Home તાજા સમાચાર gujrati મુખ્ય ચૂંટણી કમિશનરને કેવું કાયદાકીય રક્ષણ મળેલું છે, તેમને પદ પરથી હટાવવાની...

મુખ્ય ચૂંટણી કમિશનરને કેવું કાયદાકીય રક્ષણ મળેલું છે, તેમને પદ પરથી હટાવવાની શું પ્રક્રિયા છે?

3
0

Source : BBC NEWS

જ્ઞાનેશકુમાર

ભારતના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવાની માગ સતત વિપક્ષો, સામાજિક સંગઠનો અને લોકો કરી રહ્યાં છે.

અંગ્રેજી અખબાર ઇન્ડિયન ઍક્સપ્રૅસના ચૂંટણી કમિશનરો વચ્ચે મતભેદના અહેવાલ પછી આ માગ વધુ તીવ્ર બની છે.

દિલ્હી, મુંબઈ સહિત દેશભરમાં તેમની વિરુદ્ધમાં પ્રદર્શનો ચાલી રહ્યાં છે.

આજે છઠ્ઠી ઑક્ટોબરે પણ રાહુલ ગાંધી, અખિલેશ યાદવ સહિત વિપક્ષના 150થી વધુ સાંસદોએ ચૂંટણીપંચ સુધી માર્ચ કાઢી હતી.

વિપક્ષના નેતાઓ, સામાજિક સંગઠનો વગેરે ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સામે કાયદાકીય પગલાં લેવા અને ગુનો નોંધવાની માગ કરી રહ્યા છે. પરંતુ આમ કરવું એ સહેલું નથી. સંસદમાં 2023માં પસાર થયેલા એક કાયદાને કારણે તેમને રક્ષણ મળેલું છે.

એ કાયદો શું છે જેનાથી જ્ઞાનેશકુમારને મળ્યું છે રક્ષણ?

પસાર કરવામાં આવેલું બિલ જે કાયદો બન્યું

સંસદમાં ‘ચીફ ઇલેક્શન કમિશનર ઍન્ડ અધર ઇલેક્શન કમિશનર્સ ઍક્ટ, 2023’ નામનું બિલ પસાર કરવામાં આવ્યું હતું અને કાયદો બન્યો હતો. આ કાયદાએ જૂના 1991ના કાયદાની જગ્યા લીધી હતી.

આ કાયદા અનુસાર મુખ્ય ચૂંટણી કમિશનરો અને અન્ય કમિશનરોને વિશેષ સુરક્ષા આપવામાં આવી છે.

તે અનુસાર, તેમના કાર્યકાળ દરમિયાન કરવામાં આવેલી કોઈ કામગીરીને લીધે તેમની સામે કાયદાકીય પગલાં નહીં લઈ શકાય. જોકે, તેના માટે તેમણે કર્તવ્યોના નિર્વહન હેઠળ આ કામગીરી કરી છે એમ હોવું જોઈએ.

આ ફેરફારનો ઉદ્દેશ્ય ચૂંટણી કમિશનરોને તેમની કામગીરી સંબંધિત કોઈ પણ સિવિલ કે ફોજદારી કાર્યવાહીથી બચાવવાનો છે.

આ કાયદા અનુસાર, ચૂંટણી કમિશનર પદ પર નિવૃત્ત થઈ જાય કે રાજીનામું આપી દે એ પછી પણ તેમણે તેમના કાર્યકાળ દરમિયાન કરેલી કોઈ પણ કામગીરી, શબ્દો, લખાણ કે ભાષણ બદલ તેમની સામે કોઈ કાર્યવાહી નહીં થઈ શકે.

આ જ કાયદા હેઠળ ચૂંટણી કમિશનરોની નિયુક્તિની પ્રક્રિયામાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે.

તેમની પસંદગી સમિતિના અધ્યક્ષ વડા પ્રધાન હોય છે, એ પછી સમિતિમાં તેમણે નીમેલ કોઈ મંત્રી હોય છે અને લોકસભામાં વિપક્ષના નેતા હોય છે. પછી રાષ્ટ્રપતિ તેમની અધિકૃતપણે નિમણૂક કરે છે.

એ અગાઉ માર્ચ 2023થી ડિસેમ્બર 2023 વચ્ચે આ સિલેક્શન કમિટીમાં વડા પ્રધાન, મુખ્ય ન્યાયાધીશ અને વિપક્ષના નેતા હતા.

જોકે, આ અગાઉ પણ ચૂંટણી કમિશનરોની નિમણૂક વડા પ્રધાન અને મંત્રીઓના સમૂહની સીધી ભલામણ પર જ રાષ્ટ્રપતિ કરતા હતા.

‘રાષ્ટ્રપતિ પાસે પણ આવો અધિકાર નથી’

SIR રદ્દ કરવાની અને જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ ધણા લોકો કરી રહ્યા છે

ચૂંટણી કમિશનર પદ પરથી હઠી જાય કે નિવૃત્ત થઈ જાય એ પછી પણ તેમના પર તેમણે કરેલી કામગીરી ઉપર પગલાં ન લઈ શકાય તેવું કાયદાકીય રક્ષણ તેમને અપાયું છે.

ગઈ કાલે 5 ઑક્ટોબરે સુપ્રીમ કોર્ટે પણ તે અંગે મૌખિક ટિપ્પણી કરી હતી.

SIRમાં જ્ઞાનેશકુમારે મતદારયાદીમાં સુધારા અંગે લીધેલા કથિત એકતરફી નિર્ણયોને પડકારતી અરજીઓ પર ગઈકાલે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી કરવામાં આવી હતી.

લાઇવ લૉના અહેવાલ અનુસાર,આ દરમિયાન અરજીકર્તા તરફથી રજૂ થયેલા સીનિયર એડવોકેટ વિકાસસિંહે તર્ક આપ્યો હતો કે 2023ના આ કાયદાથી મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય ચૂંટણી કમિશનરોના અધિકાર અને કાયદાકીય સુરક્ષા ઘણી વધી ગઈ છે. તેમને મળેલી કાયદાકીય સુરક્ષા એ પદ છોડ્યા પછી પણ યથાવત રહે છે.

આ અંગે જસ્ટિસ જૉયમાલ્યા બાગચીએ ટિપ્પણી કરી હતી કે, “આવી સુરક્ષા તો કદાચ માત્ર રાષ્ટ્રપતિ પાસે જ છે. આવી સુવિધા તો જજો પર પણ લાગુ થતી નથી.”

તેના જવાબમાં ઍડવોકેટ વિકાસસિંહે કહ્યું હતું કે આવી સુવિધા વડા પ્રધાન પાસે પણ નથી.

સુપ્રીમ કોર્ટના વકીલ અને પૂર્વ રાજ્યસભા સાંસદ કપિલ સિબ્બલે પણ તેમના શોમાં આ અંગે ટિપ્પણી કરી હતી.

તેમણે કહ્યું હતું કે, “ભારતના રાષ્ટ્રપતિ, રાજ્યપાલ કે જજોને પણ ચૂંટણી કમિશનર જેવું જીવનભર કાયદાકીય રક્ષણ મળેલું નથી. મારા હિસાબ અનુસાર, આ વસ્તુ જ ગેરબંધારણીય છે.”

ચૂંટણી કમિશનરને કેવી રીતે હઠાવી શકાય?

એસ.એસ.સંધુ (ડાબેથી) જ્ઞાનેશકુમાર અને વિવેક જોશી

બંધારણના અનુચ્છેદ 324(5) અનુસાર, મુખ્ય ચૂંટણી કમિશનરને પદ પરથી માત્ર એ જ રીતે હઠાવી શકાય છે જે આધારે સુપ્રીમ કોર્ટના કોઈ ન્યાયાધીશને હઠાવવામાં આવે છે.

2023ના કાયદાની કલમ 11(2)માં પણ આ જ રસ્તો છે.

બંધારણમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે કોઈ અન્ય ચૂંટણી કમિશનર કે ક્ષેત્રીય કમિશનરને મુખ્ય ચૂંટણી કમિશનરની ભલામણ સિવાય પદ પરથી ન હઠાવી શકાય.

ચૂંટણીપંચને રાજકીય દબાણનો સામનો ન કરવો પડે આથી મુખ્ય ચૂંટણી કમિશનરને હઠાવવાની પ્રક્રિયા મુશ્કેલ રાખવામાં આવી છે.

સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશને હઠાવવાની પ્રક્રિયા સાથે જોડાયેલી બંધારણની કલમ 124(4) અનુસાર, તેમને માત્ર ગેરવર્તણૂક સાબિત થવાને આધારે અથવા અક્ષમતાને આધારે જ હઠાવી શકાય છે.

ગેરવર્તણૂકમાં ભ્રષ્ટ આચરણ અથવા પદનો દુરુપયોગ સામેલ છે.

સમયાંતરે કોર્ટે તેની વ્યાખ્યા એવાં કામો તરીકે પણ કરી છે કે જે મુખ્ય ચૂંટણી કમિશનરના પદની ગરિમા અનુસાર ન હોય અથવા તો મુખ્ય ચૂંટણી કમિશનર તેમના અધિકૃત કર્તવ્યોનું નિર્વહન કરવામાં નિષ્ફળ નીવડે.

અક્ષમતાનો મતલબ એવી સ્થિતિ છે જેમાં અધિકારી પોતાનાં કર્તવ્યોનું નિર્વહન કરવામાં સક્ષમ ન હોય.

મુખ્ય ચૂંટણી કમિશનરને હઠાવવાની પ્રક્રિયા શરૂ કરતી વખતે સંસદનાં બંને ગૃહોના સદસ્યો એક પ્રસ્તાવની નોટિસ આપે છે જેમાં મુખ્ય ચૂંટણી કમિશનર ઉપર સ્પષ્ટપણે ગેરવર્તણૂક અથવા અક્ષમતાનો આરોપ હોય.

મહાભિયોગ પ્રસ્તાવ સ્વીકાર થાય તેના માટે લોકસભામાં ઓછામાં ઓછા 100 અને રાજ્યસભામાં 50 સાંસદોની સહી જરૂરી છે.

પીઠ પર આસન્ન અધિકારી પ્રસ્તાવ સ્વીકાર કરવા કે ઠુકરાવતા પહેલાં સંબંધિત લોકો અને દસ્તાવેજોની જાણકારી લઈ શકે છે. જો દરખાસ્ત સ્વીકારવામાં આવે છે, તો આરોપોની સત્યતા ચકાસવા માટે તપાસ હાથ ધરવામાં આવે છે.

આ માટે, એક સમિતિની રચના કરવામાં આવે છે, જે ગેરવર્તણૂક અથવા અક્ષમતા સંબંધિત પુરાવાઓની તપાસ કરે છે.

આ પછી, મુખ્ય ચૂંટણી કમિશનરને દૂર કરવાનો પ્રસ્તાવ સંસદનાં બંને ગૃહોમાં ‘હાજર અને મતદાન કરનારા’ સભ્યોમાંથી બે તૃતીયાંશ બહુમતીથી પસાર કરવો પડશે.

બંને ગૃહોમાં ઠરાવ પસાર થયા પછી, રાષ્ટ્રપતિ મુખ્ય ચૂંટણી કમિશનરને તેમના પદ પરથી દૂર કરવાનો આદેશ આપે છે.

બંધારણીય પ્રક્રિયા પૂર્ણ થયા પછી, રાષ્ટ્રપતિ પાસે હવે કોઈ અલગ વિવેકાધિકાર રહેશે નહીં, કારણ કે આ બાબતમાં રાષ્ટ્રપતિએ સંસદની સલાહ મુજબ કાર્ય કરવાનું રહેશે.

પહેલાં પણ જ્ઞાનેશકુમાર સામે લાવવામાં આવ્યો હતો મહાભિયોગ

ભારતમાં અત્યાર સુધીમાં કોઈ ચૂંટણી કમિશનર ઉપર મહાભિયોગ પ્રસ્તાવ ચલાવવામાં આવ્યો નથી.

આ વર્ષે એપ્રિલમાં રાજ્યસભાના સભાપતિ અને લોકસભા અધ્યક્ષે જ્ઞાનેશકુમાર સામે વિપક્ષ તરફથી લાવવામાં આવેલા મહાભિયોગ પ્રસ્તાવોને ફગાવી દીધા હતા.

બંને ગૃહોના પ્રમુખ અધિકારીઓએ તેમના નિર્ણય માટે કોઈ કારણ આપ્યું ન હતું.

તૃણમૂલ કૉંગ્રેસના નેતૃત્વમાં વિપક્ષે 12 માર્ચે લોકસભા અને રાજ્યસભામાં મહાભિયોગ પ્રસ્તાવ રજૂ કર્યા હતા.

લોકસભાના ઠરાવ પર 130 સાંસદોએ અને રાજ્યસભાના ઠરાવ પર 63 સાંસદોએ હસ્તાક્ષર કર્યા હતા.

બંને દરખાસ્તોમાં ચૂંટણીપંચ દ્વારા મતદાર યાદીઓ અને એસઆઈઆરનો ઉલ્લેખ કરવામાં હતો.

આમાં મુખ્ય ચૂંટણી કમિશનર સામે ‘પક્ષપાતી અને ભેદભાવપૂર્ણ વર્તન’ અને ચૂંટણી છેતરપિંડી અને એસઆઈઆરની તપાસમાં ‘અવરોધ’ના આરોપોનો સમાવેશ થાય છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS