Home તાજા સમાચાર gujrati નંદીગ્રામ પેટાચૂંટણી : કૉંગ્રેસ ઉમેદવારની ’19 વર્ષ જૂના મામલામાં કરાઈ ધરપકડ’ –...

નંદીગ્રામ પેટાચૂંટણી : કૉંગ્રેસ ઉમેદવારની ’19 વર્ષ જૂના મામલામાં કરાઈ ધરપકડ’ – ન્યૂઝ અપડેટ

3
0

Source : BBC NEWS

કૉંગ્રેસ પાર્ટીનો આરોપ છે કે પહેલા મમતા બેનરજીના ઉમેદવારને ડરાવી-ધમકાવીને ઉમેદવારી પરત ખેંચાવી અને હવે કૉંગ્રેસના ઉમેદવારની ધરપકડ કરવામાં આવી છે.

ઇમેજ સ્રોત, @INCWestBengal

પ્રકાશિત

વાંચવાનો સમય: 10 મિનિટ

નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણીમાં કૉંગ્રેસ ઉમેદવાર મિલન પ્રધાનની ‘પશ્ચિમ બંગાળ પોલીસે ધરપકડ’ કરી છે.

કૉંગ્રેસ પાર્ટીએ ઍક્સ પર એક પોસ્ટમાં લખ્યું, “પશ્ચિમ બંગાળમાં ભાજપ અને ચૂંટણી પંચ મળીને ચૂંટણી લૂંટવામાં લાગેલા છે. નંદીગ્રામ પેટાચૂંટણીની પહેલા આજે જે ઘટનાક્રમ થયો, તે લોકતંત્ર માટે કાળો ડાઘ છે.”

“પહેલાં મમતા બેનરજી જીના ઉમેદવારને ડરાવી-ધમકાવીને ઉમેદવારી પરત ખેંચાવી અને હવે કૉંગ્રેસના ઉમેદવાર મિલન પ્રધાન જીને 19 વર્ષ જૂના કેસમાં પકડી લેવાયા.”

કૉંગ્રેસે આરોપ લગાવ્યો કે “નરેન્દ્ર મોદી અને જ્ઞાનેશકુમાર લોકતંત્રને સમાપ્ત કરવામાં લાગેલા છે. આ તેમના ષડયંત્રનો પુરાવો છે.”

પશ્ચિમ બંળાક કૉંગ્રેસના અધ્યક્ષ શુભાંકર સરકારે કહ્યું, “અમારા નેતા રાહુલ ગાંધીએ કહ્યું છે કે કોઈને ડરાવો નહીં અને ડરો નહીં. અમારા ઉમેદવાર મિલન પ્રધાનની ધરપકડ કરવાની સાથે જ આ વાત ખબર પડી ગઈ છે કે ભાજપ ડરી ગયું છે.”

તેમણે દાવો કર્યો કે “મુખ્ય મંત્રી (શુભેંદુ અધિકારી)ને નંદીગ્રામથી ભાગીને ભવાનીપુર જવું પડ્યું કારણકે તેમને ખબર છે કે નંદીગ્રામની જનતા તેમની સાથે નથી.”

ત્યાં રાજ્યનાં પૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ આરોપ લગાવ્યો કે “અમે કૉંગ્રેસ ઉમેદવારને સમર્થન આપવાની ઘોષણઆ કરી અને તેની કેટલીક મિનિટોમાં જ તેમની ધરપકડ થઈ. આ ટાઇમિંગ ભાજપ પર ગંભીર સવાલ ઊભો કરે છે.”

આ પહેલાં નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી માટે મમતા બેનરજીના નેતૃત્વ ધરાવતા જૂથનાં ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ પોતાની ઉમેદવારી પરત ખેંચી હતી. ત્યાર બાદ મમતા બેનરજીએ કૉંગ્રેસના ઉમેદવારને સમર્થન આપવાની ઘોષણા કરી હતી.

ઑસ્કર માટે જશે મરાઠી ફિલ્મ ‘ગોંધલ’

ગોંધલ એક દમનકારી વૈવાહિક જીવનમાં ફસાઈ ગયેલાં એક મહિલાની કહાણી છે, જે પોતાના પ્રેમી સાથે ભાગી જવાની યોજના બનાવે છે.

ઇમેજ સ્રોત, Instagram/gondhalfilm

મરાઠી ફિલ્મ ‘ગોંધલ’ને ઑસ્કર 2027 માટે ભારતની સત્તાવાર એન્ટ્રી તરીકે પસંદ કરવામાં આવી છે. ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયા (FFI)એ શુક્રવારે તેની જાહેરાત કરી હતી.

સમાચાર એજન્સી પીટીઆઈના અનુસાર, FFIની પસંદગી સમિતિના અધ્યક્ષ પી. શેષાદ્રીએ જણાવ્યું, “અમે છેલ્લા 10 દિવસમાં વિવિધ ભાષાઓની 33 ફિલ્મો જોઈ હતી. અન્ય ઘણી સારી ફિલ્મો પણ હતી, જેના પર અમે ચર્ચા કરી રહ્યા હતા. ‘ગોંધલ’ ઉપરાંત ‘અંઘ’ અને ‘ઇક્કીસ’ ટોચની ત્રણ ફિલ્મોની યાદીમાં હતી.”

પીટીઆઈના અનુસાર, સંતોષ દાવખરના લેખન અને દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મ ગ્રામિણ મહારાષ્ટ્રની પૃષ્ઠભૂમિ પર આધારિત છે. આ ફિલ્મ ગ્રામિણ મહારાષ્ટ્રમાં મધરાતે યોજાતા પરંપરાગત ગોંધલ નૃત્ય ઉત્સવની પૃષ્ઠભૂમિમાં રચાયેલી સુમનની કહાની રજૂ કરે છે.

સુમન એક દમનકારી લગ્નજીવનમાં ફસાઈ ગયાં છે અને પોતાના પ્રેમી સાથે મળીને હત્યાનું કાવતરું ઘડે છે તથા ભાગી જવાની યોજના બનાવે છે.

ફિલ્મમાં અભિનેત્રી ઇશિતા દેશમુખ મુખ્ય ભૂમિકામાં છે.

ફિલ્મ ફેડરેશન ઑફ ઇન્ડિયાને મોકલવામાં આવેલી 33 ફિલ્મોની યાદીમાં યામી ગૌતમની ‘હક’, આદિત્ય ધરની ‘ધુરંધર’ અને ‘ધુરંધર: ધ રિવેન્જ’, ‘હનુમાન અંશ’ અને ફરહાન અખ્તરની ‘120 બહાદુર’ પણ સામેલ હતી.

બેસ્ટ ઇન્ટરનૅશનલ ફીચર ફિલ્મ કૅટેગરીમાં અત્યાર સુધી કોઈ ભારતીય ફિલ્મને ઍવૉર્ડ મળ્યો નથી. આ કૅટેગરીને અગાઉ બેસ્ટ ફૉરેન ફિલ્મ તરીકે ઓળખવામાં આવતી હતી.

આ કૅટેગરીમાં અત્યાર સુધી માત્ર ત્રણ ભારતીય ફિલ્મોને નામાંકન મળ્યું છે. તેમાં મહબૂબ ખાનની ‘મધર ઇન્ડિયા’, મીરા નાયરની ‘સલામ બૉમ્બે’ અને આશુતોષ ગોવારિકરની ‘લગાન’ સામેલ છે.

જૉન અબ્રાહમ અને લિસા રે અભિનીત દીપા મહેતાની ‘વૉટર’ને પણ આ કૅટેગરીમાં નામાંકન મળ્યું હતું, પરંતુ તેને કૅનેડાની તરફથી મોકલવામાં આવી હતી.

99મો ઑસ્કર ઍવૉર્ડ સમારોહ રવિવાર, 14 માર્ચ 2027ના રોજ યોજાશે.

યમન : હૂતી બળવાખોરો અને સાઉદી સમર્થિત સેના વચ્ચેના સંઘર્ષમાં 24 કલાકમાં 63 લોકોનાં મોત

યમન : હૂતી બળવાખોરો અને સાઉદી સમર્થિત સેના વચ્ચેના સંઘર્ષમાં 24 કલાકમાં 63 લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Ahmad AL-BASHA / AFP via Getty Images

બીબીસી અરબી સેવાના અનુસાર, યમનમાં સરકારીદળો અને હૂતી બળવાખોરો વચ્ચે થયેલી અથડામણોમાં છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 63 લોકોનાં મોત થયાં છે.

જ્યારે, સાઉદી અરેબિયાએ ગુરુવારે સંઘર્ષ ભયાનક બન્યા બાદ પ્રથમ વખત ડ્રૉનના છર્રાં વાગવાથી એક વ્યક્તિના મૃત્યુની પુષ્ટિ કરી છે.

ઘણાં વર્ષોની શાંતિ પછી યમનમાં બંને પક્ષો વચ્ચે જુલાઈથી સંઘર્ષ ફરી વધ્યો છે અને ગયા અઠવાડિયે હૂતી હથિયારબંદ જૂથના અચાનક હુમલાથી સ્થિતિ વધુ ખરાબ બની ગઈ છે.

આ હુમલાઓ બાદ હૂતીઓ હિંદ મહાસાગર અને લાલ સમુદ્રને જોડતા વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ બાબ અલ-મંદેબ જળમાર્ગ સુધી પોતાના નિયંત્રણવાળા વિસ્તારનો વિસ્તાર કરવામાં સફળ થયા છે.

યમનની ધરતી પર ચાલી રહેલી લડાઈઓ ઉપરાંત, હૂતી લડવૈયાઓ સાઉદી અરેબિયા પર મિસાઇલ અને ડ્રૉન હુમલાઓ પણ કરી રહ્યા છે.

હૂતીઓ ખાસ કરીને ઑઇલ અને સૈન્ય સુવિધાઓને નિશાન બનાવી રહ્યા છે, સાથે જ સાઉદી તેલ લઈ જતાં માલવાહક જહાજોને પણ નિશાન બનાવી રહ્યા છે.

સાઉદી સમર્થિત યમનની સરકારના એક સૈન્ય અધિકારીએ જણાવ્યું કે, “છેલ્લા 24 કલાક દરમિયાન તાઇઝ અને લાહજ પ્રાંતોમાં હૂતી મિસાઇલ અને ડ્રૉન હુમલાઓ તથા અથડામણોમાં 23 સરકારી સૈનિકોનાં મોત થયાં છે.”

જ્યારે હૂતી બળવાખોરોના સૂત્રોએ “તાઇઝ પર થયેલા સાઉદી હુમલાઓમાં 40 લડવૈયાઓનાં મોત અને પ્રાંતમાં સરકારી દળો સાથેની અથડામણો” અંગે માહિતી આપી છે.

સાઉદી અરેબિયામાં, ગુરુવારે તાઈફ પ્રાંતમાં એક ડ્રૉનને અટકાવવામાં આવ્યા પછી પડેલા છર્રાં વાગવાથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને બે લોકો ઘાયલ થયા હતા.

નંદીગ્રામ પેટાચૂંટણી : મમતા બેનરજીએ કૉંગ્રેસ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કેમ કરી?

નંદીગ્રામ પેટાચૂંટણી : મમતા બેનરજીએ કૉંગ્રેસ ઉમેદવારને સમર્થન આપવાની જાહેરાત કેમ કરી? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI

પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ જાહેરાત કરી છે કે તેમની પાર્ટી નંદીગ્રામ વિધાનસભાની પેટાચૂંટણીમાં કૉંગ્રેસ પાર્ટીના ઉમેદવારને સમર્થન આપશે.

આ પહેલાં નંદીગ્રામ વિધાનસભા પેટાચૂંટણી માટે મમતા બેનરજીના નેતૃત્વવાળા જૂથનાં ઉમેદવાર સંચિતા પ્રધાન ડેએ પોતાની ઉમેદવારી પરત ખેંચી લીધી હતી.

મમતા બેનરજીએ એક પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું, “અમે બંધારણીય પદનું અપમાન કરતા નથી, પરંતુ અમને લાગે છે કે આજે આપણા લોકશાહી ઇતિહાસમાં કાળો દિવસ છે. દેશમાં જે થઈ રહ્યું છે તે અત્યંત દુર્ભાગ્યપૂર્ણ, અસંવિધાનિક, ગેરકાયદેસર અને અલોકતાંત્રિક છે. આ એક રાજકીય પાર્ટીના અહંકારને સંતોષવા માટે કરવામાં આવેલી સંપૂર્ણપણે પક્ષપાતપૂર્ણ અને બદલો લેવાની કાર્યવાહી છે.”

મમતા બેનરજીએ આરોપ લગાવ્યો, “તેમણે અગાઉ જ કહ્યું હતું, ‘નામ પણ રાખવા નહીં દઉં, નિશાન પણ રાખવા નહીં દઉં.’ આ લોકો કોણ છે? આજે તેઓ સત્તામાં છે, કાલે સત્તામાં ન પણ હોય. તેમણે પોતાની મર્યાદાઓ સમજવી જોઈએ.”

પાર્ટીનું નામ છીનવી લેવાયા અંગે મમતા બેનરજીએ કહ્યું, “હું એટલું તો કહી શકું ને કે ‘ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ જિંદાબાદ, મા માટી માનુષ જિંદાબાદ, જય બાંગ્લા જિંદાબાદ.’ તેમણે કહ્યું, “અમે નંદીગ્રામમાં કૉંગ્રેસને સમર્થન આપી રહ્યા છીએ. આ નિર્ણય અમે પહેલેથી જ લઈ લીધો હતો, પરંતુ કૉંગ્રેસને તેની જાણ નહોતી, આ અમારો નિર્ણય હતો.”

ચૂંટણી આયોગે ગુરુવારે જારી કરેલા એક અંતરિમ આદેશમાં પશ્ચિમ બંગાળનાં નંદીગ્રામ અને રેજીનગર વિધાનસભા ક્ષેત્રોમાં યોજાનારી પેટાચૂંટણીઓમાં ‘ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ’ નામ અને ચૂંટણી ચિહ્નનો ઉપયોગ કરવા બંને જૂથો પર પ્રતિબંધ મૂકી દીધો હતો.

તે બાદ શુક્રવારે ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસના બંને જૂથોને ચૂંટણી આયોગે નવાં નામ અને નવાં ચૂંટણી ચિહ્નો આપ્યાં હતાં.

હવે મમતા બેનરજીના જૂથનું નામ ‘મમતા ઑલ ઇન્ડિયા તૃણમૂલ કૉંગ્રેસ’ હશે અને તેનું ચૂંટણી ચિહ્ન ‘ફૂટબૉલ પ્લેયર’ રહેશે.

જ્યારે અરુપ રોયના નેતૃત્વવાળા જૂથને ‘ડેમૉક્રેટિક તૃણમૂલ કૉંગ્રેસ’ નામ આપવામાં આવ્યું છે અને આ પાર્ટીનું ચૂંટણી ચિહ્ન ‘ઍન્વલપ’ રહેશે.

પાકિસ્તાન : કોહાટમાં શુક્રવારની નમાઝ બાદ મસ્જિદમાં વિસ્ફોટ, પાંચ પોલીસકર્મી સહિત 16નાં મોત

પાકિસ્તાન : કોહાટમાં શુક્રવારની નમાઝ બાદ મસ્જિદમાં વિસ્ફોટ, પાંચ પોલીસકર્મી સહિત 16નાં મોત – ન્યૂઝ અપડેટ બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર ગુજરાતી

ઇમેજ સ્રોત, RESCUE1122

પાકિસ્તાનના ખૈબર પખ્તુન્ખ્વા પાંતના કોહાટમાં એક કારબૉમ્બ હુમલામાં ઓછામાં ઓછા 16 લોકોનાં મોત થયાં છે અને 30 લોકો ઘાયલ થયા છે.

નૉર્થ વેસ્ટ પાકિસ્તાનની પોલીસનું કહેવું છે કે શુક્રવારની નમાઝ દરમિયાન વિસ્ફોટોથી ભરેલી એક ગાડી મસ્જિદ સાથે ટકરાઈ હતી. મરનારામાં 11 સામાન્ય નાગરિકો અને 5 પોલીસ અધિકારીઓ સામેલ છે. આશંકા છે કે મૃતકોની સંખ્યા વધી શકે છે.

બીબીસી ઉર્દૂના જણાવ્યા પ્રમાણે, ખૈબર પખ્તુન્ખ્વાના પોલીસ મહાનિરીક્ષક જુલ્ફિકાર હમીદે જણાવ્યું છે કે વિસ્ફોટ બાદ હથિયારબંધ ચરમપંથીઓ સાથે ગોળીબાર ચાલુ છે. ગોળીબારમાં એક ચરમપંથી માર્યો ગયો છે.

રૅસ્ક્યૂ 1122ના પ્રવક્તા બિલાલ અહમદ ફૈઝીના જણાવ્યા પ્રમાણે, વિસ્ફોટ શુક્રવારે સ્થાનિક સમયાનુસાર બપોરે લગભગ 1.15 વાગ્યે થયો. ઘણા ઘાયલોની હાલત ગંભીર છે.

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે કોહાટ વિસ્ફોટની નિંદા કરી છે અને આ ઘટના મામલે દુ:ખ વ્યક્ત કર્યું છે. સાથે સંબંધિત અધિકારીઓ પાસે વિસ્ફોટોનાં કારણો પર રિપોર્ટ માગી છે.

મૂડીઝે ભારતના જીડીપી ગ્રોથનું અનુમાન વધાર્યું પરંતુ કયા જોખમની વાત કરી?

મૂડીઝનું અનુમાન અને ભારતનું અર્થતંત્ર બીબીસી ગુજરાતી ન્યૂઝ અપડેટ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

રેટિંગ ઍજન્સી મૂડીઝે શુક્રવારે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિદરનો અંદાજ છ ટકાથી વધારીને સાત ટકા કર્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, મૂડીઝે જણાવ્યું હતું કે મધ્ય પૂર્વમાં સંઘર્ષ વચ્ચે ભારતનું અર્થતંત્ર વૈશ્વિક આંચકાઓ સામે પણ લચીલાપણું ધરાવે છે.

જોકે, તેણે ઑઇલના વધી રહેલા ભાવ અને અલ નીનોની અસરને કારણે ફુગાવો વધવાના જોખમ અંગે ચેતવણી આપી હતી.

ભારતના બીએએ3 સોવરેન રેટિંગની નિયમિત સમીક્ષા પછી જાહેર કરાયેલા એક નિવેદનમાં, મૂડીઝે જણાવ્યું હતું કે દેવું ઘટે તેની ગતિ ધીમી રહેવાની અપેક્ષા છે અને દેવું ચૂકવવાની ક્ષમતા નબળી રહેશે.

આનું કારણ ભારતનો ઊંચો દેવાનો બોજ અને વ્યાજની લાગત વધુ હોવાની સ્થિતિ છે.

મૂડીઝના મતે ખાનગી ક્ષેત્રના રોકાણમાં ફરી વધારો થવાની ધારણા છે, જ્યારે સર્વિસ સેક્ટર વધુ મજબૂત રહેશે.

વૈભવ સૂર્યવંશીને ગૌતમ ગંભીરે હવે શું સલાહ આપી

ગૌતમ ગંભીર, વૈભવ સૂર્યવંશી,બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

ભારતીય પુરુષ ક્રિકેટ ટીમના કોચ ગૌતમ ગંભીરે યુવા ખેલાડી વૈભવ સૂર્યવંશીને ધીરજ રાખવાની સલાહ આપી છે. તેમણે કહ્યું કે તેમને પોતાના અવસરની રાહ જોવી પડશે. ટી-20માં ભારત હાલમાં ઉપરના ક્રમમાં વધુ અનુભવી ખેલાડીઓને તક આપી રહ્યું છે.

ગુરુવારે અફઘાનિસ્તાન સામે દિલ્હીમાં ભારતની જીત બાદ ગંભીરે સૂર્યવંશીને આ સંદેશ આપ્યો હતો. ભારતે ત્રણ મૅચની ટી-20 શ્રેણી 3-0થી જીતી લીધી હતી.

આ મૅચમાં પણ, શ્રેણીની પ્રથમ બે મૅચોની જેમ સૂર્યવંશી બહાર બેઠા રહ્યા.

બીજી તરફ, તેમના સાથી ઓપનિંગ બૅટ્સમૅન અભિષેક શર્માએ રેકૉર્ડ બનાવી દીધો. તેમણે ટી-20 ઇન્ટરનૅશનલમાં અત્યાર સુધીની સૌથી ઝડપી સદી ફટકારી. ભારતે આ મૅચમાં અફઘાનિસ્તાનને 127 રનથી હરાવ્યું.

આ સમગ્ર શ્રેણીમાં ગંભીરે અભિષેક શર્મા અને સંજુ સેમસનને ઇનિંગ્સની શરૂઆત કરવાની તક આપી.

બંનેએ શાનદાર પ્રદર્શન કર્યું. ત્રણ મૅચની શ્રેણીમાં બંને ટીમોની તરફથી સૌથી વધુ રન બનાવનાર ટૉપ 2 બૅટ્સમૅન પણ એ જ રહ્યા.

તેનો અર્થ એ છે કે સૂર્યવંશીને પોતાની તક માટે હજુ રાહ જોવી પડી શકે છે, કારણ કે કોચ ગંભીરે સંકેત આપ્યો છે કે હાલમાં ટીમ મૅનેજમેન્ટ ઉપરના ક્રમમાં અનુભવી ખેલાડીઓને જ પ્રાથમિકતા આપી રહ્યું છે. તેથી નજીકના ભવિષ્યમાં પણ હાલની સ્થિતિ યથાવત્ રહેવાની શક્યતા છે.

મૅચ બાદની પ્રેસ કૉન્ફરન્સમાં ગંભીરે કહ્યું, “વૈભવના મામલે અમારી વાત સંપૂર્ણપણે સ્પષ્ટ હતી. તેમને પોતાની તકની રાહ જોવી પડશે. અમને ખબર છે કે તેમનામાં કેટલું ટૅલેન્ટ છે અને તેઓ શું કરી શકે છે. પરંતુ જે ખેલાડી છેલ્લાં બે-ત્રણ વર્ષથી સતત સારું પ્રદર્શન કરી રહ્યા છે, તેમને તે ખેલાડીઓ કરતાં આગળ રાખવામાં આવશે જેમણે હમણાં જ ટીમમાં સ્થાન બનાવ્યું છે.”

ગંભીરે વધુમાં કહ્યું, “જ્યારે વૈભવને તક મળશે, ત્યારે તેમને સતત ઘણી મૅચ રમવાની તક પણ મળશે. ભારતીય ક્રિકેટમાં આવું જ થાય છે.”

“અમે ટીમમાં સ્પર્ધા અને પ્રતિભા ઇચ્છીએ છીએ. પરંતુ ક્રિકેટ આવી જ રીતે ચાલે છે. તમે 15 વર્ષના હો કે 30 વર્ષના. જ્યારે તમને પોતાના મોકાની રાહ જોવી પડે, ત્યારે રાહ જોવી જ પડે.”

ઍપલની iPhone 18 Pro સિરીઝ ખરીદવા સ્ટોર્સમાં ગ્રાહકોની ભારે ભીડ, અનેક દુકાનો બહાર રાતથી જ લાગી લાઇનો

એપ્પલ સ્ટોરી, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, ANI

ભારતમાં આજથી ઍપલ iPhone 18 Pro અને iPhone 18 Pro Max ની સત્તાવાર વેચાણ પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.

આ ફોન ખરીદવા માટે દિલ્હી, નૉઇડા, મુંબઈ અને બેંગલુરુ જેવાં શહેરોમાં ગ્રાહકો ગઈ રાત્રિથી જ મોબાઇલ સ્ટોર્સની બહાર એકત્ર થવા લાગ્યા હતા.

નૉઇડાના DLF Mall of India માં આવેલા સત્તાવાર ઍપલ સ્ટોરની બહાર રાત્રિથી જ લોકોની લાંબી કતારો જોવા મળી હતી.

નવા iPhone ને સૌથી પહેલાં ખરીદવાની હોડમાં લોકો ગઈ રાત્રે 2 વાગ્યાથી જ મૉલ અને સ્ટોરની બહાર લાઇનમાં ઊભા રહ્યા હતા.

આ ફોન ખરીદવા માટે દેશનાં વિવિધ રાજ્યોમાંથી આવેલા લોકો પણ સવારે 6 વાગ્યાથી જ કતારમાં જોડાઈ ગયા હતા, જેથી તેમને ફોનની પ્રથમ ડિલિવરી મળી શકે.

DLF મૉલમાં કેટલાક લોકો પંજાબથી પણ ફોન ખરીદવા માટે આવ્યા હતા.

iPhone 18 Pro ના 256GB મૉડેલની કિંમત 1,65,000 રૂપિયા છે, જ્યારે 512GB મૉડેલની કિંમત 1,89,900 રૂપિયા છે. 1TB ક્ષમતા ધરાવતા મૉડેલની કિંમત 2,39,900 રૂપિયા છે અને 2TB ક્ષમતા ધરાવતા મૉડેલની કિંમત 3,14,900 રૂપિયા છે.

અમેરિકાએ ઈરાનમાં યુદ્ધ અપરાધ કર્યા હોવાના પૂરતા પુરાવા : યુએન નિષ્ણાતો

ફેબ્રુઆરી 2026માં ઈરાનની મિનાબની એક પ્રાથમિક શાળામાં થયેલા હુમલામાં ઓછામાં ઓછા 156 લોકો માર્યા ગયા, જેમાં બાળકો પણ હતાં

ઇમેજ સ્રોત, WANA via Reuters

સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર નિષ્ણાતોએ કહ્યું છે કે આ વાતના પુરાવા પૂરતા છે કે અમેરિકાએ ઈરાનમાં કરેલા બે હુમલા દરમિયાન યુદ્ધ અપરાધ કર્યો છે.

આ હુમલામાં ઓછામાં ઓછા 177 સામાન્ય નાગરિકોનાં મોત થયાં હતાં.

ઈરાન અંગેની સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય ફૅક્ટ ફાઇન્ડિંગ મિશનના નવા રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં મિનાબની એક પ્રાથમિક શાળા અને લામેર્દના એક રમતગમત સંકુલ પર થયેલા મિસાઇલ હુમલા અંધાધૂંધ હતા. આ હુમલામાં સામાન્ય નાગરિકોના જીવ ગયા હતા અને નાગરિક સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું હતું.

અમેરિકાએ અગાઉ લામેર્દ પર હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે મિનાબની ઘટનાની તપાસ કરી રહ્યું છે.

અમેરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે અમેરિકા આ રિપોર્ટનાં તારણોને વિશ્વસનીય માનતું નથી.

નિષ્ણાતોએ એ પણ જણાવ્યું કે જાન્યુઆરીમાં સરકાર વિરોધીપ્રદર્શનો દરમિયાન થયેલી વ્યાપક કાર્યવાહી દરમિયાન ઈરાની સત્તાધીશોએ પણ માનવતા વિરુદ્ધના અપરાધો કર્યા હતા.

તેમના જણાવ્યા મુજબ, સુરક્ષા દળો દ્વારા થયેલી હત્યાઓ દેશના તમામ 31 પ્રાંતોમાં “આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ સ્તરે” થઈ હતી.

ઈરાને હજુ સુધી આ તારણો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, તે અગાઉ માનવાધિકારોના વ્યવસ્થિત ઉલ્લંઘનના આરોપોને નકારતું રહ્યું છે.

અભિષેક શર્મા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યા

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી અંતિમ ટી20 મૅચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ માત્ર 30 બૉલમાં સદી ફટકારી હતી

ઇમેજ સ્રોત, ANI

ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મૅચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતાં માત્ર 30 બૉલમાં સદી ફટકારી હતી.

તેઓ 34 બૉલમાં 108 રન બનાવીને આઉટ થયા હતા.

આ સાથે તેઓ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમૅન બન્યા છે.

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનરો સંજુ સેમસન અને અભિષેક શર્માએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.

અભિષેક શર્માએ પોતાની આ તોફાની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS