Home તાજા સમાચાર gujrati બાળક મરી ગયું ને મહિલાને ફાંસી આપી દેવાઈ – અમેરિકામાં ‘ડાકણ’નો છુપાવાયેલો...

બાળક મરી ગયું ને મહિલાને ફાંસી આપી દેવાઈ – અમેરિકામાં ‘ડાકણ’નો છુપાવાયેલો ઇતિહાસ ઉજાગર થયો

4
0

Source : BBC NEWS

બીબીસી ગુજરાતી

પ્રકાશિત

વાંચવાનો સમય: 8 મિનિટ

અમેરિકામાં સદીઓ પૂર્વે સેલેમ નહીં, પણ કનેક્ટિકટ ડાકણ-મુકદ્દમાઓનું મુખ્ય કેન્દ્ર હતું. રાજ્યવ્યાપી ભૂતિયા ઇતિહાસ દર્શાવતો એક નવો જ માર્ગ ઇતિહાસના આ ઉપેક્ષિત પ્રકરણ સાથે સંકળાયેલાં નગરો અને સ્થળોને જોડે છે.

કનેક્ટિકટના વિન્ડસર શહેરના ઐતિહાસિક ટાઉન ગ્રીનના વૃક્ષોથી ઘેરાયેલા રસ્તાઓ પર ટહેલતી વખતે, લાલ રંગની હેરિટેજ ઈંટોથી બનેલા એક ગોળાકાર ચોક તરફ મારું ધ્યાન ખેંચાયું.

જેમાંથી ઘણી ઈંટો પર સ્થાનિક મિત્રો અને પરિવારના સભ્યોને સમર્પિત વ્યક્તિગત શ્રદ્ધાંજલિ કોતરેલી હતી. મેં તે લખાણો વાંચ્યાં અને એક ચોંકાવી મૂકનારું લખાણ જોયું – “એલિસ ‘એલ્સ’ યંગ: ડાકણ ગણીને ફાંસીએ લટકાવી દેવાયેલી પીડિતા, 26મી મે, 1647.”

ઉલ્લેખનીય છે કે, અમેરિકન વસાહતોમાં જાદુટોણાના આરોપસર ફાંસીએ ચઢાવાયેલાં યંગ પ્રથમ વ્યક્તિ હતાં જેમનું નામ દસ્તાવેજોમાં નોંધાયું હતું.

એક તરફ જ્યાં મેસેચ્યુસેટ્સના સેલેમ શહેરનો સંબંધ ડાકણોની ટ્રાયલ્સ સાથે છે, ત્યારે પાડોશી રાજ્ય કનેક્ટિકટ પણ સામૂહિક ઉન્માદની આવી જ લહેરનો અનુભવ કરી ચૂક્યું છે, જે કુખ્યાત સેલેમ પેનિક (સેલેમ કાંડ)થી ચાર દાયકા પહેલાં આવી હતી. હવે, યંગની સ્મારક ઈંટ કનેક્ટિકટની નવી હૉન્ટેડ હિસ્ટ્રી ટ્રેઇલનો મહત્ત્વનો ભાગ છે.

આ ટ્રેઇલ એ વાસ્તવમાં અલૌકિક કે કરૂણ વાર્તાઓ સાથે સંકળાયેલાં પ્રાચીન કબ્રસ્તાનોથી માંડીને ભૂતિયાં ઘરો અને રહસ્યમયી દુકાનો સુધીનાં 130 કરતાં વધુ સ્થળોને આવરી લેતો સ્વ-નિર્દેશિત રાજ્યમાં પ્રસરેલો માર્ગ છે.

ચેતવણીઃ આ લેખમાં ફાંસીની સજાઓનો ઉલ્લેખ છે, જે કેટલાક વાચકોને વિચલિત કરી શકે છે.

કનેક્ટિકટનો કાળો ઇતિહાસ

બીબીસી ગુજરાતી

આશરે 400 વર્ષોનો ઇતિહાસ ધરાવતા કનેક્ટિકટમાં અલૌકિક સ્થળોનો ભંડાર છે. પણ, તેનો અસલી જાદુઈ ઇતિહાસ કદાચ તેની ભૂત-પ્રેતની તમામ વાર્તાઓ કરતાં ક્યાંયે વધારે ડરાવી મૂકનારો છે.

1647 અને 1697ની વચ્ચે થયેલા કનેક્ટિકટની ડાકણો સામેના મુકદ્દમાઓનાં મૂળ પ્યુરિટન ડાકણ-વિરોધી સંસ્કૃતિમાં રહેલાં હતાં, જે પ્રારંભિક વસાહતીઓ ઇંગ્લૅન્ડથી પોતાની સાથે લઈ આવ્યા હતા.

સેલેમમાં ડાકણ-વિરોધી ટ્રાયલ્સ 1692માં શરૂ થઈ અને માત્ર 15 મહિના સુધી જ ચાલી, પણ કનેક્ટિકટના પોતાના 50 વર્ષો સુધી ચાલેલા ડાકણ-વિરોધી આતંક દરમિયાન ઓછામાં ઓછી 49 વ્યક્તિઓ પર શેતાન સાથે મળીને કામ કરવાનો અથવા અન્ય લોકોને નુકસાન પહોંચાડવા માટે અલૌકિક શક્તિઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.

તેમાંથી 34 વ્યક્તિઓ પર મુકદ્દમો ચલાવવામાં આવ્યો અને ઓછામાં ઓછી 11 વ્યક્તિઓને ફાંસીના માંચડે લટકાવી દેવાઈ.

કનેક્ટિકટનાં એક સંદિગ્ધ ડાકણ – મૅરી બાર્ન્સને 1663માં હાર્ટફોર્ડના ગૅલોઝ હિલ પર ફાંસી આપવામાં આવી હતી, પણ રાજ્યમાં 1697 સુધી મુકદ્દમા ચાલતા રહ્યા હતા. જાદુ-ટોણા માટે અંતિમ અમેરિકન વસાહતી ફાંસી સેલેમમાં 1692માં અપાઈ હતી.

સેલેમમાં ડાકણ સામે મુકદ્દમા હેઠળ ફાંસીની છેલ્લી-છેલ્લી સજાઓ ફટકારાઈ હતી, એ બાબત જ તેની શાશ્વત બદનામીને સમજાવવામાં મદદરૂપ થાય છે – જે ‘ધ ક્રૂસિબલ’થી લઈને ‘હોકસ પોકસ’ જેવી ફિલ્મોમાં અમર થઈ ગઈ છે. પણ, કનેક્ટિકટના ડાકણ સામેના મુકદ્દમાના આ કાળા ઇતિહાસ વિશેની જાણકારી આટલા ઓછા લોકોને જ શા માટે છે?

સ્થાનિક ઐતિહાસિક હિમાયતી જૂથ ધ કનેક્ટિકટ વિચ ટ્રાયલ ઍગ્ઝોનરેશન પ્રોજેક્ટનાં સહ-સ્થાપક બેથ કારુસો જણાવે છે કે, “તે તમામ રેકૉર્ડ્ઝનું શું થયું, તે અમે નથી જાણતા. બની શકે કે, જ્યારે લોકો તે મુકદ્દમાઓ અંગે શરમ અનુભવવા લાગ્યા, ત્યારે કેટલાક વગદાર પરિવારોએ તેમનો નાશ કરી દીધો હોય.”

આજીવન કનેક્ટિકટમાં રહેવા છતાં મને પણ વસાહતી ડાકણો સામેની ટ્રાયલ્સમાં તેની ભૂમિકા વિશે કોઈ માહિતી ન હતી.

આથી, મેં મારા રાજ્યના ભૂતકાળનાં અંધકારમય પ્રકરણો પૈકીના એક પ્રકરણ વિશે જાણવાનો નિર્ધાર કર્યો.

વિંડસરમાં ડાકણો

બીબીસી ગુજરાતી

ઈ.સ. 1633થી અસ્તિત્વમાં આવેલા વિન્ડસરના ઐતિહાસિક કેન્દ્રમાં 17મી અને 18મી સદીનાં લાલ રંગનાં ત્રિકોણાકાર છત ધરાવતાં ઘરોની ભરમાર છે. ત્યાંની સડકો પર ટોપી પહેરેલા પ્યુરિટન લોકોની આવ-જાની કલ્પના કરવી સહેલી છે.

આ શહેર કનેક્ટિકટની પહેલી અંગ્રેજી વસાહત હોવાની સાથે-સાથે યંગનું વતન પણ હતું, જ્યાં તેમની ફાંસી સાથે દેશમાં ડાકણો સામે મુકદ્દમાઓની શરૂઆત થઈ હતી.

જાદુ-ટોણાના આરોપોમાં હંમેશાં થાય છે, તેમ શકમંદ સામેના પુરાવા અત્યંત નબળા અને હાસ્યાસ્પદ હતા.

1647માં જ્યારે ઇન્ફ્લૂએન્ઝાની મહામારી ફાટી નીકળી, ત્યારે તેમાં યંગ અને તેમનાં પુત્રી ઉગરી ગયાં, જ્યારે તેમની બાજુમાં રહેતાં ચાર બાળકો મોતને ભેટ્યાં.

કનેક્ટિકટ કોલોનીની રાજધાની હાર્ટફોર્ડમાં યંગને ફાંસી આપવા માટે આટલા પુરાવા પૂરતા હતા.

કારુસો જણાવે છે કે, “તેમનો કેસ બિલકુલ અન્યાયી હતો અને તેમણે ઘણું કષ્ટ વેઠવું પડ્યું હતું. આટલું ઓછું હોય એમ, તેમની કરૂણાંતિકા વિશે કોઈ કશું નથી જાણતું.”

મને એક હેરિટેજ બ્રિક પણ મળી, જેમાં વિન્ડસરનાં અન્ય એક રહેવાસી લિડિયા ગિલ્બર્ટને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે.

ઈ.સ. 1654માં મિલિશિયા તાલીમ દરમિયાન એક સાથી સૈનિકના હાથે ગિલ્બર્ટના એક બૉર્ડર (ભાડુઆત)નું અકસ્માતે મોત નીપજ્યા બાદ ગિલ્બર્ટ સામે ખટલો ચલાવવામાં આવ્યો અને તેમને ફાંસી આપવામાં આવી, જ્યારે પેલા સૈનિકને નિર્દોષ છોડી દેવામાં આવ્યો.

દોષનો ટોપલો ગિલ્બર્ટ પર શા માટે ઢોળવામાં આવ્યો, એ કારણ હજુપણ અસ્પષ્ટ છે.

કારુસો લખે છે, “ગોળીબાર થયો, એ સમયે ગિલ્બર્ટ સંભવતઃ મેદાનમાં હાજર નહીં રહ્યાં હોય, કારણ કે, નગરની મિલિશિયામાં માત્ર પુરુષો જ ફરજ બજાવતા હતા. આ પ્રકારની અલૌકિક અટકળો હાલની અદાલતમાં કદીયે ચલાવી લેવાય નહીં.”

તેમ છતાં ગિલ્બર્ટને દોષિત ઠેરવવામાં આવ્યાં અને યંગની માફક હાર્ટફોર્ડમાં તેમને ફાંસી આપવામાં આવી.

એ પછી હાર્ટફોર્ડ થોડા જ સમયમાં કનેક્ટિકટમાં ડાકણના મુકદ્દમાઓનું કેન્દ્ર બની ગયું.

જેમાં ઘણા મુકદ્દમા ચાલ્યા અને અંતમાં ચાર લોકોને ફાંસી અપાઈ, એ હાર્ટફોર્ડ વિચ પેનિક (1662-1663)નો આતંક ત્યારે શરૂ થયો, જ્યારે આઠ વર્ષનાં એલિઝાબેથ કેલીએ તાવમાં બકબકાટ કરતાં બરાડીને કહ્યું કે, તેમનાં પાડોશી જુડિથ આયર્સ તેમનું ગળું દબાવી રહ્યાં છે.

અન્ય એક મહિલા એન કોલ વિશે એવું મનાતું હતું કે, શેતાને તેમને વશમાં કરી લીધાં હતાં.

ફાંસીની સજા મિટિંગ હાઉસ સ્ક્વેરમાં અપાઈ હતી, જે હાલના ઓલ્ડ સ્ટેટ હાઉસના સ્થળે આવેલું હતું.

આ માર્ગ પર થોડા જ આગળ વધતાં હાર્ટફોર્ડનું પ્રાચીન કબ્રસ્તાન આવે છે, જ્યાં મને આ અપરાધો માટે જવાબદાર 14 માણસોની કબર દેખાઈ.

1640માં સ્થપાયેલો 1.3 એકરમાં ફેલાયેલો આ પ્લૉટ શહેરનું 17મી સદીનું બચેલું એકમાત્ર ઐતિહાસિક સ્થળ છે.

જ્યારે અમે સમય અને હવામાનની થપાટ ખાઈ ચૂકેલી કબરો વચ્ચેથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે પ્રાચીન કબ્રસ્તાનના એસોસિયેશનનાં ડિરેક્ટર ક્રિસ્ટિન જ્વેલે મને અહીં દફન કરાયેલા મેજિસ્ટ્રેટો અને જ્યૂરીના સભ્યો વિશે જણાવ્યું, જેમણે લોકોને મોતને ઘાટ ઉતારવામાં ઉત્સાહભેર સહયોગ આપ્યો હતો.

તેમનાં કોતરાયેલાં નામ વાંચવા મુશ્કેલ છે, પણ કબ્રસ્તાનના પ્રવેશદ્વાર પાસે રેવરેન્ડ સેમ્યુઅલ સ્ટોનની આદમ-કદની પ્રતિમા તરત જ નજરે ચડે છે.

હાર્ટફોર્ડના સહ-સ્થાપક એવા આ પ્યુરિટન પાદરી કનેક્ટિકટમાં જાદૂ-ટોણાના આરોપોની તપાસ કરનારી ટ્રિબ્યુનલનો ભાગ હતા.

ત્યાર બાદ જ્વેલે મને સેમ્યુઅલ વિલિસના સ્મારક તરફ દોરી.

કનેક્ટિકટના અગ્રણી મેજિસ્ટ્રેટ વિલિસ જાદૂ-ટોણાના આરોપોની તપાસ સાથે પ્રત્યેક્ષપણે જોડાયેલા હતા.

જાદુ-ટોણા સંબંધિત અદાલતી જુબાનીઓનો તેમનો સંરક્ષિત સંગ્રહ પેઢીઓ સુધી તેમના પરિવાર પાસે રહ્યો.

જ્વેલ કહે છે, “જાદુ-ટોણા સામેના મુકદ્દમાઓ વિશે આપણે જેટલું પણ જાણીએ છીએ, તેનું શ્રેય અમુક અંશે વિલિસ પરિવારને જાય છે.”

બીબીસી ગુજરાતી

અમે 1665માં એલિઝાબેથ સીગરના મુકદ્દમામાં સામેલ એક મેજિસ્ટ્રેટ જેમ્સ રિચર્ડ્ઝની કબરની પણ મુલાકાત લીધી. એલિઝાબેથ સીગર સામે તે ત્રીજો મુકદ્દમો હતો. તેમની સજાને આખરે કનેક્ટિકટના કાર્યવાહક ગવર્નર જ્હોન વિનથ્રોપ જુનિયરે રદ કરી દીધી હતી.

એક તબીબ અને રસાયણશાસ્ત્રી એવા વિનથ્રોપ ઘણી વખત ડાકણ સામેના કેસોના પુરાવાની સમીક્ષા કરતા હતા. તેમણે સીગર વતી હસ્તક્ષેપ કર્યો હતો અને 1667માં કેથરિન હેરિસનને મોતની સજામાંથી ઉગારી લીધાં હતાં. એ પછી તેમણે સંસ્થાને “બે સાક્ષી” નિયમ તેમજ “આભાસી પુરાવાની અસ્વીકાર્યતા”ને લાગુ કરવામાં મદદ કરી, જેનાથી રાજ્યમાં ફાંસીની સજાનો અસરકારક રીતે અંત આવ્યો.

કારુસોએ જણાવ્યું હતું, “જ્યારે તેમને પૂછવામાં આવતું, ‘શું આ જાદુ-ટોણાને લીધે થયું છે?’ ત્યારે વિનથ્રોપ હંમેશાં કહેતા કે, આ પાછળ તબીબી કારણ જવાબદાર છે.

“જે સમયે તાર્કિક બુદ્ધિશક્તિના હિમાયતીઓ વધુ નહોતા, એ સમયે તેઓ તાર્કિક બુદ્ધિશક્તિના હિમાયતી હતા.”

સારી પત્ની મળવી મુશ્કેલ

બીબીસી ગુજરાતી

આ યાત્રા પર નીકળ્યા પહેલાં મને ડાકણના મુકદ્દમાઓમાં કનેક્ટિકટની ભૂમિકા વિશે કોઈ જાણકારી ન હતી, પણ હૉન્ટેડ હિસ્ટ્રી ટ્રેઇલની ચાર જગ્યાઓ જ્યાં આવેલી છે – તે ફેરફિલ્ડના દરિયાકાંઠાના સમૃદ્ધ શહેરમાંથી પસાર થતી વખતે મને એક વાત યાદ આવી ગઈ.

વર્ષો પહેલાં હું ફેરફિલ્ડના એક અખબારમાં કામ કરતી હતી, ત્યારે મેં ગુડી નેપનું નામ સાંભળ્યું હતું.

પ્યુરિટન સમાજમાં “ગુડી” એ “ગુડ વાઇફ” (સારી પત્ની)નું ટૂંકું સ્વરૂપ હતું – આ દરજ્જો નિમ્ન સામાજિક વર્ગની પરિણીત મહિલાઓને આપવામાં આવતો હતો.

આ ટ્રેઇલ પર શહેરના પ્રથમ પડાવ એવા ફેરફિલ્ડ મ્યુઝિયમ ઍન્ડ હિસ્ટ્રી સેન્ટરના પ્રોગ્રામ તથા વોલન્ટીયર કો-ઑર્ડિનેટર વોલ્ટ મેટિસે જણાવ્યું હતું કે, “અમે જાણીએ છીએ કે, શહેરની કેટલીક મહિલાઓ ગુડી નેપ પાસે આવી અને તેમને પૂછ્યું, ‘તમે ડાકણ છો. તમારા સિવાય, બીજું કોણ-કોણ ડાકણ છે?'”

નેપના મુકદ્દમા દરમિયાન, એવું જણાવવામાં આવ્યું હતું કે, તેમના શરીર પર “ડાકણનાં નિશાન” હતાં.

પરંતુ, પાસેના શહેર સ્ટ્રેટફોર્ડમાં આ જ નામનાં અન્ય એક કમનસીબ મહિલા ગુડી બેસેટ ન હોત, તો કદાચ ગુડી નેપના પર આ આરોપ ન મૂકાયો હોત.

મેટિસ કહે છે કે, એ અસ્પષ્ટ છે કે બેસેટ પર શા માટે મુકદ્દમો ચલાવાયો હતો, પણ મુકદ્દમા દરમિયાન (અને કદાચ યાતના અપાતાં) તેમણે એવો ઇશારો કર્યો કે, ફેરફિલ્ડમાં બીજી એક ડાકણ હતી, જે “માથું એકદમ ઊંચું રાખીને ચાલતી હતી.”

બેસેટને 1651માં ફાંસી અપાઈ, નેપને હાલમાં જ્યાં બ્રિજપોર્ટ છે, ત્યાં 1653માં ફાંસી અપાઈ હતી. બ્રિજપોર્ટના બરોઝ કમ્યુનિટી સેન્ટર ખાતે તેમનું સ્મારક જોઈ શકાય છે.

ફેરફિલ્ડમાં મેં શહેરના ફેરફિલ્ડ મ્યુઝિયમ અને હિસ્ટ્રી સેન્ટર્સ મ્યુઝિયમ કૉમન્સના પરિસરમાં 17મી સદીમાં બનેલા ઍડવર્ડ્ઝ પૉન્ડ ખાતે પણ સમય પસાર કર્યો. હવે તો ત્યાં એડવર્ડ્ઝ પૉન્ડના નામે માત્ર એક ખાડો રહી ગયો છે, પણ એક સમયે ડકિંગ ટેસ્ટ માટે તેનો ઉપયોગ થતો હતો – ત્યાં આરોપી ડાકણોને બાંધીને પાણીમાં ફેંકી દેવાતી હતી.

તે તરતી રહે, તો તેનો અર્થ એ કે તે ગુનેગાર છે અને તે ડૂબી જાય, તો તેનો અર્થ એ કે તે નિર્દોષ હતી.

1692માં આરોપી અને મુકદ્દમાનો સામનો કરનારાં એલિઝાબેથ ક્લોસન અને મર્સી ડિસબ્રોએ સ્વેચ્છાએ ડકિંગ ટેસ્ટમાં ભાગ લીધો હતો. બંને મહિલાઓ તરતી રહી, પણ આખરે તેમને નિર્દોષ છોડી મૂકાઈ હતી.

આ તમામ નિરાશાની લાગણીઓ પછી મનને તરોતાજા કરવાની જરૂરિયાત જણાતાં હું કારને સ્ટ્રેટફોર્ડ તરફ હંકારી ગઈ, જ્યાં ઐતિહાસિક વસાહતી અને તટીય બંગલોના સ્થાપત્યનું મનમોહક મિશ્રણ જોવા મળે છે. અને ત્યાં મેં ગુડી બેસેટની આઇસક્રીમ શૉપમાં પ્રવેશ કર્યો.

શૉપના માલિક પૌલ જોય જણાવે છે કે, “જો તમે સ્ટ્રેટફોર્ડથી આવ્યાં છો, તો તમે અગાઉથી જ ગુડી બેસેટ નામથી વાકેફ હશો. બાળકો માટે તે એક મજાનું નામ હતું, ખાસ કરીને હેલોવીનના સમયગાળાની આસપાસ.”

જોયે તેમના મેનૂમાં બેસેટની યાદમાં એક વાનગી પણ સામેલ કરી છે – ગુડીઝ કોલ્ડ્રોન, જે નવ સ્કૂપવાળી સનડે આઇસક્રીમ ઇટિંગ ચૅલેન્જ છે.

એક માન્યતા અનુસાર, બેસેટને સ્ટ્રેટફોર્ડમાં ફાંસી અપાઈ હતી, જોકે, આ વિશે કોઈ સત્તાવાર રેકૉર્ડ મોજૂદ નથી.

સ્થાનિક દંતકથાઓ શહેરના મીટિંગ હાઉસ, ગૅલોઝ બ્રૂક અથવા તો જૂના ફેલ્પ્સ મેન્શનને સંભવિત સ્થળો તરીકે વર્ણવે છે, એમ જોયે જણાવ્યું હતું.

પરંતુ, નક્કર પુરાવાના અભાવે, સ્ટ્રેટફોર્ડના વેસ્ટ બ્રૉડ ગ્રીનમાં એક ઝાડની નીચે બેસેટને સમર્પિત પથ્થરની એક તકતી લગાવવામાં આવી છે.

જીવંત ઇતિહાસ

જાદુ-ટોણા સાથેનો કનેક્ટિકટનો સંબંધ આજે પણ અકબંધ છે. હૉન્ટેડ હિસ્ટ્રી ટ્રેઇલ પર આવેલા 35 સ્ટૉપ્સ (પડાવ) જાદુ-ટોણા અને તંત્ર-મંત્ર સાથે જોડાયેલી દુકાનોના છે.

હું વેધર્સફિલ્ડમાં બ્લૅકબર્ડ હાઉસની મુલાકાત લઉં છું, જે વસાહતી બંદર હતું અને ત્યાં ઘણી કથિત ડાકણો પર આરોપો લગાવીને તેમને ફાંસી અપાઈ હતી.

મેં ટેરો કાર્ડ, ક્રિસ્ટલ અને ખનીજો પર નજર કરીને છેલ્લે ડાકણની કાળી ટોપીની ખરીદી કરી.

કનેક્ટિકટની આરોપી ડાકણોને આખરે ન્યાય મળશે, એવી આશા બંધાઈ છે.

યંગ અને ગિલ્બર્ટને નિર્દોષ પુરવાર કરવાની કારુસો અને ગ્રીગોની 2017ની યાચિકાના પરિણામસ્વરૂપે એક પ્રસ્તાવ પસાર થયો.

કારુસોએ જણાવ્યું હતું, “મને લાગે છે કે, વિન્ડસર માટે એ જાણવું જરૂરી હતું કે, હકીકતમાં શું થયું હતું.” આ પ્રોજેક્ટના પ્રયાસોના કારણે, વિન્ડસરના ફર્સ્ટ ચર્ચ (જાદૂ-ટોણાના કટ્ટર વિરોધી પાદરી રેવરેન્ડ જ્હોન વારહામ તેના પ્રમુખ હતા) દ્વારા માફીનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું.

કનેક્ટિકટ વિચ ટ્રાયલ એક્સોનરેશન પ્રોજેક્ટ સ્થાનિકોને વંશાવલી (જીનીલોજિકલ) સંશોધનમાં પણ મદદ કરે છે.

કારુસોના જણાવ્યા પ્રમાણે, “મને ઘણા વંશજોના ઈ-મેઇલ્સ અને નોંધો મળતાં રહે છે, જેમાં તેઓ કહે છે કે, ‘મારા પૂર્વજને માનવીય દરજ્જો આપવા બદલ આભાર.’ આ પીડિતોને ઓળખ અપાવવાનું મને મુનાસિબ લાગ્યું, કારણ કે, આપણે જાણીએ છીએ કે, ઘણા કિસ્સાઓમાં વાર્તાઓ સાવ તર્કહીન છે.”

2023માં કનેક્ટિકટના ધારાસભ્યોએ રાજ્યના તમામ પીડિતોને નિર્દોષ ઘોષિત કરતો એક સંયુક્ત ઠરાવ પસાર કર્યો. અને હવે, કનેક્ટિકટ હૉન્ટેડ હિસ્ટ્રી ટ્રેઇલ મુલાકાતીઓ અને મારા જેવા સ્થાનિકોને એ પીડિતો વિશે જાણકારી મેળવવામાં મદદરૂપ બની રહી છે, જેમના પર ખોટા આરોપો લગાવવામાં આવ્યા અને જેમને ભૂલાવી દેવામાં આવ્યા.

કારુસો કહે છે, “વધુને વધુ લોકોને આ વિશે જાણ થઈ રહી છે. એવું નથી કે, લોકોને પરવા નથી, હકીકતમાં તેઓ આ વિશે જાણતા જ નથી.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS