તેની પુષ્ટિ કરવાનું ટાળ્યું.
દેવેશ પટેરિયાના જણાવ્યા અનુસાર, આશરે 25 લોકોને બીમાર પડ્યા બાદ સારવાર માટે રિફર કરવામાં આવ્યા છે.
મધ્ય પ્રદેશના મુખ્ય મંત્રી મોહન યાદવે કહ્યું, “મેં પ્રભારી મંત્રીને સૂચનાઓ આપી છે અને અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહી કરવા, કડકમાં કડક પગલાં લેવા અને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવા આદેશ આપ્યા છે. અમારી સરકાર આવી ઘટનાઓને બિલકુલ સહન કરશે નહીં.”
મોત અને લોકોના બીમાર પડવાની આ ઘટના બંડા તાલુકાનાં ચાર ગામો સાથે જોડાયેલી હોવાનું જણાવવામાં આવ્યું છે.
સાગર જિલ્લાનાં કલેક્ટર પ્રતિભા પાલે જણાવ્યું, “સવારથી કથિત રીતે ગેરકાયદેસર દારૂના સેવનથી લોકો બીમાર પડ્યા હોવાની અને મોત થયાની માહિતી મળી રહી છે. ડૉક્ટરોની ટીમ અને એસડીએમની ટીમ પણ આસપાસના વિસ્તારોમાં હાજર છે.”
તેમણે વધુમાં કહ્યું, “જેમાં નૂરા અને ઘુઘરૂ જેવાં ઓળખાયેલાં બે ગામો પણ સામેલ છે, જ્યાં સ્ક્રીનિંગ કરવામાં આવી રહી છે.”
“જેમને કોઈપણ પ્રકારનાં લક્ષણો જણાતાં હોય અથવા છેલ્લા 24થી 48 કલાકમાં કોઈપણ પ્રકારના દારૂનું સેવન કર્યું હોય, તેમણે ચોક્કસપણે પોતાની તપાસ કરાવવી જોઈએ.”
પ્રદેશ કૉંગ્રેસ અધ્યક્ષ જીતુ પટવારીએ જણાવ્યું, “કેટલાક દિવસો પહેલાં પણ અહીં આવી જ ઘટના બની હતી. સમગ્ર રાજ્યમાં દારૂ માફિયા ખુલ્લેઆમ કાર્યરત છે અને નિર્દોષ લોકોના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.”
સ્વતંત્ર ભારદ્વાજે વાયરલ વીડિયો ડિલીટ કરાવવા વિનંતી કરી હતી? પૉડકાસ્ટની હોસ્ટે આ કહ્યું
ઇમેજ સ્રોત, Swatantra Bhardwaj/X, @imrowdy_rathore
સોશિયલ મીડિયા પર દાવા કરવામાં આવી રહ્યા છે કે સીજેપી સમર્થક નિશુ આઝાદના પિતા સંજય આઝાદ પર હુમલો કરનાર સ્વતંત્ર ભારદ્વાજે પોતાનો પૉડકાસ્ટ ઇન્ટરવ્યૂ ડિલીટ કરાવવા માટે હોસ્ટને 66 વખત ફોન કર્યા હતા.
એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયો ડિલીટ કરવાની વિનંતી કરતી વખતે તે રડી રહ્યો હતો, પરંતુ હોસ્ટે વીડિયો ડિલીટ કર્યો નહોતો.
સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ દાવા અંગે સ્વતંત્રનો ઇન્ટરવ્યૂ લેનાર પ્લૅટફૉર્મ ‘ધ કેઝ્યુઅલ ટૉક’ નાં હોસ્ટ નેહા સિંહ રાઠોડે પ્રતિભાવ આપ્યો છે.
તેમણે પોતાના ઍક્સ હેન્ડલ પર નિવેદન જાહેર કરીને કહ્યું, “એક પોસ્ટર સોશિયલ મીડિયા પર ખૂબ ઝડપથી ફેલાવવામાં આવી રહ્યું છે. તેમાં લખવામાં આવ્યું છે કે સ્વતંત્ર ભારદ્વાજે 66 વખત ફોન કર્યો અને રડીને કહ્યું કે પૉડકાસ્ટ ડિલીટ કરી દો, પરંતુ મેં તેને ડિલીટ કર્યું નથી.”
તેમણે આગળ કહ્યું, “આ પોસ્ટરમાં એક બાજુ સ્વતંત્ર ભારદ્વાજનો ફોટો અને બીજી બાજુ મારો ફોટો મૂકવામાં આવ્યો છે. નીચે લખવામાં આવ્યું છે કે ‘સ્વતંત્ર ભારદ્વાજને આ મામીએ પૉડકાસ્ટ કરીને જેલમાં મોકલી દીધો.'”
નેહા સિંહ રાઠોડે કહ્યું, “મારા વિરોધમાં આ ખોટો પ્રચાર ચલાવવામાં આવી રહ્યો છે. પૉડકાસ્ટ રેકૉર્ડ થયા પછી અમે સ્વતંત્રને પૂછ્યું હતું, પરંતુ તેમણે કોઈ વાંધો વ્યક્ત કર્યો નહોતો અને તેને ફિલ્ટર કરવાની પણ વાત કરી નહોતી. તેમણે કહ્યું હતું કે ‘તમે જેમ શૂટ કર્યું છે તેમ જ પોસ્ટ કરી દો.'”
હકીકતમાં, તાજેતરમાં વાયરલ થયેલા એક વીડિયો ક્લિપમાં સ્વતંત્ર ભારદ્વાજને કૉક્રોચ જનતા પાર્ટીનાં કાર્યકર નિશુ આઝાદના પિતા પર જંતર-મંતર ખાતે થયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન જીવલેણ હુમલો કર્યાની વાત સ્વીકારતા જોવામાં આવ્યા હતા.
આ જ વીડિયોમાં ભારદ્વાજે એવો પણ દાવો કર્યો હતો કે રાજકીય સંબંધોના કારણે તેમના વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવી નહોતી.
વીડિયો વાયરલ થયા પછી સીજેપી એટલે કે કૉક્રોચ જનતા પાર્ટીના કાર્યકરો દિલ્હી સ્થિત સંસદ માર્ગ પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા અને સ્વતંત્ર ભારદ્વાજની ધરપકડ કરવાની માંગ કરી હતી.
સીજેપીએ પોલીસ સ્ટેશનની બહાર વિરોધ પ્રદર્શન પણ કર્યું હતું. ત્યારબાદ સ્વતંત્ર વિરુદ્ધ એફઆઈઆર નોંધાઈ હતી અને પછી પોલીસે તેને કસ્ટડીમાં લઈ લીધો હતો.
મહિલા એશિયા કપ : ભારતે પાકિસ્તાનને સાત વિકેટે હરાવ્યું, પાકિસ્તાન 55 રનમાં ઑલઆઉટ
ઇમેજ સ્રોત, Getty Images
મહિલા એશિયા કપમાં ભારતે પાકિસ્તાનને સરળતાથી સાત વિકેટે હરાવી દીધું છે.
56 રનના લક્ષ્યનો પીછો કરતી ભારતીય ટીમની શરૂઆત સારી નહોતી, પરંતુ પછી હરમનપ્રીતકોર અને દીપ્તિ શર્માની આક્રમક બેટિંગને કારણે ભારતને સરળતાથી જીત મળી ગઈ.
ભારતનાં બંને ઓપનર બૅટર ઓછા સ્કારે આઉટ થઈ ગયાં હતાં. શેફાલી વર્મા 6 બૉલમાં 12 રન કર્યાં અને ફાતિમા સનાએ તેમને આઉટ કર્યાં.
તો ઓપનર સ્મૃતિ મંધાનાને પણ ફાતિમાએ એલબીડબલ્યુ આઉટ કર્યાં હતાં. બાદમાં ભારતનો સ્કોર બે વિકેટ પર 18 રન હતો.
ત્રીજા નંબરે આવેલાં પ્રતિકા રાવલ પણ માત્ર ચાર બનાવીને આઉટ થઈ ગયાં. પછી હરમનપ્રીતકોર અને દીપ્તિ શ્રમાએ બાજી સંભાળી અને ભારતને જીત અપાવી.
કોર 18 અને શર્મા 12 રન કરીને નૉટઆઉટ રહ્યાં. ભારત નવમી ઓવરમાં મૅચ જીતી ગયું.
પાકિસ્તાનનાં કપ્તાન ફાતિમા સનાએ આ મૅચમાં ત્રણ વિકેટ લીધી હતી.
આ મૅચમાં પાકિસ્તાનની ટીમ માત્ર 55 રન બનાવીને ઑલઆઉટ થઈ ગઈ હતી. ભારત તરફથી શ્રી ચરણીએ માત્ર 7 રન આપીને 3 વિકેટ અને પ્રેમા રાવતે 9 રન આપીને 3 વિકેટ લીધી હતી.
યુક્રેન યુદ્ધ : પુતિન અને ટ્રમ્પના વાર્તાકારો વચ્ચે બંધ દરવાજે શું વાતચીત થઈ?
ઇમેજ સ્રોત, Gavriil GRIGOROV / POOL / AFP via Getty Images
અમેરિકાએ ફરી યુક્રેનમાં યુદ્ધ ખતમ કરવાના પ્રયત્નો તેજ કર્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વાર્તાકારોએ મૉસ્કોમાં રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે મુલાકાત કરી હતી.
ક્રેમલિન તરફથી જાહેર કરાયેલા ફૂટેજમાં સ્ટીવ વિટકૉફ અને જેરેડ કુશનર પુતિનનું અભિવાદન કરતા જોઈ શકાય છે.
પુતિને કહ્યું કે વર્તમાન પરિસ્થિતિ “એટલી સરળ નથી.” તેમણે કહ્યું કે રશિયા બતાવશે કે “પરિસ્થિતિને કઈ રીતે જુએ છે.”
વિટકૉફે ત્રણ દિવસ માટે એકબીજાની રાજધાનીઓ પર હુમલા રોકવા પર યુક્રેન સાથે સહમત થવા અંગે પુતિનનો આભાર માન્યો. રવિવારે આ દૂત આગળની વાતચીત માટે યુક્રેનની રાજધાની કિએવ જશે.
શુક્રવારે ટ્રમ્પે કહ્યું હતું કે વિટકૉફ અને કુશનર “યુદ્ધ ખતમ કરવાનો પ્રસ્તાવ પોતાની સાથે લઈ જઈ રહ્યા છે.” હજુ સુધી અમેરિકા અને તેના સહયોગીઓના શાંતિકરાર કરાવવાના પ્રયાસો નિષ્ફળ રહ્યા છે.
શનિવારે ક્રેમલિનમાં થયેલી વાતચીત દરમિયાન પુતિને એ પણ કહ્યું કે “કોઈ પણ સ્થિતિમાં, ભલે કંઈ પણ થાય, આવા સંપર્ક ખરેખર હંમેશાં ઉપયોગી હોય છે.”
તેમણે શાંતિ સ્થાપિત કરવાના ટ્રમ્પના પ્રયાસો માટે તેમનો આભાર પણ માન્યો.
તેમણે દૂતોને કહ્યું કે તેઓ તેમની સાથે કામ કરવામાં “સહજ” છે.
રશિયન સરકારી મીડિયા અનુસાર, વાતચીત રશિયાની રાજધાનીના કેન્દ્રમાં આવેલા પુતિનના સત્તાવાર નિવાસે બંધ દરવાજામાં ચાલુ રહી અને ત્રણ કલાક ચાલી.
શનિવારે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર કહ્યું, “મેં હાલમાં અમેરિકાના પ્રતિનિધિઓ સાથે વાત કરી. તેમણે આજથી જ રશિયન પક્ષ સાથે કામ કરવાનું શરૂ કરી દીધું છે. ત્યાર બાદ અમે વાતચીતની પ્રક્રિયામાં સામેલ શહેરો પર હવાઈ હુમલા રોકવા માટે તૈયાર છીએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




