Home તાજા સમાચાર gujrati અમદાવાદની આ જગ્યાએ પુરુષો સ્ત્રીનો વેશ પહેરીને ગરબા કેમ રમે છે, શું...

અમદાવાદની આ જગ્યાએ પુરુષો સ્ત્રીનો વેશ પહેરીને ગરબા કેમ રમે છે, શું છે તેની પાછળની કહાણી?

3
0

Source : BBC NEWS

અમદાવાદ, સદુમાતાની પોળ, પુરુષોના ગરબા, સદુબા, પેશ્વાનું શાસન, ઇતિહાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ નવરાત્રી નવરાત્રિ નોરતું આઠમ માતાજી જગદંબા માતા હિંદુ ધર્મ બારોટ સમાજ ચારણ શાહપુર હલીમની ખીડકી

અમદાવાદના શાહપુર વિસ્તારમાં આવેલી સદુમાતાની પોળમાં દર વર્ષે આસો નવરાત્રિ દરમિયાન આઠમની રાત્રે અહીંનું વાતાવરણ અલગ જ હોય છે.

આ રાત્રે આ પોળના પુરુષો સોળ શણગાર સજે છે. તેઓ સ્ત્રીની જેમ પરંપરાગત ગુજરાતી સાડી કે ચણિયાચોળી પહેરે છે. માથા પર ચૂંદડી ઓઢે છે. અંબોડો વાળે છે, ઘરેણાં પહેરે છે અને આંખોમાં કાજળ આંજે છે.

મહિલાના વેશમાં શણગાર સજીને આ પુરુષો સદુમાતાના ચોકમાં આવેલા મંદિર સામે ગરબા ગાવા માટે ભેગા થાય છે. તેમની માન્યતા પ્રમાણે ‘આ ગરબો તેમના માટે આનંદ-પ્રમોદ માટે નથી, પરંતુ એક ક્ષમાયાચનાનો ભાગ છે.’

ગરબા ગાતાં-ગાતાં તેઓ ‘સદુમાતાનો પવાડો’ ગાય છે. આમ તો ‘પવાડો’ એ છંદબદ્ધ અને દુહાબદ્ધ વીરપ્રશસ્તિ-કાવ્યનો એક પ્રકાર છે. પણ અહીં ‘પવાડો’ આ પોળમાં રહેતા પુરુષોના પશ્ચાતાપને વ્યક્ત કરે છે. આ ‘પવાડો’ ગંભીર કરુણ સૂર (મરસિયા જેવી ઢબમાં) ધીમા ઢોલના તાલે જુદા જુદા રાગમાં ગાવામાં આવે છે.

પોળના લોકો ગાય છે:

“અમે અપરાધી તમારાં છોરું, સદુમાત રે…

અમારા ગુના માફ કરો, રાખજો ચરણોમાં માત રે!”

“ચૂંદડી ઓઢીને ચોકમાં આવ્યા, માગવા સાચી માફી…

સદુમાતા દયાળુ દિલના, રાખજો અમ પર આશિષ કાફી!”

હવે, સવાલ એ થાય છે કે આ પોળના પુરુષો મહિલાઓનાં વસ્ત્ર પહેરીને ગરબા કેમ કરે છે? તેની પાછળ તેમની માન્યતા શું છે? શું છે તેની પાછળનો ઇતિહાસ?

સદુબા કોણ હતાં?

અમદાવાદ, સદુમાતાની પોળ, પુરુષોના ગરબા, સદુબા, પેશ્વાનું શાસન, ઇતિહાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ નવરાત્રી નવરાત્રિ નોરતું આઠમ માતાજી જગદંબા માતા હિંદુ ધર્મ બારોટ સમાજ ચારણ શાહપુર હલીમની ખીડકી

ઈ.સ. 1816ની આસપાસની આ ઘટના છે. લોકસાહિત્યનાં વિવિધ સંશોધનો અને ચારણ-બારોટ સમાજના મૌખિક ઇતિહાસ તથા કેટલાંક ઐતિહાસિક તથ્યો પ્રમાણે, સદુબા અત્યંત સ્વરૂપવાન નારી હતાં.

કેટલાક જાણકારોના મત પ્રમાણે, તેઓ સિદ્ધપુરનાં વતની હતાં અને તેમનાં લગ્ન અમદાવાદના હરિસિંહ (કેટલાક હઠિસિંઘ પણ કહે છે) બારોટ સાથે થયાં હતાં. કેટલાક લોકો તેમની અટક ભાટ હોવાનું પણ જણાવે છે.

અમદાવાદના ઇતિહાસના જાણકાર અને લેખક અચ્યુત યાજ્ઞિક તેમના પુસ્તક ‘અમદાવાદ- રૉયલ સિટી ટુ મેગા સિટી’માં લખે છે, “19મી સદીની શરૂઆતમાં અહમદાબાદ મરાઠા પેશ્વા અને ગાયકવાડના સંયુક્ત શાસન હેઠળ ભારે અરાજકતા અને જુલમમાંથી પસાર થઈ રહ્યું હતું.”

અચ્યુત યાજ્ઞિક લખે છે, “પેશ્વાના અંતિમ સરસૂબા રામચંદ્ર મુળલેકરે નગરજનો પાસેથી નાણાં પડાવવા માટે એક અત્યંત દૂષિત માર્ગ અપનાવ્યો હતો. તેણે શહેરમાં વ્યાવસાયિક નિંદકો અને કાનભંભેરણી કરનારાઓનું એક જૂથ પાળ્યું હતું, જેને સ્થાનિક ભાષામાં ‘ચાડિયા’ કહેવામાં આવતા.”

આ ચાડિયાઓ ધનાઢ્ય અને પ્રતિષ્ઠિત નાગરિકોના ખાનગી જીવન અને આર્થિક વ્યવહારો વિશે સાચી-ખોટી અને બદનક્ષીભરી માહિતી સરસૂબા સુધી પહોંચાડતા હતા. સરસૂબા પછી તે માહિતીને આધારે જે જે નાગરિકોને બોલાવીને દંડ વસૂલ કરતા હતા.

જો કોઈ દંડ વસૂલવાની ના પાડે તો તેમના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવતો હતો અથવા નાણાં ન ચૂકવે ત્યાં સુધી કસ્ટડીમાં પૂરી રાખવામાં આવતા હતા.

અમદાવાદ, સદુમાતાની પોળ, પુરુષોના ગરબા, સદુબા, પેશ્વાનું શાસન, ઇતિહાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ નવરાત્રી નવરાત્રિ નોરતું આઠમ માતાજી જગદંબા માતા હિંદુ ધર્મ બારોટ સમાજ ચારણ શાહપુર હલીમની ખીડકી

બારોટ સમાજના આગેવાન અને સદુમાતા મંદિરના વહીવટદાર તુષાર બારોટ આ વિશે વાતચીત કરતા બીબીસી ગુજરાતીને જણાવે છે, “આ ચાડિયા પેશ્વાઓના ગુપ્તચરો હતા. તેમનું આખું નેટવર્ક હતું. શહેરમાં તેમનો આતંક હતો.”

‘અમદાવાદ- મેગા સિટી સુધીની સફર’માં લેખક મહેશ શાહ લખે છે, “તે સમયમાં ચાડિયાનું ટોળું એટલું વધી ગયું હતું કે, તેઓ શહેરના સૂબા આગળ લોકોના ઘરની વાત કરતા અને પછી પૈસા પડાવતા. ધનવાનોને આ ચાડિયા મુખ્ય શિકાર બનાવતા.”

તેઓ લખે છે, “તે સમયમાં ‘ઓતિયો’ અને ‘ગોધિયો’ નામના ચાડિયા ઘણા કુખ્યાત હતા. આ સમયની સદુબા નામની સ્ત્રી વિશે આવા ચાડિયાઓએ ખોટી ફરિયાદ કરી. સરસૂબાએ સદુબાને દરબારમાં પકડીને લાવવાનો હુકમ કર્યો.”

અચ્યુત યાજ્ઞિક આ ‘ઓતિયા’ નામના ચાડિયાનું નામ ઉત્તમચંદ હોવાનું નોંધે છે. તેઓ લખે છે કે, આ ઓતિયાએ શાહપુરમાં રહેતાં ભાટ જ્ઞાતિનાં સદુબા નામના ચારિત્ર્યવાન મહિલા પર વ્યભિચાર અને ખરાબ ચારિત્યનો ખોટો આક્ષેપ મૂક્યો. આ ખોટા આરોપને આધારે સરસૂબાએ સદુબાની ધરપકડ કરવા માટે સશસ્ત્ર સૈનિકો મોકલ્યા.

બારોટ સમાજના આગેવાન માધુભાઈ બારોટ બીબીસી ગુજરાતીને જણાવે છે, “સદુબા સુંદર હતાં તેથી સૈનિકોએ તેમના પર ખોટું આળ મૂક્યું કે તમારા ઘરમાં કંકાસ ચાલે છે તેથી ખુલાસો કરવા માટે તમે મહેલમાં ચાલો.”

બારોટ સમાજની ‘ત્રાગા’ની પરંપરા અને માતા-સંતાનનું ‘બલિદાન’

અમદાવાદ, સદુમાતાની પોળ, પુરુષોના ગરબા, સદુબા, પેશ્વાનું શાસન, ઇતિહાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ નવરાત્રી નવરાત્રિ નોરતું આઠમ માતાજી જગદંબા માતા હિંદુ ધર્મ બારોટ સમાજ ચારણ શાહપુર હલીમની ખીડકી

જ્યારે સરસૂબા રામચંદ્ર મુળલેકરના સૈનિકો સદુબાને પકડવા માટે આવ્યા ત્યારે સદુબા દુ:ખી અને ક્રોધિત થઈ ગયાં.

અચ્યુત યાજ્ઞિક લખે છે, “તે સમયે ભાટ (બારોટ કે ચારણ) સમાજમાં પોતાની માન-મર્યાદા અને સત્યની રક્ષા કરવાની અનોખી પરંપરા હતી, જેને ‘ત્રાગા’ (પોતાના જ શરીરને ઈજા પહોંચાડવી કે બલિદાન આપવું) કહેવામાં આવતું.”

તુષાર બારોટ કહે છે, “સદુબાને એવું લાગ્યું કે, મારે કારણે આખો સમાજ ખતમ થઈ જશે, તેથી તેમણે બલિદાન આપવાનો નિર્ણય લીધો.”

સદુબાએ તેમના પતિ હરિસિંહને આ ‘ત્રાગા’ની પરંપરા નિભાવવા માટે આગ્રહ કર્યો. હરિસિંહે આ પરંપરાના ભાગરૂપે તેમની પુત્રીને મારી નાખી. કેટલાક લોકો પુત્રને માર્યો હોવાનો ઉલ્લેખ પણ કરે છે.

‘અમદાવાદ- રૉયલ સિટી ટુ મેગા સિટી’ પુસ્તક અનુસાર, “આમ છતાં, ઓતિયો સદુબાને સરસૂબાના અંત:પુરમાં લઈ જવા માટે આતૂર હતો. તેથી સદુબાએ તેમના પતિને કહ્યું કે તેઓ તેમને પણ મારી નાખે. આમ પુત્રી (અથવા પુત્ર) અને માતા એમ બંનેએ બલિદાન આપ્યું.”

તે વખતે આખા ગુજરાતમાં ભાટ સમુદાયમાં ત્રાગાનું ઘણું મહત્ત્વ હતું. કોઈ પણ ભાટ સમુદાયની વ્યક્તિને મારવી એ ‘મોટું પાપ’ ગણાતું હતું. સદુબા અને તેમના પુત્રના મૃત્યુના સમાચાર સાંભળીને ભાટ સમુદાયના લોકોનો રોષ ભભૂકી ઊઠ્યો.

તેઓ અન્યાયના પ્રતિકાર માટે અમદાવાદના ભદ્ર વિસ્તારમાં આવેલા મહેલની બહાર આઝમ ખાન સરાઈ ખાતે ભેગા થઈ ગયા.

‘અમદાવાદ- રૉયલ સિટી ટુ મેગા સિટી’માં લખાયું છે કે “લોકોએ સરસૂબા સમક્ષ ઓતિયાને દંડ આપવાની માગ કરી. જ્યારે સરસૂબાએ તેમની માગને નકારી ત્યારે ભાટ સમુદાયના લોકો સાથે શહેરના વેપારીઓ, ધર્મગુરુઓ, ફકીરોએ પણ તેમને સાથ આપ્યો. તેઓ એક દિવસ સુધી ધરણાં પર બેઠા. આખા દિવસ દરમિયાન શહેરની તમામ દૂકાનો બંધ રહી. ઓતિયાએ સરસૂબાના મહેલમાં શરણ લીધું હતું.”

અમદાવાદ, સદુમાતાની પોળ, પુરુષોના ગરબા, સદુબા, પેશ્વાનું શાસન, ઇતિહાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ નવરાત્રી નવરાત્રિ નોરતું આઠમ માતાજી જગદંબા માતા હિંદુ ધર્મ બારોટ સમાજ ચારણ શાહપુર હલીમની ખીડકી

તે વખતે અમદાવાદમાં અંગ્રેજોનો પણ દબદબો વર્તાવો શરૂ થઈ ગયો હતો. તે સમયે અમદાવાદમાં વડોદરાના બ્રિટિશ રેસિડેન્ટ પ્રતિનિધિ તરીકે કર્નલ બેલેન્ટાઇન વચ્ચે પડ્યા. પરંતુ તેમને પણ કોઈ સફળતા મળી નહીં.

લોકોનો ગુસ્સો વધતો ગયો. તેમણે મહેલની બહાર બે ચાડિયાને જોયા. ગુસ્સે ભરાયેલા લોકોએ તેમના પર ઈંટ ફેંકી હુમલો કર્યો. તે પૈકી એક ચાડિયાનું મોત થયું.

માધુભાઈ બારોટ કહે છે, “ગુજરાતમાં પેશ્વા શાસન સામે એક જ જ્ઞાતિએ બંડ પોકાર્યું હોય તેવી આ પહેલી ઘટના હતી.”

આખરે લોકોએ સરસૂબા સમક્ષ માગ કરી કે તેઓ ઓતિયાને તેમના હવાલે કરી દે. તેમણે સરસૂબાને વચન આપ્યું કે તેઓ તેની હત્યા નહીં કરે. તેમણે કહ્યું કે દંડના ભાગરૂપે તેઓ આતિયાને ગધેડા પર બેસાડીને શહેરમાં ફેરવશે.

ઇતિહાસકારો નોંધે છે કે, સરસૂબાએ ચાડિયાની હત્યા ન કરવાની શરતે ઓતિયાને લોકોને હવાલે કર્યો. પરંતુ આ લોકોએ તેમના વચનનું પાલન નહીં કર્યું.

અચ્યુત યાજ્ઞિક તેમના પુસ્તકમાં લખે છે, “આતિયાને લઈને જેવું સરઘસ મહેલથી થોડે દૂર ગયું કે, કાલુપુર ગેટ પાસે ગુસ્સે ભરાયેલાં ટોળાંએ ઓતિયાને પથ્થર મારીને મારી નાખ્યો.”

સદુબાનું મંદિર

અમદાવાદ, સદુમાતાની પોળ, પુરુષોના ગરબા, સદુબા, પેશ્વાનું શાસન, ઇતિહાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ નવરાત્રી નવરાત્રિ નોરતું આઠમ માતાજી જગદંબા માતા હિંદુ ધર્મ બારોટ સમાજ ચારણ શાહપુર હલીમની ખીડકી

ઇતિહાસકારો નોંધે છે કે, આ ઘટનાના એક વર્ષ બાદ એટલે કે વર્ષ 1817માં સદુબાના બલિદાનને યાદ કરીને લોકોએ શાહપુરમાં એક નાનું મંદિર બનાવડાવ્યું.

અચ્યુત યાજ્ઞિક લખે છે, “લોકોએ તેમને સતી જાહેર કર્યાં. તેમના માનમાં ‘સદુબાના પવાડા’ બનાવ્યા. થોડા દાયકાઓ બાદ પ્રખ્યાત લેખક એ. કે. ફૉર્બ્સના ‘રાસમાળા’ પુસ્તકમાં સદુબાના આ મંદિરનો સ્કેચ છપાયો. વીસમી સદીના અમદાવાદના ઘણાં ઐતિહાસિક લેખો અને સંશોધનોમાં સદુબાની આ કહાણીને સ્થાન મળ્યું.”

તુષાર બારોટ કહે છે, “બારોટ સમાજના લોકોને લાગ્યું કે, તેઓ એક નિર્દોષ સ્ત્રીને બચાવી ન શક્યા. તેથી તેમણે પશ્ચાતાપના ભાગરૂપે નાનું મંદિર બનાવ્યું, ગોખ બનાવ્યો, કૂવો ખોદાવ્યો.”

બારોટ સમાજના આગેવાન નીલેશભાઈ બારોટ આ વિશે બીબીસી ગુજરાતી સાથે વાતચીત કરતા જણાવે છે, “અમારા વડવાઓએ નક્કી કર્યું કે, માફી માગવાના પ્રયાસરૂપે કે પ્રાયશ્ચિતના ભાગરૂપે તેઓ આસો સુદ આઠમના દિવસે એટલે કે આઠમા નોરતે મહિલાઓનાં વસ્ત્રો પહેરીને ગરબા કરશે. ત્યારથી આ પરંપરા શરૂ થઈ.”

આ પરંપરા પાછળ કેટલીક વધુ દંતકથાઓ પણ પ્રચલિત છે, પરંતુ તેને કોઈ ઐતિહાસિક પ્રમાણ નથી.

માધુભાઈ બારોટ કહે છે, “આજે, ગરબા ગાવા આવનારાઓની સંખ્યામાં અમારી જ્ઞાતિના પુરુષો કરતાં અન્ય જ્ઞાતના પુરુષોની સંખ્યા વધુ હોય છે. જેમ-જેમ આ મંદિરમાં લોકોને શ્રદ્ધા વધવા લાગી તેમ-તેમ લોકો અહીં ગરબા રમવા આવવા લાગ્યા.”

શાહપુરમાં રહેતા જૈમિન ભાવસાર પણ આ મંદિરમાં આસ્થા ધરાવે છે. તેઓ કહે છે, “હું અગાઉ બે વખત સ્ત્રીનાં કપડાં પહેરીને ગરબા રમી ચૂક્યો છું, આ વર્ષે પણ હું રમવા જવાનો છું. મને આ મંદિરમાં શ્રદ્ધા છે અને તેથી હું આ પરંપરાનો ભાગીદાર બનીને ભક્તિ કરું છું.”

મેઘાણીએ લખી ‘સદુબા’ નવલિકા

અમદાવાદ, સદુમાતાની પોળ, પુરુષોના ગરબા, સદુબા, પેશ્વાનું શાસન, ઇતિહાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ નવરાત્રી નવરાત્રિ નોરતું આઠમ માતાજી જગદંબા માતા હિંદુ ધર્મ બારોટ સમાજ ચારણ શાહપુર હલીમની ખીડકી

ઝવેરચંદ મેઘાણીએ પણ આ ઘટના આધારિત ‘સદુબા’ નામની નવલિકા લખી છે. જોકે, તેમની નવલિકામાં આ કહાણી પાછળના ઇતિહાસ ઉપરાંત લોકવાયકા અને દંતકથા પણ વણાયેલી છે.

ઝવેરચંદ મેઘાણીની આ નવલિકા માત્ર એક દંતકથા જ નહીં પરંતુ તે સમયની સામાજિક વાસ્તવિકતા, રૂઢિચુસ્ત રિવાજો અને નારી શોષણની સામે એક મક્કમ સ્ત્રી પાત્રની કહાણી છે. આ વાર્તામાં તેઓ સંવાદના માધ્યમથી સમાજની કાયરતા પર પ્રહાર કરે છે અને સ્ત્રી સન્માનનો મજબૂત સંદેશ આપે છે.

તેમની આ કૃતિમાં તેઓ વર્ણન કરે છે, “સદુબાએ ચોકની વચ્ચે કાષ્ટ એકઠાં કરી કપૂર પ્રગટાવ્યું. અગ્નિની જ્વાળાઓ આકાશ આંબવા લાગી. સદુબા અગ્નિકુંડમાં પ્રવેશતા પહેલાં પોળની બંધ બારીઓ તરફ હાથ લાંબો કરીને શ્રાપ આપે છે.”

“સદુબા (શાપ આપતા) : “હે પોળના કાયર બારોટો! તમે પુરુષ થઈને સ્ત્રીની લાજ ન બચાવી શક્યા. ઘરમાં ભરાઈ રહ્યા. હું શાપ આપું છું કે આજથી તમારામાં પુરુષત્વ લજાશે. તમારી આવનારી પેઢીઓ જો પુરુષ તરીકે જન્મશે તો પણ તેમણે નવરાત્રિની આઠમે સ્ત્રીનો વેશ ધારણ કરીને, સાડી પહેરીને મારા ચોકમાં માફી માગવી પડશે. જો નહીં માગો તો તમારો વંશવેલો નાશ પામશે!”

“સદુબા અગ્નિમાં હોમાઈ જાય છે. સૈનિકો ડરીને ભાગી જાય છે. થોડી વાર પછી પોળના દરવાજા ખૂલે છે, પુરુષો સદુબાની ભસ્મ સામે સાષ્ટાંગ દંડવત્ પ્રણામ કરે છે.”

જોકે, આ નવલિકા છે. તેમાં મેઘાણી વાર્તાના માધ્યમથી વાસ્તવિકતાને કલ્પનામાં ભેળવીને એક સ્પષ્ટ સંદેશ આપે છે.

 
અમદાવાદ, સદુમાતાની પોળ, પુરુષોના ગરબા, સદુબા, પેશ્વાનું શાસન, ઇતિહાસ બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર ન્યૂઝ અપડેટ નવરાત્રી નવરાત્રિ નોરતું આઠમ માતાજી જગદંબા માતા હિંદુ ધર્મ બારોટ સમાજ ચારણ શાહપુર હલીમની ખીડકી

મેઘાણીએ તેમની નવલિકામાં બારોટ સમાજના લોકોને કાયર કહ્યા છે, જેની સાથે તુષાર બારોટ સંમત નથી. તેઓ કહે છે, “મેઘાણીએ ઘણું એવું લખ્યું છે, જેની સાથે સમાજ સંમત નથી.”

આમ, ‘સદુબાના બલિદાન’ની યાદમાં બારોટ સમાજના પુરુષો સદુમાતાની પોળમાં આવેલા મંદિરના ચોકમાં મહિલાઓનાં વસ્ત્રો પહેરીને ગરબા રમે છે.

તુષાર બારોટનો દાવો છે કે, “સમગ્ર વિશ્વમાં ભૂતકાળમાં થયેલી ભૂલો માટે સ્મારકો બન્યાં હશે. પરંતુ પોતાના પૂર્વજોની ભૂલનો સાર્વજનિક સ્વીકાર કરવા માટે આ પ્રકારે પુરુષો સ્ત્રીનો વેશ ધારણ કરીને પશ્ચાતાપ કરે તેવી ઘટના કદાચ વિશ્વમાં બીજે જોવા મળતી નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS