Home તાજા સમાચાર gujrati ગુજરાત : ‘કપાળ પર કિસ’ અને ‘આફ્ટર પાર્ટી’ની ઑફર, 99 રૂ.માં ભાડે...

ગુજરાત : ‘કપાળ પર કિસ’ અને ‘આફ્ટર પાર્ટી’ની ઑફર, 99 રૂ.માં ભાડે મેળવો ગરબા પાર્ટનર, શું છે હકીકત?

3
0

Source : BBC NEWS

નવરાત્રિ, 'રૅન્ટ અ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા પર પોસ્ટ બીબીસી ગુજરાતી તપાસ  ગરબા પાર્ટનર ગુજરાત ન્યૂઝ

‘રૂપિયા આપો, ગરબા પાર્ટનર ભાડે મેળવો’ અને સૌથી મોંઘા પ્લાનમાં ફોરહેડ એટલે કે ‘કપાળ પર કિસ’ અને ‘આફ્ટર પાર્ટી’ની પણ ઑફર, નવરાત્રિના લગભગ 25 દિવસ પહેલાં સોશિયલ મીડિયા પર શરૂ થયેલો ‘રેન્ટ અ ગરબા પાર્ટનર’નો ટ્રેન્ડ ઘણો ચર્ચામાં રહ્યો. જે કદાચ તમારા સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મની ફીડમાં પણ આવ્યો હશે.

પાછલા કેટલાક દિવસોથી અલગ-અલગ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર જૂદાં જૂદાં એકાઉન્ટ્સથી નવરાત્રિમાં ગરબા રમવા માટે ‘ભાડે પાર્ટનર’ મેળવવાની ઑફર્સ જોવા મળી હતી.

આ પોસ્ટમાં ‘ગોલ્ડ’, સિલ્વર અને પ્લેટિનમ’ જેવા પ્લાન પણ ઑફર કરવામાં આવ્યા હતા. જેમાં પ્લાન પ્રમાણે અલગ-અલગ સુવિધાઓ આપવાનો દાવો કરાયો હતો. સૌથી મોંઘા પ્લાનમાં ‘કપાળ પર કિસ’ અને ‘આફ્ટર પાર્ટી’ની પણ ઑફર હતી.

આ એકાઉન્ટ્સથી શું ખરેખર ‘ગરબા પાર્ટનર ભાડે આપવાની ડીલ’ થઈ રહી હતી? એ જાણવા માટે બીબીસી ગુજરાતીના આ સંવાદદાતાએ આવા જ કેટલાક સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને મૅસેજ કર્યા હતા.

અમે આ તપાસમાં આવાં ‘એકાઉન્ટ સંચાલિત કરતા લોકો’ સાથે વાત કરી. આજથી નવરાત્રિ શરૂ થઈ છે ત્યારે જાણીએ કે ‘પૈસા ચૂકવી, ગરબા પાર્ટનર અપાવવાનો દાવો કરતાં આ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ અને જાહેરાતો’ની તપાસમાં શું જાણવા મળ્યું?

નવરાત્રિ, 'રૅન્ટ અ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા પર પોસ્ટ બીબીસી ગુજરાતી તપાસ  ગરબા પાર્ટનર ગુજરાત ન્યૂઝ

કોઈ પણ સોશિયલ મીડિયા એકાઉન્ટને બિનજરૂરી પ્રમોશન ના મળે અને તેમની પ્રાઇવસી જળવાઈ રહે તે હેતુથી યુઝરનેમ અને પ્લૅટફૉર્મનાં નામ અહીં નથી લખવામાં આવ્યાં.

આવી પોસ્ટ જોઈ આ સંવાદદાતાએ ઇસ્ટાગ્રામ પર ‘ગરબા પાર્ટનર ભાડે’ મેળવવાની પોસ્ટ શોધવાનું શરૂ કર્યું હતું. તેમજ આવી પોસ્ટ્સ મૂકતા ઇન્સ્ટા એકાઉન્ટ્સને ડાયરેક્ટ મૅસેજ કરીને તેની પેશકશની હકીકતો તપાસવાનો પ્રયાસ કર્યો હતો.

‘રેન્ટ અ ગરબા પાર્ટનર’ની પોસ્ટ્સ મૂકનારા આવા લોકોમાં કેટલાક સોશિયલ મીડિયા ઇનફ્લ્યુએન્સર્સ પણ સામેલ હતા, તેમાંથી કેટલાકના ફૉલોઅર્સ હજારોમાં પણ હતા. તેમજ કેટલાકનાં પેજ જોઈને સંચાલક વ્યક્તિ નવીસવી હોય તેવું લાગ્યું.

અમારા ધ્યાને આવ્યું કે આ ટ્રેન્ડનો લાભ મેળવવા માટે કેટલીક મેટ્રિમોનિયલ અને ડેટિંગ ઍપ્સે પણ આવી પોસ્ટ મૂકીને ગ્રાહકોને આકર્ષવાનો પ્રયત્ન કર્યો હતો.

જ્યારે આ સંવાદદાતાએ આવી મેટ્રિમોનિયલ સાઇટ્સનો સંપર્ક કર્યો તો તેમણે સ્પષ્ટતા કરી કે તેમનું પ્લૅટફૉર્મ મેટ્રિમોનિયલ એટલે કે, લગ્નવિષયક છે ‘ગરબા પાર્ટનર’ની પોસ્ટ તેમણે લગ્નના સંદર્ભમાં કરી હતી.

તેમજ, ડેટિંગ ઍપ માટેના પ્લૅટફૉર્મ પરથી કોઈ જવાબ નહોતો મળ્યો.

એક એકાઉન્ટે ‘ગરબા પાર્ટનર’ માટેનું ખાસ ‘શેડો એકાઉન્ટ’ બનાવ્યું હતું, અને તેમનો સંપર્ક કરતા તેમણે મુખ્ય ઍકાઉન્ટની લિંક આપીને તેને ફૉલો કરવાનું જણાવ્યું.

તેનો સીધો અર્થ છે કે આ ફૉલોઅર્સ અને રીચ વધારવાનો એક ‘કીમિયો’ હતો. એ જ એકાઉન્ટે મધ્ય પ્રદેશના એક શહેરમાં સર્વિસ આપવાનું કહીને ગુજરાત માટે ‘ગરબા પાર્ટનર’ ઉપલબ્ધ કરાવવાનો ઇનકાર કર્યો. જ્યારે મોટા ભાગનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ્સ તરફથી કોઈ જવાબ મળ્યો નહોતો.

નવરાત્રિ, 'રૅન્ટ અ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા પર પોસ્ટ બીબીસી ગુજરાતી તપાસ  ગરબા પાર્ટનર ગુજરાત ન્યૂઝ

સૌથી વધુ ધ્યાનાકર્ષક બાબતે એ છે કે, જે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટે ‘ગરબા પાર્ટનર’ ભાડે ઉપલબ્ધ કરાવવાની પોસ્ટ મૂકી હતી, તેમાંથી મોટા ભાગનાં એકાઉન્ટ સપ્ટેમ્બર 2026માં જ જનરેટ થયાં હતાં.

એટલે કે તદ્દન નવાં હતાં. જે એ વાત તરફ ઇશારો કરે છે કે, જે કોઈ વ્યક્તિ તેને હૅન્ડલ કરી રહી છે, તેમણે ખાસ આ હેતુ માટે જ આ ઍકાઉન્ટ બનાવ્યું છે, અને એનાં બીજાં પણ શૅડો ઍકાઉન્ટ્સ હોઇ શકે છે. જોકે, જે સોશિયલ મીડિયા ઇન્ફલ્યુએન્સર્સે આવી સર્વિસ માટેની પોસ્ટ મૂકી હતી, તેમનાં એકાઉન્ટ સરેરાશ ત્રણ-ચાર વર્ષ અગાઉ બનેલાં હતાં.

છોકરીઓ માટે ફ્રી રજિસ્ટ્રેશન

નવરાત્રિ, 'રૅન્ટ અ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા પર પોસ્ટ બીબીસી ગુજરાતી તપાસ  ગરબા પાર્ટનર ગુજરાત ન્યૂઝ

આખરે એક એકાઉન્ટ એવું મળ્યું, જેણે ‘ગરબા પાર્ટનર’ ઉપલબ્ધ કરાવવાની સર્વિસ સાથે જોડાયેલા હોવાનો દાવો કર્યો.

જે એકાઉન્ટ સાથે આ સંવાદદાતાની વાત થઈ અને જેણે ‘ગરબા પાર્ટનર’ ઉપલબ્ધ કરાવવાની તૈયારી દર્શાવી એની સાથે

આ સંવાદદાતાએ આવી સર્વિસ પૂરી પાડવાનો દાવો કરનાર એકાઉન્ટ સાથે એક ‘ગરબા પાર્ટનર’ યુવતી મેળવવા ઇચ્છુક એક યુવાન તરીકે વાત કરી હતી. આ એકાઉન્ટ પણ સપ્ટેમ્બર 2026માં જ જનરેટ થયેલું હતું.

આ એકાઉન્ટ પર નવરાત્રિની થીમ પર આકર્ષક ઇમેજ પોસ્ટ કરાઈ હતી. જેમાં લખાયું હતું. ‘ફાઇન્ડ યોર પાર્ટનર, મેક ન્યૂ ફ્રેન્ડ્સ, ડાન્સ ટુગેધર, ફ્રી રજિસ્ટ્રેશન ફૉર ગર્લ્સ..’ એટલે કે ‘તમારા પાર્ટનર શોધો, નવા મિત્રો બનાવો, સાથે ડાન્સ (ગરબા) કરો અને છોકરીઓ માટે કોઈ ચાર્જ નથી.’

હવે અમારે એ જાણવાનું હતું કે તો છોકરાઓ માટે આ સર્વિસ પૂરી પાડવાનો કેટલો ચાર્જ રાખવામાં આવ્યો હતો. આ સિવાય યુવક અને યુવતી નિકટ હોય એવી પોસ્ટ પણ ગરબાનાં ગીતો સાથે આ એકાઉન્ટના પેજ પર શૅર કરાઈ હતી. જેમાં બાયોમાં આપેલી લિંક પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન કરવાનું કહેવાયું હતું.

નવરાત્રિ, 'રૅન્ટ અ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા પર પોસ્ટ બીબીસી ગુજરાતી તપાસ  ગરબા પાર્ટનર ગુજરાત ન્યૂઝ

આ સંવાદદાતાએ એકાઉન્ટમાં મૅસેજ કરીને પૂછ્યું કે, ‘કયા શહેરમાં તમે ગરબા પાર્ટનર આપી રહ્યા છો?’, તેનો જવાબ હતો ‘મુખ્યત્વે દિલ્હી, નોઇડા અને અન્ય રાજ્યો.’

ગરબા મુખ્યત્વે ગુજરાતમાં જ થાય છે, તેથી અમે પૂછ્યું ‘ગુજરાત કેમ નહીં?’ જવાબ હતો, ‘ગુજરાત રાજ્યની કેટલીક છોકરીઓએ પણ રજિસ્ટ્રેશન કરેલું છે.’

અમે સમજવાનો પ્રયાસ કર્યો કે, દિલ્હીથી તેઓ ગુજરાતમાં ‘ગરબા પાર્ટનર’ તરીકે છોકરીઓ કેવી રીતે ઉપલબ્ધ કરાવશે?

સામેની વ્યક્તિએ વાતચીતમાં જણાવ્યું કે, ‘તમે જાણો છો કે છોકરીઓ પણ ‘ગરબા પાર્ટનર’ શોધતી હોય છે. તેઓ અહીં રજિસ્ટ્રેશન કરે છે અને અમે તેમને રજિસ્ટર થયેલા છોકરાઓ સાથે મોકલીએ છીએ. અમારી સાથે દિલ્હી, યુપી, નોઇડાની છોકરીઓએ રજિસ્ટ્રેશન કરી લીધું છે. તેમાં કેટલીક રાજસ્થાનની પણ છોકરીઓ છે. ‘

અમે પૂછેલા પ્રશ્નોના જવાબમાં સામેની વ્યક્તિએ જણાવ્યું, ‘છોકરાઓએ રજિસ્ટ્રેશન માટે 99 રૂપિયા ભરવાના છે જ્યારે છોકરીઓ માટે રજિસ્ટ્રેશન મફત છે. જો તમે રજિસ્ટ્રેશન કરશો તો તમને ખબર પડી જશે કે ‘ગરબા પાર્ટનર’ તરીકે છોકરી કેવી રીતે મળશે?’

અમે પૂછ્યું કે, ‘છોકરા અને છોકરીઓ વચ્ચે આ ભેદભાવ કેમ?’ તેમનો જવાબ હતો, ‘જો, હું ફ્રી ન રાખત તો છોકરીઓએ રજિસ્ટ્રેશન ન જ ન કરાવ્યું હોત.’

‘સંપૂર્ણ પ્રાઇવસી અને સિક્યૉરિટીનો વિશ્વાસ’

‘ગરબા પાર્ટર’ની શોધ માટે જ્યારે અમે પ્રાઇવસી અંગે ચિંતા વ્યક્ત કરી. તો તેમના તરફથી કહેવાયું કે, ‘તમારી માહિતી 100 ટકા સુરક્ષિત છે. અમે માત્ર નામ, ઉંમર અને કૉન્ટેક્ટ નંબર લઈએ છીએ. જે તમે આપો છો.’

વાતચીત વચ્ચે વારંવાર અમને સામેની વ્યક્તિ રજિસ્ટ્રેશન કરવા માટે કહેતી હતી. જોકે, અમે તેની સાથે વાતચીત કરીને વધુ માહિતી મેળવવાનો પ્રયાસ ચાલુ રાખ્યો.

જેમકે, ‘નવરાત્રિના નવ દિવસના 99 રૂપિયા છે કે, એક દિવસના? મને દરરોજ એક જ પાર્ટનર મળશે કે બદલાશે? જો મને પાર્ટનર નહીં ગમે તો શું?’

સામેની વ્યક્તિએ જવાબ આપ્યો, ‘અમે માત્ર છોકરીનો કૉન્ટેક્ટ નંબર આપીશું, અમે મધ્યસ્થી છીએ, તમે તેની સાથે વાતચીત કરી શકો છો. જો તમને આપેલા ‘ગરબા પાર્ટનર’ એકબીજાને નહીં ગમે, તો અમે બીજી છોકરીનો નંબર આપીશું.’

એકાઉન્ટના બાયોમાં આપેલી લિંકમાં શું હતું?

નવરાત્રિ, 'રૅન્ટ અ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા પર પોસ્ટ બીબીસી ગુજરાતી તપાસ  ગરબા પાર્ટનર ગુજરાત ન્યૂઝ

અમે એકાઉન્ટની ડિટેઇલ્સ અને બાયોમાં આપેલી લિંક લઈને અમદાવાદ સાઇબર ક્રાઇમ બ્રાન્ચ પહોંચ્યા.

એસીપી હાર્દિક માકડિયાએ આ એકાઉન્ટ્સની માહિતી લીધી, અને તેમના કમ્પ્યૂટરમાં તે લિંક ઑપન કરી. તો તેમાં એક ગૂગલ ફૉર્મ હતું. જેમાં નામ, ઇમેઇલ આઇડી, ઇન્સ્ટા એકાઉન્ટ, તમારે મેલ પાર્ટનર જોઇએ છે કે ફિમેલ, તમારે કેવા ‘ગરબા પાર્ટનર’ જોઈએ છે? તે સહિતની માહિતી માગવામાં આવી હતી.

તમે એને સબમિટ કરો એટલે એક ક્યુઆર કૉડ ખૂલતો હતો. જેને સ્કૅન કરીને તમારે 99 રૂપિયા ભરવાનું જણાવાતું હતું.

એસીપી હાર્દિક માકડિયાએ જણાવ્યું, “બાયૉમાં આપેલી લિંક એ માત્ર ગૂગલ ફૉર્મ છે. ગૂગલ ફૉર્મનો વિશ્વસનીય કામ માટે ઉપયોગ કરાય છે. જેના થકી કોઈ પણ સર્વે થઈ શકે છે. કોઈ પણ રિવ્યૂ તમે સબમિટ કરી શકો છો. પણ અહીં આપેલા ગૂગલ ફૉર્મને આપણે સબમિટ કરીએ પછી સાચો ખેલ શરૂ થાય છે. જેના પર તમને 99 રૂપિયાની ફી ચૂકવવાનું જણાવાય છે. જેના માટે ક્યૂઆર કૉડ અને યુપીઆઇની લિંક આપેલી છે. જેના પર પેમેન્ટ કરીને તમારે સ્ક્રીનશૉટ સબમિટ કરવાનો રહે છે કે પેમેન્ટ થઈ ગયું છે. તો, આ રીતે લોકો પાસેથી 99-99 રૂપિયા લઈને એક પ્રકારનો ફ્રોડ કરવામાં આવે છે. આ જ પ્રોફાઇલ અમે પણ ટ્રેસ કરી છે. રૂપિયા લેવાય છે, પણ કોઈ ‘ગરબા પાર્ટનર’ નથી આપવામાં આવતો.”

નવરાત્રિ, 'રૅન્ટ અ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા પર પોસ્ટ બીબીસી ગુજરાતી તપાસ  ગરબા પાર્ટનર ગુજરાત ન્યૂઝ

એસીપી હાર્દિક માકડિયાએ ઉમેર્યું, “એ લોકો જે માહિતી લે છે, તેનો પણ દુરુપયોગ થઈ શકે છે. તે એવા લોકોને શોધી રહ્યા છે, જે સિંગલ છે અને પાર્ટનરની જરૂર છે. તમે આપેલા કૉન્ટેક્ટ નંબર અને ઇન્સ્ટા આઇડીથી એ તમને ભવિષ્યમાં કૉન્ટેક્ટ કરી શકે છે. પુરુષ હોય તો મહિલા અને મહિલા હોય તો પુરુષની સાથે ચેટ કરીને તમને હનીટ્રેપમાં ફસાવી શકે છે. તમારી સાથે ચૅટ કરીને નવરાત્રિના ફ્રી પાસના નામે એપીકે ફાઇલ મોકલી શકે છે. જેનાથી તમારું વૉટ્સઍપ હૅક થઈ શકે છે. તમારું બૅન્ક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. આવા કોઈ પણ ફિશિંગ પેજ તમારી માહિતી લઈને અન્ય પ્રકારના ફ્રોડ તમારી સાથે કરી શકે છે.”

‘ગરબા પાર્ટનર’ શોધવા અંગે કાયદો શું કહે છે?

‘ગરબા પાર્ટનર’ શોધવા અંગે કાયદો શું કહે છે? આ વિશે અમે વાત કરી વકીલ અમીત કચવે સાથે.

વકીલ અમિત કચવે જણાવે છે, “કોઈ પણ બે પુખ્ત વયની વ્યક્તિ એકબીજાની સંમતિથી ગરબા રમવા જાય અને તેમાં નાણાકીય લેવડદેવડની વાત આવે તો કાયદાકીય રીતે તે બાધ્ય નથી. એ બાબત એ બંને વચ્ચેનો કૉન્ટ્રેક્ટ છે. ચાઇના, હોંગકોંગ જેવા દેશોમાં સાથે ફરવા માટેના આ પ્રકારના પાર્ટનર શોધવા એ સામાન્ય બાબત છે, પણ ભારતમાં હજી આ શરૂ નથી થયું, તેની આવી જાહેરાતોથી અજુગતું લાગે તે સ્વાભાવિક છે.” જોકે, તેઓ ઉમેરે છે કે, “કોઈ પણ અજાણી વ્યક્તિ સાથે બહાર જવું એ જોખમથી ભરેલું છે.”

જો, પાર્ટનર પુખ્ત ઉમર કરતાં નાના હોય તો તેમાં સ્થિતિ અલગ થઈ જાય છે.

પોલીસ ફરિયાદ કેમ નથી નોંધાતી?

નવરાત્રિ, 'રૅન્ટ અ ગરબા પાર્ટનર' સોશિયલ મીડિયા પર પોસ્ટ બીબીસી ગુજરાતી તપાસ  ગરબા પાર્ટનર ગુજરાત ન્યૂઝ

‘ફોરેન્સિક ટેલેન્ટ ઇન્ડિયા’ ગુજરાતની એક ખાનગી સાયબર સિક્યૉરિટી એજન્સી છે.

તેના સાઇબર ઍક્સપર્ટ અરુણકુમારે બીબીસી સાથેની વાતચીતમાં જણાવ્યું, “કોઈ પણ જગ્યાએ પોલીસ ત્યારે જ કાર્યવાહી કરી શકે છે જ્યારે તેમની પાસે ફરિયાદ જાય. આવા કિસ્સામાં મોટા ભાગની લેવડદેવડની રકમ નાની જ હોય છે, પણ સ્કેમર્સની ટાર્ગેટ ઑડિયન્સ ઘણી મોટી હોય છે. જો તેમને 99 રૂપિયાના રોજના 100 લોકો પણ મળી જતા હોય તો એમના માટે આ મોટી રકમ છે. દાખલા તરીકે મારા 99 રૂપિયા જાય તો હું એમ વિચારીશ કે આટલા રૂપિયા માટે મારે શા માટે પોલીસ પાસે જવું જોઈએ. આ વલણના કારણે આપણી પોલીસને યોગ્ય માહિતી નથી મળતી.”

તેમણે ઉમેર્યું “જો પોલીસ પાસે નાની રકમની એક ફરિયાદ પણ જશે તો પણ તેઓ તેના પર કામ નહીં કરી શકે, કારણકે તેમની પાસે મોટી રકમની છેતરપિંડીના ઘણા કેસો છે. નાની રકમના ફ્રોડના પોલીસ પાસે જો 100 લોકો પણ જશે તો ચોક્કસ પોલીસ એના પર કામ કરશે. પણ જો લોકો જ આ અંગે જાગૃત નથી તો પોલીસ પણ શું કરી શકવાની?”

નાની રકમની ઓનલાઇન છેતરપિંડી અંગે અરુણકુમારે કહ્યું કે, “આ અંગે જોઈએ એવી ફરિયાદો જ નથી થઈ રહી,.જ્યારે લોકો મોટી રકમમાં ફસાય ત્યારે તેઓ જાગે છે કે હવે મારી સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. જે સ્ટેજ પર બચી શકાય છે કે ફ્રોડના ઝીરો ચાન્સ છે, એ સ્ટેજ અંગે લોકો જાગૃત જ નથી.”

ગુજરાતમાં સાયબર ક્રાઇમના કેટલા કેસ નોંધાયા?

21 જુલાઈ 2026એ પીઆઇબીએ જાહેર કરેલી પ્રેસનોટ મુજબ વર્ષ 2021થી 2025 સુધી સાઇબર ક્રાઇમ ફરિયાદોની સંખ્યા 65 લાખ 89 હજાર 201થી વધુ છે. જ્યારે તેમાં 55 હજાર 50 કરોડ રૂ.થી પણ વધુની રકમની છેતરપિંડી થઈ છે.

આવા કેસમાં એક લાખ 95 હજાર 760થી પણ વધુ એફઆઇઆર નોંધાઈ છે. માત્ર ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં 2020થી 2024 સુધીમાં સાઇબર ક્રાઇમ અંતર્ગત 7,923 કેસ નોંધાયા છે. સમગ્ર દેશમાં આવા કેસમાં આઠ હજાર 189 કરોડ રૂ.થી વધુની રકમ પર બૅંક ખાતાંમાં ફ્રીઝ કરી દેવાઈ છે.

નવરાત્રિ શરૂ થતાં જ ગરબા પાર્ટનરની ઉપલબ્ધ કરાવવાનો દાવો કરતું ઍકાઉન્ટ બંધ

બીબીસી ગુજરાતી

આ પેજ પરથી કેટલા લોકોએ 99-99 રૂપિયા ભર્યા છે, તે અંગે કોઈ ફરિયાદ દાખલ ન થઈ હોવાથી તેના ચોક્કસ આંકડા નથી. પરંતુ પહેલા જ નોરતે બપોર પછી આ ઇન્સ્ટા એકાઉન્ટ ખૂલી નથી રહ્યું. બની શકે કે નવરાત્રિ શરૂ થઈ હોવાથી જેમણે પણ રૂપિયા ભર્યા હોય તેઓ તેમની પાસેથી પાર્ટનર અંગે પૂછપરછ કરી રહ્યા હશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS