Home તાજા સમાચાર gujrati નરેન્દ્ર મોદીના જન્મદિને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને દીવા પ્રગટાવ્યા બાદ વીજલાઇનનો વિરોધ કરી...

નરેન્દ્ર મોદીના જન્મદિને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને દીવા પ્રગટાવ્યા બાદ વીજલાઇનનો વિરોધ કરી રહેલા મોરબી જેતપરના ખેડૂતોએ શું કર્યું?

3
0

Source : BBC NEWS

વડાપ્રધાનના જન્મ દિવસની ઉજવણી પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવકારી રહેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપ-પ્રમુખ દીપક પટેલ (ડાબેથી બીજા) અને સેક્રેટરી રુપેશ પટેલ (જમણેથી બીજા)

ઇમેજ સ્રોત, Vishv Umiya Foundation

  • પ્રકાશિત

  • વાંચવાનો સમય: 6 મિનિટ

મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી કંપની દ્વારા ખેડૂતોની જમીનોમાં હાઇ ટેન્શન વીજલાઇન પસાર કરવા થાંભલા નાખવાની કામગીરીમાં ખેડૂતોને જમીનનું યોગ્ય વળતર ન મળતું હોવાની ફરિયાદ સાથે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી ચાલી રહેલું ખેડૂતઆંદોલન એક નવા તબક્કામાં પ્રવેશ્યું છે.

આંદોલન કરી રહેલા ખેડૂતોમાંથી કેટલાક ખેડૂતો 17 સપ્ટેમ્બરે જેતપરથી અમદાવાદ અને ગાંધીનગરની વચ્ચે એસપી રિંગરોડ પર વૈશ્નોદૈવી જંક્શન નજીક આવેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન નામની પાટીદારોની સંસ્થાની ઓફિસે પહોંચી ગયા.

તેમણે સંસ્થાના આગેવાનોને ઉગ્રતાપૂર્વક રજૂઆત કરી કે તેમના આંદોલનની વાત તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પહોંચાડે.

9 જૂનથી ચાલી રહેલા આંદોલનમાં એવું પહેલી વખત બન્યું છે કે ખેડૂતો કોઈ પાટીદાર સમાજની સંસ્થામાં ગયા અને તેની સીધી મદદ માંગી.

આંદોલનકારી ખેડૂતો કહે છે કે હવે તેઓ આવનાર સમયમાં દરેક સંસ્થાના “પગથિયાં ચડશે” અને તેમના આંદોલનને સમર્થન જાહેર કરવા વિનંતી કરશે. બીજી તરફ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને આ મામલે હાલ કોઈ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું છે.

વડા પ્રધાન મોદીનો જન્મદિવસ ઉજવવા દીવા પ્રગટાવ્યા પછી ખેડૂતોએ શું કર્યું?

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ખાતે યોજાયેલા

ઇમેજ સ્રોત, Vishv Umiya Foundation

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલ છે. તેઓ ગુજરાત અને કેન્દ્રમાં સત્તાધારી ભારતીય જનતા પક્ષ (ભાજપ)ના નેતાઓ સાથે અવારનવાર દેખાય છે. 17 સપ્ટેમ્બરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીના 76મા જન્મદિન નિમિત્તે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને ગુજરાતના મુખ્ય મંત્રી ભુપેન્દ્ર પટેલની હાજરીમાં દીવડાઓ પ્રગટાવ્યા અને ભાજપ પ્રેરિત “આશીર્વાદનો દીવો” કૅમ્પેઇનમાં હાજરી પુરાવી.

આ કાર્યક્રમ 17 સપ્ટેમ્બરની રાત્રે 12 વાગ્યાના ટકોરે ગાંધીનગર જિલ્લાના કલોલ તાલુકાના જાસપુર ગામે આવેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના સંકુલમાં યોજાયો હતો.

આ કાર્યક્રમબાદ 17 સપ્ટેમ્બરે સવારે દસેક વાગ્યે જેતપરના 20 ખેડૂતો જાસપુરમાં આવેલ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના કૅમ્પસમાં પહોંચી ગયા અને ત્યાં હાજર સ્ટાફને કહ્યું કે તેઓ સંસ્થાના આગેવાનોને મળવા માંગે છે.

આ ફાઉન્ડેશનના એક આગેવાને પોતાનું નામ છતું ન કરવાની શરતે બીબીસીને જણાવ્યું, “મધરાતે કાર્યક્રમ થયો હોવાથી સવારના સમયે આગેવાનો ઓફિસમાં હાજર નહોતા. તેથી અમારા સ્ટાફે તેમને રાહ જોવા કહ્યું. તેથી ખેડૂતોએ મંદિરમાં દર્શન કર્યા અને બપોરે પ્રસાદનો સમય થતા ભોજન પ્રસાદ લીધો. ત્યાર બાદ બે-અઢી વાગ્યે દીપકભાઈ પટેલ આવ્યા એટલે ખેડૂતોએ ઉગ્ર થઇ રજૂઆત કરવાનું ચાલુ કરી દીધું અને તેના વીડિયો ઉતારવા લાગ્યા. સંસ્થાના ટ્રસ્ટીઓએ ખેડૂતોને કહ્યું કે તમે એક પત્ર લખીને આપી દો, અમે તેને વડા પ્રધાન કાર્યાલયમાં પહોંચાડી દેશું. પરંતુ ટ્રસ્ટીઓએ કહેલી આ વાત ખેડૂતોએ જે વીડિયો વાયરલ કર્યા છે તેમાં નથી દેખાતી.”

મોરબીના ખેડૂતો દીપકભાઇ પટેલને રજૂઆત કરી રહ્યા હતા તે સમયના વીડિયોમાંથી લેવાયેલ એક ફોટો

ઇમેજ સ્રોત, UGC

સોશ્યલ મીડિયામાં શેર કરવામાં આવેલ વીડિયોમાં જેતપરના પ્રતીક પટેલ અને અન્ય યુવાનો વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના ઉપપ્રમુખ દીપક પટેલને ઉગ્ર સ્વરમાં રજૂઆત કરતા દેખાય છે.

વીડિયોમાં એક ખેડૂત કહે છે કે વીજલાઇનની કામગીરીને કારણે પોલીસ ખેડૂતોને તેમની માલિકીની જમીનમાં જવા દેતી નથી તેની રજૂઆત સમાજના મોભીને કરવા માટે તેઓ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનમાં આવ્યા છે.

અન્ય એક વીડિયોમાં એક ખેડૂત એમ પણ કહેતા સંભળાય છે કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને મોરબીમાં પાટીદાર ખેડૂતો દ્વારા ચાલી રહેલા આંદોલનની ખબર નથી, પરંતુ નરેન્દ્ર મોદીના જન્મદિવસની ખબર છે.

ઊંચા અવાજે બોલાચાલી થતા પોલીસ ત્યાં પહોંચી ગઈ હતી અને મામલો થાળે પડ્યો હતો તેમ ખેડૂતોએ કહ્યું.

ખેડૂતોએ રજૂઆત માટે મોદીનો જન્મદિવસ કેમ પસંદ કર્યો?

પ્રતીક પટેલ અને અન્ય ખેડૂતો રુપેશ પટેલને રજૂઆત કરી રહ્યા હતા તે સમયના વીડિયોમાંથી લેવાયેલ એક ફોટો

ઇમેજ સ્રોત, UGC

વિશ્વ્ ઉમિયા ફાઉન્ડેશનની ઓફિસે રજૂઆત કરવા ગયેલ ખેડૂતોમાં જેતપર ગામના પ્રતીક પટેલ નામના ખેડૂત પણ હતા.

શુક્રવારે બીબીસી સાથે વાત કરતાં તેમણે કહ્યું, “મોરબીમાં છેલ્લા ચાર મહિનાથી બધાય વરણના ખેડૂતો વીજલાઇન સામે આંદોલન કરી રહ્યા છે, પરંતુ તેમાંના મોટા ભાગના પાટીદાર છે. કારણ કે પાટીદારોની વસ્તી ત્યાં વધારે છે.”

તેમણે વધુમાં કહ્યું, “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એ અમારી પોતાની સંસ્થા છે. આગલી રાત્રે સંસ્થાએ નરેન્દ્ર મોદીના જન્મ દિવસની ઉજવણી કરવા દીવડાં પ્રગટાવ્યાં એટલે અમને એમ થયું કે સંસ્થાના ટ્રસ્ટીઓને વડા પ્રધાન સાથે નજીકનો સંબંધ છે અને અમારા આંદોલનની વાત તેઓ વડા પ્રધાન સુધી પહોંચાડી શકશે.”

તેમણે જણાવ્યું, “તેથી અમે સવારે રજૂઆત કરવા પહોંચી ગયા. પરંતુ દીપકભાઈએ તો અમને કહી દીધું કે તેમને તો ખેડૂતોના આંદોલન વિષે ખબર નથી. તેથી અમે કહ્યું કે પાટીદારની સંસ્થાને પાટીદાર ખેડૂતોના ચાલી રહેલા આંદોલન વિષે ખબર નથી, પરંતુ નરેન્દ્ર મોદીના જન્મ દિવસ વિશે ખબર છે તે પાટીદાર સમાજે ચલાવી ન લેવાય.”

પ્રતીક પટેલે ઉમેર્યું કે તેઓ મૌખિક રજૂઆત કરવાના હતા અને તે ઉપરાંત સરકારે જેમની જમીનમાંથી વીજલાઇન પસાર થાય તેના બદલે જમીન માલિકને અપાતા વળતરમાં વધારો કરવાની નીતિમાં સુધારો કર્યો, તે સુધારેલ નીતિ સામે આંદોલનકારી ખેડૂતોએ કરેલ સવાલો અને ખેડૂતોની માગણીઓના લિસ્ટવાળા આવેદનપત્રની કોપી પણ સાથે રાખી હતી.

તેમણે કહ્યું, “પરંતુ અમે રજૂઆત કરી રહ્યા હતા તે દરમિયાન તેમણે પોલીસ બોલાવી લીધી. તેથી અમે એ આવેદનપત્ર ટ્રસ્ટીઓને સોંપી ન શક્યા,” પ્રતીક પટેલે ઉમેર્યું.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રવક્તાએ આ બાબતે કોઇ પ્રતિક્રિયા આપવોનો ઇન્કાર કર્યો હતો. પરંતુ અન્ય એક વાઇરલ વીડિયોમાં ખેડૂતો વિશ્વ ઉમિયા ફાઉન્ડેનના સેક્રેટરી રુપેશ પટેલને રજૂઆત કરતાં કહે છે કે અમારી વાત તમે સરકાર સુધી પહોંચાડો અને જવાબ આપતા રુપેશ પટેલ કહે છે, “ચોક્કસ પહોંયાડીશું. અમારા સુધી તમે આવ્યા જ પહેલી વાર, ભાઈ… તમે અમારા સુધી જો પહેલાં આવ્યા હોત તો અમે (તમારો સંદેશ) ક્યારનોય પહોંચાડ્યો હોત.”

ખેડૂતોએ વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને જ કેમ રજૂઆત કરી?

ખેડૂત પ્રતીક પટેલ

ઇમેજ સ્રોત, Pratik Patel

છેલ્લા અઢી દાયકાથી ગુજરાતના રાજકારણ તેમ જ વેપાર-ઉદ્યોગમાં પાટીદાર સમાજની બોલબાલા રહી છે. વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન ઉપરાંત ઉમિયાધામ, ઊંઝા; ઉમિયાધામ, સિદસર (જામજોધપુર તાલુકો, જિલ્લો જામનગર), ખોડલધામ, સરદારધામ વગેરે પાટીદાર સમાજની જાણીતી અન્ય સંસ્થાઓ છે. પરંતુ જેતપરના ખેડૂતો આ સંસ્થાઓમાં તેમના પ્રશ્નોની રજૂઆત કરવા હજુ સુધી ગયા નથી.

વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનની સ્થાપના 2015માં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલન શરુ થયું તેના આશરે છ મહિના બાદ થઈ હતી. ઉમિયાધામ, ખોડલધામ વગેરે સંસ્થાઓ તેના કરતાં જૂની છે.

ખેડૂતોએ તેમના પ્રશ્નોની રજૂઆત કરવા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનને કેમ પસંદ કર્યું એ પ્રશ્નના જવાબમાં આ આંદોલનના નેતાઓમાંથી એક નેહુલ અમૃતિયાએ કહ્યું, “વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન એક સામાજિક સંસ્થા છે અને તેથી તેણે સમાજનું કામ કરવું જોઈએ. અમે ભલે તે સંસ્થાને કોઈ મોટું દાન ન આપ્યું હોય પણ છેવટે તો તે પાટીદારોની સામાજિક સંસ્થા છે. અત્યારે ખેડૂતો દુઃખી છે તો ખેડૂતોને તેણે મદદ કરવી જોઈએ. અમારું આંદોલન શરુ થયું ત્યારે અમે બધી સંસ્થાઓને જાહેર અપીલ કરી હતી કે અમને સમર્થન આપો. પરંતુ તે હજુ સુધી મળ્યું નથી. ખેડૂતો દુઃખી છે ત્યારે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને વડા પ્રધાનના જન્મદિવસે દીવા પ્રગટાવવાનો કાર્યક્રમ આપ્યો એટલે અમે ત્યાં રજૂઆત કરવા ગયા.”

પ્રતીક પટેલે કહ્યું કે વિશ્વ ઉમિયા ફાઉન્ડેશને દીવા પ્રગટાવવાના કાર્યક્રમનું આયોજન કર્યું છે તેની જાણ ખેડૂતોને અગાઉથી હતી. તેમણે કહ્યું, “પરંતુ ખેડૂતો વડા પ્રધાનના જન્મ દિવસની ઉજવણીનો વિરોધ કરવા માગતા નહોતા. તેથી અમે આગલા દિવસે રજૂઆત કરવા ન ગયા.”

પ્રતીક પટેલે ઉમેર્યું, “પાટીદારોની સંસ્થા હોવાથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પાટીદારો માટે બાપ સમાન છે. બાળકને કંઈક જોઈતું હોય તો તે રડતું-રડતું કોની પાસે જાય? તેના મા-બાપ પાસે જાય. તે જ રીતે ચાર મહિનાથી આંદોલન ચાલે છે અને તેની રજૂઆત કરવા અમે અમારા બાપ સમાન સંસ્થામાં ગયા હતા.”

ખેડૂતો બીજી સંસ્થાઓમાં રજૂઆત કરવા જશે?

નેહુલ અમૃતિયા

ઇમેજ સ્રોત, Rajesh Ambaliya

ખેતરમાં પાવર લાઇન નાખવાના વળતર માટે આંદોલન કરી રહેલા ખેડૂતો બીજી સંસ્થાઓમાં રજૂઆત કરવા જશે? તો નેહુલ અમૃતિયા આ સવાલનો જવાબ હકારમાં આપે છે.

તેમણે કહ્યું, “અમે આંદોલનની શરૂઆતમાં જ દરેક સામાજિક સંસ્થા અને ધાર્મિક સંસ્થાને વિનંતી કરી હતી કે અમને મદદ કરો. તે હજુ સુધી નથી મળી. એટલે હવે આવનાર સમયમાં બધી સંસ્થાઓનાં પગથિયાં ખેડૂત ચડશે. જેમ પંજાબમાં ગુરુદ્વારાઓ ખેડૂતોના આંદોલન દરમિયાન લંગર ખોલીને ભોજનની વ્યવસ્થા કરે છે તેમ આ સંસ્થાઓ પણ લોકો દ્વારા ચલાવાય છે અને જયારે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે તેમણે મદદે આવવું જોઈએ.”

નેહુલ અમૃતીયાએ ઉમેર્યું કે ખેડૂતો પાટીદાર સમાજની અન્ય સંસ્થાઓના આગેવાનોને મળશે અને આંદોલનને સમર્થન જાહેર કરવા વિનંતી કરશે.

પ્રતીક પટેલે કહ્યું, “આવતા અઠવાડિયે અમે બધી સંસ્થાઓને વિનંતી કરીશું કે ખેડૂતો કેવા પીડાય છે તે જોવા જેતપરની આંદોલનની છાવણીમાં આવો.”

તો શું આ આંદોલન હવે નવો વળાંક લેશે? નેહુલ અમૃતીયાએ કહ્યું, “આંદોલનની દિશા નક્કી ન હોય. પણ એ વાત નક્કી છે કે અમે અમારા હક્ક લઈને જ ઝંપીશું, ભલે તેમાં છ મહિના લાગે કે બાર મહિના.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS