Home તાજા સમાચાર gujrati પાકિસ્તાનના ગુજરાતમાં યુવકની હત્યા: ‘સાઉદી અરેબિયાથી આવ્યો’ કહી અંતિમ સંસ્કારમાં સામેલ થયેલો...

પાકિસ્તાનના ગુજરાતમાં યુવકની હત્યા: ‘સાઉદી અરેબિયાથી આવ્યો’ કહી અંતિમ સંસ્કારમાં સામેલ થયેલો ભાઈ જ આરોપી કેવી રીતે નીકળ્યો?

5
0

Source : BBC NEWS

ગુજરાત પાકિસ્તાન યુવાન સાઉદી અરેબિયા હત્યા બીબીસી ગુજરાતી ભારત

17 ઑક્ટોબરે બપોરે લગભગ દોઢ વાગ્યે ગુજરાતના રોપિરી ગામમાં રહેતા યુવાન મુહમ્મદ સુફિયાનને તેના ભાઈ મુહમ્મદ બિલાલનો વૉટ્સઍપ પર ફોન આવ્યો. બિલાલ સાઉદી અરેબિયામાં રહેતો હતો.

અહીં ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનના ગુજરાત શહેરની વાત છે.

આ ફોનમાં મુહમ્મદ બિલાલે કહ્યું, “તું તરત ગુજરાત શહેર પહોંચી જા. ત્યાં તારા માટે એક સરપ્રાઇઝ છે. મારે તને એક ખાસ વ્યક્તિ સાથે પરિચય કરાવવો છે.”

મુહમ્મદ સુફિયાન મોટરસાઇકલ લઈને ઘરેથી નીકળ્યો. ગુજરાત શહેરમાં નક્કી કરેલી જગ્યાએ પહોંચ્યા પછી થોડી વારમાં તેને ખબર પડી કે સરપ્રાઇઝ ભેટ બીજી કોઈ નહીં, પણ તેનો પોતાનો ભાઈ હતો.

બંનેએ સાથે ભોજન લીધું, વાતો કરી અને સાંજે મોટરસાઇકલ પર ઘરે પાછા જવા નીકળ્યા.

ગુજરાતના જિલ્લા પોલીસ અધિકારી ફૈસલ શહેઝાદના જણાવ્યા અનુસાર, આરોપ છે કે, ડરીકરી રોડ પર એક નિર્જન સ્થળે પહોંચ્યા પછી મુહમ્મદ બિલાલે શૌચક્રિયાએ જવાનું બહાનું કરીને પોતાના ભાઈને મોટરસાઇકલ રોકવા માટે કહ્યું.

મોટરસાઇકલ રોકાતાંની સાથે જ તેણે કથિત રીતે છરી વડે પોતાના ભાઈના ગળા પર ઘા ઝીંક્યો, તેની હત્યા કરી અને મૃતદેહ રસ્તાની બાજુએ ફેંકી દીધો.

પોલીસના જણાવ્યા અનુસાર, આરોપી પીડિતનો મોબાઇલ ફોન અને મોટરસાઇકલ પોતાની સાથે લઈ ગયો, જેથી “આ ઘટનાને લૂંટનો બનાવ હોવાનું ગણાવી શકાય.” ત્યારબાદ તેણે મોટરસાઇકલ કોટલામાં પંજાબ મોટર્સની બહાર ઊભી રાખી અને લાહોર ભાગી ગયો.

પોલીસના જણાવ્યા અનુસાર, મુહમ્મદ બિલાલ સાઉદી અરેબિયાથી પાકિસ્તાન પાછો આવી ગયો છે તેની પરિવારને જાણ નહોતી. રાત્રે પરિવારે તેમને તેમના ભાઈની હત્યા વિશે જાણ કરી, ત્યારે આરોપીએ “કશું જાણતો ન હોય એવો દેખાવ કર્યો.”

ફૈસલ શહેઝાદ વધુમાં જણાવે છે કે, “આરોપીએ પરિવારને કહ્યું કે તે સાઉદી અરેબિયાથી ઘરે પાછો ન આવે ત્યાં સુધી તેના ભાઈના મૃતદેહને દફનાવવામાં ન આવે.”

પરંતુ પોલીસના જણાવ્યા અનુસાર, તે સમયે આરોપી સાઉદી અરેબિયામાં નહીં, પાકિસ્તાનમાં જ હતો.

“આરોપીએ અંતિમવિધિમાં પણ વિલંબ કરાવ્યો. ત્યાર પછી, બીજા દિવસે સવારે (18 ઑક્ટોબરે) જ્યારે તે ગામમાં પહોંચ્યો, ત્યારે તેણે એવો દેખાવ કર્યો કે ભાઈની હત્યાના સમાચાર મળતાં જ તે સાઉદી અરેબિયાથી તાત્કાલિક પાકિસ્તાન આવ્યો છે.”

જિલ્લા પોલીસ અધિકારી ફૈસલ શહેઝાદના જણાવ્યા અનુસાર, આરોપી મુહમ્મદ બિલાલ પોતાના મૃત ભાઈની અંતિમવિધિ અને દફનવિધિમાં સામેલ થયો હતો, “જેથી કોઈને તેના પર શંકા ન જાય.”

આરોપી મુહમ્મદ બિલાલને બુધવારે જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટની અદાલતમાં રજૂ કરવામાં આવ્યો હતો. પોલીસે અદાલતને જણાવ્યું કે આરોપી પાસેથી જપ્ત કરાયેલી મોટરસાઇકલ, મોબાઇલ ફોન અને અન્ય વસ્તુઓની કેસના સંદર્ભમાં તપાસ કરવાની છે.

અદાલતે આરોપીને ત્રણ દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપ્યો છે.

વ્યથિત પિતા પુત્રની શોધમાં નીકળ્યા

દૌલતનગર પોલીસસ્ટેશન ગુજરાત પાકિસ્તાન યુવાન સાઉદી અરેબિયા હત્યા બીબીસી ગુજરાતી ભારત

ગુજરાતના દૌલતનગર પોલીસ સ્ટેશનમાં 17 ઑક્ટોબરે હત્યા અને લૂંટની જે એફઆઈઆર નોંધાઈ હતી, તે બિલાલ અને સુફિયાનના પિતા ખાલિદ મહમૂદે નોંધાવી હતી. એફઆઈઆરમાં કોઈનું નામ સીધા આરોપી તરીકે આપવામાં આવ્યું નહોતું. ફરિયાદીએ દાવો કર્યો હતો કે, તેમના પુત્રની હત્યા અજાણ્યા લોકોએ કરી હતી.

એફઆઈઆરના લખાણ મુજબ, 24 વર્ષીય મુહમ્મદ સુફિયાન 17 ઑક્ટોબરે બપોરે 1:35 વાગ્યે “ગુજરાત શહેરમાં જરૂરી કામ માટે” મોટરસાઇકલ પર ઘરેથી નીકળ્યો હતો.

તેમણે એફઆઈઆરમાં જણાવ્યું હતું કે “સાંજ સુધી મુહમ્મદ સુફિયાન પાછો ન આવ્યો ત્યારે હું ચિંતિત થઈ ગયો. મારા પુત્રને શોધવા માટે હું મારા મિત્રો સાથે મોટરસાઇકલ પર નીકળ્યો. રાત્રે 8:45 વાગ્યે જ્યારે અમે ડરીકરી રોડ પર હાઇવે નજીક બની રહેલા પુલ પાસે પહોંચ્યા, ત્યારે રસ્તાની બાજુએ એક માણસ ઊંધે મોઢે પડેલો હતો.”

“અમે નજીક ગયા અને મોટરસાઇકલની હેડલાઇટના પ્રકાશમાં જોયું તો મારો પુત્ર સુફિયાન રસ્તા પર લોહીલુહાણ હાલતમાં પડેલો હતો. તેનું ગળું કાપી નાખવામાં આવ્યું હતું,” એમ તેમણે જણાવ્યું.

એફઆઈઆર મુજબ, “આસપાસ તપાસ કરતાં મારા પુત્રની મોટરસાઇકલ અને મોબાઇલ ફોન ઘટનાસ્થળે મળ્યાં નહોતાં.”

પોલીસ આરોપી સુધી કેવી રીતે પહોંચી?

સીસીટીવી ફૂટેજ પરથી પોલીસને જાણવા મળ્યું કે રેસ્ટોરાંમાંથી બહાર નીકળ્યા પછી બંને ભાઈઓ એક જ મોટરસાઇકલ પર બેઠા હતા. સુફિયાન મોટરસાઇકલ ચલાવતો હતો અને બિલાલ પાછળ બેઠો હતો. ગુજરાત પાકિસ્તાન યુવાન સાઉદી અરેબિયા હત્યા બીબીસી ગુજરાતી ભારત

કેસના તપાસ અધિકારી અને દૌલતનગર પોલીસ સ્ટેશનના સ્ટેશન હાઉસ ઑફિસર એહસાન લતીફ જણાવે છે કે, આ કેસ ઉકેલવા માટે સીસીટીવી અને સેફ સિટી કૅમેરાનાં રેકૉર્ડિંગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

તેઓ કહે છે, “રેકૉર્ડિંગ પરથી જાણવા મળ્યું કે ઘટનાના દિવસે (મૃતક) મુહમ્મદ સુફિયાન બપોરે 1:35 વાગ્યે ઘરેથી નીકળ્યો હતો. ત્યાર પછી અમે વિસ્તારના સીસીટીવી કૅમેરાનાં રેકૉર્ડિંગ તપાસવાનું શરૂ કર્યું.”

“તે જે રસ્તે અને જે વિસ્તારોમાંથી પસાર થયો હતો, ત્યાં રસ્તાની આસપાસ આવેલી ફૅક્ટરીઓ અને રહેણાક મકાનોનાં સીસીટીવી કૅમેરાનાં રેકૉર્ડિંગ અમે તપાસ્યાં.”

આ દરમિયાન સેફ સિટી કૅમેરામાંથી મળેલા એક રેકૉર્ડિંગમાં જોવા મળ્યું કે મુહમ્મદ સુફિયાન બપોરે 3:42 વાગ્યે ગુજરાત શહેરમાં મૅજર અઝીઝ ભટ્ટી શહીદ હૉસ્પિટલની સામે જઈને ઊભો રહ્યો હતો.

“તે ત્યાં એક કલાક અને 45 મિનિટ રાહ જોતો હતો. સાંજે 5:27 વાગ્યે એક વ્યક્તિ ત્યાં આવ્યો હતો. સુફિયાન તેને ખૂબ ઉષ્માભેર મળ્યો હતો. બંને થોડી મિનિટો સુધી ઊભા રહીને વાતો કરતા હતા. ત્યારબાદ તેઓ નજીકની એક રેસ્ટોરાંમાં ભોજન લેવા ગયા હતા.”

પોલીસ અધિકારી એહસાન લતીફ કહે છે, “અમે તે વ્યક્તિને ઓળખી કાઢ્યો હતો, કારણ કે દફનવિધિ દરમિયાન અને ત્યાર પછીની વિધિઓ વખતે તેણે પોતાને મૃતકનો મોટો ભાઈ ગણાવ્યો હતો. તેણે એમ પણ કહ્યું હતું કે, ભાઈની હત્યાના સમાચાર મળતાં જ તે સાઉદી અરેબિયાથી ઇમર્જન્સી ફ્લાઇટમાં પાકિસ્તાન પાછો આવ્યો હતો.”

“પરંતુ સીસીટીવીના રેકૉર્ડિંગમાં કંઈક જુદું જ જોવા મળતું હતું. તેમાં સ્પષ્ટ થતું હતું કે ભાઈની હત્યા થઈ તે પહેલાં જ બંને પાકિસ્તાન આવી ગયા હતા.”

ત્યાર પછી બીજા સીસીટીવી રેકૉર્ડિંગ પરથી પોલીસને જાણવા મળ્યું કે, “રેસ્ટોરાંમાંથી બહાર નીકળ્યા પછી બંને ભાઈઓ એક જ મોટરસાઇકલ પર બેઠા હતા. સુફિયાન મોટરસાઇકલ ચલાવતો હતો અને બિલાલ પાછળ બેઠો હતો.”

“બંને નદી પાસેના નિર્જન વિસ્તારમાં લગભગ અડધો કલાક સુધી ગાયબ રહ્યા. ત્યાર પછી પાછા ફરવાના રસ્તા પરના કૅમેરામાં આરોપી બિલાલ એકલો મોટરસાઇકલ ચલાવીને ગુજરાત શહેર તરફ જતો જોવા મળ્યો.”

એહસાન લતીફ કહે છે કે ત્યાં સુધીમાં મૃતક સુફિયાન ગાયબ થઈ ગયો હતો. “આવી સ્થિતિમાં એ સમજવું મુશ્કેલ નહોતું કે સુફિયાનની હત્યા ખરેખર તેના મોટા ભાઈ બિલાલે જ કરી હતી.”

પોલીસે મૃતદેહની નીચે દટાયેલી હત્યામાં વપરાયેલી છરી જપ્ત કરી હતી. તેના પર “બિલાલની આંગળીઓનાં નિશાન પણ મળી આવ્યાં હતાં.” આંગળીઓનાં નિશાનની ચકાસણી માટે છરી લાહોરની પંજાબ ફોરેન્સિક લૅબોરેટરીમાં મોકલવામાં આવી હતી.

બિલાલ સાઉદી અરેબિયાથી પાકિસ્તાન શા માટે આવ્યો હતો?

હત્યા કરાયેલા સુફિયાનના પિતાનો દાવો છે કે બિલાલ અને સુફિયાન વચ્ચે મિલકતની વહેંચણીને લઈને વિવાદ હતો. ગુજરાત પાકિસ્તાન યુવાન સાઉદી અરેબિયા હત્યા બીબીસી ગુજરાતી ભારત

બિલાલ સાઉદી અરેબિયાથી પાકિસ્તાન શા માટે આવ્યો હતો?

મૃતક અને આરોપી બંનેના પિતા ખાલિદ મહમૂદે બીબીસી ઉર્દૂને જણાવ્યું કે બંને ભાઈઓ વચ્ચે “વારસામાં મળેલી મિલકતની વહેંચણીને લઈને વિવાદ” હતો, પરંતુ તેમણે “આ વિવાદ ઉકેલી લીધો હતો.”

તેમણે જણાવ્યું હતું, “મારા ચાર પુત્રો હતા. એકનું મૃત્યુ થયું, બીજો યુરોપ ગયો, બિલાલ સાઉદી અરેબિયામાં કામ કરતો હતો, જ્યારે સુફિયાન પાકિસ્તાનમાં મારી સાથે રહેતો હતો. ચાર મરલા (ક્ષેત્રફળનો એકમ)ના મકાનની વહેંચણીનો પ્રશ્ન આવ્યો ત્યારે મેં બિલાલને ગામની બહાર 18 મરલા ખેતીની જમીન આપી અને કહ્યું કે હવે મકાનમાં તેનો કોઈ હિસ્સો નહીં રહે.”

ખાલિદ મહમૂદનો દાવો છે કે “મારા પુત્ર બિલાલને એવું પ્રતીત થવા લાગ્યું હતું કે તેનો નાનો ભાઈ સુફિયાન તેની સાથે અન્યાય કરી રહ્યો છે અને વારસામાં મળનારા તેના હકમાં અડચણ ઊભી કરી રહ્યો છે. તેને એવું પણ લાગવા માંડ્યું હતું કે વારસાની વહેંચણી કરવાનો નિર્ણય તેના પિતાએ નહીં, પરંતુ તેના ભાઈ સુફિયાને લીધો હતો.”

ખાલિદ મહમૂદ કહે છે, “આ બધું હોવા છતાં મારો પુત્ર બિલાલ આટલું અંતિમ પગલું ભરશે એવી કલ્પના પણ હું કરી શક્યો નહોતો.”

“સુફિયાનની અંતિમવિધિની વ્યવસ્થામાં બિલાલ સૌથી આગળ હતો. તે સૌને ભેટતો અને રડતો હતો. તે કહેતો હતો, ‘મને ખબર નથી કે કયા અત્યાચારીઓએ મારા ભાઈની આટલી નિર્દયતાથી હત્યા કરી છે. જ્યાં સુધી હું જીવતો રહીશ ત્યાં સુધી મારા ભાઈના લોહીનો બદલો લઈશ.'”

ખાલિદ મહમૂદે જણાવ્યું કે બે દિવસ પછી જ્યારે પોલીસે કહ્યું કે તેઓ બિલાલને પૂછપરછ માટે પોલીસ સ્ટેશન ખાતે લઈ જવા માગે છે, ત્યારે કોઈને ખ્યાલ નહોતો કે તેને શા માટે લઈ જવામાં આવી રહ્યો છે.

“અમને લાગ્યું કે કદાચ તેનું નિવેદન નોંધવાનું હશે. પરંતુ થોડા કલાકો પછી મને પોલીસ સ્ટેશન બોલાવવામાં આવ્યો અને બિલાલની સામે બેસાડવામાં આવ્યો, ત્યારે તેના હાથમાં હથકડી હતી.”

પિતા યાદ કરે છે, “હું રોષે ભરાયો અને પોલીસ અધિકારીને કહ્યું કે આવું ન કરો. તેના જવાબમાં અધિકારીએ કહ્યું, ‘પહેલાં તમે તમારા પુત્ર સાથે વાત કરો અને તેને આ બાબત વિશે પૂછો.'”

પોલીસનો દાવો છે કે પૂછપરછ દરમિયાન આરોપી બિલાલે ગુનો કબૂલ્યો હતો અને કહ્યું હતું, “મિલકતમાંથી મને બાકાત રાખીને મારી સાથે અન્યાય કરવામાં આવ્યો હતો.”

બિલાલ દોઢ વર્ષથી સાઉદી અરેબિયામાં રહેતો હતો અને ત્યાં ટ્રૉલર ચલાવતો હતો. બીજી તરફ, મૃતક સુફિયાન બે વર્ષ મલેશિયામાં રહ્યા પછી પાકિસ્તાન પાછો આવ્યો હતો અને હવે યુરોપ જવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

બંને ભાઈઓના પિતા ખાલિદ મહમૂદ કહે છે, “મારી દુનિયા બરબાદ થઈ ગઈ છે. મારા સિવાય બીજા કોઈને આટલું દુઃખ થયું નથી. મારા બે પુત્રો મારી નજર સામેથી દૂર થઈ ગયા છે. એકની હત્યા થઈ ગઈ અને બીજો કાયમ માટે જેલના સળિયા પાછળ છે.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS