Home તાજા સમાચાર gujrati વિરોધપ્રદર્શનોમાં ગુસ્સો ચૂંટણીપંચ સામે છે કે પછી મોદી સરકાર સામે, યુવાનો શું...

વિરોધપ્રદર્શનોમાં ગુસ્સો ચૂંટણીપંચ સામે છે કે પછી મોદી સરકાર સામે, યુવાનો શું કહી રહ્યા છે?

3
0

Source : BBC NEWS

11 ઑક્ટોબરના રોજ દિલ્હીમાં વિરોધપ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીને લઈ જતી પોલીસ

પ્રકાશિત

વાંચવાનો સમય: 7 મિનિટ

2026 માં યુવાનોનાં વિરોધપ્રદર્શનોનો વ્યાપ ફક્ત રોજગાર કે પરીક્ષાઓ પૂરતો મર્યાદિત નથી રહ્યો.

પરીક્ષાઓ અને નોકરીઓ સંબંધિત પ્રશ્નોથી શરૂ થયેલા યુવાનોનાં આંદોલનો પછી હવે યુવાનો અને વિપક્ષી દળો દ્વારા મતદારયાદી અને ચૂંટણીપંચમાં સુધારાને લઈને પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે.

સવાલ એ છે કે યુવાનો કયા મુદ્દાઓ પર રસ્તા પર આવી રહ્યા છે અને શા માટે?

શું રોજગારની ચિંતા ધીમે ધીમે સંસ્થાઓમાં ભરોસાની ચિંતામાં ફેરવાઈ રહી છે? શું પરીક્ષાઓમાં નિષ્પક્ષતા અને ચૂંટણીઓમાં નિષ્પક્ષતાનો પ્રશ્ન સિસ્ટમમાં ભરોસો અને ન્યાયમાં રહેલો છે?

વિશ્લેષકો વિવિધ મુદ્દાઓ અને ચળવળોને એક મોટી કહાણી સાથે જોડી રહ્યા છે. પણ શું જમીન પરની તસવીર આમ સરળ છે?

સરકાર માટે પણ પ્રશ્ન એ ઊભો થાય છે કે શું દરેક વિરોધને રાજકીય ગતિશીલતા કે વિપક્ષી રાજકારણના ચશ્માંથી જોવાનું પૂરતું છે?

અથવા સરકારને એ પણ પૂછવું પડશે કે જો લાખો યુવાનો કોઈ વ્યવસ્થાની વિશ્વસનીયતા અને તેના પરના તેમના ભરોસા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે, તો તે વ્યવસ્થામાં શું ફેરફાર કરવો જોઈએ જેથી માત્ર નિયમો જ નહીં પણ ભરોસો પણ પુનઃસ્થાપિત થાય?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સામે પ્રશ્ન એ છે કે શું તેમને વર્ષોથી મળેલું જનસમર્થન ઘટી રહ્યું છે? શું યુવા મતદારોને જોડવાનું ભાજપ માટે એક પડકાર સાબિત થઈ રહ્યું છે?

આ બધાં પાસાંની તપાસ કરવા માટે, કલેક્ટિવ ન્યૂઝરૂમના જર્નાલિઝમ ડાયરેક્ટર મુકેશ શર્માએ સીએસડીએસ સાથે જોડાયેલા રાજકીય વિશ્લેષક સંજયકુમાર, ભાજપના નેતા પ્રોફેસર ગૌરવ વલ્લભ અને રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરી સાથે વાત કરી હતી.

‘આ સરકાર લોકોનું સાંભળતી નથી’

દિલ્હીમાં મોટી સંખ્યામાં પોલીસ હોવા છતાં લોકો રસ્તાઓ પર વિરોધ કરવા માટે ઉતર્યા

યુવાનોને નોકરીઓ અને અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તે અચાનક ઉદ્ભવ્યો નથી. તે છેલ્લાં 10-15 વર્ષથી, કે તેથી વધુ સમયથી અસ્તિત્વમાં છે. પરંતુ આજે, એક પછી એક આંદોલનો થઈ રહ્યાં છે. યુવાનોના સંદર્ભમાં આને જોતાં શું બદલાયું છે અથવા બદલાઈ રહ્યું છે?

આ પ્રશ્નના જવાબમાં સંજય કુમાર કહે છે કે છેલ્લાં 30-35 વર્ષથી નિયમિતપણે કરવામાં આવતા સર્વેક્ષણો દરમિયાન એક પ્રશ્ન ચોક્કસ પૂછવામાં આવે છે કે તમારી સામે કે દેશ સામે સૌથી મોટી સમસ્યા કઈ છે?

તેમનું કહેવું છે કે સામાન્ય રીતે દરેક સર્વેમાં બેરોજગારી એક મોટી સમસ્યા હોય તેવું લાગે છે.

આ પ્રશ્નના જવાબમાં યુવાનો કહે છે કે બેરોજગારી સૌથી મોટી સમસ્યા છે.

આથી, એ કહેવું યોગ્ય છે કે અચાનક એવું કંઈ બન્યું નથી જેના કારણે દિલ્હીના રસ્તાઓ અને દેશનાં વિવિધ શહેરોમાં આટલો મોટો વિરોધ જોવા મળી રહ્યો છે.

સંજયકુમારના મતે યુવાનો ઉપરાંત, વિવિધ ક્ષેત્રોમાં કામ કરતા લોકો અને દેશના સામાન્ય લોકોને પણ એવું લાગવા લાગ્યું છે કે સરકાર તેમનું સાંભળતી નથી.

આનું પરિણામ એ છે કે આજે દિલ્હી અને અન્ય શહેરોના રસ્તાઓ પર જનતાનો ગુસ્સો દેખાય છે.

પરંતુ શાસક પક્ષ ભાજપ સાથે સંકળાયેલા પ્રોફેસર ગૌરવ વલ્લભ કહે છે કે સરકાર અસહમતિનું સ્વાગત કરે છે. વિદ્યાર્થીઓને સમસ્યાઓ હતી. સરકારે તેમની વાત સાંભળી અને સ્વીકારી. કેટલાક મુદ્દાઓ વાસ્તવિક હતા, અને તેમને ઉકેલવા માટે એક શક્તિશાળી સમિતિની રચના કરવામાં આવી હતી અને તેનો ઉકેલ લાવવામાં આવ્યો હતો.

“ભારતના યુવાનો બધું જાણે છે”

રાજકીય વિશ્લેષક સંજયકુમાર

ગૌરવ વલ્લભનું કહેવું છે કે કેટલાક રાજકીય પક્ષો તે મતભેદનો લાભ લેવા અને તેમના રાજકીય હિતોને આગળ વધારવા માંગે છે.

તેઓ કહે છે, “યાદ રાખો, આ ભારતના યુવાનો છે. તેઓ બધું જ જાણે છે. તેઓ ક્યારેય નિરાશ અને હતાશ લોકોને પ્રોત્સાહન આપશે નહીં. આપણે તે બધા દિમાગી નક્સલીઓથી પણ સાવધ રહેવું પડશે જેઓ ભારતની પ્રગતિમાં અવરોધો ઉભા કરવા માંગે છે.”

રાજકીય વિશ્લેષક નીરજા ચૌધરી માને છે કે પરિસ્થિતિ બદલાઈ રહી છે.

તેમનું કહેવું છે કે મધ્યમ વર્ગ વાજપેયીના સમયથી ભારતીય જનતા પાર્ટીનો કટ્ટર સમર્થક રહ્યો છે પણ હવે તેમાં અસંતોષ દેખાઈ રહ્યો છે. નરેન્દ્ર મોદી પોતે એક પરિઘટના રહ્યા છે, પરંતુ એવું લાગે છે કે હવે નિર્ણાયક વળાંક આવી રહ્યો છે.

તેમના મતે આ મુદ્દો લોકોને ખૂબ જ પરેશાન કરી રહ્યો છે. જો તેમનો મતદાનનો અધિકાર છીનવી લેવામાં આવે, તેમનાં નામ મતદારયાદીમાંથી કાઢી નાખવામાં આવે, તો ગરીબોને કલ્યાણકારી યોજનાઓ હેઠળ મળતા લાભો બંધ થઈ જશે. આ તેમના માટે બેવડો ફટકો છે.

“આનો અર્થ એ થયો કે જો મને તકલીફ છે, પીડા છે, અને મને જે મળવું જોઈએ તે ન મળી રહ્યું હોય, તો હું મારી સરકાર બદલવા માટે મતદાન પણ કરી શકીશ નહીં. સમાજના છેલ્લા વર્ગમાં આ શંકા, આ અસ્વસ્થતા પેદા થવી કે અમારા મતદાનના અધિકારોને લઈન બધું સારું નથી થઈ રહ્યું એ લોકોને પરેશાન કરી રહ્યું છે.”

‘તેઓ લોકશાહીને નબળી પાડવા માંગે છે’

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી

જંતર-મંતર પર થઈ રહેલાં વિરોધપ્રદર્શનો અને પ્રદર્શનકારીઓને રોકવાના સરકારના પ્રયાસો અંગે પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે કે લોકશાહી દેશમાં આ કેટલું વાજબી છે?

ગૌરવ વલ્લભ કહે છે કે, “કોઈપણ યુવાન વ્યક્તિને પોતાની અસહમતિ વ્યક્ત કરવાનો સંપૂર્ણ અધિકાર છે. મુદ્દાઓ ઉઠાવો, રચનાત્મક ચર્ચાઓમાં જોડાઓ અને તમારા મંતવ્યો શેર કરો. સરકાર આ ચિંતાઓ પર પણ કાર્યવાહી કરશે.”

“હું કોઈના પર ટિપ્પણી કરી રહ્યો નથી. હું સીજેપીના યુવાનોને પણ એ પણ કહેવા માંગુ છું કે તમે તમારી ચિંતાઓ ઉઠાવી, અમે તમને બોલાવીને તમારી વાત સાંભળી. હવે, ભારતવિરોધી શક્તિઓને તમારા મંચ પર આવવા ન દો.”

એસઆઈઆરના વિરોધ અંગે તેઓ કહે છે કે સુપ્રીમ કોર્ટ પણ આ મામલાની સુનાવણી કરી રહી છે. ચૂંટણીપંચ રાજકીય પક્ષોને સાંભળવા માટે તૈયાર છે.

તેઓ કહે છે, “પરંતુ તમે દરરોજ બપોરના ભોજન પછી રસ્તાઓમાં જાઓ છો, કનોટ પ્લૅસમાં એક ફાઇવ સ્ટાર, ફેન્સી રેસ્ટોરાંમાં ખાઓ છો, અને પછી તમે બહાર જઈને અરાજકતા ફેલાવો છો. તમે બંધારણીય સંસ્થાઓનો દુરુપયોગ કરો છો અને તેમને નબળી પાડો છો. પણ આ બધું શા માટે કરવામાં આવી રહ્યું છે? તેમને બંધારણીય સંસ્થાઓ સાથે કોઈ લેવાદેવા નથી. તેઓ લોકશાહીને નબળી પાડવા માગે છે.”

‘સરકારનો ડર ઓછો થઈ રહ્યો છે’

10 ઑક્ટોબરના રોજ દિલ્હીમાં પોલીસે અભૂતપૂર્વ બંદોબસ્ત કર્યો હતો

વરિષ્ઠ પત્રકાર નીરજા ચૌધરી આ ઘટનાને અલગ રીતે જુએ છે.

તેઓ કહે છે કે જૂન-જુલાઈમાં કૉક્રોચ જનતા પાર્ટીનાં વિરોધપ્રદર્શન અને 20 જુલાઈના રોજ સંસદ સામે થયેલી હિંસાથી સરકારનો ડર ઓછો થઈ રહ્યો છે.

લોકો હવે ખાસ કરીને વિપક્ષી દળો, કૉંગ્રેસ સાથે જોડાઈ રહ્યાં છે.

રાહુલ ગાંધી ધરપકડ માટે તૈયાર છે અને રસ્તાઓ પર સૂઈ રહ્યા છે. અન્ય વિપક્ષીદળો પણ રસ્તા પર ઊતરી રહ્યા છે.

નવીન પટનાયકનો પક્ષ બીજુ જનતા દળ કે જે ભાજપ અને કૉંગ્રેસ બંને છાવણીઓથી દૂર રહે છે એ પણ આ પ્રદર્શનોમાં જોડાયો છે.

જોકે, સંજય કુમાર આ બાબતને અલગ રીતે જુએ છે. તેઓ કહે છે કે હાલમાં આ મુદ્દાઓ છે. પરંતુ જ્યારે ચૂંટણી આવશે, ત્યારે આ જ પક્ષો વિરોધપ્રદર્શનોથી ચૂંટણીપ્રચાર તરફ વળશે, કારણ કે તેમને ચૂંટણી લડવી પડશે.

જ્યારે ઉત્તર પ્રદેશ, પંજાબ અને અન્ય રાજ્યોમાં ચૂંટણીઓ આવશે ત્યારે આ મુદ્દાઓ ધીમે ધીમે પાછળ જતાં રહેશે અને તે સમયે ચૂંટણીના મુદ્દાઓ પ્રભુત્વ મેળવશે.

ઘણા મતદારો એવા હોઈ શકે છે જેઓ હાલમાં વિરોધપ્રદર્શનોમાં ભાગ લઈ રહ્યા છે અને ભાજપ સામે પોતાનો ગુસ્સો વ્યક્ત કરી રહ્યા છે. પરંતુ ચૂંટણીના દિવસે, તેઓ ફક્ત આ મુદ્દા પર મતદાન ન પણ કરી શકે.

તેમની સામે બીજા ઘણા મુદ્દાઓ હશે અને મતદાન કરવાનો નિર્ણય લેતી વખતે તેઓ અન્ય મુદ્દાઓના આધારે મતદાન કરવાનું નક્કી કરી શકે છે.

“અમે મતની પવિત્રતા માટે લડીશું”

વિરોધપ્રધર્શનની એક તસવીર

આ વખતે વર્તમાન સમયમાં જે વાતાવરણ છે તેને સરકારવિરોધી તરીકે જોવું જોઈએ કે સિસ્ટમવિરોધી માહોલ તરીકે?

આ પ્રશ્નના જવાબમાં સંજયકુમાર કહે છે, “મને નથી લાગતું કે આ વિરોધપ્રદર્શનો સરકારની કામગીરી સામે છે, કારણ કે મને એવા કોઈ સંકેત દેખાતા નથી કે લોકો સરકારની કામગીરીથી ગુસ્સે છે. બીજી વાત એ છે કે શું સંસ્થાઓ સામે કોઈ ગુસ્સો છે? ઘણી સંસ્થાઓ છે. દેશ ચલાવવા માટે તમામ પ્રકારની સંસ્થાઓ છે. પરંતુ જો કોઈ ગુસ્સો દેખાઈ રહ્યો છે તો ફક્ત એક જ સંસ્થા છે અને તે છે ચૂંટણીપંચ.”

“એકંદરે, ગુસ્સો ફક્ત એક જ બાબત વિશે છે. શું એસઆઈઆર હેઠળ ચૂંટણીપંચ દ્વારા મતદારો ઉમેરવા અને દૂર કરવાનું કામ યોગ્ય રીતે થયું હતું કે નહીં? બધો ગુસ્સો અને રોષ ફક્ત ચૂંટણીપંચ સામે જ હોય તેવું લાગે છે, સરકાર કે અન્ય કોઈ સંસ્થાના કાર્યપ્રણાલી સામે નહીં.”

જોકે, નીરજા ચૌધરીને લાગે છે કે આ વિરોધપ્રદર્શનોની અસર વ્યાપક હોઈ શકે છે કારણ કે વિરોધ કરતી પેઢી અલગ છે.

તેઓ કહે છે, “મને લાગે છે કે આ નવી પેઢી, ખાસ કરીને શિક્ષિત મધ્યમ વર્ગ અને ઉચ્ચ મધ્યમ વર્ગ એ પ્રશ્ન કરવાનું શીખી ગયા છે. તેઓ પ્રશ્ન કરી રહ્યા છે. તેઓ નિર્ભય છે અને સ્થાપિત માન્યતાઓને પડકારે છે. પરંતુ આરએસએસ, ભાજપ અને એબીવીપી સાથે સંકળાયેલા યુવાનોને કદાચ પ્રશ્ન કરવાની તાલીમ આપવામાં આવી નથી. તેમને પ્રશ્ન કરવાનું શીખવવામાં આવ્યું નથી. તેમને જે લાઇન અપાઈ હોય છે તેનું જ પાલન કરવાનું હોય છે.”

“કૉક્રોચ જનતા પાર્ટીના આ યુવાનોને સાંભળો. તેઓ કહી રહ્યા છે કે અમને અમારા ભવિષ્યની ચિંતા છે. આપણે દેશના ભવિષ્ય વિશે વિચારવું પડશે. આથી જ અમે બહાર આવીશું. જો અમને અટકાયતમાં લેવામાં આવશે તો તેમને કરવા દો. સરકાર જે ઇચ્છે તે કરી શકે છે. અમે અમારો અવાજ ઉઠાવીશું. અમે મતની પવિત્રતા માટે લડીશું.”

સીજેપી શિક્ષણ, આરોગ્ય અને પરીક્ષા પ્રણાલીમાં સુધારાની માગ કરી રહી છે. હાલમાં, તે કોઈ રાજકીય પક્ષ નથી, પરંતુ એક પ્રેશર ગ્રૂપ છે.

તો તેની અસર શું થશે?

નીરજા ચૌધરી કહે છે, “મને લાગે છે કે આનાથી બધી સંસ્થાઓ પર અસર પડશે. જેમ જેમ લોકો શાંતિથી રસ્તા પર ઊતરે છે, તેમ તેમ સરકારી અધિકારીઓ પણ સાવધ બને છે, રાજકીય પક્ષો સાવધ બને છે, અને ન્યાયતંત્ર કદાચ તેની ભૂમિકા વિશે સાવધ બને છે.”

“આ બધી પ્રક્રિયાઓ સમાંતર રીતે ચાલી રહી છે. આજે કહેવું ખૂબ મુશ્કેલ છે કે આ બધું ક્યાં જઈને અટકશે. આજે આ ભાજપ માટે એક મોટી સમસ્યા બની ગઈ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS