Home તાજા સમાચાર gujrati પીએમ મોદીની શૈક્ષણિક ડિગ્રી સંબંધિત અપીલોની સુનાવણી મુલતવી રાખવામાં આવી- ન્યૂઝ અપડેટ

પીએમ મોદીની શૈક્ષણિક ડિગ્રી સંબંધિત અપીલોની સુનાવણી મુલતવી રાખવામાં આવી- ન્યૂઝ અપડેટ

4
0

Source : BBC NEWS

નરેન્દ્રમોદી બીબીસી ગુજરાતી

પ્રકાશિત

વાંચવાનો સમય: 6 મિનિટ

દિલ્હી હાઇકોર્ટએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સંબંધિત માહિતી માંગતી અપીલોની સુનાવણી ડિસેમ્બર સુધી મુલતવી રાખી છે.

કાનૂની સમાચાર વેબસાઇટ બાર ઍન્ડ બૅન્ચ અનુસાર, આ મામલાઓ મુખ્ય ન્યાયાધીશ ડી.કે. ઉપાધ્યાય અને ન્યાયમૂર્તિ તેજસ કરિયાની ખંડપીઠ સમક્ષ સૂચિબદ્ધ હતા, પરંતુ તેમની સુનાવણી થઈ શકી નહોતી.

બીજી તરફ, ગુજરાત હાઇકોર્ટએ મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી સંબંધિત એક અપીલ ફગાવી દીધી છે.

લાઇવ લૉ અનુસાર, અરવિંદ કેજરીવાલે દાખલ કરેલી તે અપીલને નામંજૂર કરવામાં આવી, જેમાં તેમણે તે આદેશને પડકાર્યો હતો જેણે ગુજરાત યુનિવર્સિટીને વડા પ્રધાન મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગે માહિતી આપવા માટેના નિર્દેશને રદ કર્યો હતો.

ગુજરાત હાઇકોર્ટનીનાં મુખ્‍ય ન્યાયાધીશ સુનીતા અગ્રવાલ અને ન્યાયમૂર્તિ ડી.એન. રેની ખંડપીઠે એકલ ન્યાયાધીશના આદેશને યથાવત્ રાખ્યો હતો.

ખંડપીઠને સેન્ટ્રલ ઇન્ફૉર્મેશન કમિશન (CIC)ના 2016ના નિર્દેશને રદ કરવા તથા અરવિંદ કેજરીવાલ પર લાદવામાં આવેલા 25,000 રૂપિયાના દંડના નિર્ણયમાં હસ્તક્ષેપ કરવા માટે કોઈ યોગ્ય આધાર મળ્યો નહોતો.

ફારસની ખાડીમાં કેટલાં ભારતીય જહાજો અને નાવિકો છે, વિદેશ મંત્રાલયે જણાવ્યું

persian gulf, iran, India,બીબીસી ગુજરાતી, ફારસની ખાડી, ઈરાન

સપ્તાહની પ્રથમ પ્રેસ કૉન્ફરન્સ દરમિયાન રણધીર જયસવાલે જણાવ્યું કે ભારતીય વિદેશ મંત્રાલયે ફારસની ખાડીમાં હાજર ભારતીય જહાજો અને ભારતીય નાવિકો અંગે માહિતી આપી છે.

પ્રેસ કૉન્ફરન્સમાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું,”હાલમાં ફારસની ખાડીમાં ભારતના ધ્વજવાળાં છ વાણિજ્યિક જહાજો હાજર છે.”

તેમણે આગળ જણાવ્યું,”આ ઉપરાંત, છ વિદેશી ધ્વજવાળાં જહાજો પણ છે, જે ભારત માટે માલસામાન લઈ જઈ રહ્યા છે. એટલે કે કુલ 12 જહાજો ત્યાં હાજર છે. આ જહાજોમાં લગભગ 163 ભારતીય નાવિકો સવાર છે.”

વિદેશ મંત્રાલયે વધુમાં માહિતી આપી કે આ જળક્ષેત્રમાં 4,500થી વધુ ભારતીય નાવિકો વિવિધ વાણિજ્યિક જહાજોમાં કાર્યરત છે. સાથે-સાથે, નૌવહન મંત્રાલય આ જહાજોની અવરજવર પર સતત નજર રાખી રહ્યું છે.

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરવાની માંગ કરતી અરજી પર સુપ્રીમ કોર્ટ આવતા અઠવાડિયે સુનાવણી કરશે

મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર

સુપ્રીમ કોર્ટે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરવાની માંગ કરતી જનહિત અરજી (PIL) પર આવતા અઠવાડિયે સુનાવણી કરવા માટે સંમતિ આપી છે.

આ અરજીમાં ચૂંટણીપંચે જ્ઞાનેશકુમારના નેતૃત્વ હેઠળ લીધેલા એવા નિર્ણયો પડકારવામાં આવ્યા છે, જે કથિત રીતે અન્ય બે ચૂંટણી કમિશનરોની મંજૂરી વિના લેવામાં આવ્યા હતા.

મંગળવારે આ મામલાનો ઉલ્લેખ મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, ન્યાયમૂર્તિ જોયમાલ્ય બાગચી અને ન્યાયમૂર્તિ વી. મોહનની ખંડપીઠ સમક્ષ કરવામાં આવ્યો હતો.

વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે અદાલતને જણાવ્યું હતું કે કાયદા મુજબ બહુસભ્યીય ચૂંટણીપંચના નિર્ણયો સર્વસંમતિથી અથવા બહુમતીના આધારે લેવામાં આવવા જોઈએ.

અરજીમાં આરોપ લગાવવામાં આવ્યો છે કે ચૂંટણીપંચે કેટલાક નિર્ણયો નિર્ધારિત કાનૂની પ્રક્રિયાનું પાલન કર્યા વિના લીધા હતા.

સુપ્રીમ કોર્ટે આ મામલાને સુનાવણી માટે આવતા અઠવાડિયે સૂચિબદ્ધ કરવા માટે સંમતિ આપી છે.

હકીકતમાં, અંગ્રેજી અખબાર ‘ઇન્ડિયન એક્સપ્રેસ’એ પોતાની એક તપાસ રિપોર્ટમાં જણાવ્યું છે કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા કેટલાક મહિનાઓ દરમિયાન ભારતના ચૂંટણી પંચના નિર્ણયો અને કાર્યપદ્ધતિ અંગે આંતરિક સ્તરે વાંધા ઉઠાવ્યા હતા.

અખબારના અહેવાલ અનુસાર, ગયા વર્ષે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) અભિયાન દરમિયાન ચૂંટણી કમિશનરને ઘણા નિર્ણયો વિશે જાણ કરવામાં આવી નહોતી અને બંને ચૂંટણી કમિશનરોએ આ નિર્ણયો અંગે વારંવાર વાંધા નોંધાવ્યા હતા.

આ રિપોર્ટ સામે આવ્યા પછી વિપક્ષી પક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર પર તીવ્ર પ્રહાર કર્યા છે અને તેમના રાજીનામાની માંગ કરી છે.

મ્યાનમારના રાખાઇન પ્રદેશમાં નાગરિકો પર હવાઈ હુમલા, 49 લોકોનાં મોત

 

અરાકાન આર્મી (AA)ના જણાવ્યા મુજબ, આ હુમલામાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 22 લોકોની હાલત ગંભીર હોવાનું જણાવાયું છે.

મ્યાનમારના રાખાઇન રાજ્યના ક્યાઉક્તાવ શહેરમાં 28 સપ્ટેમ્બરે થયેલા હવાઈ હુમલામાં મૃત્યુઆંક વધીને 49 થયો છે.

અરાકાન આર્મીના જણાવ્યા અનુસાર, આ હુમલામાં લગભગ 60 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 22ની સ્થિતિ ગંભીર હોવાનું કહેવામાં આવ્યું છે.

બીબીસી ન્યૂઝ બર્મીઝ અનુસાર, સ્થાનિક સૂત્રોનો દાવો છે કે કાટમાળમાંથી મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી હજુ ચાલુ છે અને મૃત્યુઆંક 58 સુધી પહોંચી શકે છે.

આ હુમલો ક્યાઉક્તાવ સ્થિત કિસ્સાપનાદી પુલ વિસ્તાર અને ભારતીય બજારની આસપાસ કરવામાં આવ્યો હતો.

અરાકાન આર્મીએ આ હુમલા માટે મ્યાનમારની સેનાને જવાબદાર ઠેરવી તેની ટીકા કરી છે અને જવાબી કાર્યવાહી કરવાની ચેતવણી આપી છે.

બીજી તરફ, સેના સમર્થક ટેલિગ્રામ ચેનલોનો દાવો છે કે માર્યા ગયેલા લોકો અરાકાન આર્મીના સભ્યો હતા. જોકે, આ દાવાઓની સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ શકી નથી.

તાજેતરના મહિનાઓમાં રાખાઇન રાજ્યમાં નાગરિકો પર થયેલા સૌથી ઘાતક હુમલાઓમાંથી આ એક ગણવામાં આવે છે.

રાજકોટની ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ભ્રષ્ટાચારના કેસમાં નોકરીમાંથી ડિસમિસ કરાયા

રાજકોટની ધર્મેન્દ્રજી આર્ટ્સ કોલેજના પ્રિન્સિપાલને ભ્રષ્ટાચારના કેસમાં નોકરીમાંથી રૂખસદ અપાઈ

રાજકોટસ્થિત ધર્મેન્દ્રસિંહજી આર્ટ્સ કૉલેજના પ્રિન્સિપાલ ડૉ. પરેશ રાવલને કથિત ભ્રષ્ટાચારના કેસમાં ટર્મિનેટ કરવામાં આવ્યા છે.

શિક્ષણ વિભાગના એક આદેશ પ્રમાણે હાલમાં ધર્મેન્દ્રસિંહજી કૉલેજના પ્રિન્સિપાલ અને ભુજની લાલન કૉલેજના તત્કાલીન કાર્યકારી આચાર્ય પરેશ રાવલ સામે સાબિત થયેલા આરોપીની ગંભીરતા, ફરજ પ્રત્યે નિષ્ઠા અને પ્રામાણિકતાના અભાવને ધ્યાનમાં રાખીને ‘ભવિષ્યમાં સરકારી નોકરી માટે ગેરલાયક ઠરે નહીં’ તે રીતે નોકરીમાંથી રુખસદ આપવામાં આવી છે.

તેમની સામે આરોપ છે કે તેઓ ભુજની લાલન કૉલેજમાં ઑગસ્ટ 2011થી ડિસેમ્બર 2018 દરમિયાન કાર્યકારી આચાર્ય હતા, ત્યારે કોઈ પણ પ્રકારની પ્રક્રિયાને અનુસર્યા વગર વર્ક ઑર્ડર આપીને 25.36 લાખનો ખર્ચ કર્યો હતો. આ ખર્ચ 2016માં કૉલેજને ફાળવાયેલી 50 લાખની ગ્રાન્ટમાંથી કરવામાં આવ્યો હતો.

બીબીસી સાથે વાત કરતા ડૉ. પરેશ રાવલે જણાવ્યું કે “મારી સામે એક જૂની ઇન્કવાયરી ચાલુ હતી જેમાં મને આખરે રિમૂવ કર્યો છે. સરકાર તેનું કામ કરે છે. હું આ મામલે કોર્ટમાં જઈશ.”

એશિયન ગેમ્સ 2026 : નીરુ ઢાંડાએ રચ્યો ઇતિહાસ, મહિલા ટ્રેપ શૂટિંગમાં જીત્યો ગોલ્ડ મેડલ

હરિયાણાનાં 26 વર્ષીય નીરુએ ફાઇનલમાં 28નો સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો

જાપાનમાં યોજાઈ રહેલી એશિયન ગેમ્સ 2026માં ભારતનાં નીરુ ઢાંડાએ મહિલા ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો છે.

આ સાથે જ તેઓ એશિયન ગેમ્સમાં મહિલા ટ્રેપ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય શૂટર બની ગયાં છે.

હરિયાણાનાં 26 વર્ષીય નીરુએ ફાઇનલમાં 28નો સ્કોર નોંધાવીને ગોલ્ડ મેડલ પોતાના નામે કર્યો હતો. સાથે જ તેમણે એશિયન ગેમ્સનો નવો રેકૉર્ડ પણ બનાવ્યો હતો. અગાઉનો રેકૉર્ડ 24નો હતો.

ચીનનાં સન યુનોંગે 26 પૉઇન્ટ સાથે સિલ્વર મેડલ જીત્યો હતો, જ્યારે કુવૈતનાં અબ્દુલમાલિક હજરે 21 પૉઇન્ટ સાથે બ્રૉન્ઝ મેડલ મેળવ્યો હતો.

આ ગોલ્ડ મેડલ સાથે ભારત મેડલ ટેબલમાં 11મા સ્થાને પહોંચી ગયું છે. ભારતે અત્યાર સુધીમાં 5 ગોલ્ડ, 21 સિલ્વર અને 21 બ્રૉન્ઝ મેડલ જીત્યા છે.

નીરુએ આ પહેલાં મહિલા ટ્રેપ ટીમ સ્પર્ધામાં પણ ભારતને સિલ્વર મેડલ અપાવ્યો હતો.

તે ઉપરાંત, જુલાઈ 2026માં તેઓ ટ્રેપ શૂટિંગના વર્લ્ડકપમાં ગોલ્ડ જીતનાર પ્રથમ ભારતીય મહિલા શૂટર પણ બન્યાં હતાં.

ગોલ્ડી બરાડ અમેરિકાના મોસ્ટ વૉન્ટેડ અપરાધીઓના લિસ્ટમાં સામેલ

બીબીસી ગુજરાતી ગોલ્ડી બરાડ અમેરિકા ભારત એફબીઆઈ મોસ્ટ વોન્ટેડ

અમેરિકાની ફેડરલ તપાસ એજન્સી એફબીઆઈએ સતિંદરજિતસિંહ ગોલ્ડી બરાડને પોતાના ‘ટેન મોસ્ટ વૉન્ટેન્ડ ફ્યુઝિટિવ્સ’ એટલે કે દેશના 10 સૌથી વૉન્ટેડ અપરાધીઓના લિસ્ટમાં સામેલ કર્યા છે.

એફબીઆઈ મુજબ ગોલ્ડી બરાડ પર લૉરેન્સ બિશ્નોઈ ગૅંગ સાથે જોડાયેલા હોવાનો આરોપ છે.

એફબીઆઈનું કહેવું છે કે ગોલ્ડી બરાડનું સંગઠિત અપરાધી જૂથ અમેરિકાના કૅલિફોર્નિયા સહિત અમેરિકા અને કૅનેડાના ઘણા ભાગોમાં હિંસક ઘટનાઓમાં સામેલ રહ્યું છે.

એજન્સીનો આરોપ છે કે ગોલ્ડી બરાડ આ અપરાધિક નેટવર્ક સાથે જોડાયેલા છે અને ઘણા સમયથી તેમની શોધખોળ ચાલુ છે.

એફબીઆઈએ ગોલ્ડી બરાડની ધરપકડ કરવામાં મદદની માહિતી આપનાર માટે 10 લાખ ડૉલર (લગભગ 9.6 કરોડ રૂપિયા)થી વધુ ઇનામની જાહેરાત કરી છે.

એજન્સીએ સામાન્ય લોકોને અપીલ કરી છે કે તેમની પાસે ગોલ્ડી બરાડ વિશે માહિતી હોય તો તાત્કાલિક લૉ ઍન્ફોર્સમેન્ટ એજન્સીઓને જાણ કરે.

સુરક્ષા કારણોથી OpenAi ચેટ જીપીટીનું નવું મૉડલ લૉન્ચ નહીં કરે

બીબીસી ગુજરાતી ઓપનએઆઈ ચેટ જીપીટી

ચેટજીપીટી બનાવનાર કંપની ઓપનએઆઈએ મંગળવારે એ વાતની પુષ્ટિ કરી હતી કે નવી પેઢીના એઆઈ મૉડલ જીપીટી 6.1 અસ્ટ્રાનું લૉન્ચિંગ હાલમાં નહીં કરવામાં આવે.

કંપનીનું કહેવું છે કે આ મૉડલ સુરક્ષા અને ભરોસાના નિશ્ચિત માપદંડ પર સંપૂર્ણ રીતે પાર નથી પડ્યું.

ઓપનએઆઈમાં સેફ્ટી સિસ્ટમ્સના વડા સાચી જૈને જણાવ્યું કે આ એઆઈ મૉડલ પોતાની જાતે ઇન્ટરનેટ બ્રાઉઝ કરવાનું અને ઍપ્સના ઉપયોગ જેવું કામ કરી શકે છે, પરંતુ તેનું પર્ફૉર્મન્સ કંપનીની અપેક્ષા પ્રમાણે નથી રહ્યું.

તેમણે કહ્યું કે આ મૉડલને એ સમજવામાં મુશ્કેલી જણાઈ કે તેણે કયા ક્ષેત્ર અને કયા અધિકાર હેઠળ કામ કરવાનું છે.

સાથે સાથે એ પણ સ્પષ્ટ નથી કે તે યૂઝર્સને પોતાના કામ વિશે કેટલી સચોટ અને પારદર્શક માહિતી આપે છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS