Home તાજા સમાચાર gujrati મચ્છર ભગાડનારી કૉઇલમાં એવું શું હોય છે જે લોકો માટે ઝેર સાબિત...

મચ્છર ભગાડનારી કૉઇલમાં એવું શું હોય છે જે લોકો માટે ઝેર સાબિત થઈ શકે છે

3
0

Source : BBC NEWS

મચ્છર ભગાડનારી કોઇલ લોકો માટે શી રીતે ઝેર સાબિત થઈ શકે છે

ગુન-ગુન-ગુન… મચ્છરોના આ ગણગણાટથી કોણ અજાણ હશે! ઉકળાટ અને ભેજવાળા વાતાવરણમાં મચ્છરો કાનની આસપાસ ફરતા રહીને પોતાની હાજરીનો પુરાવતા રહે છે.

મોટા ભાગના લોકો મચ્છરના કરડવાથી બચવા માટે જાતજાતના ઉપાય કરે છે. ખાસ કરીને એવા સમયે, જ્યારે ડેન્ગ્યુ અને મેલેરિયા જેવી મચ્છરજન્ય બીમારીઓના કેસ વધી રહ્યા હોય.

કોઈ સ્પ્રે વાપરે છે, તો કોઈ મચ્છરને ભગાડનારી કૉઇલ સળગાવે છે. પોતાને અને પરિવારને મચ્છરોથી બચાવવા માટે લોકો જુદી જુદી રીતો અપનાવે છે.

ઘણા લોકો સૂતા પહેલાં એક કૉઇલ સળગાવી મૂકે છે અને માને છે કે તેના ધુમાડાથી મચ્છરો તો દૂર રહેશે જ, સાથે બીમારીઓથી પણ બચાવ થશે.

પરંતુ નિષ્ણાતો તેની જોખમી અસર અંગે ચેતવણી આપે છે.

તેમનું કહેવું છે કે મચ્છર ભગાડનારી એક કોઇલમાંથી નીકળતો ધુમાડો ડઝનેક સિગારેટના ધુમાડા જેટલો હોઈ શકે છે. તેનાથી શ્વાસ અને ગળાની સમસ્યાઓ થઈ શકે છે અને અસ્થમાનો ગંભીર હુમલો પણ આવી શકે છે.

પરંતુ શું આ ધુમાડો માત્ર મચ્છરો માટે જ નુકસાનકારક છે? કે પછી તેની અસર માણસોના સ્વાસ્થ્ય પર પણ પડી શકે છે-ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને શ્વાસની બીમારીથી પીડાતા લોકો પર? કાર્બન મોનૉક્સાઇડ સહિત અનેક રસાયણો ધરાવતી આ કૉઇલનો ઉપયોગ કરવાની યોગ્ય રીત કઈ છે?

આ જ સવાલોના જવાબ જાણવા માટે અમે વિવિધ નિષ્ણાતો સાથે વાત કરી અને તેમનો અભિપ્રાય મેળવ્યો.

‘બંધ રૂમમાં કૉઇલ સળગે એ કોઈ ઝેરથી ઓછું નથી’

મચ્છર ભગાડનારી કોઇલ લોકો માટે શી રીતે ઝેર સાબિત થઈ શકે છે

ડૉ. શાઝલી મંઝૂર ફેફસાં, શ્વાસને લગતી બીમારીઓ અને ઍલર્જીનાં નિષ્ણાત છે.

તેમનું કહેવું છે કે મચ્છર ભગાડનારી કૉઇલને બંધ જગ્યામાં સળગાવવામાં આવે તો તેનાથી સ્વાસ્થ્યની ગંભીર સમસ્યાઓ થઈ શકે છે.

તેમના જણાવ્યા અનુસાર, કૉઇલનો ઉપયોગ માત્ર ખુલ્લી અને હવાની અવરજવરવાળી જગ્યાએ જ કરવો જોઈએ. તેને પોતાનાથી ઓછામાં ઓછી 2થી 4 મીટર દૂર પણ રાખવી જોઈએ.

બીબીસી ઉર્દૂ સાથેની વાતચીતમાં ડૉ. શાઝલીએ કહ્યું, “બંધ રૂમમાં કૉઇલ સળગાવવી એ કોઈ ઝેરથી ઓછું નથી. કૉઇલમાં રહેલાં રસાયણોને કારણે તે સળગે ત્યારે અનેક પ્રકારના ઝેરી પદાર્થો નીકળે છે. બંધ રૂમમાં આ પદાર્થો એકઠા થઈને માણસોના સ્વાસ્થ્ય માટે જોખમી બની શકે છે.”

ડૉ. શાઝલીએ જણાવ્યું, “ઘણા લોકો ખુલ્લામાં જમતી વખતે અથવા બહારના કોઈ કાર્યક્રમ દરમિયાન પોતાની પાસે જ કૉઇલ સળગાવી દે છે. તેનાથી પણ શરીર નુકસાનકારક રસાયણોના સંપર્કમાં આવી શકે છે.”

“તેથી કૉઇલને ટેબલ કે ખુરશીની બરાબર નીચે રાખીને સળગાવવી વધુ યોગ્ય છે, જેથી તેનો ધુમાડો સીધો શ્વાસમાં ન જાય.”

‘કૉઇલ સળગાવવાથી અન્ય હજારો રસાયણો પણ ધુમાડા સાથે શરીરમાં જાય છે’

ડૉક્ટરોના જણાવ્યા અનુસાર, ડેન્ગ્યુ અને મેલેરિયા ફેલાવતા મચ્છરોથી બચવા માટે મચ્છરદાનીનો ઉપયોગ કરવો જોઈએ.

મચ્છરોથી બચવા માટે સૌથી સામાન્ય અને સસ્તો ઉપાય મચ્છર ભગાડનારી કૉઇલનો ઉપયોગ છે. પરંતુ નિષ્ણાતો તેના ધુમાડાને ડઝનેક સિગારેટના ધુમાડા જેટલો જોખમી માને છે.

પાકિસ્તાનની આગા ખાન યુનિવર્સિટી હૉસ્પિટલના ફેફસાંના રોગોના નિષ્ણાત ડૉ. જાવેદ ખાન સાથે બીબીસી ઉર્દૂએ વાત કરી હતી. તેમણે કહ્યું કે મચ્છરોને ભગાડવા માટે કૉઇલનો મોટા પ્રમાણમાં ઉપયોગ થાય છે, પરંતુ તે સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોઈ શકે છે.

તેમના અનુસાર, “તમે એક રાત માટે બંધ રૂમ કે બંધ જગ્યામાં મચ્છર ભગાડનારી કૉઇલ સળગાવો, તો તેનો અર્થ એ છે કે તમે 60થી 100 સિગારેટ જેટલો ધુમાડો તમારાં ફેફસાંમાં લઈ રહ્યા છો.”

તેમણે જણાવ્યું કે અલગ-અલગ કંપનીની કૉઇલમાં જુદાં-જુદાં રસાયણો હોઈ શકે છે. જોકે, સામાન્ય રીતે તેમાં પાયરેથ્રિન, એલેથ્રિન, કાર્બન મોનોક્સાઇડ અને બેન્ઝીન જેવાં રસાયણો હોય છે. આ ઉપરાંત કૉઇલ બનાવવામાં વિવિધ પ્રકારના રંગ અને સુગંધ માટેનાં રસાયણોનો પણ ઉપયોગ થાય છે.

અમેરિકાની નૅશનલ લાઇબ્રેરી ઑફ મેડિસિનમાં પ્રકાશિત એક અભ્યાસ અનુસાર, મચ્છર ભગાડનારી એક કૉઇલમાંથી નીકળતા પીએમ 2.5 કણોનું પ્રમાણ 75થી 137 સિગારેટ સળગાવવાથી થતા ધુમાડા જેટલું હોઈ શકે છે.

તે જ રીતે, એક કૉઇલ સળગાવવાથી નીકળતા ફોર્માલ્ડિહાઇડનું પ્રમાણ 51 સિગારેટ સળગાવવાથી નીકળતા ધુમાડાના પ્રમાણ જેટલું અથવા તેનાથી પણ વધુ હોઈ શકે છે.

પરંતુ સવાલ એ છે કે કૉઇલનો ઉપયોગ કર્યા પછી રૂમની હવામાં ફેલાતાં આ રસાયણોની શરીર પર કેવી અસર થાય છે?

2025માં પ્રકાશિત બીબીસીના એક અહેવાલ અનુસાર, કાર્બન મોનૉક્સાઇડ (CO) વાયુ ત્યારે બને છે, જ્યારે કોઈ કાર્બનિક પદાર્થનું સંપૂર્ણપણે દહન થતું નથી.

આ વાયુ લોહીમાં રહેલા હિમોગ્લોબિન સાથે ભળે છે અને શરીરના વિવિધ ભાગો સુધી ઑક્સિજન પહોંચાડવાની ક્ષમતાને ઘટાડે છે. શરીરમાં તેની થોડી માત્રા પણ માથાનો દુખાવો, થાક અને ઊબકા જેવી સમસ્યાઓ પેદા કરી શકે છે, જ્યારે વધુ માત્રા જીવલેણ બની શકે છે.

આ ઉપરાંત, સલ્ફર ડાયૉક્સાઇડ અને નાઇટ્રોજન ડાયૉક્સાઇડ જેવા વાયુઓ હૃદય, ફેફસાં અને પહેલેથી હોય એવી શ્વાસની બીમારીઓને વધુ ગંભીર બનાવી શકે છે. તે ફેફસાંની કુદરતી સુરક્ષાપ્રણાલીને પણ નબળી પાડી શકે છે.

પીએમ 2.5 અને પીએમ 10 જેવાં સૂક્ષ્મ કણો, વૉલેટાઇલ ઑર્ગેનિક કમ્પાઉન્ડ્સ (વીઓસી) અને અન્ય પ્રદૂષકો નાક, ગળા અને શ્વસનતંત્રના આંતરિક સ્તરમાં બળતરા પેદા કરી શકે છે.

તેને કારણે ઉધરસ, શ્વાસ લેવામાં તકલીફ અને સ્વાસ્થ્યને લગતી અન્ય સમસ્યાઓ થઈ શકે છે.

મચ્છર ભગાડનારી કોઇલ લોકો માટે શી રીતે ઝેર સાબિત થઈ શકે છે

ડૉ. જાવેદ ખાનના જણાવ્યા અનુસાર, અલગ-અલગ લોકોને અલગ-અલગ વસ્તુઓથી ઍલર્જી થઈ શકે છે. કેટલાક લોકોને માત્ર ધુમાડાથી તકલીફ થાય છે, જ્યારે કેટલાક લોકોને પાયરેથ્રિન જેવાં રસાયણોથી ઍલર્જી થઈ શકે છે. જોકે, ધુમાડો કોઈ પણ પ્રકારનો હોય, તે ફેફસાંના સ્વાસ્થ્ય માટે નુકસાનકારક હોય છે.

તેઓ કહે છે, “બંધ રૂમમાં કૉઇલનો ધુમાડો શ્વાસનળીની અંદર રહેલી શરીરની સુરક્ષાપ્રણાલીને અસર કરે છે. તેનાથી શરીરની રોગપ્રતિકારક શક્તિ પણ નબળી પડી શકે છે.”

આ વાત સમજાવતાં તેમણે કહ્યું, “લોકો સિગારેટ નિકોટિનને કારણે પીવે છે, પરંતુ સિગારેટથી થતું વાસ્તવિક નુકસાન ધુમાડા સાથે શરીરમાં જતા હજારો રસાયણોને કારણે થાય છે. મચ્છર ભગાડનારી કૉઇલ બાબતે પણ કંઈક આમ જ થાય છે.”

તેમના અનુસાર, “કૉઇલના ધુમાડાથી અસ્થમાની સમસ્યા વધી શકે છે અને શ્વાસનળી સાથે સંકળાયેલી બીમારીઓનું જોખમ પણ વધી શકે છે. જે બાળકોને ઍલર્જીની સમસ્યા હોય, તેમને રાત્રે ઉધરસ આવી શકે છે અને અસ્થમાનો હુમલો પણ આવી શકે છે.”

કૉઇલના ધુમાડામાં કાર્બન મોનૉક્સાઇડ સહિત અનેક હાનિકારક રસાયણો

મચ્છર ભગાડનારી કોઇલ લોકો માટે શી રીતે ઝેર સાબિત થઈ શકે છે

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, મચ્છર ભગાડનારી કૉઇલ સળગતી હોય ત્યારે વિવિધ પ્રકારનાં રાસાયણિક પદાર્થો અને અત્યંત નાનાં પ્રદૂષક કણો હવામાં ભળે છે.

કૉઇલનો હેતુ મચ્છરોને ભગાડવાનો કે મારવાનો હોય છે. જોકે, અનેક વૈજ્ઞાનિક અભ્યાસોમાં એ સવાલ ઉઠાવવામાં આવ્યો છે કે બંધ અથવા ઓછા હવાઉજાસવાળા રૂમમાં લાંબા સમય સુધી આ ધુમાડાના સંપર્કમાં રહેવું માનવસ્વાસ્થ્ય માટે કેટલું સલામત છે.

એનઆઈએચમાં પ્રકાશિત માહિતી મુજબ, મચ્છર ભગાડનારી કૉઇલના ઉપયોગ પછી ઘરની અંદરની હવામાં અનેક પ્રદૂષકો જોવા મળ્યાં હતાં. તેમાં કાર્બન મોનૉક્સાઇડ, ટીવીઓસી (ટોટલ વૉલેટાઇલ ઑર્ગેનિક કમ્પાઉન્ડ્સ), સલ્ફર ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને સૂક્ષ્મ કણોનું પ્રદૂષણ સામેલ હતું.

સંશોધકોએ એવું પણ શોધી કાઢ્યું કે મોટા રૂમમાં કૉઇલની મચ્છરોને મારવાની ક્ષમતા થોડી ઘટી જાય છે. જ્યારે ઓછા હવાઉજાસવાળા રૂમમાં તેની અસર પ્રમાણમાં વધારે જોવા મળી હતી.

મચ્છર ભગાડનારી કોઇલ લોકો માટે શી રીતે ઝેર સાબિત થઈ શકે છે

સંશોધનમાં જાણવા મળ્યું કે મચ્છર ભગાડનારી કૉઇલ સળગાવવાથી નીકળતાં તમામ કણો અત્યંત સૂક્ષ્મ કદનાં હતાં. તેમાંથી મોટા ભાગનાં કણોનું કદ 0.01થી 0.1 માઇક્રોમીટર અને 0.2થી 0.3 માઇક્રોમીટરની વચ્ચે હતું.

અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું કે કૉઇલથી થતા પ્રદૂષણને કારણે બીમારીઓનું જોખમ રહે છે, જ્યારે મચ્છરના કરડવા સામે તે માત્ર મર્યાદિત સુરક્ષા આપે છે. તેથી મલેરિયાના નિવારણ અને નિયંત્રણ માટે તેને બહુ અસરકારક ઉપાય માનવામાં આવતો નથી.

સંશોધકોએ આરોગ્ય સંબંધિત માપદંડો અને માર્ગદર્શિકાઓ સાથે સરખામણી કર્યા પછી તારણ કાઢ્યું કે મચ્છર ભગાડનારી કૉઇલના ધુમાડાના સંપર્કમાં આવવાથી ટૂંકા ગાળાનાં અને લાંબા ગાળાનાં, બંને પ્રકારનાં સ્વાસ્થ્ય જોખમો ઊભાં થઈ શકે છે.

સંશોધકોએ એમ પણ સૂચવ્યું કે મલેરિયાગ્રસ્ત વિસ્તારોમાં મચ્છર ભગાડનારી કૉઇલના ઉપયોગ અંગે ફરીથી વિચાર કરવો જોઈએ.

ડૉ. શાઝલીના જણાવ્યા અનુસાર, કૉઇલ સળગાવવાથી સિગારેટની જેમ અનેક હાનિકારક રસાયણો બહાર આવે છે, જે ફેફસાં અને શ્વસનતંત્રને અસર કરી શકે છે. એટલું જ નહીં, તે અસ્થમાનો ગંભીર હુમલો પણ લાવી શકે છે.

તેમના જણાવ્યા અનુસાર, “હવાની પૂરતી અવરજવર ન હોય ત્યાં કોઇલ સળગાવવાથી અસ્થમા, ઉધરસ, ગળામાં સોજો અને બીજી ઘણી બીમારીઓ થઈ શકે છે. તેનાથી ફેફસાંને ગંભીર અસર થઈ શકે છે અને અસ્થમાના દર્દીને કટોકટીની સારવારની પણ જરૂર પડી શકે છે.”

ડૉ. શાઝલીએ જણાવ્યું, “કૉઇલનો ધુમાડો ફક્ત એલર્જી ધરાવતા લોકોને જ અસર કરતો નથી. તે કોઈપણ વ્યક્તિમાં નાક, ગળા અને શ્વાસનળી સંબંધિત સમસ્યાઓ ઊભી કરી શકે છે.”

“આ ઉપરાંત આંખોમાં બળતરા, આંખમાંથી પાણી આવવું, નાકમાંથી પાણી વહેવું અને ગળામાં કફ ઊતરવા જેવી તકલીફો પણ થઈ શકે છે.”

મચ્છરદાનીનો ઉપયોગ

મચ્છર ભગાડનારી કોઇલ લોકો માટે શી રીતે ઝેર સાબિત થઈ શકે છે

ડૉ. શાઝલીના જણાવ્યા અનુસાર, મચ્છરોથી બચવા માટે રૂમમાં મચ્છર ભગાડનારાં ઇલેક્ટ્રિક ઉપકરણો (મૉસ્ક્વિટો રિપેલેન્ટ)નો ઉપયોગ કરવો બહેતર છે.

આ ઉપરાંત બારીઓ અને દરવાજા પર જાળી લગાવવી, મચ્છરદાની લગાવીને સૂવું અને ખાસ કરીને બાળકોને ખુલ્લામાં ન સુવડાવવાની સલાહ આપવામાં આવે છે.

તેમણે સલાહ આપી કે બંધ રૂમમાં કોઈપણ પ્રકારનો મચ્છર ભગાડવાનો સ્પ્રે કે કૉઇલ વાપરવાં જોઈએ નહીં.

ડૉ. શાઝલીએ કહ્યું, “પ્રદૂષણ કોઈપણ પ્રકારનું હોય, કોઈ વ્યક્તિનાં ફેફસાં નબળાં હોય અથવા કોઈ મહિલા ગર્ભવતી હોય, તો ધુમાડો અને હવાનું પ્રદૂષણ તેમના સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.”

આ ઉપરાંત મચ્છર ભગાડનારી કૉઇલને બદલે ઇલેક્ટ્રિક રિપેલેન્ટ અથવા મચ્છર ભગાડવાનું લોશન વાપરવું વધુ સલામત અને સારો વિકલ્પ બની શકે છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS