Source : BBC NEWS
hardik
વાંચવાનો સમય: 5 મિનિટ
વડોદરાના ચાર દરવાજા વિસ્તારમાં આવેલી દલા પટેલની પોળમાં સોની પરિવારના તમામ ત્રણ સભ્યોએ ‘સામૂહિક આપઘાત’ કર્યો હતો. આ ‘સામૂહિક આપઘાત’ને લઈને પોલીસ દ્વારા ચાલી રહેલી તપાસમાં મોતના રહસ્ય પરથી પડદો ઊંચકાયો છે.
વડોદરા પોલીસના આસિસ્ટન્ટ પોલીસ કમિશનરે આ બાબતે પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી છે.
ઉલ્લેખનીય છે કે, વડોદરાની દલા પટેલની પોળના તેમના બંધ મકાનમાંથી માતા, યુવાન પુત્ર અને પુત્રીના મૃતદેહો મળી આવ્યા હતા.
વડોદરા ખાતેના બીબીસી ગુજરાતીના સહયોગી હાર્દિકે જણાવ્યું હતું કે, વડોદરાની દલા પટેલની પોળમાં રહેતાં 50 વર્ષીય આરતીબહેન સોની, તેમનો 23 વર્ષીય પુત્ર નીલકંઠ સોની અને 20 વર્ષીય પુત્રી જેની સોની છેલ્લા બે દિવસથી ઘરની બહાર જોવા મળ્યાં નહોતાં.
તેમણે વધુમાં જણાવ્યું કે, મકાન સતત અંદરથી બંધ રહેતાં આસપાસના સ્થાનિક રહીશો અને સંબંધીઓને શંકા ગઈ હતી.
હાર્દિકના જણાવ્યા પ્રમાણે, સ્થાનિકોએ પરિવારના સંબંધીઓને જાણ કરતાં તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી.
પોલીસને ઘટનાસ્થળેથી સ્યૂસાઇડ નોટ પણ મળી આવી હતી. પોલીસે આ ત્રણેય મૃતકોના મૃતદેહોને પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા હતા, જેનો પ્રારંભિક રિપોર્ટ આવી ગયો છે.
વડોદરા પોલીસે પ્રેસ કૉન્ફરન્સમાં આ સામૂહિક આપઘાતના કેસ વિશે વધુ ખુલાસા કર્યા હતા.
પરિવારના આ ત્રણેય સભ્યોએ આ પ્રકારનું પગલું શા માટે ભર્યું હતું, તેની તપાસની વિગતો પોલીસે આપી છે.
નોંધ : આત્મહત્યા એ એક ખૂબ જ ગંભીર શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક સમસ્યા છે. જો આપ કોઈ તણાવમાંથી પસાર થઈ રહ્યા હો તો ગુજરાત સરકારની ‘જિંદગી હેલ્પલાઇન 1096’ પર કે ભારત સરકારની ‘જીવનસાથી હેલ્પલાઇન 1800 233 3330’ પર ફોન કરી શકો છો. તમારે મિત્રો-સંબંધીઓ સાથે પણ વાત કરવી જોઈએ.
સ્યૂસાઇડ નોટમાં શું જાણવા મળ્યું, વડોદરા પોલીસ શું કહે છે?
hardik
આ મામલે વડોદરાના એસીપી જી. બી. બાભણિયાએ પ્રેસ કૉન્ફરન્સ કરીને માહિતી આપી છે કે, બુધવારે દલા પટેલની પોળના એક પરિવારના ત્રણ સભ્યોએ સામૂહિક આપઘાત કર્યો હતો, તે મામલે પોલીસને તપાસમાં ઘણી વિગતો જાણવા મળી છે.
તેમણે જણાવ્યું, “આ બનાવ પોલીસને જાણ થતાં તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને એફએસએલની મદદથી સમગ્ર બનાવની તપાસ હાથ ધરી હતી.”
“આ બાબતે પોલીસે પંચનામું કરીને ત્રણેય મૃતદેહોને એસજીજી હૉસ્પિટલમાં પોસ્ટમૉર્ટમ માટે મોકલ્યા હતા.”
પોલીસે જણાવ્યું છે કે, પોસ્ટમૉર્ટમના રિપોર્ટ બાદ આ ત્રણેયની આત્મહત્યાની પુષ્ટિ થઈ છે.
એસીપી જી. બી. બાભણિયા જણાવે છે, “પોલીસે તપાસ દરમિયાન ત્યાં ત્રણ મોબાઇલ મેળવ્યા હતા અને સાથે પોલીસને સ્યૂસાઇડ નોટ પણ ઘટનાસ્થળ પરથી મળી હતી.”
તેમણે વધુમાં જણાવ્યું, “તપાસમાં ખુલાસો થયો છે કે, ઘટનાસ્થળે ત્રણ સ્યૂસાઇડ નોટ મળી હતી. તેમાં બે સ્યૂસાઇડ નોટ આરતીબહેને (માતા) લખી હતી અને એક તેમની દીકરી( ઝલક ઉર્ફે જેની)એ લખી હતી.”
બામણિયાએ જણાવ્યું કે, “આરતીબહેને તેમની સ્યૂસાઇડ નોટમાં આર્થિક સંકડામણ વિશે નોંધ કરી હતી અને તેના કારણે તેઓ તણાવગ્રસ્ત હોવાનો ઉલ્લેખ કર્યો હતો. જેના કારણે તેમણે આ પગલું ભર્યું હોવાનું તેમણે જણાવ્યું હતું.”
પોસ્ટમૉટર્મ રિપોર્ટ પર વધુ ખુલાસો કરતા બામણિયાએ જણાવ્યું, “અત્યારે ડૉક્ટરે જે પોસ્ટમૉર્ટમ રિપોર્ટ આપ્યો છે તે મુજબ, ઘરનું એસી ચાલુ હોવાથી 24 કે 36 કલાક પહેલાં આ મૃત્યું થયાનું જાણવા મળ્યું છે. પરંતુ તેમાં ક્રમ હજી નક્કી નથી થતો કે પહેલું, બીજું, ત્રીજું પગલું કોણે ભર્યું હતું?”
એસીપી જી. બી. બાભણિયા જણાવે છે, “કદાચ એવી સંભાવના છે કે ત્રણેય એક સાથે આત્મહત્યા કરી હશે.”
“અત્યારે મૃતકના પિતરાઇને મૃતદેહો સોંપવામાં આવ્યા છે બીજી આગળની તપાસ અંતિમવિધિ થાય પછી તમામનાં નિવેદનો લેવામાં આવશે અને પૂછપરછ હાથ ધરાશે.”
પોલીસના જણાવ્યા પ્રમાણે આરતીબહેનનું મકાન વેચવાનું હતું અને મકાનનો દસ્તાવેજ થવાનો હતો. તેમાં આરતીબહેનને 33 લાખ મળવાના હતા.
“સ્યૂસાઇડ નોટમાં ઉલ્લેખ છે કે, આરતીબહેને એક લોન લીધી હતી, તેથી તેત્રીસ લાખ આવતાંની સાથે સીધા ભરપાઈ થઈ જશે અને પોતાના હાથમાં કોઈ રકમ બચશે નહીં, તેવું તેમને લાગ્યું હતું.”
પોલીસે આ સંદર્ભે વધુ તપાસ કરવા માટે કેટલાક લોકોનાં નિવેદનો લીધાં છે.
બાભણિયા જણાવે છે, “આ આપઘાતની ઘટના વિશે વધુ વિગતો મેળવવા અમારી તપાસ ચાલુ છે.”
પરિવારમાં શું થયું હતું?
hardik
બીબીસી સહયોગી હાર્દિક માહિતી આપે છે કે, પરિવારની પૃષ્ઠભૂમિમાં, એક વર્ષ અગાઉ જ પરિવારના મોભી ચેતનભાઈ સોનીનું હૃદયરોગનો હુમલો આવવાથી અવસાન થયું હતું.
પિતાના અવસાન બાદ કૅનેડામાં અભ્યાસ કરતો પુત્ર નીલકંઠ પણ વડોદરા પરત આવી ગયો હતો.
પરિવાર જૂના પાદરા રોડ પર આયુર્વેદિક દવાનો વ્યવસાય કરતો હતો, પરંતુ પરિવારમાં અચાનક એવું શું બન્યું કે, આ પરિવારે આ પ્રકારનું અંતિમ પગલું ભરી લીધું?
પરિવારે લીધેલા આ પગલા બાબતે તેમના સ્વજનો પણ સ્તબ્ધ છે.
મૃતકોના સ્વજનોએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, તેમને હજી વિશ્વાસ નથી આવતો કે તેઓ આટલું મોટું પગલું ભરી શકે.
સ્વજનો જણાવે છે કે, ચેતનભાઈના ગયા પછી પરિવારે ઘણી હિંમત રાખી હતી. દીકરો કૅનેડાથી આવી ગયો હતો અને પરિવારનો આયુર્વેદિક દવાનો ધંધો સંભાળતો હતો.
પરિવારના સબંધીઓ જણાવે છે કે, આ મૃતકો કોઈ આર્થિક મુશ્કેલી કે બીજી એવી મોટી સમસ્યા હોય તેવું અમને ક્યારેય લાગ્યું નહોતું.
‘મેં દરવાજો ખોલ્યો અને જે જોયું ત્યારે હું ગભરાઈ ગયો’
hardik
મૃતકના સબંધી અને તેમના બિઝનેસ પાર્ટનર કેતન શાહ જણાવે છે કે, “હું મારી દુકાનેથી અહીં આવ્યો ત્યારે મૃતક પરિવારના ઘરનો દરવાજો બંધ હતો, ફોન કર્યો તો કોઈએ ઉઠાવ્યો નહીં. જ્યારે મેં દરવાજો ખોલ્યો અને મેં જે જોયું ત્યારે હું ગભરાઈ ગયો હતો.”
“એમના એક કાકા નજીકમાં રહે છે, તેમને જાણ કરીને અમે અહીં બોલાવ્યા હતા.”
કેતન શાહ જણાવે છે, “તેઓ અમારી આયુર્વેદિક હૉસ્પિટલના પાર્ટનર છે. હું તેમને 12 વર્ષથી ઓળખું છું.”
તેમણે જણાવ્યું કે, અમારા વ્યાપારમાં પણ કોઈ આર્થિક બાબતોને લઈને પણ કોઈ તકલીફ નહોતી.
“આ બિઝનેસમાં રોકાણ અમારું છે. ચલાવવાનું તેમણે હતું. અમે ક્યારેય હિસાબ પણ માંગ્યો નથી.”
કેતન શાહ જણાવે છે કે, મૃતકના ઘરે કામ કરતાં ઉષાબહેનનો મને ફોન આવ્યો હતો કે, તેઓ દરવાજો નથી ખોલી રહ્યા.
કેતન શાહ કહે છે કે, હું સોના-ચાંદીનો વ્યાપાર કરું છું. તેમાં પણ અમે પ્રાઇવેટ લિમિટેડ ફર્મ બનાવ્યું હતું. તેમાં મારો પરિવાર અને આ પરિવારના ત્રણ લોકો નીલકંઠભાઈ, આરતીબહેન અને તેમની દીકરી જેની સોની ભાગીદાર છીએ.
પરિવારજનોએ શું કહ્યું?
hardik
મૃતક પરિવારના સગા હિતેશભાઈ સોની જણાવે છે કે, આ ઘટના તેમના માટે આઘાતજનક છે.
તેમણે બીબીસી સાથે વાત કરતાં કહ્યું, “અમે સપનાંમાં પણ કલ્પના કરી ન હતી કે આવું બનશે. અમારા માટે આ ખૂબ જ દુ:ખદ ઘટના છે.”
“તેઓ આર્થિક સંકળામણમાંથી પસાર થતાં હતા કે નહીં તેની અમને જાણકારી નથી.”
હિતેશભાઈ જણાવે છે, “હાલ અમને એવી માહિતી મળી હતી કે. તેમણે કોઈ ફ્લૅટ રાખ્યો હતો, અને તેઓ ત્યાં રહેવા જવાના હતા.”
“પરંતુ અમને નથી લાગતું કે કારણ કોઈ આર્થિક હોય, કારણ કે તેમનાં સગાં અને ભાઈઓ આર્થિક રીતે સંપન્ન છે”
તેઓ કહે છે કે એક વર્ષ પહેલાં જ પિતાનું અવસાન થયા બાદ પુત્ર નીલકંઠ કૅનેડાથી વડોદરા આવીને સ્થાયી થયો હતો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
SOURCE : BBC NEWS




