Home તાજા સમાચાર gujrati અફઘાનિસ્તાનના પ્રાચીન ગારદેઝ ગણપતિની કહાણી, કેવા હતા કાબુલના ‘મહાવિનાયક’ ?

અફઘાનિસ્તાનના પ્રાચીન ગારદેઝ ગણપતિની કહાણી, કેવા હતા કાબુલના ‘મહાવિનાયક’ ?

3
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Archaeological Survey of India

(ગણેશોત્સવની શરૂઆત થઈ ચૂકી છે. બીબીસી મરાઠીએ 18 સપ્ટેમ્બર, 2021ના રોજ ગારદેઝ ગણપતિના સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા. તેને ફરીથી શેર કરી રહ્યા છીએ.)

વાત 1956ના મે મહિનાની છે. ભારત સરકારના પુરાતત્ત્વ વિભાગની એક ટુકડી અભ્યાસ માટે અફઘાનિસ્તાન ગઈ હતી.

કાબુલમાં હતા ત્યારે આ ટુકડીને એવી એક શોધ વિશે માહિતી મળી, જેણે એક ભારતીય દેવતાની કથામાં નવો અને મહત્ત્વનો અધ્યાય ઉમેર્યો.

કાબુલમાં હતા ત્યારે આ ટુકડીના સભ્યોને ગણેશની એક મૂર્તિ વિશે માહિતી મળી હતી. સંગેમરમરની બનાવવામાં આવેલી આ મૂર્તિ વીસમી સદીમાં કાબુલથી 70 કિલોમીટર દૂર આવેલા ગારદેઝ નજીક મળી આવી હતી, એવું તેમને જણાવવામાં આવ્યું હતું.

કાબુલની દરગાહ પીર રતન નાથ ખાતે આ મૂર્તિ રાખવામાં આવી હતી અને શહેરમાં રહેતા હિંદુઓ તેની પૂજા પણ કરતા હતા.

કેવા હતા કાબુલના ‘મહાવિનાયક’?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Archaeological Survey of India

અફઘાનિસ્તાન ગયેલી 1956ની એ ટુકડીમાંના ટી. એન. રામચંદ્રન અને વાય. ડી. શર્મા નામના બે પુરાતત્ત્વ અધિકારીઓએ આ મૂર્તિ વિશેનો પોતાનો અહેવાલ નવી દિલ્હીમાં રજૂ કર્યો હતો.

તેમાં આ મૂર્તિનું વર્ણન અને તેની નીચે લખાયેલા શિલાલેખના લખાણનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.

ત્યાર પછીનાં કેટલાંક વર્ષોમાં પણ અફઘાનિસ્તાન અને ખાસ કરીને પૂર્વ અફઘાનિસ્તાન પર સંશોધન કરનારા અનેક પુરાતત્ત્વવિદોએ આ મૂર્તિ વિશે લખ્યું છે.

ઇતિહાસકાર અને પુરાતત્ત્વવિદ્‍ મધુકર કેશવ ઢવળીકર આ મૂર્તિનું વર્ણન કરતાં લખે છે, “આ મૂર્તિ ઇન્ડો-અફઘાન શૈલીનું ઉદાહરણ છે. નીચી ગુણવત્તાવાળા સંગેમરમરમાંથી બનાવાયેલી આ મૂર્તિ 24 ઇંચ ઊંચી અને 14 ઇંચ પહોળી છે.”

આ મૂર્તિમાં દેવતા ઊભેલા છે. તેમનું મસ્તક હાથીનું છે અને સૂંઢ તૂટેલી હોવા છતાં તે ડાબી તરફ વળેલી હોવાનું દેખાય છે. આ દેવતાને ચાર ભુજાઓ છે, પરંતુ તે પણ ખંડિત અવસ્થામાં છે.

તેમણે કમરે વ્યાઘ્રચર્મ વીંટાળ્યું છે, જ્યારે ગળામાં સાપને જનોઈની જેમ ધારણ કર્યો છે.

મૂર્તિનું પેટ મોટું છે, જે ગણપતિના ‘લંબોદર’ વર્ણન જેવું જ છે. ભરાવદાર બાવડાં અને ખભાનો આકાર ઇન્ડો-ગ્રીક શૈલીનો પ્રભાવ દર્શાવે છે. જ્યારે તેમણે ધારણ કરેલો મુગટ પર્શિયન (ઈરાની) શૈલીનો, એટલે કે રિબનથી બાંધવામાં આવતો હોય એવો છે.

આથી જ આ મૂર્તિ પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને કલા-ઇતિહાસકારો માટે મહત્ત્વની લાગે છે. કારણ કે તે ભારતીય, ગાંધાર (ઇન્ડો-ગ્રીક) અને પર્શિયન સંસ્કૃતિઓના મિલનનું પ્રતીક છે.

કાબુલના મહાવિનાયકની મૂર્તિ કેટલી જૂની?

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

આ મૂર્તિ કયા દેવતાની છે, એ કેવી રીતે સ્પષ્ટ થયું? તો મૂર્તિના નીચેના ભાગમાં બે પંક્તિનો એક શિલાલેખ છે. ઇતિહાસકાર અને શિલાલેખોના અભ્યાસકર્તા ડી.સી. સરકારે તેનો અભ્યાસ કર્યો હતો.

તેઓ લખે છે કે આ શિલાલેખ સંસ્કૃત ભાષામાં અને બ્રાહ્મી સિદ્ધમાત્રિકા લિપિમાં લખાયેલો છે. તેમાં વ્યાકરણની કેટલીક ભૂલો પણ છે અને કેટલાક શબ્દોનો અર્થ કેવળ તસવીરોના આધારે સમજવો મુશ્કેલ છે.

પરંતુ શિલાલેખનો સારાંશ કંઈક આ પ્રકારનો છે: ‘મહારાજાધિરાજ શાહી ખિંગલે પોતાના રાજ્યના આઠમા વર્ષે મહાજ્યેષ્ઠ મહિનાના શુક્લ પક્ષની ત્રયોદશીએ, વિશાખા નક્ષત્ર અને સિંહ લગ્નના સમયે આ મહાવિનાયકની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી.’

આ ખિંગલ રાજા ચોક્કસ કોણ હતો, એ વિશે જોકે પુરાતત્ત્વશાસ્ત્રીઓ એકમત નથી. કારણ કે આ પ્રદેશમાં આ નામ ધરાવતા ઓછામાં ઓછા બે રાજાઓ પાંચમી અને છઠ્ઠી સદીમાં થઈ ગયા હોવાના પુરાવા મળે છે. એ સમયે અહીં હૂણોનું રાજ્ય હતું.

મૂર્તિની શિલ્પશૈલી અને લિપિને ધ્યાનમાં લેતાં નિષ્ણાતોએ તે પાંચમીથી છઠ્ઠી સદીની હોવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. એમ. કે. ઢવળીકરના મતે આ મૂર્તિ પાંચમી સદીના ઉત્તરાર્ધની હોવી જોઈએ.

પરંતુ કાબુલમાં પુરાતત્ત્વશાસ્ત્રીઓને માત્ર એક જ મૂર્તિ મળી નહોતી. 1956માં રજૂ કરવામાં આવેલા એક અહેવાલમાં બીજી એક મૂર્તિનો પણ ઉલ્લેખ છે.

કાબુલની ઉત્તરે દસ માઇલ દૂર સકર ધર (શંકર ધર) ખાતે આ બીજી મૂર્તિ મળી હતી અને તેને કાબુલના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં લાવવામાં આવી હતી. ઢવળીકરના મતે તે ચોથી સદીના મધ્યકાળની હોવી જોઈએ.

કાબુલના ગણપતિનું આગળ શું થયું?

સકર ધર અને ગારદેઝની ગણેશમૂર્તિઓ વિશે જાણવાનો પ્રયાસ કરતી વખતે મારા મનમાં એક પ્રશ્ન વારંવાર ઊઠતો હતો. આ મૂર્તિઓ આજે ક્યાં હશે?

દુર્ભાગ્યે, તેના વિશે ક્યાંય નક્કર માહિતી ઉપલબ્ધ નથી. અફઘાનિસ્તાન પર સોવિયેત આક્રમણ પછી ગારદેઝની મૂર્તિને કાબુલના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં ખસેડવામાં આવી હોવાના ઉલ્લેખ મળે છે.

પરંતુ 1996 પછી તાલિબાનના શાસન દરમિયાન આ સંગ્રહાલયમાં તોડફોડ કરવામાં આવી હતી. અનેક મૂર્તિઓ નષ્ટ થઈ ગઈ હતી અથવા ચોરાઈ ગઈ હતી. તેથી હવે આ મૂર્તિના માત્ર ફોટોગ્રાફ્સથી જ સંતોષ માનવો પડે છે.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Archaeological Survey of India

ગણપતિની સૌથી પ્રાચીન પ્રતિમાઓમાં આ મૂર્તિઓનો સમાવેશ થાય છે. આજે ભારતના અન્ય વિસ્તારોમાં જે સ્વરૂપમાં ગણપતિની પૂજા કરવામાં આવે છે, તેના કરતાં આ પ્રતિમાઓ કેટલાક લોકોને અલગ લાગી શકે છે.

સ્વાભાવિક રીતે જ પ્રશ્ન ઊભો થાય છે કે ગણપતિ ભારતમાંથી ત્યાં પહોંચ્યા હતા કે ગણેશપૂજાની પરંપરા ત્યાંથી ભારતમાં આવી?

ગણપતિની પૂજાની શરૂઆત ક્યાં થઈ, તેનો ચોક્કસ જવાબ આપી શકાય તેમ નથી. પરંતુ તેમની ઉપાસનાનું સ્વરૂપ કેવી રીતે બદલાતું ગયું, તેના પુરાવા ધાર્મિક ગ્રંથોમાં જ જોવા મળે છે.

કેવી રીતે બદલાતું ગયું ગણપતિનું સ્વરૂપ?

ગણપતિની આરતી પછી જે ‘દેવ’ બોલવામાં આવે છે, તેમાંના મંત્રો ઋગ્વેદની કેટલીક ઋચાઓ છે.

સામાન્ય રીતે ‘દેવ’ બોલતી વખતે સૌ પ્રથમ જે મંત્ર ઉચ્ચારવામાં આવે છે, તેમાં ગણપતિનો ઉલ્લેખ છે. ‘गणानां त्वां गणपतिं हवामहे’ -આ મંત્ર તમે પણ ક્યારેક સાંભળ્યો હશે.

ઋગ્વેદમાં જે ગણપતિનો ઉલ્લેખ છે, તે હાથીનું મસ્તક ધરાવતા આજના ગજાનન નથી, પરંતુ બૃહસ્પતિ નામના દેવતા છે.

ઋગ્વેદમાં મુખ્યત્વે કુબેર, ઇન્દ્ર અને અગ્નિ જેવા દેવતાઓનાં વર્ણનો મળે છે. પરંતુ ઋગ્વેદ પછીના સમયના ગ્રંથોમાં અન્ય અનેક દેવતાઓના ઉલ્લેખ જોવા મળે છે.

ઈસવી સન પૂર્વે પાંચમી સદીમાં લખાયેલા ધાર્મિક વિધિઓ અંગેના ‘માનવગૃહ્યસૂત્ર’ નામના ગ્રંથમાં ચાર વિનાયકોનો ઉલ્લેખ છે. હસ્તિમુખ, વક્રતુંડ, દંતિન અને લંબોદર—આ ચાર વિનાયકોનું આગળ જતાં એક જ વિનાયકમાં રૂપાંતર થયું હોવાનું ઘણા અભ્યાસકર્તાઓ માને છે.

જાણકારો એ હકીકત તરફ પણ ધ્યાન દોરે છે કે ગણપતિના વર્ણન અને ગુણોમાં પણ સમયાંતરે ફેરફાર થતા ગયા.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

પુરાતત્ત્વવિદ્‍ અને નૃવંશશાસ્ત્રના અભ્યાસકર્તા કુરુશ એફ. દલાલ કહ્યું હતું કે, “શરૂઆતના સમયના ગણપતિ વિઘ્નહર્તા નહીં, પણ વિઘ્નકર્તા હતા. તેને પ્રસન્ન ન કરો તો તે તમારી મુશ્કેલીઓને વધારી શકે, એટલે પહેલાં તેને પ્રસન્ન કરવા જરૂરી હતા. પરંતુ સમય જતાં ધીમે ધીમે ગણપતિનું સ્વરૂપ બદલાતું ગયું.”

ગણપતિના સ્વરૂપમાં અને તેમની પૂજાની પદ્ધતિઓમાં કેવી રીતે ફેરફાર થતો ગયો, તેના વિશે લેખક અને પુરાણકથાઓના અભ્યાસકર્તા દેવદત્ત પટ્ટનાયકે ’99 થૉટ્સ ઑન ગણેશ’ પુસ્તકમાં લખ્યું છે.

પટ્ટનાયક કહે છે કે પહેલાં હિંદુઓ યજ્ઞ કરતા, મંત્રોચ્ચાર કરીને દેવતાઓનું આહ્વાન કરતા અને અગ્નિમાં હવનસામગ્રી અર્પણ કરતા. પરંતુ ધીમે-ધીમે ઉપાસનાનો નવો માર્ગ, એટલે કે મૂર્તિપૂજા, સામાન્ય લોકોમાં લોકપ્રિય બનવા લાગી.

“ઈસવી સન પૂર્વે 326માં અલેક્ઝાન્ડરે (સિકંદરે) ભારત પર આક્રમણ કર્યું અને ત્યાર પછીનાં થોડાં વર્ષોમાં મૌર્ય સામ્રાજ્યનો દેશભરમાં વિસ્તાર થયો.”

“આ સમયગાળાનાં અનેક ઇન્ડો-ગ્રીક સિક્કાઓ પર હાથી અથવા હાથી જેવી દેખાતી આકૃતિઓ કોતરાયેલી જોવા મળે છે. તેથી ઘણા લોકોને એમ લાગે છે કે ગ્રીક સંસ્કૃતિના પ્રભાવથી ગણેશની મૂર્તિનું સ્વરૂપ આકાર પામ્યું હશે.”

પટ્ટનાયક આગળ લખે છે કે ભારત આવતાં પહેલાં ગ્રીકોએ ઇજિપ્ત પર કબજો મેળવ્યો હતો અને ઇજિપ્તમાં માનવશરીર તથા પ્રાણીનું મસ્તક ધરાવતા દેવતાઓની અનેક પ્રતિમાઓ જોવા મળે છે. આ મિશ્ર પ્રભાવથી હાથીનું મસ્તક ધરાવતા દેવતાની પૂજા શરૂ થઈ હોય શકે.

“આગળ જતાં રોમન સામ્રાજ્યના સમયમાં વેપારને કારણે રોમનો પણ ભારતના સંપર્કમાં આવ્યા. રોમન દેવતા જાનસ અને ગણપતિના ગુણધર્મોમાં પણ ઘણું સામ્ય છે. બંને વિઘ્ન અને પરિવર્તનના પ્રતીક છે.”

ગ્રીક, રોમન અને ઇજિપ્તના દેવતાઓનો ભારતીય વિચારધારા અને ગણેશના સ્વરૂપ પર કોઈ પ્રભાવ પડ્યો હતો કે નહીં, તેનો કેવળ અંદાજ જ લગાવી શકાય, એમ પટ્ટનાયક કહે છે.

આઠમી સદીમાં શંકરાચાર્યના સમયગાળામાં હિંદુ ધર્મમાં અનેક ફેરફારો થયા અને શૈવ, શાક્ત, વૈષ્ણવ, સૂર્ય અને ગણેશ—આ પાંચ સંપ્રદાયોનો પ્રભાવ જોવા મળવા લાગ્યો.

દસમી સદીથી ગણપત્ય સંપ્રદાયનો પ્રસાર વધતો ગયો હોવાનું જોવા મળે છે.

કુરુશ દલાલ કહે છે કે, “ખાસ કરીને પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં ગણપતિનાં મંદિરો ઊભાં થયાં અને આ દેવતાનું સ્વરૂપ વધુ બદલાતું ગયું.”

“ગણપતિ પણ સાત્ત્વિક બન્યા. મહારાષ્ટ્રમાં તેઓ પેશવાઓ અને બ્રાહ્મણોના મુખ્ય દેવ બન્યા અને શિવ-પાર્વતીના પુત્ર ગણપતિ શાકાહારી પણ બન્યા.”

અન્ય સંસ્કૃતિઓમાં ગણપતિનો ઉલ્લેખ છે?

બૌદ્ધ ધર્મના કેટલાક સંપ્રદાયોમાં, ખાસ કરીને તિબેટના વજ્રયાન સંપ્રદાયમાં પણ વિનાયકનો ઉલ્લેખ વિઘ્નકર્તા તરીકે જ જોવા મળે છે. તેમના પર બોધિસત્વ અવલોકિતેશ્વરે મેળવેલા વિજયની કથાઓ પણ છે. બૌદ્ધ ધર્મની સાથે આ દેવતા પૂર્વના દેશોમાં અને છેક જાપાન સુધી પણ પહોંચ્યા હતા.

ગણેશમાં જોવા મળતો સંસ્કૃતિઓનો આ સંગમ અભ્યાસકર્તાઓને ખાસ મહત્ત્વનો લાગે છે. આ વિશે અમે ઇતિહાસના અભ્યાસકર્તા આનંદ કાનિટકર સાથે વાત કરી. કાનિટકર પ્રદાય હેરિટેજ મેનેજમેન્ટ સર્વિસિસના સંચાલક છે અને તેમણે અફઘાનિસ્તાનના બામિયાન તેમજ હેરાતમાં યુનેસ્કો માટેના પ્રોજેક્ટ્સ પર પણ કામ કર્યું છે.

તેઓ કહે છે, “ભારતનો ઇતિહાસ જોતી વખતે હંમેશાં એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ કે એ સમયે આજના જેવી સરહદો નહોતી.”

“મગધથી ગાંધારના તક્ષશિલા સુધીનો પ્રદેશ વ્યાપારી માર્ગોથી પહેલેથી જ જોડાયેલો હતો. ગાંધારથી ઉત્તર અફઘાનિસ્તાનના બલ્ખ સુધીનો પ્રદેશ પણ વ્યાપારી માર્ગોથી જોડાયેલો હતો. ઘણી વખત આ સમગ્ર વિસ્તાર એક જ શાસન હેઠળ પણ આવ્યો હતો.”

“તેથી ત્યાં ભારતીય સંસ્કૃતિનાં નિશાન જોવા મળે એ આશ્ચર્યની વાત નથી. તેમણે એ વાત તરફ પણ ધ્યાન દોર્યું કે બલ્ખથી લઈને પાટલિપુત્ર સુધી શાસન કરનારા કુષાણ રાજાઓના સિક્કાઓ પર ઈરાની, ભારતીય અને ગ્રીક દેવતાઓ પણ જોવા મળે છે.”

“પ્રાચીન ઇતિહાસ જોતાં એમ જણાય છે કે કોઈ પણ વસ્તુને ‘વૉટરટાઇટ'(ચુસ્ત) ખાનાંમાં વહેંચી શકાય તેમ નહોતી.”

“અફઘાનિસ્તાનમાં તો પશ્ચિમમાંથી આવતી ઈરાની સંસ્કૃતિ, સ્થાનિક ગ્રીક રાજાઓને કારણે આવેલી ગ્રીક સંસ્કૃતિ, ઉત્તર તરફથી આવતી મધ્ય એશિયાઈ સંસ્કૃતિ અને અગ્નિ દિશામાંથી આવતી ભારતીય સંસ્કૃતિ—આ તમામ પ્રવાહોનો સંગમ થયો હોવાનું જોવા મળે છે.”

તેથી ગારદેઝમાં મળી આવેલી આ ગણેશમૂર્તિ પર ગ્રીક અને ઈરાની પ્રભાવ જોવા મળે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS