Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
બાળક થોડા મહિનાનું થાય ત્યારથી તેના દાંત આવવાની શરૂઆત થઈ જાય છે. કિશોરાવસ્થામાં પહોંચે ત્યાં સુધીમાં તેના લગભગ બધા કાયમી દાંત આવી જાય છે.
જોકે, મોઢાના એકદમ પાછળના ભાગમાં આવેલી કેટલીક દાઢ સૌથી છેલ્લે આવે છે.
સામાન્ય રીતે વ્યક્તિ પુખ્ત વયે પહોંચતી હોય ત્યારે આ દાઢ આવે છે.
પાકિસ્તાન, ભારત અને બાંગ્લાદેશની સ્થાનિક ભાષાઓમાં આ દાંતને ‘ડહાપણની દાઢ’ કહેવામાં આવે છે.
એમ માનવામાં આવે છે કે ઉંમર વધવાની સાથે વ્યક્તિની સમજણ અને નિર્ણય લેવાની ક્ષમતા પણ વિકસે છે. ‘ડહાપણ’નો અર્થ સૂઝબૂઝ અથવા વિવેક થાય છે.
આ જ કારણસર અંગ્રેજીમાં તેને ‘વિઝડમ ટૂથ’ કહેવામાં આવે છે. તબીબી ભાષામાં તેને ‘થર્ડ મોલર’ એટલે કે ત્રીજી દાઢ કહેવામાં આવે છે.
દાંતની હારમાં આ ત્રીજી દાઢ હોવાથી તેને આ નામ આપવામાં આવ્યું છે.
જોકે, દરેક વ્યક્તિને ડહાપણની દાઢ આવે એવું જરૂરી નથી. કેટલાક લોકોમાં આ દાંત હોવા છતાં કોઈ તકલીફ થતી નથી, જ્યારે કેટલાક લોકો માટે તે દુખાવો અને તકલીફનું કારણ બની શકે છે.
પરંતુ ડહાપણની દાઢ આટલી મોડી કેમ આવે છે? દાંત આવતી વખતે દુખાવો કેમ થાય છે? આ દાઢ કઈ ઉંમર સુધી આવી શકે છે? અને દુખાવો થાય તો શું દાઢ કઢાવી નાખવી એ જ એક માત્ર ઉપાય છે?
ડહાપણની દાઢ નીકળવાની યોગ્ય ઉંમર
ઇમેજ સ્રોત, Getty Images
પુખ્ત વ્યક્તિના મોઢામાં સામાન્ય રીતે 32 દાંત હોય છે.
આમાં ઉપરના અને નીચેના જડબાની બંને બાજુએ, એકદમ પાછળના ભાગમાં દરેક ખૂણે એક-એક એમ કુલ ચાર ડહાપણની દાઢ હોઈ શકે છે.
જોકે, દરેક વ્યક્તિમાં ચારેય ડહાપણની દાઢ હોય એવું જરૂરી નથી.
કોઈ વ્યક્તિને એક, બે કે ત્રણ ડહાપણની દાઢ હોઈ શકે છે, જ્યારે કોઈકને એક પણ ડહાપણની દાઢ ન હોય એમ બની શકે.
અમેરિકન ડેન્ટલ ઍસોસિયેશન અનુસાર, ડહાપણની દાઢ સામાન્ય રીતે 17થી 21 વર્ષની ઉંમર વચ્ચે આવવાની શરૂઆત થાય છે.
બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ (એનએચએસ)નું કહેવું છે કે આ દાંત સામાન્ય રીતે કિશોરાવસ્થાનાં અંતિમ વર્ષોથી લઈને 25 વર્ષની ઉંમર સુધીમાં આવે છે.
જોકે, તેનો અર્થ એ નથી કે એક ચોક્કસ ઉંમર વીતી ગયા પછી ડહાપણની દાઢ આવી જ ન શકે. કેટલાક લોકોમાં આ દાઢ વધુ મોટી ઉંમરે પણ આવી શકે છે.
ડહાપણની દાઢ પેઢામાં યોગ્ય જગ્યાએ આવે તો તે મોંના પાછળના ભાગને ટેકો આપવા અને જડબાનાં હાડકાંનું રક્ષણ કરવામાં મદદ કરી શકે છે.
જોકે, સામાન્ય રીતે જોઈએ તો હવે ડહાપણની દાઢની ખાસ જરૂર રહી નથી.
મોટા ભાગના તબીબી નિષ્ણાતો તેને હવે શરીરનું નિષ્ક્રિય અંગ માને છે.
ઇમેજ સ્રોત, Getty Images
ભૂતકાળમાં તેની ખાસ ભૂમિકા હતી, પરંતુ હવે તેનું મહત્ત્વ રહ્યું નથી.
અમેરિકાની ક્લીવલૅન્ડ ક્લિનિકના જણાવ્યા મુજબ, આપણા પૂર્વજોના ખોરાકમાં મોટા પ્રમાણમાં કાચાં છોડ, સૂકાં ફળો તથા કઠણ અને રેસાવાળું માંસ સામેલ હતું.
આ પ્રકારના ખોરાકને ચાવીને પચાવી શકાય એવો બનાવવામાં ડહાપણની દાઢ મહત્ત્વની ભૂમિકા ભજવતી હતી.
આજના સમયમાં ખોરાક તૈયાર કરવાની આધુનિક પદ્ધતિઓ અને ખાવા માટે વપરાતાં સાધનોએ ડહાપણની દાઢની જરૂરિયાત ઘણી ઓછી કરી નાખી છે.
ખાવા-પીવાની આદતોમાં આવેલા આ પરિવર્તન સાથે શરીરે પણ કેટલાક નાના ફેરફારો કર્યા છે.
ઉદાહરણ તરીકે, આપણાં જડબાં પહેલાંની સરખામણીએ નાનાં થયાં છે.
આ જ કારણસર ઘણા લોકોનાં મોંમાં ડહાપણની દાઢ આવવા માટે પૂરતી જગ્યા હોતી નથી.
સામાન્ય રીતે માણસને ડહાપણની ચાર દાઢ હોય છે, પરંતુ ચારેય દાઢ આવે એવું જરૂરી નથી.
દર દસમાંથી આશરે આઠ લોકોમાં ઓછામાં ઓછી એક ડહાપણની દાઢ આવતી નથી.
જોકે, એક પણ ડહાપણની દાઢ ન આવવી કે ચારેય દાઢ આવી જવી, બંને સામાન્ય સ્થિતિ છે.
ડહાપણની દાઢ આવતી વખતે દુખાવો કેમ થાય છે?
ઇમેજ સ્રોત, Getty Images
ડહાપણની દાઢ અન્ય દાંતની જેમ સામાન્ય રીતે અને પૂરતી જગ્યા સાથે આવે તો મોટે ભાગે કોઈ તકલીફ થતી નથી.
જોકે, આ દાઢ આવતી વખતે હળવી તકલીફ કે બેચેની થઈ શકે છે.
ડહાપણની દાઢ મુખ્યત્વે જગ્યા ઓછી હોવાને કારણે સમસ્યા ઊભી કરે છે.
આ દાઢ પેઢાના એકદમ પાછળના ભાગમાં આવે છે.
ત્યાં દાઢ આવવા માટે પૂરતી જગ્યા ન હોય તો તે બાજુના દાંત તરફ વળી શકે છે. ક્યારેક તે પેઢામાં કે જડબાનાં હાડકાંમાં આંશિક રીતે અથવા સંપૂર્ણપણે ફસાઈ પણ શકે છે.
આવી દાઢને ‘ઇમ્પેક્ટેડ વિઝડમ ટૂથ’ એટલે કે ફસાયેલી ડહાપણની દાઢ કહેવામાં આવે છે.
આંશિક રીતે બહાર આવેલી દાઢ પર પેઢાનો થોડો ભાગ ઢંકાયેલો રહી જાય તો ત્યાં ખોરાકના કણો અને બૅક્ટેરિયા જમા થઈ શકે છે.
તેના કારણે દાઢની આસપાસના પેઢામાં સોજો અથવા ચેપ થઈ શકે છે. આ સ્થિતિને ‘પેરિકોરોનાઇટિસ’ કહેવામાં આવે છે. તેનાથી દાંતમાં સડો પણ થઈ શકે છે.
આંશિક રીતે બહાર આવેલી દાઢની આસપાસ સફાઈ કરવી મુશ્કેલ હોવાથી કેટલાક કિસ્સામાં ત્યાં પ્રવાહી જમા થઈ શકે છે. તેના કારણે ગાંઠ જેવી કોથળી એટલે કે સિસ્ટ બની શકે છે અથવા પરુ ભરાઈ શકે છે.
અમેરિકાની મેડિકલ અને સંશોધન સંસ્થા મેયો ક્લિનિકના જણાવ્યા અનુસાર, ફસાયેલી દાઢ બાજુના દાંતને પણ નુકસાન પહોંચાડી શકે છે.
આ સ્થિતિમાં દુખાવા ઉપરાંત પેઢામાં સોજો આવી શકે છે. મોં ખોલવામાં કે ચાવવામાં પણ તકલીફ થઈ શકે છે. જોકે, ડહાપણની દાઢ યોગ્ય રીતે આવે તો તે ખોરાક ચાવવામાં મદદ કરે છે.
માણસના દરેક જડબામાં સામાન્ય રીતે ત્રણ દાઢ એટલે કે પાછળના ભાગમાં ખોરાક ચાવવા માટેના ત્રણ દાંત હોય છે.
આગળથી પાછળની તરફ જતાં તે પહેલી દાઢ, બીજી દાઢ અને ત્યાર પછી ત્રીજી દાઢ હોય છે.
સૌથી પાછળ આવેલી આ ત્રીજી દાઢને જ ‘વિઝડમ ટૂથ’ અથવા ડહાપણની દાઢ કહેવામાં આવે છે.
ઇમેજ સ્રોત, Getty Images
કેટલીક વાર દાંત બહારથી દેખાતો ન હોવા છતાં ઍક્સ-રે દ્વારા તેની સ્થિતિ જાણી શકાય છે.
ઢાકાના દંતચિકિત્સક ડૉ. એકેએમ હસનુઝ્ઝમાનના જણાવ્યા અનુસાર, “દાંતની સ્થિતિ યોગ્ય હોય અને તેને આવવા માટે પૂરતી જગ્યા હોય તો ડહાપણની દાઢ એકથી બે વર્ષમાં સામાન્ય રીતે આવી શકે છે. આ દરમિયાન દર થોડા મહિને દુખાવો થઈ શકે છે.”
તેમના જણાવ્યા અનુસાર, ડહાપણની દાઢ આવતી વખતે દર્દીઓની સૌથી મોટી ફરિયાદ દુખાવાની અને સોજાની હોય છે.
ઘણા લોકોને મોં પૂરેપૂરું ખોલવામાં પણ તકલીફ થાય છે.
લાંબા સમય સુધી પેઢાના ચેપની સારવાર ન કરવામાં આવે તો તે મોં અને ગળાના જુદા જુદા ભાગોમાં તે ફેલાઈ શકે છે અને ગંભીર ચેપનું કારણ બની શકે છે.
તેમણે કહ્યું, “એ સમયે શ્વાસ લેવામાં કે ખાવામાં તકલીફ થઈ શકે છે. સ્થિતિ ગંભીર બને તો દર્દીને હૉસ્પિટલમાં દાખલ કરવાની પણ જરૂર પડી શકે છે. ઘણા કિસ્સામાં આખરે સર્જરી કરવાની જરૂર પડે છે.”
શું ડહાપણની દાઢ કઢાવવી જરૂરી છે?
ઇમેજ સ્રોત, Getty Images
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ડહાપણની દાઢમાં દુખાવો થાય એટલે તેને કઢાવવી જ પડે એવું નથી.
એનએચએસના જણાવ્યા અનુસાર, ડહાપણની દાઢ કોઈ તકલીફ ઊભી ન કરતી હોય તો સામાન્ય રીતે તેને કઢાવવામાં આવતી નથી.
તેને બદલે નિયમિત દાંતની તપાસ કરાવીને તેની સ્થિતિ પર નજર રાખવામાં આવે છે.
જોકે, પેઢામાં વારંવાર ચેપ લાગતો હોય, વધારે દુખાવો થતો હોય અથવા દાંત ખરાબ થઈ ગયો હોય તો ડહાપણની દાઢ કઢાવી શકાય છે. સિસ્ટ કે પરુ ભરાવા જેવી તકલીફ થાય તો પણ ડૉક્ટર દાઢ કઢાવવાની સલાહ આપી શકે છે.
સામાન્ય રીતે દાંત કાઢતાં પહેલાં પેઢીમાં સ્થાનિક એનેસ્થેટિકનું ઇન્જેક્શન આપવામાં આવે છે.
તેના કારણે સંબંધિત ભાગ બહેરો થઈ જાય છે અને દાંત કાઢતી વખતે દુખાવો થતો નથી.
દર્દીને વધુ તકલીફ ન પડે તે માટે સેડેશન પણ આપવામાં આવી શકે છે.
દાંત કાઢવાની પ્રક્રિયા જટિલ હોય અથવા દર્દી ખૂબ ગભરાયેલો હોય તો જનરલ એનેસ્થેશિયા આપવામાં આવે છે. એ પછી દર્દી સૂતેલો રહે છે.
ડહાપણની દાઢ કાઢવાના મુખ્ય તબક્કા આ પ્રમાણે છે:
- દાઢ પેઢાની નીચે છુપાયેલી હોય તો ડૉક્ટર પહેલાં પેઢામાં નાનો કાપ મૂકે છે.
- ત્યાર પછી જરૂરિયાત મુજબ દાઢની આસપાસનો ભાગ ખોલવામાં આવે છે.
- પછી દાઢને એક જ ટુકડામાં કાઢવામાં આવે છે. જોકે, જરૂર પડે તો તેને બે કે ત્રણ ટુકડામાં પણ કાઢી શકાય છે.
- છેલ્લે પેઢા પર એવા ટાંકા લેવામાં આવે છે, જે થોડા સમય પછી આપોઆપ ઓગળી જાય છે.
ડહાપણની દાઢ કઢાવ્યા પછી સાજા થવામાં કેટલો સમય લાગે છે?
ઇમેજ સ્રોત, Getty Images
ડહાપણની દાઢ કઢાવ્યા પછી સામાન્ય રીતે બીજા જ દિવસે રોજિંદાં સામાન્ય કામકાજ પર પાછા ફરી શકાય છે.
જોકે, દાંત કાઢવાની પ્રક્રિયા જટિલ હોય અથવા જનરલ એનેસ્થેશિયા આપવામાં આવ્યો હોય તો એકથી ત્રણ દિવસ માટે આરામ કરવાની સલાહ આપવામાં આવે છે.
સામાન્ય રીતે દાંત કઢાવ્યા પછી બે અઠવાડિયાં સુધી કેટલીક તકલીફો રહી શકે છે. જેમ કે, હળવો દુખાવો અને સોજો.
જોકે, આ તકલીફો એક-બે દિવસ પછી ઓછી થવા લાગે છે. ગાલ પર ઈજાનાં નિશાન કે કાળા ડાઘ પણ પડી શકે છે. જડબામાં દુખાવો થઈ શકે છે અને જડબું કડક થઈ શકે છે. ખોરાક ચાવવામાં અને ગળવામાં પણ તકલીફ થઈ શકે છે.
દાંત કાઢ્યા પછી ટાંકા લેવામાં આવ્યા હોય તો સામાન્ય રીતે તે આપોઆપ ઓગળી જાય છે.
દાંત કઢાવ્યા પછી ઘાના સ્થાને લોહીનો ગઠ્ઠો(બ્લડ ક્લૉટ) બને છે, જે ઘા રૂઝાવવામાં મદદ કરે છે.
દાંત કઢાવ્યા પછી શરૂઆતના થોડા દિવસોમાં ઝડપથી અને સારી રીતે સાજા થવા માટે ડૉક્ટરો કેટલીક સાવચેતી રાખવાની સલાહ આપે છે:
- દુખાવો ઓછો કરવા માટે ડૉક્ટરની સલાહ મુજબ પેરાસિટામોલ અથવા આઇબુપ્રોફેન લઈ શકાય છે.
- સામાન્ય રીતે ચાવવાનું સરળ ન બને ત્યાં સુધી નરમ અથવા પ્રવાહી ખોરાક લેવો વધુ સારું છે.
- માઉથવૉશ અથવા મીઠાના હૂંફાળા પાણીના હળવેથી કોગળા કરીને ઘાની જગ્યાને સાફ રાખવી જોઈએ.
ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, બાકીના દાંતની કાળજીપૂર્વક સફાઈ કરવી જોઈએ.
જોકે, ઘા હોય તે જગ્યાને ટાળવી જોઈએ, જેથી ટાંકા કે ત્યાં બનેલો લોહીનો ગઠ્ઠો ખસે નહીં.
લોહી નીકળતું હોય તો સ્વચ્છ કપડું અથવા રૂનું પૂમડું તે જગ્યા પર ઓછામાં ઓછી 10 મિનિટ સુધી દબાવી રાખવું જોઈએ.
બીજી તરફ, ડૉક્ટરો કહે છે કે જનરલ એનેસ્થેશિયા આપવામાં આવ્યો હોય તો 48 કલાક સુધી અને સેડેટિવ ઇન્જેક્શન આપવામાં આવ્યું હોય તો 24 કલાક સુધી વાહન ચલાવવું જોઈએ નહીં.
કઠણ, કરકરા અથવા એવા ખોરાકથી દૂર રહેવું જોઈએ જેનાં કણો ઘામાં ફસાઈ શકે. જેમ કે, સૂકો મેવો કે બી.
ડૉક્ટરો ધૂમ્રપાન ન કરવાની સલાહ આપે છે, કારણ કે તેનાથી ચેપ લાગવાનું જોખમ વધી શકે છે.
જોકે, ડહાપણની દાઢ કઢાવવી મુશ્કેલ પ્રક્રિયા નથી. પરંતુ કેટલીક ગૂંચવણો થઈ શકે છે.
ડ્રાય સૉકેટ: દાંત કાઢ્યા પછી બનેલી ખાલી જગ્યામાં સામાન્ય રીતે લોહીનો ગઠ્ઠો બને છે. આ ગઠ્ઠો યોગ્ય રીતે ન બને અથવા ઘા રૂઝાય તે પહેલાં પોતાની જગ્યાએથી ખસી જાય તો ભારે દુખાવો થઈ શકે છે. આ સ્થિતિને ડ્રાય સૉકેટ કહેવામાં આવે છે.
ચેપ: ઘાવાળી જગ્યાએ ચેપ લાગી શકે છે. તેની સારવાર માટે ઍન્ટિબાયોટિક્સ લેવાની જરૂર પડી શકે છે.
નસને નુકસાન: દાંતની નજીકની નસોને નુકસાન થાય તો જીભ, હોઠ અથવા દાઢીનો ભાગ બહેરો પડી શકે છે અથવા ત્યાં ઝણઝણાટી થઈ શકે છે.
સામાન્ય રીતે સમય જતાં આ સ્થિતિ સુધરી જાય છે. જોકે, કેટલીક વાર તે અનેક અઠવાડિયાં કે મહિનાઓ સુધી પણ રહી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




