Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Matty Smith/ Ocean Photographer of the Year
જિજ્ઞાસુ સીલ, બચ્ચાંને જન્મ આપતા નર સી-હોર્સ અને ઊંડા સમુદ્રમાં ભાગ્યે જ જોવા મળતું જીવન—’ઑશન ફોટોગ્રાફર ઑફ ધ યર 2026’ની કેટલીક સૌથી પ્રભાવશાળી તસવીરોમાં આ બધું જોવા મળે છે.
ચેતવણી: આ લેખમાં એવી એક તસવીર છે, જે કેટલાક વાચકોને અસ્વસ્થ કરી શકે છે.
‘ઑશન ફોટોગ્રાફર ઑફ ધ યર’ સ્પર્ધામાં દર વર્ષે ફોટોગ્રાફરોને દુનિયાના સમુદ્રોની પોતાની સૌથી અદ્ભુત તસવીરો રજૂ કરવા આમંત્રણ આપવામાં આવે છે.
ઉપરની તસવીરમાં ફોટોગ્રાફર મૅથ્યુ સ્મિથે ફૉકલૅન્ડ ટાપુઓના સી-લાયન આઇલૅન્ડ ખાતે છીછરાં ખડકાળ પાણીનાં ખાબોચિયાંમાં પહેલી વાર સમુદ્રમાં પ્રવેશ કરી રહેલા સધર્ન ઍલિફન્ટ સીલના એક જિજ્ઞાસુ બચ્ચાને કૅમેરામાં કેદ કર્યું છે.
ઇમેજ સ્રોત, Julien Anton/ Ocean Photographer of the Year
દુનિયાના સમુદ્રોની સુંદરતા અને તેમની સામે ઊભા થયેલા પડકારો દર્શાવતી આવી વધુ નવ અસાધારણ તસવીરો જોવા માટે નીચે સ્ક્રોલ કરો.
પિતાની ભૂમિકા
ઇમેજ સ્રોત, Stephen Lopez/ Ocean Photographer of the Year
સ્પર્ધાના એકંદર વિજેતા જુલિયન ઍન્ટોનની આ તસવીરમાંં એક પુખ્ત નર સી-હોર્સની સામે તેનું બચ્ચું જોવા મળે છે. મોટા ભાગની સી-હોર્સ પ્રજાતિઓમાં ગર્ભ ધારણ કરવાનું, બચ્ચાંને જન્મ આપવાનું અને તેમનો ઉછેર કરવાનું કામ નર સી-હોર્સ કરે છે. આ તસવીર ફ્રૅન્ચ પૉલિનેશિયાના મૂરેઆનાં છીછરાં પાણીમાં લેવામાં આવી હતી.
આંખ પર નજીકથી નજર
ઇમેજ સ્રોત, Andrea Michelutti/ Ocean Photographer of the Year
કૉપેપૉડ તરીકે ઓળખાતા અત્યંત નાના પરોપજીવી જળચર જીવો જાયન્ટ બ્લૅક-સી બાસની આંખમાં રહે છે. સ્ટીફન લૉપેઝે આ તસવીર અમેરિકાના દક્ષિણ કૅલિફોર્નિયાના દરિયાકાંઠે આવેલા સાન્ટા કૅટાલિના ટાપુ નજીક લીધી હતી.
ઇમેજ સ્રોત, Anita Verde/ Ocean Photographer of the Year
છૂપાઈને શિકાર
ઇમેજ સ્રોત, Mitsuna Kawai/ Ocean Photographer of the Year
ફિલિપાઇન્સમાં ઍન્ડ્રિયા મિકેલુત્તીએ લીધેલી આ તસવીરમાં એક લાલ સ્કૉર્પિયનફિશ લિઝર્ડ-ફિશને મજબૂત પકડમાં જકડીને બેઠેલી જોવા મળે છે. આ નાટકીય દૃશ્ય સ્કોર્પિયનફિશની છૂપાઈને શિકાર કરવાની રીત અને પરવાળાના ખડકોના વિસ્તારોમાં જીવતા જીવો વચ્ચે અસ્તિત્વ માટે સતત ચાલતી લડાઈને દર્શાવે છે.
વિશાળકાય, પણ શાંત
ઇમેજ સ્રોત, John Kowitz/ Ocean Photographer of the Year
મૅક્સિકોમાં 2025ની સારડીન દોડ દરમિયાન ફોટોગ્રાફર અનિતા વર્દેએ આ અણધાર્યા મહેમાનને કૅમેરામાં કેદ કર્યો હતો—નાની કાર જેટલી મોટી જાયન્ટ ઑશનિક સન-ફિશ. તેઓ બીબીસીને કહે છે, “જ્યારે એ વાદળી પાણીમાં અમારી તરફ આવી રહી હતી, ત્યારે એ ચમકતી હોય એવું લાગતું હતું. જાણે પાણીની સપાટીની નીચે કોઈ વિશાળ ચંદ્ર ઊગી રહ્યો હોય. તમે આ માછલીની આંખોમાં જોયા વિના રહી જ ન શકો. એ અજબ રીતે સુંદર છે.”
ઊંડા સમુદ્રમાંથી આવેલો મહેમાન
મિત્સુના કાવાઈએ જાપાનના ઓસેઝાકી નજીકના દરિયાકાંઠે શિયાળા દરમિયાન કરાયેલા એક બ્લૅક-વૉટર ડાઇવ વખતે આ તસવીર લીધી હતી.
રિબન-ફિશનાં બચ્ચાં જીવંત અવસ્થામાં ભાગ્યે જ જોવા મળે છે, કારણ કે તેઓ સમુદ્રમાં 900 મીટર (2,950 ફૂટ) સુધીની ઊંડાઈએ રહે છે. આ તસવીરમાં દેખાતું આટલું નાનું બચ્ચું કદાચ માત્ર થોડાક સેન્ટિમીટર લાંબું હશે. પુખ્ત થયા પછી તેમની લંબાઈ 1.8 મીટર (6 ફૂટ) સુધી થઈ શકે છે.
એકસાથે તરતી
ઇમેજ સ્રોત, Suliman Alatiqi/ Ocean Photographer of the Year
અમેરિકાના હવાઈમાં રેતીવાળા સમુદ્રતળની ઉપર એકસાથે તરતી પાંચ સ્પોટેડ ઇગલ-રેની આ કલાત્મક તસવીર જૉન કોવિટ્ઝે લીધી છે. આ રે ઘણી વાર શિકારની શોધમાં સાથે મળીને આગળ વધે છે. રેતીમાં દટાયેલા છીપવાળા જીવો અને ક્રસ્ટેશિયનને શોધવા માટે તેઓ શરીરમાં રહેલા વિશેષ વિદ્યુત-સંવેદક અંગોનો ઉપયોગ કરે છે.
મોંમાં બચ્ચાં ઉછેરવાં
ઇમેજ સ્રોત, Francesca Page/ Ocean Photographer of the Year
ઇન્ડોનેશિયાના માવાલીમાં સુલિમાન અલાતિકીએ લીધેલી આ અદ્ભુત ક્લોઝ-અપ તસવીરમાં એક નર બેંગાઈ કાર્ડિનલ-ફિશ પોતાનાં હમણાં જ બહાર આવેલાં બચ્ચાંને 10 દિવસ સુધી ખોરાક લીધા વિના મોંમાં સાચવીને બેઠેલી જોવા મળે છે. ‘માઉથ બ્રૂડિંગ’ તરીકે ઓળખાતી આ ખાસ રીત બચ્ચાં પોતાનું રક્ષણ જાતે કરી શકે એટલાં સ્વતંત્ર ન બની જાય ત્યાં સુધી તેમને શિકારી જીવોથી બચાવવામાં મદદ કરે છે.
લૉબ્સ્ટરનું ઉછેર કેન્દ્ર
ફ્રાન્સેસ્કા પેજે લીધેલી આ તસવીરમાં દેખાય છે એવાં હજારો નાનાં અને નાજુક લૉબ્સ્ટર બચ્ચાંને દર વર્ષે બ્રિટનના પૅડસ્ટોમાં આવેલી નૅશનલ લૉબ્સ્ટર હૅચરીમાં ઉછેરવામાં આવે છે. કુદરતી વાતાવરણમાં 20,000માંથી માત્ર એક બચ્ચું પુખ્ત વય સુધી પહોંચી શકે છે. આવી હૅચરીમાં ઉછેરવામાં આવેલાં બચ્ચાંની પ્રજનન વય સુધી જીવિત રહેવાની શક્યતા આશરે 1,000 ગણી વધારે હોય છે.
ઇમેજ સ્રોત, Karsten Michels/ Ocean Photographer of the Year
ડૅનમાર્કના રાજ્ય હેઠળ સ્વશાસિત પ્રદેશ એવા ફૅરો ટાપુઓમાં કાર્સ્ટન મિકલ્સે એક શિકારી દ્વારા પાઇલટ વ્હેલને મારી નાખવામાં આવી રહી હોવાની તસવીર લીધી છે.
‘ગ્રિન્ડાડ્રાપ’ તરીકે ઓળખાતી આ પરંપરાગત પ્રથામાં પાઇલટ વ્હેલનાં ટોળાને દરિયાકિનારા તરફ હંકારી લાવવામાં આવે છે અને પછી તેમની હત્યા કરવામાં આવે છે. નાના પાયે કરવામાં આવતો વ્હેલનો શિકાર પણ ઊંડા સમુદ્રના પર્યાવરણ પર ગંભીર અસર પાડી શકે છે. એ કેવી રીતે થાય છે, તે જાણવા માટે કૅથરીન લેથમની આ સ્ટોરી વાંચો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




