Home તાજા સમાચાર gujrati અમદાવાદમાં બેઠાં-બેઠાં બનાવટી કૉલ કરીને અમેરિકનોને લૂંટવાનું કૌભાંડ કેવી રીતે પકડાયું?

અમદાવાદમાં બેઠાં-બેઠાં બનાવટી કૉલ કરીને અમેરિકનોને લૂંટવાનું કૌભાંડ કેવી રીતે પકડાયું?

6
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી સીબીઆઈ પોલીસ અમદાવાદ હેકિંગ અમેરિકા ફેક કોલ સેન્ટર

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં બે બેડરૂમના ફ્લૅટની એક સોસાયટીમાંથી કૉલ સેન્ટર પકડાયું છે જ્યાંથી અમેરિકા ફોન કરીને લોકોને છેતરવામાં આવતા હતા.

અત્યાર સુધીની તપાસ મુજબ અમદાવાદથી વર્ચ્યુઅલ કૉલ કરીને લગભગ 20 અમેરિકનોને નિશાન બનાવવામાં આવ્યા હતા, જેમાં એજન્સીના કહેવા પ્રમાણે લગભગ 7.21 મિલિયન ડૉલર (આશરે 69.21 કરોડ રૂપિયા)થી વધુ રકમ પડાવી લેવામાં આવી હતી. આ કૌભાંડ છેક 2024થી ચાલુ હતું.

નાણાં પડાવવાની પદ્ધતિ લગભગ એક સરખી હતી. દરેક વખતે કોઈ મોટી ઉંમરની વ્યક્તિને કૉલ કરીને કોઈ ગુના અંગે ડરાવવામાં આવતા, તેમને ગિફ્ટ કાર્ડ ખરીદવાની ફરજ પાડવામાં આવતી અને પછી આ નાણાંને ગોલ્ડમાં કન્વર્ટ કરીને તે પડાવી લેવાયા હતા.

સીબીઆઈએ આ કેસમાં અંકિત પાંડે નામના એક યુવાનની ધરપકડ કરી છે જે પોતાના મિત્રોની સાથે ફ્લૅટમાંથી કૉલ કરતો હતો.

શું છે સમગ્ર મામલો?

બીબીસી ગુજરાતી સીબીઆઈ પોલીસ અમદાવાદ હેકિંગ અમેરિકા ફેક કોલ સેન્ટર

દિલ્હી સીબીઆઈએ નોંધેલી ફરિયાદ પ્રમાણે મૂળ અમેરિકાના ટેક્સાસ રાજ્યના 78 વર્ષીય મહિલા હેલન પોતાના કમ્પ્યુટર પર કામ કરતાં હતાં ત્યારે તેમને એક પૉપ-અપ મૅસેજ આવ્યો હતો. તેમણે મૅસેજ ખોલવાનો પ્રયાસ કર્યો તો કમ્પ્યુટર સ્ક્રીન બ્લૅક થઈ ગઈ. ત્યાર પછી તેમને એક નંબર પર ફોન કરવાની સૂચના મળી.

તેમણે તે નંબર પર ફોન કર્યો તો પહેલાં ફોન પર એક જાણીતી કમ્પ્યુટર બનાવતી કંપનીમાંથી પોતે હેક થયેલા કમ્પ્યુટરને સિક્યૉર કરે છે એવો ફોન આવ્યો. સામેથી તરત કહેવામાં આવ્યું કે તમારું કમ્પ્યુટર હેક થયું છે અને હેલનને ફેડરલ ટ્રેડ કમિશનના અધિકારી વાત કરશે એમ કહેવામાં આવ્યું.

હેલને જ્યારે વાત કરી તો તેમને કથિત અધિકારીએ કહ્યું કે તમારા બૅન્ક ખાતામાંથી ચાઇલ્ડ પોર્નોગ્રાફિક મટિરિટલ માટે 4800 ડૉલર ટ્રાન્સફર થયા છે. તેથી તમારે સિક્યૉરિટી માટે ગિફ્ટ કાર્ડ ખરીને જમા કરાવવાના રહેશે. આ રીતે મહિલાને ધમકાવીને ગિફ્ટ કાર્ડ ખરીદવા ફરજ પાડવામાં આવી, ત્યાર પછી તેના નંબર લઈ લેવાયા.

ત્યારબાદ મહિલાના ગિફ્ટ કાર્ડ ફેડરલ ટ્રેડ કમિશનના લૉકરમાં જમા હોવાની નકલી રસીદ પણ મોકલી આપી હતી. તેનાથી 78 વર્ષીય મહિલાને લાગ્યું કે સામેની વ્યક્તિ સરકારી અધિકારી છે અને તેના નાણાં સલામત છે. થોડી વાર પછી ફરી સોશિયલ સિક્યોરિટી બંધ કરવાનું કહીને તેમને ધમકાવાયાં અને કહેવામાં આવ્યું કે તમારું એકાઉન્ટ હેક થયું છે. તેથી નાણાંને ગોલ્ડ બારમાં રૂપાંતરિત કરવાની સૂચના અપાઈ.

સીબીઆઈની એફઆઈઆર મુજબ મહિલા પાસે જે ખાતામાં જે રકમ હતી તેના તેમણે ગોલ્ડ બાર ખરીદી લીધા. ત્યાર બાદ ફેડરલ ટ્રેડ કમિશનના ઑફિસર બનીને રેન્ડી સેલ્ઝરના નામે કોઈ વ્યક્તિએ વાત કરી અને હેલન પાસે પોતાનો એક પિકઅપ મેન મોકલીને તેની પાસેથી ગોલ્ડ બાર મેળવી લીધા. ત્યાર પછી તેમનું સોનું લૉકરમાં જમા છે એવી અમેરિકન સરકારની રસીદ પણ મોકલાવી દીધી.

ટૅક્સાસમાં જ 68 વર્ષીય માર્ક મેકલેન નામનાં મહિલા સાથે પણ આવી જ ઘટના બની હતી. સૌથી પહેલાં તેમને કૉલ કરીને જણાવાયું કે તેમણે ચીનમાં ચાઇલ્ડ પોર્નોગ્રાફી માટે અલગ અલગ વેબસાઇટ પર 9700 ડૉલર ચૂકવ્યા છે. ત્યાર પછી તેમને 450 ડૉલરના બે ગિફ્ટ કાર્ડ ખરીદવા જણાવાયું અને તેમને પણ નાણા સુરક્ષિત રાખવા માટે ગોલ્ડ બારમાં ટ્રાન્સફર કરવાની સૂચના અપાઈ. હેલનના કિસ્સામાં થયું હતું તેવી જ રીતે આ કેસમાં પણ મહિલાના ઘરે પિક અપ વેન મોકલીને સોનું મેળવી લેવાયું અને બદલામાં સરકારી રસીદ આપવામાં આવી.

સીબીઆઈની એફઆઈઆર પ્રમાણે આ બધું કામ અમદાવાદથી થઈ રહ્યું હતું. અમદાવાદના એક નકલી કૉલ સેન્ટરમાંથી આ રીતે 20 અમેરિકન લોકો પાસેથી નાણાં પડાવાયા હતા. દરેક વખતે અમદાવાદથી વર્ચ્યુઅલ ફોન કૉલ કરવામાં આવતો અને તેમાં લગભગ 10 અલગ અલગ નંબરોનો ઉપયોગ થયો હતો.

તપાસમાં પાંચ અલગ અલગ આઇપી એડ્રેસ મળ્યા હતા જે અમદાવાદના હતા. પોલીસે આ કેસમાં અંકિત પાંડે નામની વ્યક્તિની ધરપકડ કરી છે.

સીબીઆઈએ શું કહ્યું?

બીબીસી ગુજરાતી સીબીઆઈ પોલીસ અમદાવાદ હેકિંગ અમેરિકા ફેક કોલ સેન્ટર

આ કેસ અંગે સીબીઆઈના દિલ્હીસ્થિત ડીવાય એસપી મનીષકુમાર પાંડેએ બીબીસીને જણાવ્યું કે વર્ષ 2024થી આ નકલી કૉલ સેન્ટર ચાલતું હતું. અમને મળેલી બાતમીના આધારે અમે અમદાવાદમાં દરોડા પાડીને કેટલીક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શન પકડ્યાં છે. આ વિશે તપાસ ચાલુ હોવાથી તેમણે વધુ વિગતો આપવાનો ઇનકાર કર્યો હતો .

અંકિતના પરિચિત શું કહે છે?

અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં રહેતા અંકિતના એક પરિચિત જયેશ રાઠોડે બીબીસીને જણાવ્યું કે ન્યૂ સીજી રોડ પર અમારી બે બેડરૂમના ફ્લૅટની સોસાયટી છે. અંકિત અગાઉ સોસાયટીના ક્રાર્યક્રમોમાં ભાગ લેતો પરંતુ બે વર્ષથી મિત્રની સાથે ઘરમાં જ રહેતો હતો.

સોસાયટીમાં તેનું કોઈ ન્યૂસન્સ ન હતું. અહીં સીબીઆઈ અને પોલીસ આવી ત્યારે અમને ખબર પડી કે તે અહીં ગેરકાયદે કૉલ સેન્ટર ચલાવતો હતો. હાલમાં તેના ઘરને સીલ કરેલું છે. પોલીસની રેડ પછી તેના કોઈ મિત્રો કે બીજું કોઈ અહીં આવ્યું નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS