Source : BBC NEWS
ઇમેજ સ્રોત, Getty Images
પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ
લાંબા સમય સુધી વ્યાજના દર સ્થિર રાખ્યા પછી ગયા અઠવાડિયે રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઈ)એ રેપો રેટમાં 0.25 ટકાનો વધારો કર્યો છે. હવેથી રેપો રેટ વધીને 5.50 ટકા થયો છે. આરબીઆઈ જે રેટ પર કૉમર્શિયલ બૅન્કોને નાણાં ઉછીના આપે તેને રેપો રેટ કહેવામાં આવે છે. આ રેટ વધવાના કારણે બૅન્કો હોમ લોન અને બીજી દરેક પ્રકારની લોનના રેટ વધારશે એવી ધારણા છે.
છેલ્લે ફેબ્રુઆરી 2023માં આરબીઆઇએ રેપો રેટમાં વધારો કર્યો હતો. આરબીઆઈએ ફુગાવાને અંકુશમાં રાખવા માટે રેપો રેટ વધાર્યો છે એવું કારણ આપવામાં આવે છે. લોનના દર વધવાની સાથે સાથે બૅન્કોની ફિક્સ્ડ ડિપોઝિટના રેટ પણ વધશે. જેથી જે લોકોએ બૅન્ક કે બીજી નાણાકીય સંસ્થામાં એફડી રાખી છે તેમને વધારે વળતર મળશે, જ્યારે જેમણે લોન લીધી છે, તેમણે ઇએમઆઈ તરીકે વધારે રૂપિયા ચુકવવા પડશે.
દરેક લોન મોંઘી થવાની શક્યતા
ઇમેજ સ્રોત, Getty Images
આરબીઆઈએ લગભગ સાડા ત્રણ વર્ષ સુધી રેપો રેટ સ્થિર રાખ્યા હતા જેના કારણે હોમ અને ઓટો લોન લેનારાઓને સૌથી નીચા દર મળતા હતા, પરંતુ હવે વ્યાજના દર વધવાની શરૂઆત થાય તેવો ટ્રેન્ડ છે.
પીટીઆઈના અહેવાલ પશ્ચિમ એશિયાની કટોકટી વચ્ચે ફુગાવાની ચિંતાના કારણે આરબીઆઈએ રેટ વધાર્યા છે.
આ સાથે જ હવે હોમ લોન, વાહનોની લોન અને કૉર્પોરેટ લોન મોંઘી પડશે. લોન લેનારાઓએ દર મહિને ઇએમઆઈ માટે વધારે રકમ ચુકવવી પડશે, અથવા હપતાની સંખ્યા વધી જશે.
રિઝર્વ બૅન્કે રેપો રેટમાં વધારો કર્યો ત્યાર પછી હજુ સુધી કોઈ બૅન્કે હોમ લોન અથવા બીજી કોઈ લોનના રેટમાં વધારાની જાહેરાત કરી નથી, પરંતુ ગમે ત્યારે લોન મોંઘી થવાનો અંદાજ છે.
રેટ વધારવાનું કારણ શું છે?
ઇમેજ સ્રોત, PTI
રિઝર્વ બૅન્કે વધતા ફુગાવાને અંકુશમાં રાખવા માટે રેપો રેટમાં વધારો કર્યો એવું તારણ છે. 12મી ઑક્ટોબરે જાહેર થયેલા આંકડા પ્રમાણે ડુંગળીના ભાવ વધવાના કારણે સપ્ટેમ્બરમાં રિટેલ ફુગાવાનો દર વધીને 5.54 ટકા થયો થયો હતો.
ઑગસ્ટ મહિનામાં ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો (સીપીઆઈ) 4.83 ટકા હતો. રેટમાં વધારાની જાહેરાત સાથે આરબીઆઇએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી કે વર્ષ 2026-27માં ભારતનો જીડીપી ગ્રોથ રેટ 7.1 ટકા રહેવાનો અંદાજ છે જ્યારે 2026-27 માટે ગ્રાહક ભાવાંક આધારિત ફુગાવો 5.2 ટકા રહેવાનો અંદાજ છે.
રેટ વધારાની જાહેરાત કરતા આરબીઆઇના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું કે ઈરાન યુદ્ધના કારણે વૈશ્વિક સપ્લાય ચેઇનને અસર થઈ શકે અને તેની સાથે દુનિયાભરમાં ફુગાવો વધી શકે છે. તેમણે કહ્યું હતું કે ભારતીય અર્થતંત્ર મજબૂત સ્થિતિમાં છે, પરંતુ નજીકના ભવિષ્યમાં રેટ ઘટવાની શક્યતા નથી.શક્યતા નથી.
લોન ચાલુ હોય તેમણે શું કરવું?
ઇમેજ સ્રોત, Getty Images
નાણાકીય સલાહકાર નિખિલ મહેતા કહે છે કે, “રેપો રેટમાં વધારો થવાના કારણે આગામી દિવસોમાં મોટી બૅન્કો હોમ લોન અને ઓટો લોનના રેટમાં વધારો કરે તેવી શક્યતા છે. ત્યાર પછી બીજી બૅન્કો પણ તેને અનુસરશે.”
તેઓ માને છે કે લોનના દરમાં વધારો થાય ત્યારે હપતાની સંખ્યા વધારવાના બદલે ઇએમઆઈની રકમ વધારવી સલાહભરી છે. કારણ કે હપતાની સંખ્યા વધારશો તો તમારે વ્યાજ તરીકે વધારે રકમ ચુકવવી પડશે.
તેઓ કહે છે કે, “લોન લેનારાઓ પાસે હાલમાં થોડી બચત હોય તો તેઓ આંશિક પેમેન્ટ કરીને પોતાનો વ્યાજનો બોજ હળવો કરી શકે છે. હાલમાં તમે લમ્પસમ રકમ ચુકવી શકો તો તમારા કુલ વ્યાજના બોજમાં ઘટાડો થશે તેમ તેઓ કહે છે.”
આ ઉપરાંત તમારો ક્રેડિટ સ્કોર સારો હોય તો બૅન્ક સાથે વાટાઘાટ કરીને રેટ ઘટાડી શકાય છે. જોકે, તેના માટે તમારે એક ફી ચુકવવી પડશે તે તેઓ કહે છે. નાણાકીય નિષ્ણાતોના મતે તમે બૅન્ક બદલવાનું પણ વિચારી શકો છો.
હાલની બૅન્ક કરતા કોઈ બીજી બૅન્ક તમને નીચા રેટ ઓફર કરતી હોય તો તમે લોનને ટ્રાન્સફર કરી શકો છો. જોકે, નિખિલ મહેતા કહે છે કે, “લોન માટે બૅન્ક બદલતી વખતે નવેસરથી ડૉક્યુમેન્ટેશનની પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. આ ઉપરાંત નવી લોનના અલગ અલગ ચાર્જ પણ ચુકવવાના આવશે. તેથી તમને બૅન્ક બદલવાથી મોટો ફાયદો થતો ન હોય તો હાલની બૅન્ક સાથે જ વાટાઘાટ કરીને વ્યાજદર ઘટાડવા ફાયદાકારક રહેશે.”
વ્યાજના દરમાં હજુ વધારો થશે?
નવરાત્રીની શરૂઆત પહેલાં જ રિઝર્વ બૅન્કે રેપો રેટમાં વધારો કર્યો છે જેના કારણે આગામી દિવસોમાં બૅન્કો વ્યાજના દર વધારશે તો તહેવારોની સીઝનમાં મકાન અને વાહનોના વેચાણને અસર થવાનો અંદાજ છે. આગામી મહિનાઓમાં રેપો રેટમાં હજુ વધારો થઈ શકે છે.
એચડીએફસી બૅન્કનાં ઇકોનોમિસ્ટ સાક્ષી ગુપ્તાને ટાંકીને રૉયટર્સનો અહેવાલ જણાવે છે કે, “આગામી દિવસોમાં રેપો રેટમાં હજુ 0.50 ટકાથી 0.75 ટકા સુધી વધારો થવાનો અંદાજ છે. જ્યાં સુધી વેસ્ટ એશિયામાં સંઘર્ષ ચાલુ છે અને ઑઇલના ભાવ ઊંચા સ્તરે છે, ત્યાં સુધી ફુગાવો વધવાનો ભય રહેશે જેના કારણે રેટ વધારવા જરૂરી બનશે.”
એફડી પર વધારે વળતર મળશે
ઇમેજ સ્રોત, Getty Images
લોનના દર અને ફિક્સ્ડ ડિપોઝિટના દર એક બીજાની સાથે ચાલતા હોય છે. અત્યાર સુધી લોનના રેટ નીચા હોવાની સાથે સાથે એફડીના દર પણ તળિયે હતા. હવે રેપો રેટમાં વધારો થયો તેની સાથે એફડી પર મળતું વ્યાજ પણ વધશે એવું ધારવામાં આવે છે.
ઉદાહરણ તરીકે અમુક નાણાકીય સંસ્થાઓએ એફડીના રેટમાં 0.40 ટકા સુધીનો વધારો જાહેર કર્યો છે. હાલમાં કેટલીક સ્મોલ ફાઇનાન્સ બૅન્કો સિનિયર સિટિઝન્સને વાર્ષિક 8.5 ટકા સુધી વ્યાજ ઓફર કરે છે, જ્યારે સરકારી બૅન્કો 7.45 ટકાની આસપાસ વ્યાજ આપે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




