Home તાજા સમાચાર gujrati ‘હું ડૉક્ટર છું પરંતુ દલિત હોવાને કારણે મને મકાન આપવાની ના પડાઈ’,...

‘હું ડૉક્ટર છું પરંતુ દલિત હોવાને કારણે મને મકાન આપવાની ના પડાઈ’, શું જાતિના આધારે કોઈને મકાન ખરીદતા રોકી શકાય?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સુરત દલિત ભેદભાવ મકાન બંધારણ જાતિ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images/Ajit Gadhvi

    • લેેખક, અજિત ગઢવી
    • પદ, બીબીસી સંવાદદાતા
  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 5 મિનિટ

સુરતમાં એક પરિવારે આરોપ લગાવ્યો છે કે તેમની જાતિના કારણે એક સોસાયટીમાં તેમને મકાન ખરીદતા અટકાવવામાં આવ્યા છે.

પરિવારનું કહેવું છે કે મકાન માલિક મકાન વેચવા માટે તૈયાર હતા અને તેમણે બાના પાટે 51 હજાર રૂપિયા પણ સ્વીકારી લીધા હતા. પરંતુ તેઓ ‘દલિત’ છે તેવું જાણવા મળ્યા પછી સોસાયટીમાં કેટલાક લોકોએ ‘વાંધો’ ઉઠાવીને મકાન માલિક પર આ સોદો રદ કરવા ‘દબાણ’ કર્યું અને તેમને મકાન ખરીદતા અટકાવવામાં આવ્યા છે.

આ મામલે પરિવારે કલેક્ટર કચેરીમાં રજૂઆત કરી છે અને જાતિના આધારે મકાનની લે-વેચ જેવા મામલામાં ભેદભાવ દૂર કરવામાં આવે તેવી માંગણી કરી છે.

શું જાતિના આધારે કોઈને મકાન ખરીદતા રોકી શકાય? આ મામલામાં શું બન્યું હતું તે જોઈએ.

શું છે આખો મામલો?

બીબીસી ગુજરાતી સુરત દલિત ભેદભાવ મકાન બંધારણ જાતિ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Ajit Gadhvi

સુરતમાં સંયુક્ત પરિવારમાં રહેતા બે ભાઈઓ કિશોરભાઈ ગોહિલ અને હિતેશભાઈ ગોહિલ અનુસૂચિત જાતિમાંથી આવે છે અને કેટલાક સમયથી મકાનની શોધમાં હતા.

આ દરમિયાન તેમણે એક બ્રોકર મારફત સુરતના કોસાડ વિસ્તારમાં એક મકાન જોયું હતું જે તેમને પસંદ પડી ગયું હતું. આ મકાન દિવ્યેશ પટેલ નામની એક વ્યક્તિનું હતું.

કિશોરભાઈ ગોહિલ વેપાર કરે છે, જ્યારે હિતેશ ગોહિલ હોમિયોપથીના ડૉક્ટર છે અને અમરોલી વિસ્તારમાં ક્લિનિક ધરાવે છે.

બીબીસી સાથે વાત કરતાં હિતેશ ગોહિલે જણાવ્યું કે તેમણે મકાનમાલિક દિવ્યેશ પટેલને 25 ઑગસ્ટે 51 હજાર રૂપિયા બાના પેટે આપ્યા હતા. ત્યાર પછી 31 ઑગસ્ટે વધુ રકમ આપીને બાનાખત પર સહી કરવાનું નક્કી થયું હતું. પરંતુ સોસાયટીના અમુક સભ્યોને જ્યારે જાણ થઈ કે તેઓ ‘દલિત’ છે ત્યારે આખી વાત બદલાઈ ગઈ અને મકાન માલિક બાનાની રકમ પાછી આપીને ‘સોદો રદ’ કરવા માટે કહેવા લાગ્યા.

હિતેશભાઈ ગોહિલે કહ્યું કે “30 ઑગસ્ટે અમે બંને ભાઈઓ અમારા પરિવારને મકાન દેખાડવા લઈ ગયા ત્યારે ત્યાં કેટલાક લોકોએ પૂછ્યું કે તમે કઈ જાતિના છો. અમે જ્યારે જણાવ્યું કે અમે દલિત છીએ. ત્યાર પછી મકાન માલિક દિવ્યેશ પટેલ પર દબાણ કરવામાં આવ્યું કે અમને મકાન વેચવામાં ન આવે.”

તેમના કહેવા પ્રમાણે, “સોસાયટીના અમુક લોકોના દબાણના કારણે મકાન માલિક દિવ્યેશ પટેલ સાટાખત પર સહી કરવા ન આવ્યા અને અમને કહ્યું કે તમારા રૂપિયા પાછા લઈ જાવ, સોસાયટીના સભ્યો આ સોદાની ના પાડે છે. તેથી તમને મકાન વેચી શકાશે નહીં. અમે શિક્ષિત છીએ અને મહેનત કરીને સદ્ધર થયા છીએ. હું BHMSની ડિગ્રી ધરાવું છું, પરંતુ સારા વિસ્તારમાં મકાન ખરીદવામાં જાતિવાદ નડે છે.”

હિતેશ ગોહિલના પિતા વશરામભાઈ ગોહિલ કહે છે કે “અમને અગાઉ પણ કેટલીક સોસાયટીમાં એવો અનુભવ થયો છે, જ્યાં સીધે સીધો જાતિ વિષયક સવાલ કરવામાં આવે છે અને પછી એવું કહેવામાં આવે છે કે, અમારે માત્ર ‘સવર્ણો’ને મકાન વેચવું છે. કેટલીક વખત તો કઈ જાતિઓને મકાન નથી વેચવું તેની ‘યાદી’ જ આપી દેવાય છે. “

શહેરોમાં પણ ભેદભાવ

બીબીસી ગુજરાતી સુરત દલિત ભેદભાવ મકાન બંધારણ જાતિ બીબીસી ગુજરાતી સુરત દલિત ભેદભાવ મકાન બંધારણ જાતિ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Ajit Gadhvi

જાતિ આધારિત ભેદભાવ એ ચોક્કસ વિસ્તાર પૂરતા સિમિત નથી. સામાજિક કાર્યકરોનું કહેવું છે કે શહેરોના પોશ વિસ્તારોમાં પણ જાતિવાદ પ્રબળ છે અને જાતિ કે ખાનપાનની આદતના આધારે મકાન મળવા મુશ્કેલ બની જાય છે.

સુરતસ્થિત ‘સમસ્ત અનુસૂચિત જાતિ સમાજ’ના આગેવાન ભાનુભાઈ ચૌહાણે જણાવ્યું કે “ઘણી જગ્યાએ સીધું કહેવામાં આવે છે કે અમારે ‘સુંવાળી જાતિ’ના લોકોને મકાન વેચવા છે. અમે પૂછીએ કે ‘સુંવાળી જાતિ’ એટલે કોણ ત્યારે તેઓ ‘સવર્ણ જાતિ’ઓનાં નામ આપે છે. મુસ્લિમો, દલિતો, આદિવાસીઓને ચોખ્ખી ના પાડી દે છે. ઘણી જગ્યાએ કેટલીક ઓબીસી કોમ માટે પણ મકાન મળવા મુશ્કેલ છે. પશુપાલન સાથે સંકળાયેલા લોકોને પણ ના પાડી દેવાય છે.”

તેમણે કેટલાક બિલ્ડર્સ સાથે ફોન પર થયેલી વાતચીતનું કથિત રેકૉર્ડિંગ સંભળાવ્યું. જેમાં સ્પષ્ટ કહેવામાં આવે છે કે કઈ જાતિના લોકોને મકાન વેચવા છે અને કોને વેચવામાં નહીં આવે.

ગ્રાહક જ્યારે પોતે દલિત છે એવું જણાવે ત્યારે “અમે તમને પછી ફોન કરીએ છીએ” એવું કહીને વાત સમાપ્ત કરવામાં આવે છે.

બીબીસી ગુજરાતી આ ફોન રેકૉર્ડિંગનું સ્વતંત્ર રીતે પુષ્ટિ કરતું નથી.

સોસાયટીનું આ મામલે શું કહેવું છે?

બીબીસી ગુજરાતી સુરત દલિત ભેદભાવ મકાન બંધારણ જાતિ ગુજરાત બીબીસી ગુજરાતી સુરત દલિત ભેદભાવ મકાન બંધારણ જાતિ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

આ વિશે મકાન માલિક દિવ્યેશ પટેલનો સંપર્ક કરવા માટે વારંવાર પ્રયાસ કરવા છતા તેમની સાથે વાત કરી શકાઈ ન હતી. જ્યારે સોસાયટીના ચૅરમૅન પરેશ પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું કે “આ મકાન વેચવાનું છે તે વિશે અમને કોઈ જાણ કરવામાં નહોતી આવી અને અમને આ વિશે કોઈ ખબર પણ ન હતી. સામાન્ય રીતે એવો નિયમ છે કે કોઈને મકાન વેચવું હોય તો સોસાયટીમાં મકાન માલિક તેની જાણ કરતા હોય છે.”

તેમણે કહ્યું કે “સોસાયટીમાં કોઈ નવી વ્યક્તિ રહેવા આવતી હોય તો પડોશીઓ સ્વભાવિક રીતે પૂછતા હોય છે કે આવનાર વ્યક્તિ કોણ છે. જાતિના મામલે કોઈને વાંધો હોય તો તેમની જાણમાં નથી. આ મામલે અમે હજુ વાતચીત કરી રહ્યા છીએ.”

સોસાયટીના ચૅરમૅન પરેશ પટેલે કહ્યું, “મકાન ખરીદનારનો કોઈ વાંધાજનક રેકૉર્ડ હોય તો તેને મકાન આપતા પહેલાં સોસાયટી વાંધા ઉઠાવી શકે છે.”

જાતિગત ભેદભાવ પર કાયદો શું કહે છે?

બીબીસી ગુજરાતી સુરત દલિત ભેદભાવ મકાન બંધારણ જાતિ બીબીસી ગુજરાતી સુરત દલિત ભેદભાવ મકાન બંધારણ જાતિ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Darshil Kanthariya

ગુજરાત અને દેશના બીજા ભાગોમાં પણ ધર્મ અને જાતિના આધારે મકાન વેચવા અથવા ભાડે આપવામાં ભેદભાવ થતા હોવાના આરોપો મુકવામાં આવે છે. કેટલીક જગ્યાએ ભાડુઆત અથવા મકાન માલિકની ખાનપાનની આદતને લઈને પણ સવાલ ઉઠાવાય છે. ખાસ કરીને અમુક સોસાયટીઓમાં ‘માંસાહાર’ કરનારાઓ માટે મકાન મેળવવું મુશ્કેલ બની જાય છે.

પરંતુ આ મામલે કાયદો શું કહે છે અને જાતિના આધારે મકાન આપવામાં ભેદભાવ થાય તો તેની સામે કેવા ઉપચાર ઉપલબ્ધ છે?

આ વિશે ગુજરાત હાઈકોર્ટના ઍડ્વોકેટ દર્શિલ કંથારિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું, “બંધારણ પ્રમાણે જ્ઞાતિ કે ધર્મના આધારે કોઈની સાથે મકાન વેચવા કે ભાડે આપવામાં ભેદભાવ કરી શકાય નહીં. કલમ 14 બધાને કાયદા સમક્ષ સમાનતાનો અધિકાર આપે છે તેથી મકાન આપવામાં ભેદભાવ કરી શકાય નહીં. આવા ભેદભાવ ન થાય તેના પર નજર રાખવાનું કામ સ્ટેટ એટલે કે સરકારનું છે.”

તેઓ કહે છે કે, “કલમ 15(4) પ્રમાણે સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે વિશેષ જોગવાઈ છે, આ ઉપરાંત પોતાના પડોશમાં અથવા સોસાયટીમાં મકાન ન આપવું એ પરોક્ષ અથવા પ્રત્યક્ષ રીતે અશ્પૃશ્યતાનો ભાગ બની જાય છે.”

કોઈ વ્યક્તિ મકાન ખરીદતી હોય ત્યારે સોસાયટીને તેની સામે વાંધો ઉઠાવવાનો હક છે કે નહીં? આ સવાલના જવાબમાં ઍડ્વોકેટ દર્શિલ કંથારિયાએ જણાવ્યું કે “આવનારી કોઈ વ્યક્તિ ગુનાઇત પ્રવૃત્તિ સાથે સંકળાયેલી છે કે નહીં તે જાણવાનો સોસાયટીને અધિકાર છે. ઉદાહરણ તરીકે દારૂ, ડ્રગ્સ અથવા બીજા ગંભીર ગુના સાથે સંકળાયેલી વ્યક્તિ મકાન ખરીદવા માંગે ત્યારે સોસાયટી વાંધો ઉઠાવે તો વાજબી છે. પરંતુ કોઈનો આવો વાંધાજનક રેકૉર્ડ ન હોય, મકાન વેચવા માટે બાનાની રકમ લીધી હોય અને પછી જાતિના આધારે વાંધા ઉઠાવાય તે યોગ્ય નથી.”

તેમનું કહેવું છે કે “ભારતીય ન્યાય સંહિતા હેઠળ આવા ભેદભાવ સામે વ્યક્તિ બદનક્ષીની ફરિયાદ કરી શકે, સીધા કોર્ટમાં જઈને પણ ફરિયાદ દાખલ કરી શકે છે. આ ઉપરાંત કો-ઑપરેટિવ સોસાયટી ઍક્ટ હેઠળ સોસાયટીના સેક્રેટરી અને ચૅરમૅન સામે પણ બદનક્ષીનો કેસ કરી શકે છે. આમાં ફોજદારી અને સિવિલ બંને પ્રકારના કેસ થઈ શકે છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS