Home તાજા સમાચાર gujrati ગુજરાતના 18 જિલ્લામાં ઓછો વરસાદ છતાં રાજ્ય સરકાર મહારાષ્ટ્રની જેમ દુષ્કાળ કેમ...

ગુજરાતના 18 જિલ્લામાં ઓછો વરસાદ છતાં રાજ્ય સરકાર મહારાષ્ટ્રની જેમ દુષ્કાળ કેમ જાહેર નથી કરતી

4
0

Source : BBC NEWS

Gujarat, Monsoon, Drought, બીબીસી ગુજરતી, ગુજરાત, વરસાદની ઘટ, દુષ્કાળ, ચોમાસું 2026

“ખેતીની વાત જવા દો અમારે અહીં અત્યારથી કૂવા ખાલી થઈ ગયા છે અને પીવાનું પાણી પણ મળતું નથી. ઢોરઢાંખરને શું ખવડાવવું અને પાણી ક્યાંથી લાવવું એ જ સમજાતું નથી. સરકાર નથી પાણી પૂરું પાડતી કે નથી દુષ્કાળ જાહેર કરતી. અમારા માટે આ વર્ષ કાઢવું ભારે પડી જવાનું છે.”

આ શબ્દો છે દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુર તાલુકાના વતની ગોવિંદભાઈ ગોજિયાના.

વાડી વિસ્તારમાં રહેતા ગોવિંદભાઈ કહે છે કે, “સરકારી ચોપડે અમારા તાલુકામાં ભલે આઠ ટકા વરસાદ પડ્યો હોય, પણ અસલમાં તો ચોમાસું સાવ કોરું ગયું છે એમ કહીએ તો ચાલે. આ વર્ષે અમારે નથી કોઈ પાક ઊતરવાનો કે નથી પશુપાલન થઈ શકે તેવી સ્થિતિ.”

“સરકાર ઝડપથી દુષ્કાળ જાહેર કરીને રાહત આપે તેની રાહ જોઈએ છીએ.”

અલ નીનોની અસરના કારણે ભારતમાં આ વખતે ઘણી જગ્યાએ અપૂરતો વરસાદ પડ્યો છે જેમાં ગુજરાત અને મહારાષ્ટ્ર પણ સામેલ છે.

મહારાષ્ટ્ર સરકારે તાજેતરમાં અસરગ્રસ્ત વિસ્તારોમાં દુષ્કાળની જાહેરાત કરી દીધી છે, જ્યારે ગુજરાતમાં હજુ સુધી કોઈ જાહેરાત થઈ નથી. દેવભૂમિ દ્વારકા, કચ્છ, પોરબંદર જેવા જિલ્લાઓમાં ખેતી માટે ચિંતાજનક સ્થિતિ હોવા છતાં દુષ્કાળની વિધિવત જાહેરાત ન થવાથી સરકારના આયોજન સામે સવાલો થઈ રહ્યા છે.

ગુજરાત અને મહારાષ્ટ્રની સરખામણી

બીબીસી ગુજરાતી ખેડૂત દુષ્કાળ ગુજરાત વરસાદ રાજ્ય સરકાર ખેતીવાડી પશુપાલન

હાલમાં દુષ્કાળની ગંભીર સ્થિતિ હોય તેવાં પાંચ રાજ્યોમાં કર્ણાટક, મહારાષ્ટ્ર, આંધ્ર પ્રદેશનો અમુક ભાગ, તેલંગણા અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.

બીબીસીએ ગુજરાતમાં ખેડૂતો સાથે વાત કરીને તેમનો મત જાણ્યો જેમાં મોટા ભાગનાએ કહ્યું કે સરકાર દુષ્કાળ જાહેર કરે તો તેમને ઘાસનો પુરવઠો મળી શકે, પીવાના પાણીની વ્યવસ્થા થઈ શકે અને સબસિડીના દરે બીજી સગવડો મળી શકે.

તેમનું એવું પણ કહેવું છે કે દુષ્કાળ જાહેર નહીં થાય તો તેમની ખર્ચ પાત્ર આવકને અસર થશે અને તેમના ઢોરઢાંખરને બચાવવાનું પણ મુશ્કેલ બની જશે.

ગુજરાતની જેમ પડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં પણ ઓછો વરસાદ પડ્યો છે અને રાજ્ય સરકારે 358માંથી 265 તાલુકામાં દુષ્કાળની જાહેરાત કરી દીધી છે.

બીબીસી ગુજરાતી ખેડૂત દુષ્કાળ ગુજરાત વરસાદ રાજ્ય સરકાર ખેતીવાડી પશુપાલન

મહારાષ્ટ્રમાં આ વખતે માત્ર પાંચ જિલ્લામાં એવરેજ કરતા વધુ વરસાદ નોંધાયો છે. બાકી દરેક જિલ્લામાં વરસાદની ઘટ છે.

મહારાષ્ટ્રમાં પહેલી જૂનથી 26 સપ્ટેમ્બર દરમિયાન સરેરાશ 798 મીમી વરસાદ નોંધાયો છે, જ્યારે રાજ્યની એવરેજ 970 મીમીની છે. એટલે કે મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષમાં 18 ટકા વરસાદની ઘટ છે.

ગુજરાતની વાત કરવામાં આવે તો ગુજરાતમાં 1996થી 2025 સુધીની એવરેજ 909 મીમીની છે, જેની સામે 2026ના ચોમાસામાં અત્યાર સુધીમાં સરેરાશ 810 મીમી વરસાદ પડ્યો છે.

રાહત કમિશનરના ડેટા પ્રમાણે ગુજરાતમાં અત્યાર સુધીમાં 89.16 ટકા વરસાદ પડ્યો છે અને લગભગ 11 ટકા વરસાદની ઘટ છે.

કયા જિલ્લામાં અને તાલુકામાં વરસાદની ઘટ છે?

બીબીસી ગુજરાતી ખેડૂત દુષ્કાળ ગુજરાત વરસાદ રાજ્ય સરકાર ખેતીવાડી પશુપાલન

ગુજરાતમાં કચ્છ જિલ્લામાં સરેરાશ 57 ટકા વરસાદ પડ્યો છે અને તેમાં પણ કેટલાક તાલુકામાં આના કરતા પણ ઓછો વરસાદ છે.

ઉત્તર ગુજરાતમાં 71 ટકા, પૂર્વ-મધ્ય ગુજરાતમાં 89 ટકા અને સૌરાષ્ટ્રમાં સરેરાશ 71 ટકા વરસાદ પડ્યો છે. એકમાત્ર દક્ષિણ ગુજરાતમાં આ વખતે 114 ટકા વરસાદ પડ્યો છે જે સરેરાશ કરતા વધુ છે.

આ વર્ષના આંકડા દર્શાવે છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ફક્ત 16 ટકા વરસાદ પડ્યો છે અને તેમાં પણ કલ્યાણપુર તાલુકામાં માંડ આઠ ટકા વરસાદ નોંધાયો છે. પોરબંદર જિલ્લામાં પણ સરેરાશ 30 ટકા વરસાદ જ પડ્યો છે.

સરકારી ડેટા દર્શાવે છે કે ગુજરાતમાં આ વખતે લખપત, ઊંઝા, સાબરકાંઠામાં પોશિના, અરવલ્લીના શામળાજી, છોટા ઉદેપુર, કડવલ, વડોદરા જિલ્લાનું સાવલી, જૂનાગઢ શહેર, જૂનાગઢ તાલુકો, વંથલી, ગીર ગઢડા, તાલાલા, રાજકોટનું વીંછીયા, જામનગર, જોડિયા, કાલાવડ, લાલપુર, ભાણવડ, દ્વારકા, ખંભાળિયા, કલ્યાણપુર, કુતિયાણા, પોરબંદર, રાણાવાવ વગેરે એવા તાલુકા છે જ્યાં સીઝનની સરેરાશ સામે 50 ટકા કરતા પણ ઓછો વરસાદ પડ્યો છે.

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

ખેડૂતો શું કહે છે?

બીબીસી ગુજરાતી ખેડૂત દુષ્કાળ ગુજરાત વરસાદ રાજ્ય સરકાર ખેતીવાડી પશુપાલન

અમે ગુજરાતમાં અલગ અલગ વિસ્તારના ખેડૂતો સાથે વાત કરીને તેમની સ્થિતિ વિશે જાણવા પ્રયાસ કર્યો હતો.

દેવભૂમિ દ્વારકાના કલ્યાણપર તાલુકાના ખેડૂત ગોવિંદભાઈ ગોજિયા કહે છે કે “સરકાર જેટલી ઝડપથી દુષ્કાળ જાહેર કરે તેટલું સારું રહેશે કારણ કે અમારે ત્યાં પીવાનું પાણી ખૂટી ગયું છે.”

“અમે વાડી વિસ્તારમાં રહીએ છીએ તેથી કૂવાના પાણી પર આધાર રાખવો પડે છે અને તેનું તળિયું દેખાઈ ગયું છે.”

તેઓ કહે છે કે, “અત્યારે તો ટૅન્કરથી પણ પાણી મગાવી શકાય તેમ નથી કારણ કે આખા તાલુકામાં માંડ અડધા-પોણા ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સરકાર દુષ્કાળ જાહેર કરે અને ઘાસચારા તથા પાણીની વ્યવસ્થા કરે તો કદાચ પશુધન ટકી જાય.”

કચ્છના નખત્રાણા તાલુકાના થરાવડા ગામના રાજેશ આહીર ખેતીની સાથે સાથે ડૅરીમાં દૂધ ભરવાનું કામ કરે છે.

તેઓ કહે છે કે આ વખતે એરંડા સિવાય બીજો કોઈ પાક થઈ શકે તેમ નથી. એરંડામાં પણ ઉત્પાદન લગભગ 50 ટકા ઘટી જશે.” તેમણે પહેલી વખત એરંડો વાવ્યો તે પાક નિષ્ફળ ગયો તેથી બીજી વખત વાવેતર કરવું પડ્યું છે.

બીબીસી ગુજરાતી ખેડૂત દુષ્કાળ ગુજરાત વરસાદ રાજ્ય સરકાર ખેતીવાડી પશુપાલન

તેઓ કહે છે કે “એરંડામાં પાણીની જરૂર પ્રમાણમાં ઓછી પડે તેથી આ પાક લઈ શકાય. પરંતુ વરસાદ સારો પડ્યો હોત તો અમારું ઉત્પાદન વધી જાત. વરસાદ પડે ત્યારે અમે મગફળી, કપાસ અને એરંડા ત્રણેયના પાક લઈએ છીએ. કેટલાક લોકો વાલની ખેતી પણ કરે છે. આ વખતે મગફળીમાં અમારું વાવેતર સાવ નિષ્ફળ ગયું છે.”

રાજેશ આહીર કહે છે કે “અમારા વિસ્તારમાં સિંચાઈના પાણીની કોઈ વ્યવસ્થા નથી, બધી ખેતી વરસાદ અને બોરવેલ પર આધારિત છે.”

તેમણે કહ્યું કે “ગામની સીમમાં કોઈ ઘાસચારો નથી તેથી લોકો બહારથી ઘાસની ગાંસડીઓ મગાવે છે. પણ તે મોંઘું પડે છે તેથી પશુપાલકો માટે મુશ્કેલી છે.”

ઘાસચારાના ડેપો કૂલે તો ખેડૂતોને રાહત થાય

બીબીસી ગુજરાતી ખેડૂત દુષ્કાળ ગુજરાત વરસાદ રાજ્ય સરકાર ખેતીવાડી પશુપાલન

તેઓ માને છે કે કચ્છના કેટલાક ભાગમાં તાજેતરમાં થોડો વરસાદ પડ્યો તેના કારણે સરકાર કદાચ દુષ્કાળ જાહેર નહીં કરે એવું લાગે છે. જોકે, દુષ્કાળ જાહેર થાય અને તેની સાથે ઘાસચારાના ડેપો ખૂલે, સસ્તાભાવે ઘાસચારો મળે તો ફાયદો થશે. સર્વે કરીને નુકસાનીના આધારે વળતર આપે તો પણ ફાયદામાં રહેશે.

બીજી તરફ સુરેન્દ્રનગરના ખેડૂત મહેશભાઈ પટેલે જણાવ્યું કે “અમારે ત્યાં સિંચાઈની સુવિધા પ્રમાણમાં સારી છે.”

“તેથી પિયત વિસ્તારમાં છેલ્લે જે વરસાદ પડ્યો તેનાથી કપાસને નુકસાન થયું છે અને પાક પીળો થઈ ગયો છે. પરંતુ પીવાના પાણીની સગવડ ઓછી હતી ત્યાં ફાયદો થશે.”

તેઓ કહે છે કે “અહીં મોટા ભાગના ખેડૂતોએ કપાસ અને મગફળીનું વાવેતર કર્યું છે. મહેશભાઈએ છ એકરમાં કપાસ વાવ્યો છે.”

“તેઓ કહે છે કે કપાસમાં ઉત્પાદન દર વર્ષે ઘટતું જાય છે તેથી ઘણા લોકો મગફળી તરફ વળ્યા છે. કપાસમાં 20 કિલોએ 1500થી 1800નો ભાવ મળે છે, પરંતુ તેની સામે ઉતાર ઘટી ગયો છે.”

સરકારે દુષ્કાળ જાહેર કરવો જોઈએ કે નહીં તેવા સવાલના જવાબમાં તેઓ કહે છે કે કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર જિલ્લામાં દુષ્કાળ જાહેર કરવો જ જોઈએ.

સુરેન્દ્રનગરમાં કદાચ દુકાળ જાહેર નહીં થાય.

દુષ્કાળ જાહેર કરવામાં વિલંબ કેમ?

બીબીસી ગુજરાતી ખેડૂત દુષ્કાળ ગુજરાત વરસાદ રાજ્ય સરકાર ખેતીવાડી પશુપાલન

ગુજરાતમાં ઘણા તાલુકામાં બહુ ઓછો વરસાદ પડ્યો છે ત્યારે રાજ્ય સરકાર હજુ દુષ્કાળની જાહેરાત કેમ નથી કરતી?

ખેડૂત આગેવાન સાગર રબારી માને છે કે સરકાર પોતાના પરનો આર્થિક બોજ ટાળવા માટે હાલમાં દુષ્કાળની જાહેરાત કરવામાં વિલંબ કરે છે, પરંતુ એક સમયે દુકાળની જાહેરાત કર્યા વગર છૂટકો નથી.

તેઓ કહે છે કે, “વિજયભાઈ રૂપાણી મુખ્ય મંત્રી હતા ત્યારે મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના જાહેર કરી હતી, જે મુજબ ચાર અઠવાડિયાં સળંગ વરસાદ ન પડે ત્યારે તેને દુષ્કાળ ગણવો. તેથી ખેડૂતો આ યોજના હેઠળ સહાય મેળવવાને પાત્ર બનતા હતા. આ વખતે તો સાત-આઠ અઠવાડિયાંના ડ્રાય સ્પેલ રહ્યા છે છતાં દુકાળની જાહેરાત કરવામાં નથી આવી.”

તેમણે કહ્યું કે, “દુષ્કાળ જાહેર કરવાના મેન્યુઅલ પ્રમાણે ડ્રાય સ્પેલ લાંબો રહે તો સરકારે તેને દુષ્કાળ સમજીને જ પગલાં લેવાના હોય છે, જે હજુ લેવાયા નથી.”

“દુષ્કાળની જાહેરાત નહીં થાય ત્યાં સુધી ખેડૂતોને કોઈ લાભ મળવાપાત્ર નહીં રહે.”

સાગર રબારી કહે છે કે, “સત્તાવાર રીતે દુકાળ જાહેર થાય તો સરકારે પશુઓ માટે ઘાસચારો, લોકો માટે પીવાનું પાણી, ટેન્કરની વ્યવસ્થા, રોજગાર વગેરેના પગલાં લેવા પડે. સરકાર ઓછામાં ઓછો આર્થિક બોજ લેવા માંગે છે.”

“સરકાર રૂપિયા બચાવવા માટે જેટલું મોડું કરશે એટલા પ્રમાણમાં લોકોની ખરીદશક્તિ ઘટશે અને બજારમાં મંદી આવશે. ગુજરાતના જીડીપી અને રોજગાર પર પણ તેની અસર પડશે.”

તેઓ કહે છે કે, “અલ નીનો એ માત્ર ચોમાસા પૂરતી અસર નથી. શિયાળુ પાકમાં પણ માવઠારૂપે તેની અસર પડશે. આ વર્ષે ઘઉંના ભાવ વધે તેવી પૂરી શક્યતા છે, કારણ કે ભારતમાં પાક ઓછો ઊતરશે અને ઘઉં નિકાસકાર દેશોમાં યુદ્ધ ચાલે છે.”

“વિદેશમંત્રી એસ. જયશંકરે પણ ગઈકાલે ફૂડ સિક્યૉરિટીની સ્થિતિ ગંભીર બનશે તેવી ચેતવણી ઉચ્ચારી છે.”

નર્મદા ડૅમ મદદ કરી શકશે?

બીબીસી ગુજરાતી ખેડૂત દુષ્કાળ ગુજરાત વરસાદ રાજ્ય સરકાર ખેતીવાડી પશુપાલન

ગુજરાતમાં હંમેશાંથી નર્મદા નદી પરના સરદાર સરોવર ડૅમને રાજ્યની જીવાદોરી તરીકે ઓળખાવાય છે, પરંતુ શું આ વખતે તે ગુજરાતના દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં લોકોને મદદ કરી શકશે?

ખેડૂત આગેવાન સાગર રબારી માને છે કે “સરદાર સરોવર ડૅમને વધુ પડતો ગ્લોરીફાઈ કરવામાં આવ્યો છે. તેનો કમાન્ડ એરિયા 18.45 લાખ હેક્ટરથી ઘટાડીને 18 લાખ હેક્ટર નીચે લાવવામાં આવ્યો છે.”

“તેનો સિંચાઈ હેઠળનો કુલ વિસ્તાર 14 લાખ હેક્ટરથી વધારે નથી. 50 ટકાથી વધુ લોકો માટે પીવાના પાણી તરીકે ડૅમનું પાણી સાચવી રાખવાનું છે, ઉપરાંત ઇન્ડસ્ટ્રીને પણ પાણી આપવાનું છે.”

સાગર રબારીનો દાવો છે કે, “ગુજરાતમાં નહેરો દ્વારા સિંચાઈની જે ટકાવારી હતી તે 15 વર્ષમાં વધી નથી. કુલ સિંચાઈના 23 ટકા જેટલું જ કેનાલથી થાય છે.”

“તેથી નર્મદા ડૅમની મદદથી આખો દુકાળ પાર કરી જઈશું એવું માનવું ખોટું છે. હા, પીવાના પાણી માટે તે ઉપયોગી બનશે.”

ગુજરાત સરકાર શેની રાહ જુએ છે?

બીબીસી ગુજરાતી ખેડૂત દુષ્કાળ ગુજરાત વરસાદ રાજ્ય સરકાર ખેતીવાડી પશુપાલન

ગુજરાતમાં જ્યાં અપૂરતો વરસાદ છે ત્યાં દુષ્કાળ જાહેર કરવો જોઈએ તેવી માંગણી વધતી જાય છે ત્યારે સરકારે હજુ સુધી કોઈ નક્કર જાહેરાત કરી નથી.

તાજેતરમાં સંસદીય બાબતોના મંત્રી ઋષિકેશ પટેલે ત્રણ દિવસીય વિધાનસભા સત્રના છેલ્લા દિવસે સદનમાં જણાવ્યું હતું કે, “ગુજરાતમાં દુષ્કાળ જાહેર કરવો કે નહીં તેનો નિર્ણય સર્વે પછી લેવામાં આવશે.”

તેમણે એક લેખિત જવાબમાં કહ્યું હતું કે, “માત્ર વરસાદની ઘટ હોય તેના આધારે નહીં, પરંતુ કેન્દ્ર સરકારના દુષ્કાળ નિયંત્રણના મેન્યુઅલ, 2016 મુજબ 31 ઑક્ટોબર સુધીમાં ખરીફ સીઝનના અંતમાં સર્વે કરવામાં આવશે.”

ઋષિકેશ પટેલે આ જાહેરાત કરી ત્યારે તેમણે ત્રીજી સપ્ટેમ્બર, 2026 સુધીના વરસાદના આંકડા ટાંક્યા હતા જે મુજબ રાજ્યમાં તે વખતે સરેરાશ 75 ટકા વરસાદ નોંધાયો હતો. હવે વરસાદ 89 ટકાથી વધુ છે, છતાં લગભગ 18 જિલ્લામાં અપૂરતો વરસાદ પડ્યો છે.

આ વિશે કૃષિ મંત્રી જિતુભાઈ વાઘાણીનો સંપર્ક થઈ શક્યો ન હતો. તેમની સાથે સંપર્ક થશે તો આ અહેવાલને અપડેટ કરવામાં આવશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

વધુ શોધો

શૉર્ટ વીડિયો છોડો અને આગળ વધો

શૉર્ટ વીડિયો

તમારું ડિવાઇસ મીડિયા પ્લેબૅક સપોર્ટ નથી કરતું

  • gujarat, monsoon, weather report, બીબીસી ગુજરાતી, ગુજરાત, હવામાન સમાચાર, વરસાદ, ચોમાસું

  • સુરત, રક્તદાન કૅમ્પ

  • rajkot, gujarat, animal

  • પડીકાં અને કેચપ, હેલ્થ, બીબીસી ગુજરાતી, health, ketch-up, fitness

  • પબુભા માણેક, બીબીસી ગુજરાતી

  • છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં લીંબુના ભાવમાં અસહ્ય વધારો થયો છે.

  • Dolphin, ડોલફિન, બીબીસી ગુજરાતી, ભાવનગર, ગુજરાત

  • રાજસ્થાનમાં શકીરાનાં ગીતો ગાતા કલાકાર

  • નવસારીમાં ગુલાલ

  • ભેંસનું પાડું

  • 85 વર્ષની ઉંમરે સિરસાના લાલચંદ ગુદારાએ માસ્ટર્સની પરીક્ષા પાસ કરી છે.

  • બીબીસી ગુજરાતી

  • ચિલીના અટાકામા રણમાં અલ નીનોને કારણે થયેલા વરસાદ બાદ ફૂલો ખીલી ઊઠ્યાં છે.

  • કિંજલ દવે 'ગુજ્જુ લવગુરુ'ના ઘરે પહોંચીને શ્રદ્ધાંજલિ આપતાં શું બોલ્યાં?

  • ગંભીરા બ્રિજ

  • યુવતી

SOURCE : BBC NEWS