Home તાજા સમાચાર gujrati સ્વચ્છ રસ્તા માટે જાણીતો એ દેશ, જ્યાં કચરાપેટી શોધવી મુશ્કેલ છે

સ્વચ્છ રસ્તા માટે જાણીતો એ દેશ, જ્યાં કચરાપેટી શોધવી મુશ્કેલ છે

3
0

Source : BBC NEWS

જાપાન તેના ચોખ્ખાંચણક રસ્તાઓ માટે પ્રખ્યાત છે. તો પછી ત્યાં જાહેર કચરાપેટીઓ શોધવી આટલી મુશ્કેલ કેમ છે?

1995ના એક ઘાતક હુમલાથી લઈને ઊંડે સુધી પોતાનાં મૂળ ધરાવતા સામાજિક રિવાજો સુધી જાપાનમાં કચરાપેટીઓની કમીની કહાણી જેટલી દેખાય છે તેના કરતાં ઘણી વધુ જટિલ છે.

ટોક્યોમાં ફરતાં ફરતાં એક દિવસ પસાર કરો તો કદાચ તમારે ખાલી કૉફીની કપ, 7-11થી ખરીદેલું ઍગ સેન્ડવીચનું રેપર હાથમાં પકડી રાખવું પડશે અને મનમાં મૂંઝવણ પણ અનુભવશો. જાપાન સ્વચ્છતાને પ્રાધાન્ય આપવા માટે જાણીતું છે, તો પછી કચરો ફેંકવા માટે ક્યાંય જગ્યા કેમ નથી?

આ એક એવી પરેશાની છે જેનો સામનો મુસાફરોને કરવો પડતો હોય છે. સોશિયલ મીડિયા પર અસંખ્ય વીડિયો બન્યા છે જેમાં મૂંઝવણમાં મુકાયેલા પર્યટકો સ્વચ્છ રસ્તાઓ પર કચરાપેટીની શોધતા નજરે પડે છે.

પરંતુ તેનો જવાબ પહેલી નજરે દેખાય છે તેના કરતાં વધુ જટિલ છે.

જાપાન હંમેશાં કચરાપેટી વિનાનો દેશ નહોતો. સિનિયાવેર “માર્ચ 1995ને જાપાનની કચરાપેટીની સિસ્ટમમાં એક મોટું પરિવર્તન બિંદુ ગણાવે છે, જ્યારે ઓમ શિન્રિક્યો કલ્ટના સભ્યોએ સવારના પીક અવર્સ દરમિયાન ટોક્યો મેટ્રોની ત્રણ લાઇન પર સરીન ગૅસ છોડ્યો હતો, જેમાં 14 લોકોનાં મોત થયાં હતાં અને હજારો ઘાયલ થયા હતા.

આ ઘટના પછી સત્તાવાળાઓએ આતંકવાદ વિરોધી પગલારૂપે કચરાપેટીઓ સીલ કરી દીધી હતી અથવા ખસેડી લીધી હતી.

દુનિયાભરમાં ત્યાર પછી થયેલા આતંકવાદી હુમલા (અમેરિકાનો 9/11 પણ સામેલ છે)એ તે વાત સુનિશ્ચિત કરવામાં મદદ કરી કે આ સુરક્ષા પગલાં જળવાઈ રહે, પરંતુ ત્રણ દાયકા પછી માત્ર સુરક્ષા જ એ વાત સમજાવતી નથી કે આટલી ઓછી કચરાપેટીઓ કેમ પાછી આવી નથી કે પછી જાપાન કેમ આટલું બધું કચરામુક્ત રહ્યું છે.

જાપાનમાં સાર્વજનિક કચરાપેટીઓ હજુ પણ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તે શોધવી આશ્ચર્યજનક રીતે મુશ્કેલ હોઈ શકે છે.

જાપાનની નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ફૉર ઍનવાયર્ન્મેન્ટલ સ્ટડીઝનાં અયા યોશિદા કહે છે કે ખર્ચ અને વ્યવહાર પણ આનો એક ભાગ છે. 2000ના દાયકાથી કેટલીક નગરપાલિકાઓએ લોકોને પોતાનો કચરો ઘરે લઈ જવા પ્રોત્સાહિત કરવા માટે જાણીજોઈને રસ્તા પરની કચરાપેટીઓ ઘટાડી દીધી છે.

યોશિદા ઉમેરે છે, “ઉદાહરણ તરીકે ક્યોટોમાં 2011થી રસ્તા પરની કચરાપેટીઓની સંખ્યા અડધાથી વધુ ઘટાડી દેવાઈ હતી, કારણ કે તેમાં ઘરનો કચરો નાખવાની સમસ્યા અને તેની આસપાસ કચરો જમા થવાથી તે કચરાપેટીઓની જાળવણી અને સંચાલનનો ખર્ચ વધી ગયો હતો.”

તો પછી રસ્તાઓ પર વધુ કચરો કેમ નથી હોતો? યોશિદા જાપાનની સ્વચ્છતાને કોઈ વિશિષ્ટ જાપાનીઝ સ્વચ્છતા બોધ સાથે જોડવા સામે ચેતવણી આપે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે સ્વચ્છ રસ્તા એ વર્ષોની ગણતરીપૂર્વકની નીતિઓનું પરિણામ પણ છે.

તેઓ કહે છે, “દાયકાઓથી નગરપાલિકાઓએ કચરો ફેંકવા સામે અંકુશ લાવવા માટેના અભિયાનો, જનજાગૃતિ, રસ્તાઓની સફાઈ અને પર્યાવરણીય ડિઝાઇનનાં પગલાં પાછળ રોકાણ કર્યું છે.”

પરંતુ સામાજિક ધોરણો પણ મહત્ત્વનાં છે, તેઓ કહે છે, તેમાંનું એક છે ‘મેઇવાકુ ઓ કાકેનાઇ’ એટલે કે બીજાઓને અસુવિધા ન થાય તેની કાળજી રાખવાની ભાવના. રોજિંદી ટેવો પણ તેમાં ભૂમિકા ભજવે છે: ચાલતાં-ચાલતાં ખાવાનું પ્રમાણમાં ઓછું જોવા મળે છે, તેથી લોકો જ્યારે બહાર હોય ત્યારે ઓછો કચરો થાય છે.

સિનિયાવેર કહે છે, “મારી પોતાની દૈનિક જીવનશૈલી વિશે વિચારતા મને ખાતરી નથી કે ઘરથી કામ અને પાછા ફરતી વખતે મુસાફરી દરમિયાન કેટલો કચરો ઉત્પન્ન થાય છે.”

“ત્યાં મુસાફરી દરમિયાન કચરો પેદા કરવાની ઓછી તક હોય છે, કારણ કે જાપાનમાં ચાલતી વખતે કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે ખાવું અસામાન્ય છે.”

પર્યટકો સામાન્ય રીતે શહેરનો અલગ રીતે અનુભવ કરે છે. તેઓ પ્રવાસી સ્થળો જોવા, પીણાં ખરીદવા અને કન્વીનિયન્સ સ્ટોરની નાસ્તાની ચીજો ખરીદવામાં લાંબા દિવસો વિતાવે છે અને તેઓ કચરો લઈને ફરતા હોય તેવી શક્યતા ઘણી વધારે હોય છે અને કચરો નાખવા માટે કોઈ સ્પષ્ટ જગ્યા દેખાતી નથી.

જાપાનસ્થિત ટૂર ગાઇડ જુન્કો યોકો કહે છે કે શરૂઆતમાં કચરાપેટીઓ સરળતાથી ઉપલબ્ધ ન હોવાને કારણે પર્યટકો મૂંઝવણમાં પણ મુકાઈ શકે છે અને નિરાશ પણ થઈ શકે છે, પરંતુ ઘણા લોકો ઝડપથી અનુકૂલન સાધી લે છે.

તેઓ કહે છે, “શરૂઆતમાં મારા મહેમાનો ઉપલબ્ધ કચરાપેટીઓના અભાવને કારણે દુખ વ્યક્ત કરતાં હોય છે, પરંતુ તેઓ રસ્તા પર કોઈ કચરો ન જોવાનો આનંદ પણ માણે છે અને ‘જ્યારે ટોક્યોમાં હોવ’ તેવી માનસિકતા અપનાવતા શીખે છે.”

જાપાન તેના ચોખ્ખાંચણક રસ્તાઓ માટે પ્રખ્યાત છે. તો પછી ત્યાં જાહેર કચરાપેટીઓ શોધવી આટલી મુશ્કેલ કેમ છે?

પર્યટકો ભલે ગમે તેવું વિચારતા હોય, કચરાપેટીઓ સંપૂર્ણપણે ગાયબ થઈ ગઈ નથી. તમારે ફક્ત એ જાણવાની જરૂર છે કે તેને ક્યાં શોધવી.

સિનિયાવેર ઉમેરે છે, “ટ્રેન સ્ટેશનોમાં હજી પણ તે હોય છે, ઘણી વાર ટિકિટ ગેટની નજીક પારદર્શક કન્ટેનરના સ્વરૂપમાં જ્યાં સ્ટાફ અથવા સુરક્ષા કૅમેરા દ્વારા તેની દેખરેખ રાખી શકાય છે.”

અને આ જ મહિને ટોક્યોના શિંજુકુ સ્ટેશને કદાચ સૌથી વધુ જાપાનીઝ ઉકેલનું પરીક્ષણ શરૂ કર્યું છે: રોમિંગ કચરાપેટી રોબૉટ્સ જે કચરો એકત્રિત કરવા માટે આજુબાજુ ફરે છે.

જ્યાં સુધી તે સામાન્ય ન બને, ત્યાં સુધી પર્યટકોએ કદાચ તે જ કરવું પડશે જે ટોક્યોના રહેવાસીઓ લાંબા સમયથી કરતા આવ્યા છે, એટલે કે સુધી તેમને કચરો નાખવાની જગ્યા ન મળે ત્યાં સુધી તેને પોતાની સાથે જ સાચવીને રાખવો.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS