Source : BBC NEWS
ઇમેજ સ્રોત, BBC/Getty
“જો તમને શરદી થઈ હોય, તો તમારે ફક્ત ડુંગળીના ટુકડા મોજાંમાં મૂકીને આખી રાત પહેરી રાખવાનાં છે,” એક મહિલા લાલ ડુંગળી હાથમાં પકડીને પોતાની દીકરીનાં લક્ષણો વિશે જણાવતાં કહે છે.
આ માતાના ટિક-ટૉક વીડિયોમાં કાચી ડુંગળીની કથિત ઔષધીય શક્તિઓ વિશે કરવામાં આવતા અનેક દાવાઓમાંથી માત્ર એક દાવો સામેલ છે, જે સોશિયલ મીડિયામાં વારંવાર દેખાતો રહે છે.
કેટલાક લોકો બીમાર બાળકોનાં માતાપિતાને પણ આ ઉપાયની ભલામણ કરે છે, કારણ કે તે “ઉચ્ચ તાપમાન ધરાવતા તાવનો સામનો કરે છે, જંતુઓ અને બૅક્ટેરિયાને મારી નાખે છે, ઝેરી પદાર્થોને શોષી લે છે અને લોહીને શુદ્ધ કરે છે.”
પરંતુ શું કોઈ પુરાવા છે કે પગની પાની નીચે ડુંગળી નાખવાથી આમાંથી કંઈ થઈ શકે છે?
ડુંગળી એ શાકભાજીના ઍલિયમ પરિવારનો હિસ્સો છે અને તે સ્વસ્થ આહારનો ભાગ છે. તે વિટામિન સી, ફાઇબર અને ઍન્ટિઑકિસડન્ટોથી ભરપૂર છે, જેમાં ક્વેર્સેટિન નામનું એક વનસ્પતિજન્ય સંયોજન પણ સામેલ છે, જેના સોજા ઘટાડવાના ગુણધર્મો અંગે અભ્યાસ કરવામાં આવ્યો છે.
સંશોધન સૂચવે છે કે, આ તત્ત્વો હૃદય અને આંતરડાના સ્વાસ્થ્યમાં ફાળો આપી શકે છે તેમજ બ્લડ શુગરને નિયંત્રિત કરવામાં મદદરૂપ બની શકે છે.
પરંતુ એ દાવો કરવો કે, તે શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરી શકે છે અથવા ચેપને મટાડી શકે છે, તે સંપૂર્ણપણે અલગ બાબત છે, એવું અમેરિકાનાં રોગચાળા સંબંધી નિષ્ણાત અને ચેપી રોગોનાં વિશેષજ્ઞ ડૉ. કૅટી સુલેટા કહે છે.
અમેરિકાના ડુંગળી ઉદ્યોગનું પ્રતિનિધિત્વ કરતા નૅશનલ ઑનિયન ઍસોસિયેશન અનુસાર, આવા દાવાઓની શરૂઆત વર્ષ 1500ના દાયકામાં થઈ હતી, જ્યારે એવું માનવામાં આવતું હતું કે રૂમમાં ડુંગળી રાખવાથી બ્યૂબોનિક પ્લેગથી રક્ષણ મળી શકે.
ઇતિહાસ પ્રમાણે, તે સમયે લોકો આ ડુંગળીને સોજા ધરાવતી લસિકા ગાંઠો પર પણ ઘસતા હતા, એ માન્યતા સાથે કે તે ઝેરી તત્ત્વો બહાર કાઢી શકે છે.
ડુંગળી ઝેરી તત્ત્વો કેમ બહાર કાઢી શકતી નથી?
ઇમેજ સ્રોત, Getty Images
શરીરમાં પ્રવેશતા જંતુઓ સામે ત્વચા શરીરની પ્રથમ સંરક્ષણ હરોળ છે. પરંતુ જ્યારે કેટલાંક ઝેરી તત્ત્વો ત્વચા દ્વારા પ્રવેશી શકે છે, ત્યારે તેઓ આ જ માર્ગ દ્વારા ફરી શરીર છોડી શકતા નથી, પરસેવા દ્વારા પણ નહીં, એમ નિષ્ણાતો કહે છે.
સુલેટા કહે છે કે ચામડીના આ અવરોધમાંથી ઝેરી તત્ત્વો બહાર ખેંચવા માટે ડુંગળીને “ભૌતિકશાસ્ત્રના નિયમો તોડવા પડે”.
તેઓ ઉમેરે છે, “તેમાં એવી કોઈ ખાસ જાદુઈ શક્તિ નથી કે જેના કારણે તમે તમારી ચામડી દ્વારા ઝેરી તત્ત્વોને બહાર કાઢી શકો, ન તમારા પગના તળિયા દ્વારા, ન તો શરીરના કોઈ પણ અન્ય ભાગની ચામડી દ્વારા.”
મોજાંમાં આખી રાત રાખેલી ડુંગળીનો રંગ બદલાઈ જવાની ઘટનાને ક્યારેક ઝેરી તત્ત્વો બહાર નીકળ્યાના પુરાવા તરીકે રજૂ કરવામાં આવે છે, પરંતુ સુલેટા કહે છે કે, આ માત્ર ઑક્સિડેશન અને ચામડી પર રહેલા સૂક્ષ્મજીવો સાથેની પ્રતિક્રિયાનું પરિણામ છે.
ઇમેજ સ્રોત, Katie Suleta
સોશિયલ મીડિયામાં “ટૉક્સિન” શબ્દનો ઉપયોગ ઘણી વખત ડાયેટ અને ડિટૉક્સ ઉત્પાદનોના પ્રચારમાં સહજ અર્થમાં કરવામાં આવે છે. તેવાં અજ્ઞાત તત્ત્વોને “ખરાબ” ગણાવવામાં આવે છે, જે કથિત રીતે શરીરમાં ભેગા થાય છે અને જેને દૂર કરવાની જરૂર હોય છે.
તબીબી દૃષ્ટિએ, ટૉક્સિન એટલે જીવંત જીવસૃષ્ટિ, જેમ કે બૅક્ટેરિયા દ્વારા ઉત્પન્ન થતા ઝેરી પદાર્થો. અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિન મુજબ, તેમાં હાનિકારક રસાયણો અથવા વધુ માત્રામાં લેવાયેલી દવાઓનો પણ સમાવેશ થઈ શકે છે.
પરંતુ શરીર પાસે કચરો દૂર કરવા માટે પોતાની જ વ્યવસ્થા છે. યકૃત (લિવર) લોહીમાંથી કચરો ગાળી કાઢે છે અને શરીરને હાનિકારક પદાર્થોથી મુક્ત રાખવામાં મદદ કરે છે, જ્યારે કિડની મૂત્ર દ્વારા વધારાનું પાણી અને કચરો બહાર કાઢે છે.
લિવર અને કિડનીને સ્વસ્થ રાખવા માટે કોઈ ખાસ ઉપચારની જરૂર નથી. સંતુલિત આહાર, સ્વસ્થ વજન જાળવવું અને પૂરતું પાણી પીવું, આ અંગોને યોગ્ય રીતે કાર્ય કરવામાં મદદરૂપ બને છે.
ઘરે બેઠા ડિટૉક્સ કરવાનો પ્રયાસ કરવાની જગ્યાએ, જો કોઈને શંકા હોય કે તેમણે કોઈ હાનિકારક પદાર્થ અંદર લીધો છે, શ્વાસ દ્વારા અંદર લીધો છે અથવા દવા વધુ માત્રામાં લીધી છે, તો તેમણે તરત જ તબીબી સલાહ લેવી જોઈએ, એવું બ્રિટનની નૅશનલ હેલ્થ સર્વિસ (NHS) કહે છે.
ડુંગળી શરદીમાં શું મદદ કરી શકે?
બીજી તરફ, શરદી વાઇરસને કારણે થાય છે અને એનએચએસ મુજબ સામાન્ય રીતે પોતે જ ઠીક થઈ જાય છે.
શરદીમાંથી ઝડપથી સાજા થવા માટે પૂરતો આરામ કરવો, શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવું અને પૌષ્ટિક ખોરાક લેવો, જેવી સલાહ આપવામાં આવે છે.
ડુંગળીના સૂપ જેવા પ્રવાહી પદાર્થો શરીરમાં પાણીનું પ્રમાણ જાળવવામાં અને પોષણ આપવામાં મદદ કરી શકે છે, તેમજ ગળામાં થતી ખરાશમાં રાહત આપી શકે છે. પરંતુ નિષ્ણાતો કહે છે કે રાહત અને સારવાર વચ્ચે મોટો તફાવત છે.
સુલેટા સમજાવે છે, “શરદી મર્યાદિત સમયગાળાની બીમારી છે અને સામાન્ય રીતે સારવાર થાય કે ન થાય, લગભગ એક અઠવાડિયામાં ઠીક થઈ જાય છે. ડુંગળીનો સૂપ આ સમયગાળાને ટૂંકો કરતો નથી.”
જોકે, ડુંગળી રાંધતી વખતે તેમાંનું થોડું વિટામિન-સી નષ્ટ થઈ જાય છે, તેમ છતાં તેનું થોડું પ્રમાણ પાણીમાં ભળી જાય છે અને સૂપ દ્વારા શરીરમાં જઈ શકે છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદરૂપ બને છે. પરંતુ સંશોધન સૂચવે છે કે કાચી ડુંગળીમાં વધુ વિટામિન સી જળવાઈ રહે છે, કારણ કે લાંબા સમય સુધી રાંધવાથી તેનું પ્રમાણ ઘટી જાય છે.
જો શરદીનાં લક્ષણો, જેમ કે, કેટલાંક વધુ દિવસો સુધી તાવ ચાલુ રહે તો તબીબી સલાહ લેવાની જરૂર પડી શકે છે. બાળકોના કિસ્સામાં તો વધુ વહેલી તકે સલાહ લેવી યોગ્ય ગણાય છે.
ઇમેજ સ્રોત, Getty Images
સોજા અંગે નિષ્ણાતો કહે છે કે, દરેક વખતે તેની સામે “લડવાની” જરૂર હોતી નથી. હકીકતમાં, ચેપ અથવા ઈજાના પ્રતિભાવરૂપે શરીરની રોગપ્રતિકારક પ્રણાલી જે પ્રતિક્રિયા આપે છે. તેને જ સોજો કહેવામાં આવે છે.
આ પ્રતિક્રિયા શરીરને પોતાનું રક્ષણ કરવામાં અને ક્ષતિગ્રસ્ત તંતુઓની મરામત શરૂ કરવામાં મદદ કરે છે.
સોજો શરીરના કયા ભાગમાં છે અને તેનું કારણ શું છે, તેના આધારે આગળની કાર્યવાહી નક્કી થવી જોઈએ.
સોજાનાં સામાન્ય લક્ષણોમાં બળતરા, દુખાવો અને ગરમીનો અનુભવ સામેલ છે. પરંતુ જો આ લક્ષણો લાંબા સમય સુધી ચાલુ રહે અથવા તેની સાથે અન્ય અજ્ઞાત લક્ષણો પણ જોવા મળે, તો નિષ્ણાતોના કહેવા મુજબ ડુંગળીનો ઉપયોગ કરવાની જગ્યાએ તબીબી સારવાર લેવી શ્રેષ્ઠ વિકલ્પ છે.
સુલેટા કહે છે, “આવા દાવાઓનું એક વધુ દુર્ભાગ્યપૂર્ણ પરિણામ એ છે કે, લોકોને યોગ્ય સારવાર મેળવવામાં મોડું થઈ જાય છે.”
સુલેટાની ચેતવણી છે કે, ઑનલાઈન આપવામાં આવતી ઘણી આરોગ્ય સલાહો વિજ્ઞાન અને તબીબી ભાષાનો ઉપયોગ તો કરે છે, પરંતુ તેના પાછળ કોઈ વૈજ્ઞાનિક આધાર હોતો નથી.
જો કોઈ વ્યક્તિ કહે કે, ડુંગળી, કોઈ સપ્લિમેન્ટ અથવા બીજી કોઈ વસ્તુ શરીરમાંથી ઝેરી તત્ત્વો દૂર કરી શકે છે અથવા ડિટૉક્સ કરી શકે છે, તો તેઓ સલાહ આપે છે કે વધુ સ્પષ્ટ માહિતી પૂછવી જોઈએ.
તેઓ કહે છે, “થોડું વધુ ઊંડાણથી પૂછો. કયાં ઝેરી તત્ત્વો? તે કેવી રીતે કામ કરે છે? જો તેઓ તમને સ્પષ્ટ રીતે સમજાવી ન શકે કે, તે કેવી રીતે કામ કરે છે, તો તેને ચેતવણીનો સંકેત માનવો જોઈએ.”
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




