Home તાજા સમાચાર gujrati BAPS : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ મહિલાઓથી અંતર શા માટે જાળવે છે?

BAPS : સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ મહિલાઓથી અંતર શા માટે જાળવે છે?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Kenzo TRIBOUILLARD / AFP via Getty Images

પેરિસના ઍફિલ ટાવર ખાતે તાજેતરમાં બનેલી એક ઘટનાને લઈને વિવાદ સર્જાયો છે. આ વિવાદને પગલે વિશાળ સ્વામિનારાયણ સંપ્રદાયનો એક હિસ્સો એવી બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા (BAPS)માં મહિલાઓની ભૂમિકા અંગે પ્રશ્નો ઊભા થયા છે.

આ સંપ્રદાય લગભગ 200 વર્ષ જૂનો છે. તેની સ્થાપના ભગવાન સ્વામિનારાયણે કરી હતી. તેમનો જન્મ ઉત્તર પ્રદેશમાં ઘનશ્યામ પાંડે તરીકે થયો હતો.

1801માં તેની સ્થાપના થઈ ત્યારથી સ્વામિનારાયણ પરંપરામાં શિષ્યો માટે, ખાસ કરીને તેના સંતોએ પાળવાના બ્રહ્મચર્ય અંગે, કડક નિયમો રહ્યા છે. ભગવાન સ્વામિનારાયણે લખેલા સંપ્રદાયના પ્રાચીન ગ્રંથ ‘શિક્ષાપત્રી’ અનુસાર, સંતો કોઈ સ્ત્રીને સ્પર્શી કે જોઈ શકતા નથી.

પેરિસના વિવાદે સદીઓ જૂની એક ધાર્મિક પ્રથાને લોકો સમક્ષ લાવી છે. બીબીસીએ આ અંગે કેટલાક પ્રશ્નોના જવાબ શોધવાનો પ્રયાસ કર્યો.

જેમ કે: સ્વામિનારાયણ સંપ્રદાયના ગ્રંથોમાં ખરેખર મહિલાઓ વિશે શું કહેવામાં આવ્યું છે અને સાધુઓ સ્ત્રીઓથી આટલું કડક રીતે અંતર શા માટે જાળવે છે?

બીએપીએસ અખબારી યાદીમાં શું કહ્યું?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES

સ્વામિનારાયણ મંદિરોમાં નિયમિતપણે દર્શન કરવા આવતા લોકોના જણાવ્યા અનુસાર, મહિલાઓને આશીર્વાદ લેવા માટે સંતોને પગે લાગવાની મંજૂરી નથી. બીબીસીએ બી.એ.પી.એસ.ના અધિકૃત પ્રવક્તા સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે આ મુદ્દે વાત કરવાનો ઇનકાર કર્યો હતો.

જોકે, સ્વામિનારાયણ સંપ્રદાયની એક પાંખ બી.એ.પી.એસ. દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં જણાવાયું હતું કે, “પેરિસમાં સાધુઓની મુલાકાતનું એફિલ ટાવરના સંચાલન તંત્ર સાથે અગાઉથી સંકલન કરવામાં આવ્યું હતું અને મુલાકાતનો સમય સામાન્ય કામકાજના સમયની શરૂઆતનો રાખવામાં આવ્યો હતો, જેથી ત્યાંના કર્મચારીઓ, અન્ય મુલાકાતીઓ અને સ્થળની સામાન્ય કામગીરીમાં શક્ય તેટલી ઓછી ખલેલ પડે.”

યાદીમાં વધુમાં જણાવાયું હતું, “અમે સ્પષ્ટ કરવા માગીએ છીએ કે આ સંકલન ટાવરની કામગીરી અને વ્યવસ્થાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું હતું.”

“મોટી સંખ્યામાં લોકોની મુલાકાત કોઈ પણ અસુવિધા વિના સરળતાથી થાય અને ટાવરના કર્મચારીઓ કે જનતાને કોઈ મુશ્કેલી ન પડે તે તેનો હેતુ હતો.”

“કોઈપણ તબક્કે લિંગના આધારે કોઈ વિનંતી કરવાનો હેતુ નહોતો.”

“તેનાથી વિપરીત કોઈ પણ સૂચન અમારા સંપ્રદાય અથવા પ્રતિનિધિમંડળની ભાવનાને કે મૂલ્યોને પ્રતિબિંબિત કરતું નથી.”

તેમાં એમ પણ જણાવાયું હતું કે બી.એ.પી.એસ. લિંગ, પૃષ્ઠભૂમિ કે માન્યતાને ધ્યાનમાં લીધા વિના સૌ સાથે સમાનતા, પરસ્પર આદર અને સેવાના સિદ્ધાંતો પ્રત્યે સંપૂર્ણપણે પ્રતિબદ્ધ છે.

આ મૂલ્યો તેમની પરંપરાના ઉપદેશોના કેન્દ્રમાં છે અને વિશ્વભરમાં તેમના સમુદાય દ્વારા કરવામાં આવતાં કાર્યોમાં પણ પ્રતિબિંબિત થાય છે.

જોકે, એવા આક્ષેપો થયા હતા કે સાધુઓના કડક બ્રહ્મચર્યના નિયમોને કારણે પ્રતિનિધિમંડળે મહિલાઓ સાથેનો સંપર્ક મર્યાદિત રાખવાની વિનંતી કરી હતી.

પરિણામે, ટાવરના સંચાલન તંત્રે મહિલા કર્મચારીઓને તેમના કાર્યસ્થળ પરથી દૂર થઈ જવા, તેમના સ્થાને પુરુષ કર્મચારીઓને મૂકવા અને કેટલાક વિસ્તારોમાં “પોતાને અદૃશ્ય કરી દેવાની” સૂચના આપી હતી.

શું કહે છે સમાજશાસ્ત્રી?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGES

જોકે, બી.એ.પી.એસ. પરંપરાના નિયમિત અનુયાયીઓ માટે આ કશી નવી વાત નથી.

ઉદાહરણ તરીકે, ગૌરાંગ જાનીનાં માતા સ્વામિનારાયણ મંદિરોમાં નિયમિતપણે દર્શન કરવા જતાં હતાં.

જાની જાણીતા સમાજશાસ્ત્રી અને ગુજરાત યુનિવર્સિટીના સમાજશાસ્ત્ર વિભાગના ભૂતપૂર્વ વડા છે.

તેમણે જોયું હતું કે તેમનાં માતાને ભગવાનનાં સામાન્યપણે દર્શન કરવાની કે મંદિરમાં સામાન્ય રીતે પ્રવેશવાની પણ મંજૂરી નહોતી; મહિલાઓને મંદિરમાં પ્રવેશ મળતો હતો ખરો, પરંતુ તેમને હંમેશાં પુરુષોથી અલગ રાખવામાં આવતી હતી.

બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “ધર્મની વાત આવે ત્યારે આપણો સામાજિક ઇતિહાસ દર્શાવે છે કે મહિલાઓએ તેને ઈશ્વરની નિશાની તરીકે સ્વીકારી હતી.”

“શરૂઆતથી જ આપણને શીખવવામાં આવે છે કે ધાર્મિક વિધિઓ અને પરંપરાઓ અંગે કોઈ પ્રશ્નો ન કરવા જોઈએ.”

“તેથી સ્વામિનારાયણ મંદિરોમાં પણ ધીમે ધીમે આ પ્રથા વ્યાપકપણે સ્વીકારાઈ ગઈ, જ્યાં મોટી સંખ્યામાં મહિલાઓ નિયમિતપણે દર્શન કરવા આવે છે.”

જોકે, આ બધું કેવી રીતે શરૂ થયું તે જાણવું રસપ્રદ છે.

ઓગણીસમી સદીની શરૂઆતમાં, હિંદુ ધર્મમાં અનેક સંપ્રદાયો પહેલેથી જ ઊભા થઈ ચૂક્યા હતા ત્યારે, ઘનશ્યામ પાંડેએ એક નવી પરંપરા શરૂ કરી અને 1801માં તેને સ્વામિનારાયણ સંપ્રદાય નામ આપ્યું. ત્યારથી આ સંપ્રદાયનું મુખ્ય મથક ભારતના પશ્ચિમ રાજ્ય ગુજરાતમાં જ રહ્યું છે.

સંપ્રદાયનો અભ્યાસ પણ કરી ચૂકેલા જાની માને છે કે બ્રહ્મચર્યના આ કડક નિયમો અન્ય ધાર્મિક પરંપરાઓથી પોતાને અલગ પાડવાના પ્રયાસનો એક ભાગ હતા.

તે સમયે આ પરંપરાઓ વચ્ચે અનુયાયીઓ મેળવવા માટે સ્પર્ધા ચાલતી હતી.

તેમણે કહ્યું, “સંપ્રદાયે હિંદુ ધર્મના અન્ય સંપ્રદાયો, જેમ કે વૈષ્ણવ સંપ્રદાય (હિંદુ સંસ્કૃતિનો એક એવો સંપ્રદાય જેમાં ભગવાન કૃષ્ણની ઉપાસના કરવામાં આવે છે), સાથે સ્પર્ધાનો સામનો કરવો પડ્યો હતો. તેથી પોતાને અલગ પાડવા માટે તેમણે કડક બ્રહ્મચર્ય પર ભાર મૂક્યો અને સંપ્રદાયના સાધુ બનવા માટે લોકોને બ્રહ્મચર્યનું પાલન કરવા પ્રેરિત કરવાનું શરૂ કર્યું.”

સ્વામીનારાયણ સંપ્રદાયનો આરંભ કેવી રીતે થયો?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, SAM PANTHAKY/AFP/GETTY IMAGE

પશ્ચિમ ભારતમાં 19મી સદીની શરૂઆતમાં સ્વામિનારાયણ સંપ્રદાયનો ઉદય થયો. તેના સ્થાપક સ્વામિનારાયણનો જન્મ 1781માં આજના ઉત્તર પ્રદેશમાં આવેલા છપૈયા ગામમાં ઘનશ્યામ તરીકે થયો હતો. સમગ્ર ભારતમાં સાત વર્ષ સુધી યાત્રા કર્યા પછી તેઓ ગુજરાત આવ્યા અને 1801માં સંપ્રદાયનો આરંભ કર્યો.

વંચિત અને હાંસિયામાં ધકેલાયેલા વર્ગોના લોકોમાં જે ખાલીપો હતો, તેને ભરવા અને તેમને પોતાની તરફ આકર્ષવા માટે આ સંપ્રદાયની શરૂઆત કરવામાં આવી હતી. આગળ જતાં, દુનિયાના વિવિધ ભાગોમાં જઈને વસેલા ગુજરાતના પાટીદાર સમુદાયો આ સંપ્રદાયના સૌથી મોટા અનુયાયી બન્યા. પરિણામે, ભારતની આઝાદી પહેલાં જ 1945માં નૈરોબીમાં આ સંપ્રદાયનું પહેલું આંતરરાષ્ટ્રીય મંદિર બનાવવામાં આવ્યું.

સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ રાજકીય નેતાઓ સાથે સારા સંબંધો ધરાવે છે. તેમાં કોઈ પણ શહેરના મેયરથી લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ સુધીના નેતાઓનો સમાવેશ થાય છે.

આ સંપ્રદાયના સૌથી લોકપ્રિય સંત પ્રમુખસ્વામી મહારાજના નામે દુનિયાભરમાં સૌથી વધુ મંદિરોનું નિર્માણ કરવાનો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ છે. દુનિયાભરમાં આશરે 1,300 મંદિરો બનાવવામાં આવ્યાં છે.

સ્વામીનારાયણ સંપ્રદાયમાં બ્રહ્મચર્યનું પાલન શા માટે કરવામાં આવે છે?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

સ્વામિનારાયણે લખેલા સંપ્રદાયના પવિત્ર ગ્રંથ ‘શિક્ષાપત્રી’માં અનુયાયીઓ માટે આચારસંહિતા આપવામાં આવી છે. 212 શ્લોક ધરાવતા આ ગ્રંથમાં ગૃહસ્થો, મહિલાઓ, સાધુઓ અને કડક બ્રહ્મચર્યવ્રત લીધેલા સંન્યાસીઓ માટે વિવિધ નિયમો આપવામાં આવ્યા છે.

આ પરંપરાનું પાલન કરનારાઓને માર્ગદર્શન આપવા માટે શિક્ષાપત્રી લખવામાં આવી હતી. શિક્ષાપત્રીમાં મહિલાઓ માટે પણ ચોક્કસ નિયમો આપવામાં આવ્યા છે.

તેમાં પરિણીત મહિલાઓ, વિધવાઓ અને અન્ય અનુયાયીઓ માટે માર્ગદર્શિકા છે.

તેમાં જણાવવામાં આવ્યું છે કે માસિક ધર્મ દરમિયાન મહિલાએ ત્રણ દિવસ સુધી કોઈ વ્યક્તિ, કપડાં કે વાસણને સ્પર્શ ન કરવો જોઈએ. ચોથા દિવસે સ્નાન કર્યા પછી તે તેમ કરી શકે છે.

જોકે, મહિલાઓ સાથેના સંપર્ક અંગેના સૌથી કડક નિયમો મહિલાઓ માટે નહીં, પરંતુ સાધુઓ કે આજીવન બ્રહ્મચર્યવ્રત લીધેલા સંન્યાસીઓ માટે છે.

તેમાં એમ પણ જણાવવામાં આવ્યું છે કે તેમણે જાણીજોઈને કોઈ મહિલાને સ્પર્શ કરવો નહીં, તેની સાથે વાત કરવી નહીં કે તેની તરફ જોવું નહીં.

આથી, સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓ મહિલાઓથી શારીરિક અંતર જાળવે તેની પાછળ સંપ્રદાયની મૂળભૂત આચારસંહિતા શિક્ષાપત્રીનો આધાર છે.

બી.એ.પી.એસ.ની પોતાની સમજ મુજબ, બ્રહ્મચર્ય કે સંન્યાસનો અર્થ માત્ર જાતીય સંબંધોથી દૂર રહેવાનો નથી. તેમાં મન, વચન અને કર્મ દ્વારા જાતીય કે રોમેન્ટિક વિચારો અને ઇચ્છાઓથી અલિપ્ત રહેવાનો પણ સમાવેશ થાય છે.

સંસ્થાની વેબસાઇટ અનુસાર, આ નિયમનો હેતુ મહિલાઓને નીચી કે અપવિત્ર માનવાનો નથી. તેનો હેતુ સાધુને આધ્યાત્મિક સાધના કરતી વખતે સાંસારિક ઇચ્છાઓ અને આસક્તિથી મુક્ત રહેવામાં મદદ કરવાનો છે.

આ પ્રથાના ટીકાકારોનું કહેવું છે કે ધાર્મિક કારણ ગમે તે હોય, પરંતુ આ નિયમોનો અમલ પુરુષ સંન્યાસીએ લીધેલા વ્રતની અસર મહિલાઓએ ભોગવવી પડે એવી સ્થિતિ ઊભી કરી શકે છે.

ઘણી મહિલા કાર્યકરો માને છે કે લગભગ બધા જ ધર્મોમાં મહિલાઓને મહત્ત્વના ધાર્મિક સમારંભો અને સત્તાનાં સ્થાનોની બહાર રાખવામાં આવે છે.

તેમના મતે સ્વામિનારાયણ સંપ્રદાય પણ તેમાંથી બાકાત નથી. તેમનું માનવું છે કે સંપ્રદાયમાં પુરુષની લાગણીઓ અને ભાવનાઓ પર પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો, પરંતુ અંતે મહિલાઓએ સહન કરવું પડ્યું.

સ્વામિનારાયણ પરંપરાની કેટલીક અન્ય શાખાઓથી અલગ, વડોદરા, ગુજરાતમાં આવેલા હરિધામ સોખડામાં મહિલાઓને સાધુઓના સંઘમાં પ્રવેશવાની પરંપરા છે.

તેની સ્થાપના સ્વર્ગસ્થ હરિપ્રસાદ સ્વામીએ કરી હતી, જેઓ બી.એ.પી.એસ.થી અલગ થયા હતા. ત્યારથી હરિધામમાં સંન્યાસ લીધેલી મહિલાઓ એટલે કે સાધ્વીઓ એટલે કે સાધ્વીઓ પણ છે.

બીબીસીએ તેના સત્તાવાર પ્રવક્તા સાધક સ્વામી સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેમણે ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો હતો.

મહિલાઓ શું કહે છે?

સામાજિક કાર્યકર, લેખિકા અને વિવેકબુદ્ધિવાદી સરૂપ ધ્રુવે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “મને લાગે છે કે દરેક ધર્મે મહિલાઓને અસ્પૃશ્ય ગણી છે, પરંતુ કેટલાક ધર્મોએ તેને પોતાની વિશિષ્ટતા તરીકે રજૂ કરી છે. સ્વામિનારાયણ સંપ્રદાય પણ તેનું એક ઉદાહરણ છે.”

તેમનું માનવું છે કે સાધુઓ પોતાની જાત પર પૂરતું નિયંત્રણ રાખી શકતા ન હોવાથી સંપ્રદાયમાં મહિલાઓ સાથે આવો વ્યવહાર કરવામાં આવે છે. સાધુઓ મહિલાઓ પ્રત્યેની પોતાની લાગણીઓ અને ભાવનાઓ પર નિયંત્રણ રાખી શકતા નથી અને તેથી તેમને મહિલાઓ તરફ જોવાની, તેમને સ્પર્શવાની કે મહિલાનો ફોટો જોવાની પણ મંજૂરી નથી. તેમના મતે, સમસ્યા આ સંપ્રદાયના સાધુઓમાં છે, મહિલાઓમાં નહીં.

વિવેકબુદ્ધિવાદી અને કર્મશીલ તરીકે ધ્રુવે પોતાના લેખન અને શેરી નાટ્યપ્રસ્તુતિઓ દ્વારા ધર્મોમાં મહિલાઓ પ્રત્યેના ભેદભાવપૂર્ણ વલણ સામે અવાજ ઉઠાવ્યો છે.

જાણીતાં કલાકાર અને સામાજિક કાર્યકર મલ્લિકા સારાભાઈનું માનવું છે કે જે બન્યું છે અને જે બની રહ્યું છે તે સંપૂર્ણપણે ખોટું છે.

બીબીસી સાથે વાત કરતાં તેમણે પણ કહ્યું કે સમસ્યા પુરુષોમાં છે, મહિલાઓમાં નહીં. “જો કોઈ મહિલા દેખાય ત્યારે પુરુષો પોતાની લાગણીઓ અને ભાવનાઓ પર નિયંત્રણ ન રાખી શકતા હોય, તો સજા મહિલાઓને શા માટે મળવી જોઈએ?”

“તેમણે પોતાની આંખો બંધ કરી દેવી જોઈએ અથવા જ્યાં મહિલાઓ હોય એવી જગ્યાએ જવું નહીં. આ તો એવું થયું કે હું શાકાહારી છું એટલે બહાર જાઉં ત્યારે મારી આસપાસની બધી માંસાહારી વાનગીઓની દુકાનો બંધ કરી દેવાની માગણી કરું.”

ફ્રાન્સ અને મહિલાઓના અધિકારોનો ઇતિહાસ

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, KEYSTONE-FRANCE/Gamma-Rapho via Getty Images

એક તરફ, ભારતમાં સ્વામિનારાયણ સંપ્રદાયમાં મહિલાઓ સાથેના વ્યવહારને કારણે થોડો વિરોધ જોવા મળ્યો હતો; પરંતુ પેરિસમાં પણ આવું જ કરવામાં આવ્યું હોવાના આક્ષેપો થતાં ભારે હોબાળો થયો.

ઘણા લોકો માને છે કે ફ્રાન્સમાં મહિલાઓના અધિકારો માટે અવાજ ઉઠાવનારી મજબૂત નારીવાદી પરંપરાને કારણે આ મુદ્દો ત્યાં વધુ ચર્ચામાં આવ્યો.

તેમાં કર્મશીલ ઓલિમ્પ દ ગૂઝનું નામ નોંધપાત્ર છે. તેમણે 1791માં ‘ડિક્લેરેશન ઑફ ધ રાઈટ્સ ઑફ વુમન એન્ડ ઑફ ધ ફિમેલ સીટીઝન’ નામનું પુસ્તક પ્રકાશિત કર્યું હતું.

તેમાં તેમણે કહ્યું હતું કે જો મહિલાઓને ફાંસીના માંચડે ચઢવાનો અધિકાર હોય, તો તેમને રાજકીય મંચ પર ઊભા રહેવાનો અધિકાર પણ હોવો જોઈએ.

1789ની ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન આધુનિક યુરોપીય લોકશાહીના પાયાના વિચારોનો જન્મ ફ્રાન્સમાં થયો હતો. જોકે, મહિલાઓને એક સદી કરતાં પણ વધુ સમય સુધી વ્યવસ્થિત રીતે રાજકીય ક્ષેત્રથી દૂર રાખવામાં આવી હોવાના આક્ષેપો થાય છે.

મહિલાઓને પણ મતાધિકાર મળે એવી સાચી લોકશાહી 20મી સદીના મધ્ય સુધીમાં જ સ્થાપિત થઈ શકી. ત્યાર પછી મહિલાઓને પોતાના શરીર અને આર્થિક સ્વતંત્રતા અંગેના અધિકારો અપાવવા માટે દાયકાઓ સુધી કાયદાકીય લડાઈઓ ચાલી.

લુઇઝ વેઇસ જેવી અગ્રણી મહિલાઓએ 1930ના દાયકામાં ‘La Femme Nouvelle/લા ફેમ નુવેલ’ (ધ ન્યૂ વુમન) નામનું આંદોલન શરૂ કર્યું હતું.

તેમણે કાયદાનો અહિંસક વિરોધ કર્યો, મોટા જાહેર કાર્યક્રમોમાં વિરોધ-પ્રદર્શનો યોજ્યાં અને ચૂંટણીમાં પણ ઊભાં રહ્યાં, જોકે તે સમયે કાયદા મુજબ તેમને કોઈ પણ પદ પર ચૂંટાવાની મંજૂરી નહોતી.

બીજા વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ પ્રતિકાર આંદોલનમાં મહિલાઓના પ્રચંડ યોગદાનને ધ્યાનમાં લઈને જનરલ ચાર્લ્સ દ ગોલે 21 એપ્રિલ, 1944ના રોજ મહિલાઓને મત આપવાનો અને ચૂંટણી લડવાનો અધિકાર આપતો વટહુકમ મંજૂર કર્યો.

ફ્રાન્સની મહિલાઓએ 29 એપ્રિલ, 1945ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં પહેલી વાર મતદાન કર્યું.

હાલમાં ફ્રાન્સમાં મહિલા-પુરુષ સમાનતાની સ્થિતિમાં ઘણો સુધારો થયો છે.

યુરોસ્ટેટના સત્તાવાર આંકડા મુજબ, રાષ્ટ્રીય સરકારોમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ 48.6 ટકા છે.

તેમાં વરિષ્ઠ અને જુનિયર પ્રધાનોનો પણ સમાવેશ થાય છે. આમ, ફ્રાન્સ સ્ત્રી-પુરુષ સમાનતાની લગભગ સંપૂર્ણ સ્થિતિની નજીક છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS