Home તાજા સમાચાર gujrati ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી, પછી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થશે

ગુજરાતમાં હજુ બે દિવસ વરસાદની આગાહી, પછી રાજસ્થાનથી ચોમાસાની વિદાય શરૂ થશે

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું સૌરાષ્ટ્ર કચ્છ દુકાળ

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત

વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં આ વખતે અપૂરતો વરસાદ પડ્યો છે અને હવે ટૂંક સમયમાં ચોમાસું વિદાય લેવાની શરૂઆત કરશે.

અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 19 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાંથી ચોમાસાની વિદાય માટે અનુકૂળ સંજોગો સર્જાશે.

મંગળવારે દક્ષિણપૂર્વ રાજસ્થાન અને ઉત્તર ગુજરાત પર એક લૉ પ્રેશર એરિયા સર્જાયો હતો, જે મંગળવારે કચ્છ અને દક્ષિણપૂર્વ પાકિસ્તાન પર પણ હતો. તેના કારણે એક સાઇક્લોનિક સર્ક્યુલેશન રચાયું છે જે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઉંચાઈએ સ્થિત છે.

ગુજરાતમાં કઈ જગ્યાએ ભારે વરસાદ પડ્યો

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું સૌરાષ્ટ્ર કચ્છ દુકાળ

ઇમેજ સ્રોત, IMD

છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ અને રાજકોટમાં 11થી 20 સેમી વચ્ચે ભારે વરસાદ પડ્યો છે. જ્યારે મહેસાણા, અમદાવાદ, વડોદરા, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, સુરત, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકાના કેટલાક ભાગોમાં સાતથી 11 સેમી વચ્ચે વરસાદ નોંધાયો છે.

છેલ્લા ચોવીસ કલાકના આંકડા પ્રમાણે કચ્છના માંડવી તાલુકામાં સૌથી વધુ સાત ઇંચ વરસાદ પડ્યો છે. જ્યારે અબડાસા તાલુકામાં 2.13 ઇંચ, મુંદ્રામાં 1.69 ઇંચ, નખત્રાણામાં 1.30 ઇંચ, ભુજમાં 1.26 ઇંચ વરસાદ નોંધાયો છે.

કચ્છના લખપત, દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા અને દ્વારકા એમ ત્રણેય જગ્યાએ 0.91 ઇંચ વરસાદ નોંધાયો છે.

આ ઉપરાંત ભાવનગરના શિહોર, કચ્છના ગાંધીધામ, ખેડા જિલ્લાના નડિયાદ, સુરત શહેર, કચ્છના અંજાર, ભાગનગરના ગારિયાધર, વલસાડના કપરડા, પોરબંદર, પાટણ, જામનગર, ઉનામાં પણ 0.35 ઇંચથી 0.63 ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના 110 તાલુકામાં વરસાદ પડ્યો છે.

હજુ પણ બે દિવસ સુધી ગુજરાતમાં વરસાદની આગાહી છે અને ત્યાર પછી રાજસ્થાનમાં ચોમાસાની વિદાય માટે અનુકૂળ સંજોગો પેદા થશે.

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું સૌરાષ્ટ્ર કચ્છ દુકાળ

ઇમેજ સ્રોત, IMD

16 સપ્ટેમ્બર, બુધવારે ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે. આ ઉપરાંત વાવ-થરાદ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ડાંગ, નવસારી, વલસાડ, સુરત, નર્મદા, છોટા ઉદેપુર, ભરુચ, રાજકોટ, સુરેન્દ્રનગર, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ અને બોટાદ જિલ્લામાં કેટલીક જગ્યાએ હળવો વરસાદ પડી શકે છે.

સૌરાષ્ટ્ર – કચ્છમાં મોરબી અને કચ્છમાં છૂટીછવાઈ જગ્યાએ હળવો વરસાદ પડવાની આગાહી છે.

17 સપ્ટેમ્બરે પણ સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ પડી શકે છે.

આ ઉપરાંત વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપી, ડાંગ, નવસારી જિલ્લામાં છૂટીછવાઈ જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.

અમદાવાદમાં આજે આકાશ મુખ્યત્વે વાદળછાયું રહેશે જે દરમિયાન મધ્યમ વરસાદ પડી શકે છે.

ગુજરાતમાં હજુ વરસાદની ભારે ઘટ

બીબીસી ગુજરાતી હવામાન વરસાદ ચોમાસું સૌરાષ્ટ્ર કચ્છ દુકાળ

ઇમેજ સ્રોત, GSDMA

15 સપ્ટેમ્બર સુધીના આંકડા પ્રમાણે ગુજરાતમાં આ વખતે સિઝનનો માત્ર 84 ટકા વરસાદ પડ્યો છે. સામાન્ય રીતે ગુજરાતની એવરેજ 909 મીમી વરસાદની છે, તેની સામે હજુ સુધીમાં 767 મીમી વરસાદ પડ્યો છે.

હાલમાં કચ્છ, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને પૂર્વ મધ્ય ગુજરાતમાં વરસાદની ગંભીર અછત છે. માત્ર દક્ષિણ ગુજરાતમાં સરેરાશ કરતા વધુ વરસાદ પડ્યો છે.

જેમ કે કચ્છમાં 49 ટકા, ઉત્તર ગુજરાતમાં 63 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 84 ટકા અને સૌરાષ્ટ્રમાં 65 ટકા વરસાદ નોંધાયો છે. જ્યારે સાઉથ ગુજરાતમાં 113 ટકા કરતા વધુ વરસાદ પડી ગયો છે.

અમદાવાદ જિલ્લામાં 102 ટકા, સુરત જિલ્લામાં 114 ટકા, ભરુચમાં 111 ટકા, વલસાડમાં 122 ટકા અને નવસારીમાં 128 ટકા વરસાદ નોંધાયો છે.

જ્યારે વડોદરા જિલ્લામાં 68 ટકા, કચ્છમાં 49 ટકા, બનાસકાંઠામાં 55 ટકા, ગાંધીનગરમાં 70 ટકા, રાજકોટ જિલ્લામાં 55 ટકા વરસાદ નોંધાયો છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાની સ્થિતિ સૌથી ખરાબ છે, જ્યાં સિઝનનો માત્ર 10 ટકા વરસાદ પડ્યો છે. પોરબંદરમાં પણ માત્ર 24 ટકા વરસાદ નોંધાયો છે.

ડૅમમાં પાણીની ઘટ

ઓછા વરસાદના કારણે રાજ્યના મોટા ભાગના ડૅમ ખાલી અથવા અધૂરા છે. ઉત્તર ગુજરાતમાં 15માંથી એક પણ ડૅમ છલકાયો નથી અને માત્ર 43 ટકા પાણી ઉપલબ્ધ છે. મધ્ય ગુજરાતમાં 17માંથી ત્રણ ડૅમ છલકાયા છે, જ્યારે દક્ષિણ ગુજરાતમાં 13માંથી આઠ ડૅમ છલકાયા છે.

કચ્છના 20માંથી માત્ર એક ડૅમ છલકાયો છે જ્યારે સૌરાષ્ટ્રમાં 20માંથી ફક્ત એક ડૅમ છલકાયો છે. ગુજરાતનો સૌથી મોટો સરદાર સરોવર ડૅમ પણ 96 ટકા ભરાયો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS