Home તાજા સમાચાર gujrati ‘તેઓ બહુ હેન્ડસમ લાગતા હતા’, સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીની યાદો વાગોળી તો...

‘તેઓ બહુ હેન્ડસમ લાગતા હતા’, સોનિયા ગાંધીએ રાજીવ ગાંધીની યાદો વાગોળી તો લોકોએ શું કહ્યું?

4
0

Source : BBC NEWS

સોનિયા ગાંધીએ ઍક્સ પર રાજીવ ગાંધી સાથેની પ્રથમ મુલાકાત અને તેમની સાથે વિતાવેલા શરૂઆતના દિવસોને યાદ કર્યા

વાંચવાનો સમય: 6 મિનિટ

કૅમ્બ્રિજના એક નાના ગ્રીક રેસ્ટોરાંમાં શરૂ થયેલી પ્રેમકથાની યાદો સાથે સોનિયા ગાંધીએ શનિવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોતાની શરૂઆત કરી.

પોતાની પ્રથમ પોસ્ટમાં તેમણે રાજીવ ગાંધી સાથેની પ્રથમ મુલાકાત અને તેમની સાથે વિતાવેલા શરૂઆતના દિવસોને યાદ કર્યા.

10 નવેમ્બરે પ્રકાશિત થનારા પોતાના પુસ્તક ‘બિલૉંગિંગ: અ જર્ની ઑફ લવ’ના પ્રકાશન પહેલાં સોનિયા ગાંધીએ ઍક્સ પર ડેબ્યૂ કરતાં પોતાના પતિ રાજીવ ગાંધી સાથે જોડાયેલી યાદો વાગોળી હતી.

પોતાના નવા પુસ્તકનાં પાનાં ફેરવતાં સોનિયા ગાંધી તસવીરોનો વિભાગ બતાવતાં કહે છે, “ખરેખર તેઓ (રાજીવ) ખૂબ જ હેન્ડસમ હતા. પરંતુ તેમની સૌમ્યતા વધુ સ્પર્શી હતી.”

તેઓ આગળ કહે છે, “તે સમયે ઇંગ્લૅન્ડમાં ભોજન એટલું સ્વાદિષ્ટ લાગતું નહોતું અને આજની જેમ બહુ બધાં રેસ્ટોરાં પણ નહોતાં. તેથી હું ઇટાલિયન સ્વાદ જેવું ખાવાનું શોધતી હતી. એ સમય દરમિયાન અમે મિત્રોએ મળીને એક ગ્રીક રેસ્ટોરાં શોધ્યું હતું, જ્યાં યુરોપિયન અને ભારતીય વિદ્યાર્થીઓ જમવા આવતા હતા. ત્યાં જ મારી રાજીવ સાથે પ્રથમ મુલાકાત થઈ હતી.”

ઍક્સ પર શૅર કરવામાં આવેલા વીડિયોમાં તેમણે કૅમ્બ્રિજમાં રાજીવ ગાંધી સાથેની પોતાની પ્રથમ મુલાકાતની યાદો તાજી કરી હતી.

સોનિયા ગાંધીએ પોતાના અંગત જીવન અંગે મીડિયામાં બહુ ઓછી ચર્ચા કરી છે. જોકે, તેમનું વ્યક્તિગત જીવન અનેક રીતે ચર્ચાનો વિષય બનતું રહ્યું છે.

તેમની આત્મકથા ‘બિલૉંગિંગ: અ જર્ની ઑફ લવ’ના પ્રકાશન પહેલાં તેમણે વીડિયો દ્વારા પોતાના જીવન વિશે કેટલીક વાતો શૅર કરી છે.

તેઓ રાજીવ ગાંધી સાથેની પોતાની પ્રથમ મુલાકાતને યાદ કરતાં કહે છે, “પહેલી મુલાકાતમાં જ મને એવો અહેસાસ થયો હતો કે આ એવી વ્યક્તિ છે, જેના સાથે હું મારું જીવન વિતાવવા ઇચ્છીશ. અને પછી મને ખબર પડી કે તેમને પણ મારા વિશે કંઈક આવો જ અહેસાસ હતો.”

તેમણે આગળ કહ્યું, “મને યાદ છે કે જ્યારે હું તેમને પ્રથમ વખત મળી હતી, ત્યારે અમારા એક કૉમન મિત્રે અમારી ઓળખાણ કરાવી હતી. ત્યાર બાદ અમે મિત્રો બન્યાં. પછી અમે મિત્રો સાથે પાર્ટીઓમાં જવા લાગ્યાં, અલગ-અલગ જગ્યાએ ફરવા જવા લાગ્યાં.”

“અમે એક વેલેન્ટાઇન પાર્ટીમાં પણ ગયાં હતાં, જ્યાં ઘણા વિદ્યાર્થીઓ હાજર હતા. ખરેખર તેઓ બહુ ગૂડલુકિંગ હતા, પરંતુ તેમની સૌમ્યતા હતી, તેણે મને સૌથી વધુ સ્પર્શી હતી.”

“જ્યારે હું તેમને પહેલી વખત મળી અને તેમનાથી પ્રભાવિત થઈ, તે અહેસાસ હું ક્યારેય ભૂલી શકી નથી.”

ઉલ્લેખનીય છે કે ઍક્સ પર આવ્યાના બે દિવસ પહેલાં સોનિયા ગાંધીએ ઇન્સ્ટાગ્રામ પર પણ પોતાની હાજરી નોંધાવી હતી. ત્યાં તેમણે પોતાની પુસ્તકના ફર્સ્ટ લુક સાથે જોડાયેલી એક રીલ શૅર કરી હતી, જેને અત્યાર સુધી 57 લાખ (5.7 મિલિયન)થી વધુ યૂઝર્સ જોઈ ચૂક્યા છે.

1989માં સોનિયા ગાંધી તેમના પતિ રાજીવ ગાંધી સાથે

સોનિયા ગાંધીના 10 નવેમ્બરે પ્રકાશિત થનારા પુસ્તકમાં શું છે?

સોનિયા ગાંધીની આત્મકથા 'બિલૉંગિંગ : અ જર્ની ઑફ લવ' 10 નવેમ્બરે પ્રકાશિત થવાની છે.

79 વર્ષીય સોનિયા ગાંધીની આત્મકથા ‘બિલૉંગિંગ : અ જર્ની ઑફ લવ’ 10 નવેમ્બરે પ્રકાશિત થવાની છે. આ પુસ્તકનું પ્રકાશન અમેરિકામાં અલ્ફ્રેડ એ. નોફ અને બ્રિટનમાં વિલિયમ કૉલિન્સ કરશે.

ભારતમાં પ્રકાશિત થાય તે પહેલાં જ આ પુસ્તક અંગે ઘણી ચર્ચા થઈ રહી છે.

અલ્ફ્રેડ એ. નોફ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં સોનિયા ગાંધીએ કહ્યું છે કે તેઓ ઇચ્છે છે કે આ સંસ્મરણ “મારા દિલની એ સફરનું સાક્ષી બને, જેમાં મારા જીવનની ખુશીઓ અને ઊંડી નિરાશાઓ સામેલ રહી છે.”

વિલિયમ કૉલિન્સના જણાવ્યા અનુસાર, પુસ્તકની શરૂઆત 1965ના કૅમ્બ્રિજથી થાય છે. તે સમયે 19 વર્ષીય ઇટાલિયન વિદ્યાર્થિની સોનિયા મૅનો રાજીવ ગાંધીના પ્રેમમાં પડે છે.

પ્રકાશકો અનુસાર, પુસ્તકના આ ભાગમાં સોનિયા ગાંધી પોતાના જીવનના ખૂબ ઉષ્માભર્યા અને બેબાક અંદાજમાં જોવા મળે છે.

તેમની જીવનયાત્રાની શરૂઆત ઇટાલીના એક નાના શહેરમાં વીતેલા બાળપણથી થાય છે. ત્યાર બાદ તેઓ અનાયાસે ભારતીય રાજકારણના કેન્દ્રબિંદુ સુધી પહોંચે છે.

જોકે, તેમનું વ્યક્તિગત જીવન અત્યંત દુઃખદ ઘટના અને ચઢાવ-ઉતારથી ભરેલું રહ્યું છે. જ્યારે સુરક્ષાકર્મીઓએ તેમનાં સાસુ ઇન્દિરા ગાંધીની ગોળી મારીને હત્યા કરી હતી, ત્યારે સોનિયા ગાંધી જ તેમને હૉસ્પિટલ લઈ ગયાં હતાં.

આ ઘટનાનાં સાત વર્ષ બાદ એક આત્મઘાતી હુમલાખોરે તેમના પતિ રાજીવ ગાંધીની હત્યા કરી હતી. ત્યાર બાદ સોનિયા ગાંધી જ તેમનો મૃતદેહ ઘરે લઈને આવ્યાં હતાં.

સોશિયલ મીડિયા પર લોકોની શું પ્રતિક્રિયા રહી?

રાજીવ ગાંધી અને સોનિયા ગાંધી 31 ઑક્ટોબર, 1989માં ઇન્દિરા ગાંધીની પુણ્યતિથિ પર આયોજિત શ્રદ્ધાંજલિ સભામાં

ઍક્સ પર ડેબ્યૂ કર્યાંના થોડા જ કલાકોમાં સોનિયા ગાંધીના લગભગ 22 હજાર ફૉલોઅર્સ થઈ ગયા.

રાજીવ ગાંધી સાથે વિતાવેલી યાદો વાગોળતો વીડિયો સામે આવ્યા બાદ અનેક રાજકીય નેતાઓ અને પત્રકારોએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી હતી.

કૉંગ્રેસના નેતા પવન ખેડાએ ઍક્સ પર લખ્યું, “સોનિયાજી અને રાજીવજીની પ્રેમકથા જાણે ‘મિડસમર નાઇટ ડ્રીમ’ જેવી છે. ખૂબસૂરત, શાંતિપૂર્ણ અને એટલી સંપૂર્ણ કે તેના પર વિશ્વાસ કરવો મુશ્કેલ લાગે. પરંતુ પછી ત્રાસદીના એક કાળા વાદળે બધું જ બદલી નાખ્યું.”

“તેમ છતાં, અસહ્ય દુઃખ વચ્ચે પણ જવાબદારી, કર્તવ્ય, વફાદારી અને ત્યાગનો સંકલ્પ અડગ રહ્યો. સોનિયાજી હવે ઍક્સ સાથે જોડાયાં છે.”

“તેમણે પોતાના પતિ રાજીવ ગાંધી સાથેની શરૂઆતની મુલાકાતોના કેટલાક સુંદર પ્રસંગો શૅર કર્યા છે.”

“તેમના પુસ્તક ‘બિલૉંગિંગ : અ જર્ની ઑફ લવ’માં પણ તેમણે પ્રેમ, વિયોગની પીડા અને અતૂટ સંકલ્પની આ કહાણીમાં પોતાના હૃદયની ઊંડી લાગણીઓ વ્યક્ત કરી છે. એક એવી કહાણી, જે એટલી દૃઢતાથી કહેવા કે તેને ભૂલી જવી ખૂબ મુશ્કેલ છે.”

“10 નવેમ્બરે અમને તમારા અને રાજીવજી દ્વારા રચાયેલા એ અનમોલ સંસારની ઝલક જોવાનું સૌભાગ્ય મેળવીશું.”

જમ્મુ-કાશ્મીરનાં પૂર્વ મુખ્ય મંત્રી અને પીડીપીનાં પ્રમુખ મહબૂબા મુફ્તીએ પણ આ અંગે પ્રતિભાવ આપ્યો હતો.

તેમણે લખ્યું, “મને સોનિયાજીને અનેક વખત મળવાનું સૌભાગ્ય મળ્યું છે અને દરેક મુલાકાત પછી હું તેમની આત્મીયતા અને ગૌરવપૂર્ણ વ્યક્તિત્વથી પ્રભાવિત થઈને પરત ફરી છું.”

“કઠિન પરિસ્થિતિઓ વચ્ચે તેમણે જીત અને હાર બંનેનો જે રીતે ગૌરવ અને સંયમ સાથે સ્વીકાર કર્યો છે, તે ખરેખર પ્રેરણાદાયક છે.”

તેમણે વધુમાં લખ્યું, “સતત આટલી નફરત અને વિરોધનો સામ કર્યાં છતાં સોનિયા ગાંધીએ જે પ્રામાણિકતા, સૌમ્યતા, પ્રેમ અને ઉદારતા સાથે પોતાની જીવનકથા શૅર કરી છે, તે તેમના વ્યક્તિત્વની ઊંડાઈ દર્શાવે છે.”

ટીવી પત્રકાર અજયકુમારે પણ સોનિયા ગાંધીના વીડિયો અંગે પ્રતિક્રિયા આપી હતી.

તેમણે લખ્યું, “આ એક સુખદ પરિવર્તન છે કે રાષ્ટ્રીય સ્તરનાં કોઈ ભારતીય રાજકારણી પોતાના વ્યક્તિગત જીવન, સંબંધો, પ્રેમ અને પરિવાર સાથે જોડાયેલી વાતો જાહેરમાં શૅર કરી રહ્યાં છે.”

“ભારતીય રાજકારણમાં અંગત લાગણીઓ અને પ્રેમની જાહેર અભિવ્યક્તિ કે સ્વીકાર બહુ ઓછાં જોવા મળે છે.”

સોનિયા ગાંધી પર જીવનકથા પણ લખાઈ ચૂકી છે

સોનિયા ગાંધીની 1998માં લેવાયેલી તસવીર

રાજીવ અને સોનિયાની કૅમ્બ્રિજની મુલાકાતોનો ઉલ્લેખ જાણીતા પત્રકાર રશીદ કિદવઈએ સોનિયા પર લખેલા જીવનચરિત્રમાં પણ કર્યો છે.

બીબીસીના એક અહેવાલ અનુસાર, રશીદ કિદવઈ જણાવે છે, “વર્સિટી રેસ્તરાંમાં રોજ કૅમ્બ્રિજ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓનો જમાવડો થતો હતો. તે બધા બિયર પીતા હતા. તેમાંથી રાજીવ એકલા એવા હતા જેઓ બિયરને હાથ પણ નહોતા લગાડતા. ત્યારે જ સોનિયાની નજર એ ઊંચા, કાળી આંખો અને મોહક સ્મિતવાળા માસૂમ છોકરા પર પડી.”

“બંને તરફ એકસમાન આકર્ષણ હતું. રાજીવે પહેલી વાર એક નૅપ્કિન પર તેમના સૌંદર્ય પર એક કવિતા લખીને એક વેઇટર દ્વારા સોનિયાને મોકલી હતી.”

“તે મળતાં સોનિયા થોડાં અસ્વસ્થ થયાં હતાં, પરંતુ રાજીવના એક જર્મન મિત્રએ, જે સોનિયાને પણ ઓળખતા હતા, ખૂબ સરસ રીતે એક સંદેશવાહકની ભૂમિકા ભજવી.”

રશીદ કિદવઈ આગળ જણાવે છે, “રસપ્રદ વાત એ છે કે રાજીવે અંત સુધી સોનિયાને જણાવ્યું નહીં કે તેઓ ભારતનાં વડાં પ્રધાનના પુત્ર છે.”

“ઘણા સમય પછી એક અખબારમાં ઇન્દિરા ગાંધીની એક તસવીર છપાઈ. ત્યારે રાજીવ ગાંધીએ સોનિયાને કહ્યું કે, તે તેમનાં માતાની તસવીર છે.”

“ત્યારે કૅમ્બ્રિજમાં ભણતા એક ભારતીય વિદ્યાર્થીએ તેમને જણાવ્યું કે ઇન્દિરા ભારતનાં વડાં પ્રધાન છે. એ જાણીને સોનિયાને પહેલી વાર ખબર પડી કે તેઓ કેટલી મહત્ત્વની વ્યક્તિ સાથે પ્રેમમાં છે.”

સોનિયા પાસે બેસવા માટે ‘લાંચ’ આપી

રાજીવ ગાંધીના જીવન પર પુસ્તક લખનાર અશ્વિની ભટનાગરે બીબીસીને જણાવ્યું હતું કે જ્યારે રાજીવ ગાંધી એન્જિનિયરિંગનો ટ્રાઇપોસ કોર્સ કરવા માટે કૅમ્બ્રિજ ગયા, ત્યારે ત્યાં 1965માં તેમની મુલાકાત ઇટલીમાં જન્મેલાં સોનિયા સાથે થઈ અને જોતાંની સાથે જ તેઓ તેમના પ્રેમમાં પડી ગયા.

તેઓ બંને અવારનવાર એક ગ્રીક રેસ્ટરાંમાં જતાં હતાં.

અશ્વિની ભટનાગર જણાવે છે, “રાજીવે રેસ્ટોરાંના માલિક ચાર્લ્સ એન્ટનીને મનાવી લીધા કે તેઓ તેમને સોનિયાની બાજુના ટેબલ પર બેસાડે. એક સારા ગ્રીક વેપારીની જેમ ચાર્લ્સે આ કામ માટે તેમની પાસેથી બે ગણા પૈસા વસૂલ્યા.”

“પછીથી તેમણે સિમી ગરેવાલે બનાવેલી રાજીવ ગાંધી પરની ફિલ્મમાં કહ્યું કે, ‘મેં પહેલાં કોઈને આટલા બધા પ્રેમમાં નથી જોયા.’ જ્યારે રાજીવ કૅમ્બ્રિજમાં ભણતા હતા, ત્યારે પોતાનો ખર્ચ કાઢવા માટે તેઓ આઇસક્રીમ વેચતા હતા અને સોનિયાને મળવા સાઇકલ પર જતા હતા. “

“જોકે, તેમની પાસે એક જૂની ફોક્સવૅગન હતી, જેનો પેટ્રોલખર્ચ તેમના મિત્રો ‘શેર’ કરતા હતા.”

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

SOURCE : BBC NEWS